KHIR MA NAKHIYE KHAND books and stories free download online pdf in Gujarati

ખીરમાં નાખીએ ખાંડ...



" હું પરણીને આવી તે'દી આમ ઉઘાડા મોઢે ફરાતું નો'તું ! લાજ કાઢવી પડતી'તી.. લાજ ! અને તમે તો સસરા બેઠા હોય કે જેઠ, પટક પટક બોલવા જ માંડો છો ? જરીક મર્યાદા જેવું તો રાખો.."
"તમારે છે ને બા..લાજ કાઢવી પડતી હતી ને ? એટલે જ અમે એ લાજ જ કાઢી નાખી ! સાચું કહું બા ? લાજ તો રાખવાની હોય ! કાઢવાની નહીં ! તમે મોટો ઘૂમટો તાણીને પછી તાહણી તાહણીથી (જોર જોરથી- મોટા અવાજે) જે જવાબો તમારા સસરા અને જેઠને વાળતા હતા ને એ સાંભળીને એ લોકો તમે બેઠા હો ત્યાંથી પાછા જ વળી જતા'તા ! તમે તમારા દીકરાને માધ્યમ બનાવીને કહેતા'તા કે તારા બાપને કે, કે ગળસવા ગુડાય ! એ સાંભળીને મારા સસરાને ભોજન કડવું ઝેર લાગતું હશે. હું ભલે ઘૂમટો નથી તાણતી, પણ બાપુજીને મોઢામોઢ કહું છું કે બાપુજી જમવા બેસી જાવ, ત્યારે કેવા રાજી થઈને પેટ ભરીને જમે છે ! "
" લે બેસ છાની માની ! હું જરીક કહું ત્યાં તો તું કેટલું બધું બોલે છે ? અમારું તો વેણ હેઠે પડવા દેતી નથી, અમારા વખતમાં જે રિવાજ હતા એવા તમારે હોત ને તો ભાન થાત..અમે ભલે બોલતા કડવું પણ વેણમાં તો મીઠાશ જ હોય, તમારી જેમ સામા જવાબ દેવાતાં નો'તા..!"
"તે મેં ક્યાં તમને કાંઈ કાળા ધોળા કીધા છે, તમે કહ્યું એટલે મેં તમને સમજાવ્યું..એમાં મેં ક્યાં કંઈ ખોટું કીધું છે, સાચું તો સૌને કડવું લાગે, પણ કેવું તો પડશે જ અને તમારે સાંભળવું'ય પડશે..."
"હજી હાથપગ હાલે છે, કાંઈ તમારા ઓછીયાળા(કોઈના સહારે જીવતા લાચાર) નથી, આવવા દે તારા બાપાને, આમ સામી ને સામી લવારી કરો છો, ઇ મને નહી પોસાય.શુ સમજી ?"
"હા, તે આવવા દો ને ! મેં ક્યાં તમને કંઈ કીધું છે તે હું બીઉં ?"
"આટલું બધું બોલી તોય કે છે કે મેં ક્યાં તમને કાંય કીધું છે ! લ્યો અતાર લગી કોણ ભસતું'તું ?"
"જુઓ બા, જેમ આવે એમ બોલતા તો મને'ય આવડે છે, પણ મારા એવા સંસ્કાર નથી.."
"તો શું હું અસંસ્કારી છું એમ ? તારા ઘરવાળાને જણીને મોટો કર્યો ઇ સંસ્કાર વગર થયો ? તું એને પરણીને આવી છો તે શું એનામાં સંસ્કાર નથી ? અમારા ખોરડાની ખાનદાની જોઈને જ તારા બાપે સગપણ કર્યું'તું, એટલે મોઢું સાંભળીને બોલજે હા, કહી દવ છું..હું વિફરીશ તો મારા જેવી કોઈ ભૂંડી નથી હા .."
"એ તો બધાને ખબર જ છે.."
"શું..? શુ બોલી તું ? શેની ખબર છે બધાને ?"
"કોણ કેવું છે ઇ બધાને ખબર છે, મારે કંઈ તમારી જોડે માથાકૂટ કરવી નથી. આજે સાંજે બધી ખબર પડશે.."
"હા, હા..મારો દીકરો કંઈ કાચા કાનનો નથી, તું ગમે ઇમ કરીશને તોય ઇ તારું એક વેણ સાચું નહિ માને સમજી..?"
"સાચું સમજે એને કાચા કાનનો ન કહેવાય ! બા હવે તમે બોલતા બંધ થાવ તો સારું. અને બોલવું જ હોય તો બોલ્યા કરો, હું તો આ ચાલી રસોડામાં..શાક શાનું બનાવવું છે એ કહી દો, નહિતર પછી મારી રીતે બનાવીશ ! પછી કે'તા નહીં કે આવું બનાવ્યું ને તેવું બનાવ્યું ! બોલો "
"એ..તારે જે બનાવવું હોય એ બનાવ, મારે તો આજ ફેંસલો કરી જ નાખવો છે, પછી જ હું ખાઈશ "
"સારું, ત્યારે રે'જો ભૂખ્યા, મારા ફાધરનું શુ જાય છે !" એમ કહીને વહુ રસોડામાં ચાલી ગઈ અને સાસુ મોં ફુલાવીને ઘરની બહાર નીકળી ગઈ.
આ સાસુ એટલે મણીબા.અને વહું એટલે કંચન ! કંચનને કોલેજનું એક વરસ કરાવીને, એના પપ્પાએ મણીબા ના મનીષ સાથે, સારું અને ખાતુંપીતું ઘર શોધીને પરણાવી દીધી હતી. મનીષ ગ્રેજયુએટ થયેલો અને પાછી એને સરકારી નોકરી મળી ગઈ. એટલે ગ્રેજ્યુએટ છોકરીઓના માંગા તો બહુ આવતા, પણ મનીષને આ કંચન ગમી ગઈ. કારણ કે પ્રથમ મુલાકાતમાં મનિષે જાણ્યું હતું કે માબાપ સાથે જ રહીને માબાપની સેવા કરવી ગમતી હોવાનો ગુણ કંચન ધરાવે છે. મનિષ અને એની મોટી બહેનને એના માં બાપે ખૂબ મહેનત કરીને ભણાવ્યા હતા. એટલે આવનારી વહુ ભલે આધુનિક હોય પણ માં બાપની સેવા કરે એવી તો હોવી જ જોઈએ એમ મનીષ માનતો !
મણીબા થોડી જૂની રૂઢી ધરાવતા જૂની પેઢીના માણસ હતા. વડીલોની માન મર્યાદા સાચવવી અને એમની લાજ કાઢવી (વડીલોની હાજરીમાં મોં સાડી વડે મોં ઢાંકવું) અને એમની સામે ન બોલવું એ એમના જમાનાના રિવાજો હતા. પણ મણીબા તો ઘુંમટો તાણીને પછી જીભને પુરેપુરી છૂટી મૂકી દેતા. એ કંચને આ ઘરમાં આવીને જોયું હતું. મનીષના આગ્રહથી કંચનના પિતાએ ઉઘાડા મોઢે (પહેલાના સમયમાં લગ્ન વખતે કન્યાનું મોં પૂરેપૂરું ઢાંકી રાખવામાં આવતું ) લગ્ન તો કરી આપ્યા પણ એક શરત એમણે રાખી હતી કે મારી છોકરી સાસરે જઈને કોઈની લાજ નહીં કાઢે ! (એટલે કે વડીલોની હાજરીમાં મોં ઢાંકશે નહીં અને દીકરીની જેમ બધા સાથે વાતો કરશે, અત્યારના સમયની જેમ !)
એજ્યુકેટેડ મનીષની ઈચ્છા મુજબ મણીબાને વેવાઈની શરત મંજુર રાખવી જ પડી. અને એને લઈને જ વારંવાર સાસુ વહુ વચ્ચે જૂની અને નવી પેઢીની ચકમક ઝરવાનું શરૂ થયું!
* * * * * * * *
વહુ સાથે લડીને મણીબા ઘરની બહાર ઓટલે આવીને બેઠા.એમની પડોશણ અને બહેનપણી એવા મોંઘીબા પણ આવીને બેઠા.
" કેમ, મોઢું ચડાવીને બેઠી છો ? વહુ હારે કંઈક બોલતી'તી ને ? આજ કાલની છોડીયુંને તો કાંઈ કહેવાતું જ નથી. સામી ને સામી લવારી જ કરવા માંડે છે !'' મોંઘીબાએ એમના ઘરના મહાભારતનો અધ્યાય વાંચવો શરૂ કર્યો.
"ના..ના..હો.. મારી વહું તો ભણેલી ગણેલીને સંસ્કારી છે, ઇ તો મારે આજ જમવું નથી એટલે બિચારી ખિજાઈ ગઈ. કહે છે કે તમે નહી જમો તો હું'ય નહીં જમું ! હજારોમાં એક છે મારી વહું , અસલ મારી મીના જ છે હો.." મણીબા પોતાની વહુંનું ક્યારેય બૂરું બોલતા નહીં.
" ભઈ, હવે પડારો મુક ને ! બેય સાસુ વહું મોટે મોટેથી બોલતા'તા ઇ હંધુ'ય મેં કાનો કાન સાંભળ્યું છે !" મોંઘીબા એ મણીબાનું જુઠાણું પકડી પાડ્યું.
"તે હોય, માં દીકરી વચ્ચે ક્યારેક મીઠો ઝગડો થાય પણ ખરો, ઘરમાં વાસણ હોય તો ક્યારેક ખખડે એમાં શું થઈ ગયું ?" મણીબાએ વાત ટાળવા કહ્યું.
"વાહ, મણી વાહ. ખરી છો હોં મારી બઈ, ગમે એમ થાય પણ વહુનું તો વાંકુ બોલશે જ નહીં. અને એક હું છું, જે ચોરે ચડીને વહુના વગોણાં કરું છું. જીવ તો ઘણો'ય બળે છે પણ શું કરું ? વાલામુઈ કરે છે'ય એવું કે ના પૂછો વાત !"
મોંઘીબાએ રડમસ અવાજે કહ્યું.
"જો મોંઘી, વહુંને વખોડવાથી કોઈ આપણને ઇનામ આપી દેવાનું નથી, કે નથી વહું સુધરી જવાની ! ઉલટાની વહુંને આપણી ઉપર તિરસ્કાર આવે. દીકરીની જેમ રાખીએ તો એ દીકરીની જેમ રહે જ ને ? આપણી પેટની જણી હોય અને બે કડવા વેણ કહીએ તો નથી સામું બોલતી ? દીકરીને માં સામું બોલવાનો અધિકાર હોય તો વહુંને કેમ નહીં ? આપણે'ય એક દિવસ વહું હતા એ યાદ રાખવું જોઈએ..સાંભળ હું તને એક વાત કહું.." એમ કહીને મણીબાએ ઊંડો શ્વાસ લીધો. અને ભૂતકાળમાં ડોકિયું કરીને વાત કહેવા માંડી.
"હું પરણીને આવી ઇ વખતની વાત છે. મારી સાસુ એના નામ પ્રમાણે બહુ જ કડવી હતી. વાત વાતમાં ટોકયા જ કરે ! ઘરમાં સંજવારી કાઢું (કચરુ વાળવું) તો ટોકે કે જો વાયુ* રહી ગ્યું . ( *વાયુ રહી જવું એટલે વાળતી વખતે અમુક કચરો પડ્યો રહેવો) રોટલો ઘડું તો કેશે કે લોટ બરોબર મસળજે, મીઠું માપે નાખજો, શાક બનાવું તો તેલ માપે નાખજો, કપડાં ધોવા બેસું તો કેશે સાબુનો બગાડ બહુ નો કરવો, કપડાને ધોકાવવા નહીં, અને ઓછો સાબુ વાપરું અને ધોકાવું નહીં તો કેશે કે તને ધોતા જ આવડતું નથી.આમ દરેક વાતમાં ટોકે. અને કંઈક પણ આડું અવળું થાય તો રાડા રાડ કરી મૂકે !
એક દિવસ મારી સાસુને એમની સાસુ ખિજાયા. "કેમ વહુંને ટોક ટોક કરે છ ? બિચારી પારકા ઘરેથી આવી છે અને હજી નાનું બાળક છે, તું એની માં થઈને રે..."
મારી સાસુએ કહ્યું , " આ મારી વહું સાવ મોળી છે, દરેક વાતમાં મોળી... જરીક પણ મીઠું નથી એનામાં ! કોણ જાણે એની માં એ શું શીખવાડ્યું હશે તે.."
મારી સાસુની વાત સાંભળીને એમની સાસુ અને મારી ઘરડી સાસુએ જે જવાબ આપ્યો એ સાંભળીને મારી સાસુ એક અક્ષર પણ બોલ્યા નહીં. એ તો ટગર ટગર એમની સાસુને જોઈ જ રહ્યા ! અને મારા માથે હાથ મૂકીને કહે છે કે આજથી તું મારી દીકરી અને હું તારી માં બસ ? પછી કોઈ દિવસ મારી સાસુએ મને ટોકી નહોતી. "
"એવો તે શું જવાબ તારી ઘરડી સાસુએ તારી સાસુને આપ્યો ?" મોંઘીબાએ નવાઈ પામીને પૂછયું.
"વાત એમ બનેલી કે મારા સાસુ જ્યારે નવા નવા પરણીને આવેલા ત્યારે એ એમની સાસુથી ખૂબ ડરતાં. જો કે ઘરમાં ખાવા પીવાની કોઈ મનાઈ નહોતી પણ મારી સાસુને મનમાં એમ કે આપણને ભાવતું હોય એવું મારે ખાવું છે એમ
કેમ કહેવું. એમની માં એ શિખામણ આપેલી કે સાસરીમાં મનગમતી વસ્તુ ન મળે તો ક્યારેય માગવી નહીં. હવે મારી સાસુને ખીર બહુ જ ભાવે, અને ઘરના ખીર ક્યારેય બનતી નહીં. એક દિવસ એમની સાસુ વાડીએ ગયા ત્યારે મારી સાસુએ ખીર બનાવી. એમને મનમાં એમ કે બા વાડીએથી આવશે ત્યાં સુધીમાં તો હું ખીર બનાવીને ખાઈ લઈશ. પણ બન્યું એવું કે એમના સસરા ગામના પાદરે સામા મળ્યા અને વાડીએ કંઈ કામ ન હોવાનું કીધું.એટલે બે'ય જણ પાછા આવ્યા. હવે અહીં ઘેર મારી સાસુએ ખીર તો બનાવી પણ ખાંડ નાખવી રહી ગઈ અને એમના સાસુ સસરા આવી ગયા. ડેલી ખખડાવીને એમણે સાદ કર્યો એટલે મારી સાસુ સમજી ગયા કે બા પાછા આવ્યા છે, એટલે ઝટ ઝટ ખીરની તપેલી ઘંટી નીચે સંતાડી દીધી અને ડેલી ખોલી.
પછી તો બેન, મારી સાસુના પેટમાં ફાળ પડી ગયેલી. છાનામાના ખીર બનાવીને ખાતી હતી એ જો એની સાસુ જાણી જાય તો તો બાપની આબરૂ જાય.અને બાપને નીચું જોવા જેવું થાય. દીકરીએ સાસરે જઈને છાનામાના ખીર બનાવીને ખાધી એ વાત ફેલાય તો કાળી ટીલી બેસી જાયને ! પણ હવે શું કરવું ? કેમ તપેલી ઠેકાણે પાડવી એ વિચારતા જ હતા ત્યાં જ મારા સાસુને એમના સાસુએ ગામમાં કંઈ વસ્તુ લેવા મોકલી દીધા. ડરતાં ડરતાં મારી સાસુ ગામમાં તો ગયા પણ જીવ ઘેર, પેલી તપેલીમાં જ ભટકતો હતો ! પણ ઘંટી નીચે તપેલી સંતાડી હતી એટલે વાંધો નહીં આવે એમ મન મનાવતા હતા અને રખે ને એમની સાસુને ખબર પડી જાય તો ? એવી બીક પણ મનમાં પેસી ગઈ હતી.
અને બન્યું પણ એવું જ ! મારા સાસુ ગામમાં ગયાં અને પાછળથી એમના સાસુએ સંજવારી કાઢી. ઘંટી નીચે સાવરણી ફરતાં જ પેલી તપેલી સાવરણી સાથે અથડાઈ અને ખીરથી ભરેલી તપેલી એમની સાસુમાંના હાથમાં આવી ગઈ ! તરત જ એ ડોશી સમજી ગયા કે વહુએ બિચારીએ બીકના માર્યા છાનામાના ખીર બનાવી છે, અરે રે.. હું તે કેવી સાસુ કહેવાઉં કે મારી વહુને કંઇક ખાવું હોય તો બિચારીને છાનામાના બનાવવું પડે ! મારી ઘરડી સાસુએ ખીર ચાખી તો સાવ મોળી ! બહેન પછી મારી સાસુએ શુ કર્યું ઇ ખબર છે ?"
"બેન મણી, મને કેમ ખબર હોય ? તું કે તો ખબર પડે ને !" મોંઘીબા એ અચરજથી પૂછ્યું.
"હા, હા તે સાંભળને, ઇ વાત જ કવ છું, મારી ઘરડી સાસુએ ખીરમાં ખાંડ નાખીને એ તપેલી ફરી પાછી હતી ત્યાં ને ત્યાં જ ઢાંકીને મૂકી દીધી.
થોડીવારે મારી સાસુ ગામમાંથી આવ્યાં એટલે તરત જ કંઈક બહાનું કાઢીને ઘરડી સાસુમાં ઘરની બહાર નીકળી ગયા. અને વહુને ખીર ખાવાની તક આપી.એ તકની જ વાટ જોતા હોય એમ મારી સાસુ હડી કાઢીને (દોડાદોડ) ઘરમાં ઘુસ્યા. અને પેલી તપેલીમાંથી ખીર ખાવા લાગ્યા. બીકના માર્યા એ ભૂલી ગયા કે ખાંડ તો એમણે નાખી નહોતી તોય ખીર કેમ ગળી હતી ? પણ એ વખતે એમને એવો કંઈ વિચાર આવેલો નહીં. ઝડપથી એમને ખીર ખાઈને તપેલી પણ ધોઈને ઠેકાણે મૂકી દીધી. સાંજે એમની સાસુ, એ તપેલી જોઈને સમજી ગયા કે વહુએ ખીર તો ખાઈ લીધી છે. પણ કાંઈ કહ્યું નહીં.
એ વાતને વરસો વીતી ગયા. પછી એમના દીકરા હારે પરણીને હું વહું બનીને ગઈ ત્યારે મારી સાસુ, વહું મટીને સાસુ બન્યા !! અને હું સાવ મોળી છું, મીઠા વગરની છું એમ એ એમની સાસુને કહેવા લાગ્યા ત્યારે એમની સાસુ અને મારી એ વ્હાલી ઘરડી સાસુએ કહ્યું કે બેટા, માણસ મોળું હોય તો મીઠા બે વેણ કહીએ, હેત કરીને શીખવાડીએ, અને તપેલી ભરીને ખીર બનાવી હોય પછી ખાંડ નાખવી ભુલાઈ ગઈ હોય તો મુઠી ભરીને ખાંડ નાખીએ તો ખીર પણ મીઠી બની જાય..."
એ સાંભળીને મારી સાસુને પેલી ખીરવાળી વાત યાદ આવી.અને એ પણ યાદ આવ્યું કે હું તો ખાંડ નાંખવી તો ભૂલી જ ગઈ હતી તોય ખીર તો મીઠી જ હતી. એનો અર્થ કે સાસુજીએ એ મોળી ખીરમાં ખાંડ નાખી હતી !!
પછી એમણે આખી વાત મને કહી હતી અને અમે સૌ હસી પડ્યા. એવી હતી મારી સાસુ અને એવી હતી મારી સાસુની સાસુ !!"
"તો તું શું જોઈને બરાડા પાડતી'તી તારી વહું ઉપર ? જો બિચારી ક્યારની બારણાંમાં ઉભી ઉભી સાંભળે છે !" મોંઘીબાએ કંચનને ડેલીની બારીમાં ઉભેલી જોઈને કહ્યું.
"તમને જેવા સાસુ મળ્યા, એવા મને મળશે ને બા ? ચાલો તમને ભાવતું ભીંડાનું શાક અને ખીચડી કઢી બનાવ્યા છે, ચાલો ગરમ ગરમ રોટલી કરી આપું... બા.." કંચને કડવાશ ભૂલીને પ્રેમથી કહ્યું.
"હા, બેટા. ચાલ આવું છું, અલી મોંઘલી તું કે'તી પણ નથી કે કંચન અહીં ઉભી છે ?"
"એણે નાક પર આંગળી મૂકીને મને ચૂપ રહેવા ઈશારો કર્યો'તો. એનું ન માનું તો તો મને બપોરે ચા કોણ પાય ?"મોંઘીબાએ હસીને કહ્યું.
"તમારા ઘરડાં સાસુએ તો સાસુ કેવી હોવી જોઈએ એ બતાવી દીધું. ચાલો હવે તમે સારા સાસુ બની જાવ અને હું ડાહી ડાહી વહુ બની જાઉં.." એમ કહીને કંચને મણીબા નો હાથ પકડ્યો અને ઘરમાં લઈ ગઈ. મોંઘીબા પણ પોતાની આકરી વહુંની માં થવા એમની ડેલીમાં જતાં રહયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED