અર્ધ અસત્ય. - 60 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 60

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૦

પ્રવીણ પીઠડીયા

૧૯૯૨નું એ વર્ષ રાજગઢ ઉપર ભારે ગુજર્યું હતું. દિલિપસિંહ અને મયુરસિંહના અચાનક અવસાન થયાં હતા. એ શોકની હજું કળ વળી નહોતી ત્યાં પૃથ્વીસિંહ એકાએક ક્યાંક ચાલ્યાં ગયા હતા. તેઓ પોતાની જાતે ક્યાંક ગયા હતા કે તેમને ગુમ કરી દેવામાં આવ્યાં હતા એ કોઇ ક્યારેય જાણી શકયું નહોતું. એ રહસ્ય આજ દિન સુધી રહસ્ય જ રહ્યું હતું.

વૈદેહીસિંહે પોતાની વાત સમાપ્ત કરી હતી અને દિવાનખંડમાં સન્નાટો પથરાઇ ગયો હતો. છત ઉપર લટકતાં કળાત્મક ઝૂમરમાંથી ચળાઇને આવતો રોશનીનો મંદ પ્રકાશ વૈદેહીસિંહના રૂપાળા ચહેરા ઉપર છવાયેલા થાક અને પશ્ચાતાપનાં ભાવોને સ્પષ્ટ ઉજાગર કરતો હતો. પશ્વાતાપ એ વાતનો હતો કે રાજગઢમાં જે બિભત્સ અને ખૂની ખેલ ખેલાયો હતો તેના તેઓ એક માત્ર જીવિત ગવાહ હતા છતાં આટલા વર્ષો તેમણે કંઇપણ બોલ્યાં વગર ખામોશીથી પસાર કરી નાંખ્યાં હતા. અને હજું પણ જો અભય તેમના સુધી પહોંચ્યો ન હોત તો કદાચ તેમની છાતીમાં ધરબાયેલું રહસ્ય તેમના મૃત્યુંની સાથે જ રાજગઢની ધૂળમાં દફન થઇ જાત એ પણ એક હકીકત હતું.

અભયે દેવાની જબરી ધોલાઇ કરી હતી અને તેને પકડીને અહી લઇ આવ્યો હતો. અત્યારે તે દિવાનખંડમાં જ એક સોફામાં અર્ધ બેહોશીભરી હાલતમાં પડયો હતો. તેને જેટલો શારીરીક મારનો આઘાત નહોતો લાગ્યો એથી ક્યાંય વધું માનસિક આઘાત લાગ્યો હતો. દેવાને પોતાની તાકાત ઉપર અસિમ ભરોસો હતો. તે આજ સુધી અજેય રહ્યો હતો. ગમે તેવા ચમરબંધ વ્યક્તિઓને પણ તેણે ધૂળ ચાંટતા કરી નાંખ્યાં હતા. તેમાં અચાનક અભયના હાથે બે બે વખત તેનો પરાજય થતાં તે ધરબાઈ ગયો હતો. તેનું મનોબળ ભાંગીને ભૂક્કો થઇ ગયું હતું. તે હવે સંપૂર્ણપણે અભયની ગિરફ્તમાં આવી ગયો હતો. વળી તે જાણતો હતો કે અભય એક પોલીસ અફસર છે. એનો પણ ગહેરો પ્રભાવ તેના મસ્તિષ્ક ઉપર પડયો હતો. પહેલી વખત પૃથ્વીસિંહજીની હવેલીના કંમ્પાઉન્ડમાં આવેલા કૂવા પાસે તેણે વિષ્ણુંબાપુનાં કહેવાથી અભય ઉપર હુમલો કર્યો હતો. ત્યારે જ તે જાણી ગયો હતો કે અભય કોઇ સામાન્ય વ્યક્તિ નથી. અભયે પહેરેલા બૂટ જોઇને તેને સમજાઇ ગયું હતું કે તે એક પોલીસ અફસર છે. તેણે બાપુને એ બાબતે આગાહ પણ કર્યાં હતા પરંતુ બાપુને વિશ્વાસ હતો એટલે તેણે દેવાને ખૂલ્લી છૂટ્ટી આપી દીધી હતી. તેઓ જાણતા હતા કે અભય આખરે શક તો વૈદેહીસિંહ ઉપર જ કરશે કારણ કે બહારી દુનિયા માટે તો દેવો વૈદેહીસિંહનો જ માણસ હતો. અને થયું પણ એવું જ હતું. પરંતુ હવે આખી પરિસ્થિતિ બદલાઇ ગઇ હતી. જે સચ્ચાઇ હતી એ ઉભરીને સામે આવી ચૂકી હતી.

વૈદેહીસિંહે તેમના હદયમાં ધરબાયેલું રહસ્ય અભય સમક્ષ ઉજાગર કરી દીધું હતું. તેમને અભય પોતિકો લાગ્યો હતો. આટલા વર્ષમાં પહેલી વખત તેમણે દેવાને આવી હાલતમાં જોયો હતો. ખબર નહી કેટલા વર્ષો સુધી તેઓ દેવાથી ફફડતાં રહ્યાં હશે! દેવા રૂપી એક જલ્લાદ સતત તેમના માથે ઝળૂંબતો રહ્યો હતો અને તેમને ખામોશ રહેવા મજબૂર કરતો રહ્યો હતો. અત્યાર સુધી તેમના ચૂપ રહેવાનું કારણ પણ એ જ હતું. ઉપરાંત પૃથ્વીસિંહજી, એટલે કે તેમના પિતાજી રાજગઢમાંથી એકાએક ક્યાંક ગાયબ થઇ ગયા હતા. એટલે તે પોતાના મનની વાત કહે તો પણ કોને કહે? રાજગઢમાં હવે તેઓ એકલાં જ બચ્યાં હતા. પોલીસ પણ વિષ્ણુંસિંહ કહે એમ કરતી હતી એ તેમણે ભીલ કન્યા વાળા કિસ્સામાં જોઇ લીધું હતું. આ ઉપરાંત પણ એક કારણ હતું, તેઓ ખરેખર નહોતા ઈચ્છતા કે અભય અનંતની વાતોમાં આવીને પૃથ્વીસિંહજીની તપાસ કરે. એક સળગતું ડૂંભાણું માંડ-માંડ ઓલવાયું હતું, હવે તેને હવા દઈને ફરીથી સળગતું કરવા તેઓ તૈયાર નહોતા. પૃથ્વીસિંહજીના ગાયબ થયા પછી વિષ્ણુંસિંહ અચાનક જ ખામોશ બની ગયો હતો. એવું કેમ કરતા થયું હતું એ કોઇ નહોતું જાણતું પરંતુ તેનાથી રાજગઢની હવાઓમાં થોડુંક સુકૂન પાછું ફર્યું હતું. એ સુકૂનભરી શાંતીમાં ફરી વખત કોઇ હલચલ પેદા ન થાય એ માટે જ તેમણે અભયના માર્ગમાં રોડા નાંખવાનું શરૂ કર્યું હતું. તેઓ જાણી ગયા હતા કે અભયની દખલગીરીથી ફરી પાછો જૂનો ભૂતકાળ દોહરાવાશે તો આ વખતે રાજગઢને કોઇ નહી બચાવી શકે. એ દહેશતે જ તેમને અભય ઉપર ભયંકર ગુસ્સો કરવા મજબૂર કર્યાં હતા અને તેમણે અભય શું કરે છે અને ક્યાં જાય છે એની ઉપર નજર રાખવા દેવાને તેની પાછળ લગાવ્યો હતો.

પરંતુ આખી બાજી ઉલ્ટી પડી હતી. અભયે દેવાને એટલો ઠમઠોર્યો હતો કે તે હવે કોઇ કામનો નહોતો રહ્યો. દેવાની હાલત તેણે પાંજરે પૂરાયેલાં કોઇ નખ વગરનાં સિંહ જેવી કરી નાખી હતી. એ વૈદેહીસિંહે જોયું હતું અને તેમના હૈયાં એક અજીબ પ્રકારની રાહત ઉદભવી હતી. એવું લાગ્યું જાણે હદય ઉપરથી એકાએક જન્મારાનો ભાર હળવો થયો હોય. અભય રાજગઢનો તારણહાર બનીને આવ્યો હોય એમ તેમણે તેને સ્વીકારી લીધો હતો. અને એટલે જ તેને મદદ થાય એ હેતુથી તેમણે વિષ્ણુંબાપુની કરતૂતોનો ભાંડો ફોડવાની હિંમ્મત દેખાડી હતી. જો કે અભય તો એ હકીકત જાણીને સન્નાટમાં આવી ગયો હતો. તેને ખબર નહોતી કે તેની સાવ સામાન્ય લાગતી તપાસનું આટલું ભયાનક પરીણામ આવશે અને રાજગઢનો ભયાવહ ભૂતકાળ એકાએક ઉજાગર થશે. હવે તેની ઉપર હતું કે તે વૈદેહીસિંહને કેવી રીતે મદદ કરે છે અને રાજગઢનો ઉધ્ધાર થશે કે નહી.

@@@

રાજગઢના આકાશમાં પરોઢનો આછો અજવાશ ફેલાવો શરૂ થયો હતો. પાંચ હવેલીઓની હારમાળામાં સૌથી છેલ્લી એક હવેલી અત્યારે જાગતી પડી હતી. એ હવેલી વૈદેહીસિંહ ઠાકોરની હતી. એ હવેલીના ભવ્ય દિવાનખંડમાં એક સોફા ઉપર અભય બેઠો હતો. તેની સામેના સોફા ઉપર જાજરમાન વૈદેહીસિંહ બેઠા હતા અને તેમની બાજુનાં સોફામાં દેવો પથરાઇને પડયો હતો. પાછલાં થોડા કલાકોમાં જે વાર્તાલાપ થયો હતો અને જે સચ્ચાઈ ઉભરીને સામે આવી હતી એ પૂરા રાજગઢને હચમચાવી નાંખવા પૂરતી હતી. અને હજું કહાની અહી ખતમ નહોતી થઇ. ઈતીહાસનાં પન્નાઓમાં દફન કેટલાય રહસ્યો હજું ઉજાગર થવાના બાકી હતા. એ રહસ્યો ચીખી-ચીખીને જાણે તેને બોલાવી રહ્યા હોય એવું અભયને લાગતું હતું.

જે કહાની ઉભરીને સામે આવી હતી તેના ઉપરથી એક બાબત તે સ્પષ્ટ સમજાતી હતી કે અનંતનો જીવ અત્યારે જોખમમાં છે. તે જ્યાં પણ હશે ત્યાં તેની માથે મોત તોળાતું હશે. કોઇપણ ભોગે તાત્કાલિક તેને શોધવો જરૂરી હતો. જો એમ ન થયું તો કદાચ તે પણ તેના દાદાની જેમ હંમેશનાં માટે ગાયબ થઇ જવાની શક્યતા હતી. અભય થથરી ગયો. એક વિષ્ણુંબાપુને લીધે આખું રાજગઢ તહસ-નહસ થઇ ગયું હતું. વિષ્ણુંબાપુની હવસ અને અપમાન બોધે સાત-સાત માસૂમ કન્યાઓનો ભોગ લીધો હતો. તેની ઉપર તેમણે ભયંકર અત્યાચાર ગૂજાર્યો હતો અને તેમને જીવતે-જીવ નર્કાગારની અનૂભૂતી કરાવી હતી. એ તમામ કૃત્યોનો બદલો લેવાનો સમય હવે આવી ચૂકયો હતો. એ ઉપરાંત પૃથ્વીસિંહજીનું શું થયું હતું, અનંત ક્યાં હતો, એ તમામ સવાલોના જવાબ મેળવવાનો સમય આવી ચૂકયો હતો. એ માટે તેણે વધું દૂર જવાની જરૂર નહોતી. તેણે ફક્ત વિષ્ણુંસિંહની હવેલીએ પહોંચવાનું હતું. પરંતુ એ એટલું આસાન કામ નહોતું. તે પહેલી વખત જ્યારે આ તરફ આવ્યો હતો અને વિષ્ણુંસિંહની હવેલીમાં પ્રવેશ્યો હતો ત્યારે જ તેને એક પ્રકારની મનહુસીયત ઘેરી વળી હતી. હવે એ જ હવેલીમાં તેણે ફરીથી જવાનું હતું.

@@@

અભયે તૈયારીઓ આરંભી. તે કોઇ પ્લાનિંગ વગર વિષ્ણુંસિંહને ત્યાં જવા માંગતો નહોતો કારણ કે વિષ્ણુંસિંહ અત્યંત ખતરનાક માણસ હતો. અભયે દેવાને મૂશ્કેટાઈટ બાંધ્યો અને ઉંચકીને એક ખાલી કમરામાં નાંખ્યો. તે જીવતો રહે એ જરૂરી હતું કારણ કે તે આ સમગ્ર ઘટનાક્રમનો એક અહંમ્ કીરદાર હતો. તેની ગવાહી અત્યંત મહત્વની સાબિત થાય તેમ હતી એટલે તેને વિષ્ણુંસિંહ પકડાય નહી ત્યાં સુધી અહી જ રાખવો જરૂરી હતો.

“તમે તૈયાર છો ને બા? આ તમારી પણ પરિક્ષાની ઘડી છે. સહેજે ગભરાયા વગર આવનારી પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરવાનો છે. બોલો, થશે ને?” અભય દરેક વાત કંન્ફર્મ કરી લેવા માંગતો હતો જેથી છેલ્લી ઘડીએ કોઇ મુસીબત ઉભી ન થાય. વૈદેહીસિંહે એક ઉંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં એકાએક ચમક ઉભરી. થોડા કદમો ચાલીને તેઓ અભયની નજીક આવ્યાં.

“હું તૈયાર છું. આજે રાજગઢની કિસ્મતનો ફેંસલો થઇ જ જાય.” તેમના ચહેરા ઉપર અજબ સુરખી છવાઇ હતી. અભયને એ ગમ્યું. તેણે હળવી મુસ્કાન વિખેરી અને પછી તેઓ હવેલીની બહાર નીકળી પડયા. પરંતું શું ખરેખર તેઓ જેવું વિચારતા હતા એવું કંઇ વિષ્ણુંસિંહની હવેલીમાં હતું, કે પછી એ ખાલી તેમની કોરી કલ્પના જ સાબિત થવાની હતી? શું પૃથ્વીસિંહજીના ગાયબ થવા પાછળ વિષ્ણુંસિંહનો હાથ હતો? અને અનંત ક્યાં હતો?

હજ્જારો સવાલોનાં ઘેરામાં અટવાતું રાજગઢ પરોઢનો સુરજ ઉગવાની રાહ જોઇને બેઠું હતું.

(ક્રમશઃ)