વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 139
મુંબઈમાં દાઉદની પ્રોપર્ટીની લિલામીની કોશિશમાં આવકવેરા ખાતાનો બે વાર ફિયાસ્કો થયો એટલે આવકવેરા ખાતા દ્વારા થોડા મહિનાઓ સુધી દાઉદની પ્રોપર્ટીની લિલામી પ્રક્રિયા અટકાવી દેવાનો નિર્ણય લેવાયો. આ દરમિયાન આવકવેરા ખાતાએ દાઉદના કેટલાક મહત્વના સાથીદારોની પ્રોપર્ટી પણ જપ્ત કરી હતી.
આવકવેરા ખાતાએ આવકવેરા પેટે દાઉદ ઈબ્રાહિમ પાસેથી રૂપિયા 45 કરોડ જેટલી રકમ વસૂલ કરવાની હતી તો દાઉદના બે મહત્વના સાથીદાર અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના મુખ્ય આરોપીઓ મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણ પાસેથી પણ અનુક્રમે રૂપિયા 38 કરોડ અને રૂપિયા 36 કરોડ જેટલી રકમ વસૂલવાની હતી. ટૂંકમાં, દાઉદ, મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણ એમ ત્રણ જ વ્યક્તિ પાસેથી આવકવેરા ખાતાએ રૂપિયા 119 કરોડ જેટલી રકમ વસૂલ કરવાની હતી. મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણ પણ દાઉદની જેમ દુબઈથી કરાચી જતા રહ્યા હતા. મોહમ્મદ ડોસા દાઉદ ગેંગના ટોપ ટેન લીડર્સ પૈકી એક હતો. દાઉદ ગેંગનો હવાલાનો ‘કારોબાર’ તે દાઉદના ભાઈની સાથે મળીને સંભાળતો હતો, તો ટાઈગર મેમણ કરાચીમાં દાઉદના ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ અને શેરબજારના ધંધામાં ભાગીદાર હતો. દાઉદની સાથે મળીને જ તેણે કરાચીમાં બહુમાળી ‘કવિશ ક્રાઉન’ કૉમર્શિયલ સેન્ટર બાંધ્યું હતું.
છોટા શકીલ, મોહમ્મદ ડોસા અને ટાઈગર મેમણની જેમ દાઉદ ગેંગના યેડા યાકુબ અને તાહિર મર્ચન્ટ ઉર્ફે ટકલા પણ મુંબઈથી દુબઈ અને દુબઈથી કરાચી ભેગા થઈ ગયા હતા. યેડા યાકુબ દાઉદ ગેંગના ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક તથા નકલી કરન્સી ભારતમા ઘુસાડવાના ‘મિશન’ પર નજર રાખતો હતો. જ્યારે તાહિર મર્ચન્ટ મુસ્લિમ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા સાથે દાઉદ ગેંગ વતી કૉ-ઑર્ડિનૅશન સંભાળતો હતો. એ ઉપરાંત ઊંધી ખોપડીના યુવાનોને દાઉદ ગેંગમાં ભરતી કરવાની જવાબદારી પણ તેને સોંપાઈ હતી.
જાણે કોઈ મલ્ટિનૅશનલ કંપનીની જેમ દાઉદ ગેંગની પાંખો વિશ્વભરમાં ફેલાઈ ગઈ હતી. કરાચીમાં બેઠા બેઠા છોટા શકીલ અને અનીસ ભારતમાં ખંડણી ઉઘરાણી તથા ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. તો પાકિસ્તાનને હેડકવાર્ટર બનાવીને કરાચી શહેરમાં અનેક ધંધાઓમાં દાઉદ અને ટાઈગર મેમણે વર્ચસ જમાવી દીધું હતું. અફઘાનિસ્તાનમાંથી તેઓ કેફી દ્રવ્યો મેળવીને વિશ્વભરમાં મોકલતા હતા. દાઉદ ગેંગનો કેફી દ્રવ્યોનો કારોબાર આફ્રિકા, અમેરિકા અને ઈંગ્લેન્ડ સુધી વિસ્તરી ગયો હતો. અમેરિકા અને ઈંગ્લેન્ડમાં ડ્રગ્સ કારોબાર ઈકબાલ મિરચી સંભાળતો હતો.
નેપાળ અને બાંગ્લાદેશમાં પણ દાઉદે તેની ગેંગના ગુંડાઓ માટે અડ્ડાઓ ઊભા કરી દીધા હતા. નેપાળમાં સંસદસભ્ય મિરઝા દિલશાદ બેગની હત્યા પછી દાઉદ ગેંગનું વર્ચસ થોડું ઘટ્યું હતું, પણ દાઉદે નવેસરથી કાઠમંડુ તથા અન્ય વિસ્તારોમાં પોતાની ગેંગનું વર્ચસ જમાવ્યું હતું. નેપાળની જેમ જ બાંગ્લાદેશમાં પણ ઢાકા શહેરમાં અને અન્ય વિસ્તારોમાં દાઉદ ગેંગના અનેક આશ્રયસ્થાન બની ગયા હતા. નેપાળ અને બાંગ્લાદેશ જેવા નબળા દેશોમાં પૈસા વેરીને દાઉદે તેની ગેંગની વગ ઊભી કરી દીધી હતી. બાંગ્લાદેશના ઢાકા શહેરમાં નવાબપુર રોડના બાજુના વિસ્તારોમાં દાઉદ ગેંગના અડ્ડા બની ગયા હતા. બાંગ્લાદેશ જેવા ગરીબ દેશમાંથી કમાણી તો થઈ શકે નહીં, પણ દાઉદ અને છોટા શકીલના ગુંડાઓ ભારત છોડીને નાસી ગયા પછી પાછા ભારત જઈ શકે તેમ ન હોય ત્યારે પોતાનાં સગાંવહાલાંઓને મળવાં માટે ઢાકા શહેરનો ઉપયોગ કરતા હતા. એ સિવાય દાઉદ ગેંગના ભારત સ્થિત મહત્વના ગુંડાઓ પણ ઢાકા આવતા-જતા રહેતા હતા. ઢાકા માર્ગે શસ્ત્રોની હેરાફેરી પણ થતી રહેતી હતી. 2001ની શરૂઆતના ત્રણ મહિનામાં જ બે ડઝન જેટલા ગુંડાઓ એકે ફોર્ટી સેવનથી માંડીને રોકેટ લોન્ચર જેવા ઘાતક શસ્ત્ર સાથે ઝડપાયા હતા. એમાંથી મોટાભાગના દાઉદ ગેંગ સાથે સંકળાયેલા હતા.
દાઉદે જેમ રોમેશ શર્માની મદદથી ભારતમાં રાજકીય વર્ચસ્વ ઊભું કરવાની કોશિશ કરી હતી. એવી જ રીતે બાંગ્લાદેશમાં પણ રાજકીય વર્ચસ જમાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બાંગ્લાદેશમાં પહેલા તો તેણે શાસક પક્ષના નેતાઓ સાથે સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. પણ એમાં એની દાળ ગળી નહીં એટલે તેણે બાંગ્લાદેશના શહાદત-એ-અલ હિકમા નામના રાજકીય પક્ષ સાથે સંબંધ બાંધ્યો હતો. શહાદત-એ-અલ હિકમાને પાવરફુલ બનાવવા માટે દાઉદે એ પક્ષના પ્રમુખ કાવસાર હુસેન સિદ્દીકને ચિક્કર પૈસા આપ્યા હતા. પરંતુ કાવસાર હુસેન સિદ્દીકે કોઈ નબળી ક્ષણે બફાટ કરી દીધો કે દાઉદ ઈબ્રાહિમ અમારા પક્ષને ફાઈનાન્સ પૂરું પાડે છે. સિદ્દીકના એ નિવેદનથી સિદ્દીક તથા તેના પક્ષ પર શાસક પક્ષની તવાઈ આવી અને દાઉદનો ખેલ ઊંધો પડી ગયો. દાઉદના પૈસાનો ઉપયોગ કરીને કાવસાર હુસેન સિદ્દીકે એના પક્ષના સક્રિય સભ્યોની સંખ્યા 25 હજાર સુધી પહોંચાડી દીધી હતી અને એના દાવા પ્રમાણે તેણે 10 હજારની કમાન્ડોની ફોજ બનાવી હતી પણ સિદ્દીકના બફાટથી એના પર પ્રતિબંધ મુકાઈ ગયો.
ભારતમાં રોમેશ શર્માની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું હતું એવો જ સિનારિયો બાંગ્લાદેશમાં થયો. બાંગ્લાદેશમાં બધુ સમુંસુતરું પાર ઊતર્યું હોત તો દુબઈ અને પછી કરાચી બાદ ઢાકા શહેર પણ દાઉદ ગેંગનું હેડ ક્વાર્ટર બની ગયું હોત.
દુબઈ વર્ષો સુધી દાઉદ ગેંગનું હેડ કવાર્ટર હતું. પણ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ અને પછી દુબઈમાં પણ ગેંગવોરની ઘટનાઓ બનવા માંડી એટલે દુબઈના સત્તાધીશોએ દાઉદ ગેંગ તરફ કરડી નજર કરી હતી એટલે દાઉદે કરાચીને હેડકવાર્ટર બનાવવું પડ્યું હતું. પણ એમ છતાં દુબઈમાં દાઉદના અનેક કાનૂની ધંધા અન્ય ભાગીદારોની મદદથી ચાલતા હતા.
વિશ્વના અન્ય અનેક દેશોમાં પણ દાઉદ ગેંગ પ્રવૃત્તિઓ ચલાવતી હતી. તો વળી ઘણા દેશોમાં દાઉદ ગેંગની પ્રવૃત્તિ ના ચાલતી હોય તો પણ આશ્રયસ્થાન તરીકે દાઉદ ગેંગ એવા દેશોનો ઉપયોગ કરતી હતી. દાઉદના કારોબાર ચાલતા હોય એવા અને દાઉદ ગેંગ માટે આશ્રયસ્થાન સમા અન્ય દેશોમાં કેનેડા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, નેધરલેન્ડ, પોર્ટગુલ, ઈંગ્લેન્ડ, માલદીવ્સ, શ્રીલંકા, સિંગાપુર, હોંગકોંગ, તાન્ઝાનિયા, ઝામ્બિયા, કેન્યા, બહેરીન, મોઝમ્બિક, સાઉથ અરેબિયા, થાઈલેન્ડ અને મલેશિયાનો સમાવેશ થતો હતો.
દાઉદ ગેંગના આવા વૈશ્વિક નેટવર્કમાં દાઉદના સાથીદારો વચ્ચે વાંધાવચકાની ઘટનાઓ બનતી રહેતી હતી. 2001ની શરૂઆતમાં આવી જ એક ઘટના બની એના કારણે દાઉદના જમણા હાથ સમો છોટા શકીલને પ્રચંડ આઘાત લાગ્યો.’
(ક્રમશ:)