અર્ધ અસત્ય. - 56 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 56

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫૬

પ્રવીણ પીઠડીયા

વૈદેહીસિંહ અસ્ખલિત પ્રવાહમાં બોલી રહ્યાં હતા અને અભય ભયંકર આઘાત અનુભવતો સાંભળી રહ્યો હતો. કબિલાનાં મૂખિયા દ્વારા તેને પહેલા જ ખબર પડી ચૂકી હતી કે ભીલ યુવતીઓનાં ગાયબ થવા પાછળ મૂખ્ય અપરાધી વિષ્ણુંસિંહ હતો. વિષ્ણુંસિંહે જ એ યુવતીને ગાયબ કરી હતી. કેવી રીતે, એ હમણાં વૈદેહીસિંહે જણાવ્યું હતું. એ વાકયાત ભયાનક હતો. કોઇપણ વ્યક્તિ થથરી જાય એવી બર્બરતા એ યુવતી સાથે આચરાઈ હતી. અને હજું આ તો એક જ ભીલ યુવતીની કહાની હતી. બીજી છ-છ યુવતીઓને કેવી રીતે ગાયબ કરવામાં આવી એ જાણવાનું બાકી હતું.

એ સિવાય હજું પૃથ્વીસિંહજીનું શું થયું હતું અને તેઓ ક્યાં ગાયબ થઇ ગયા હતા એ જાણવા મળ્યું નહોતું. એ સવાલ હજું અનઉત્તર જ હતો. ખુદ વૈદેહીસિંહ એ વિશે નહોતા જાણતાં.

“તે દિવસે વિષ્ણુંસિંહ વહેલી સવારે હવેલીએ પાછો ફર્યો હતો. અને પછી આખો દિવસ પોતાના બેડરૂમમાં ઘોરતો રહ્યો હતો. તેની મનોદશા વિક્ષિપ્ત થઇ ચૂકી હતી. એક હત્યા અને પછી મડદા સાથે બળાત્કાર જેવો જધન્ય અપરાધ કરીને તે આવ્યો હતો છતાં તેના ચહેરા ઉપર એ બાબતનો કોઇ અપરાધભાવ નહોતો. ઉલટાનું તેને ઘણું સારું લાગતું હોય એમ તેના દિલમાં અજીબ સૂકૂન છવાયું હતું અને અપાર આનંદનો અનુભવ કરતો હતો. કુસુમદેવીને પણ એ બાબતનું આશ્વર્ય ઉદભવ્યું હતું કે કાયમ નંખાઈ ગયેલો દેખાતો તેનો પતિ આજે એકાએક કેમ બદલાયેલો જણાય છે! કેમ આજે પહેલીવાર તેની સામું જોઇને ગર્વથી તેણે માથું ઉચું કર્યું હતું! ક્યાંક તેમની ડગળી તો નથી ચસકી ગઇને? પણ એનાથી તેમને કોઇ ફરક પડતો નહોતો. વર્ષોથી તેઓ અતૃપ્ત હતા. શારીરીક અને માનસિક બન્ને રીતે. વિષ્ણુંસિંહથી તેઓ થાકી ગયા હતા એટલે તે જીવે કે મરે એનાથી તેમને જાજો ફરક પડે એમ નહોતો. તેમણે તૃચ્છકાર ભરી એક નજર પહોળા થઇને પલંગ ઉપર પથરાયેલા પતિ ભણી નાંખી અને પછી કમરાની બહાર ચાલ્યાં ગયા હતા. ખરેખર એ સમયે જો તેમણે પોતાના પતિનાં વર્તનમાં આવેલા બદલાવની નોંધ લીધી હોત તો ઘણી મોટી મુસીબતમાંથી સમસ્ત રાજગઢ ઉગરી ગયું હોત.

એક અઠવાડિયું… પુરું એક અઠવાડિયું વિષ્ણુંબાપુ મોજમાં રહ્યાં હતા. પોતાની મર્દાનગી ઉપર ખોવાઇ ગયેલો તેમનો વિશ્વાસ પાછો ફર્યો હતો અને તેઓ બહું ખુશખુશાલ જણાતાં હતા. પરંતુ એ દરમ્યાન કુસુમદેવીનું તેમની તરફનું વર્તન તો પહેલા હતું એવું જ રહ્યું હતું. તેઓ હજું પણ બાપુને નીચા દેખાડવાની એક પણ તક ગુમાવતાં નહોતાં એટલે સતત એક અઠવાડિયા સુધી કુસુમદેવીની અવગણના સહન કરતાં તેમની અંદર ફરી પાછી પ્રતીશોધની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. ફરી પાછું તેમનું મન કોઇકને તડપાવવા, પોતાની નીચે કચડવા, કોઇને તડપી-તડપીને દયાની ભીખ માંગતા જોવા તલપાપડ બન્યું હતું. એક વખત ગાંજો પીધા બાદ થોડા સમય પછી ફરીથી તેની તલબ ઉદભવે એમ વિષ્ણુંસિંહને પર-પીડનની અજીબ તલબ ઉપજી હતી. તેઓ શિકાર કરવા માટે છટપટાઇ રહ્યાં હતા. પરંતુ પહેલી વખત જેટલો આસાનીથી શિકાર હાથ લાગ્યો હતો એટલી આસાની બીજી વખત કામ થવાનું નથી એની તેમને જાણ હતી. આ વખતે સામેથી શિકાર કરવાં નીકળવું પડે એમ હતું. ભયંકર રીતે ધૂંધવાતા, ધૂંઆફૂઆ થતા તેમણે બે દિવસ તો વિતાવી નાંખ્યાં હતા પરંતુ આખરે ત્રીજા દિવસે દિવસના અજવાળામાં જ તેઓ જંગલ તરફ નીકળી પડયાં. તેમને ખબર હતી કે ભીલ કબિલાના લોકો મોટેભાગે જંગલમાં જ રખડતા હોય છે. કારણ કે જીવવા માટે તેમણે નાના-મોટા શિકાર ઉપર જ નિર્ભર રહેવું પડતું હોય છે. એ જ તેમની દિનચર્યાં હતી. વિષ્ણુંસિંહ માટે એ ઘણું અનુકુળ નિવડવાનું હતું. તેઓ જંગલમાં પહોંચ્યા અને કબિલા ઉપર ધ્યાન રાખવા એક ઘેઘૂર ઝાડની આડાશે ગોઠવાઇ ગયા. ઝાડ થોડી ઉંચાઇએ હતું અને કબિલો નીચાણવાળી તળેટીમાં હતો એટલે અહીથી બધું તેમને સાફ-સાફ દેખાતું હતું.

અને… થોડી જ વારમાં તેમની આંખો ચમકી હતી. લગભગ પંદરેક વર્ષની લાગતી એક છોકરી ઝૂંપડામાંથી બહાર નીકળીને જંગલની અંદર તરફ ગઇ હતી. વિષ્ણુંસિંહે તરત તેનો પીછો પકડયો. તેમને આવા જ કોઇ શિકારની તલાશ હતી. અડધાએક કલાકમાં તેઓ એ છોકરીને આંબી ગયા હતા અને એકદમ જ તેની સામે જઇને ઉભા રહી ગયા હતા. નાનકડી ભિરું છોકરી તેની સામે ઉભેલા પડછંદ દેહધારી પુરુષને જોઇને સહમી ગઇ. તેની નિર્દોષ ભોળી આંખોમાં ડર તરી આવ્યો અને તે પાછી ફરીને કબિલા તરફ દોડવાં લાગી. પરંતુ સિંહના મોઢામાંથી નાદાન હરણીયું કેવી રીતે છટકી શકે! વિષ્ણુંબાપુએ છલાંગ લગાવીને તેનું મોઢું પોતાની પાવડાં જેટલી પહોળી હથેળીમાં દબાવી દીધું અને પછી તેને કોઇ નાના છોકરાને તેડતા હોય એમ ઉઠાવીને જંગલમાં અવાવરૂ સ્થાને લઇ આવ્યાં. તેમણે ઘા કરતાં હોય એમ છોકરીને ફંગોળીને નીચે જમીન ઉપર પટકી. નાનકડી અબૂધ છોકરી સાવ ધરબાઇ ગઇ હતી. તેના ગળામાંથી ભયાનક ડરનાં લીધે અવાજ પણ નીકળતો નહોતો. છાનાં ડૂસકાં તેની છાતીમાં જ સમાઇ જતા હતા. અને પછી… ફરી એકવાર પાશવી ખેલ શરૂ થયો. વિષ્ણુંસિંહના કદાવર, ભારેખમ દેહ હેઠળ એક માસૂમ બાળકી કચડાતી રહી. તેને એટલો ગહેરો આઘાત લાગ્યો કે તે બેહોશ થઇ ગઇ હતી. અટ્ટહાસ્ય વેરતાં બાપુ ખબર નહી કેટલો સમય એ બેહોશ છોકરી સાથે પાપાલીલા આચરતાં રહ્યાં હશે. તેમના મનમાં એક અજબ વિકૃત આનંદ ઉપજતો હતો. તેમણે અસંખ્ય બટકાં ભરીને છોકરીને લોહી-લૂહાણ કરી નાંખી હતી. એ લોહી જોઇને તેમને વધું ઝનૂન ચડતું હતું. તેમનું દિમાગ હવે ખુદ તેમના જ કાબુમાં નહોતું રહ્યું. તેમના હદય ઉપર શૈતાને કબ્જો જમાવ્યો હતો. શૈતાન તેને વધુને વધું ઉશ્કેરતો રહ્યો. આખરે થાકીને લોથ થઇ ગયા ત્યારે તેમણે બાજુમાં પડેલો એક મોટો પથ્થર ઉઠાવ્યો અને બેહોશ હાલતમાં પડેલી છોકરીના મોઢા ઉપર દઇ માર્યો. ’ફચાક…’ કરતો અવાજ આવ્યો અને સહેજે પ્રતીકાર કર્યાં વગર એ છોકરી મોતને ઘાટ ઉતરી ગઇ. આ બાપુનો બીજો શિકાર હતો.” વૈદેહીસિંહ બોલતાં અટકયા અને અભય તરફ દ્રષ્ટી ફેંકી. “એ પાશવી ઘટનાને મેં નજરો સામે ઘટતાં નીહાળી નથી પરંતુ મને ખ્યાલ છે કે ત્યાં શું થયું હશે અને કેમ થયું હશે! મને આજે પણ એ વાકયાત યાદ કરતાં ધ્રૂજારી ઉપડી જાય છે.”

અભય કંઇ બોલ્યો નહી. તેણે બસ વૈદેહીસિંહના ચહેરાને ટગર-ટગર તાક્યે રાખ્યો. તેના કાન જે સાંભળી રહ્યાં હતા એ અવિશ્વસનીય હતું. આવા સિરિયલ કિલિંગનાં કિસ્સાઓ તેણે ફક્ત ફિલ્મોમાં જ જોયા હતા. પરંતુ ફિલ્મોમાં પણ આટલી ભયાનક હદે ક્રૂરતા તો નહોતા જ બતાવતાં. તેનું માથું ભમવા લાગ્યું હતું. વધું જાણવામાંથી એકાએક જાણે તેનો રસ ઉડી ગયો હોય એમ તે ઉભો થયો અને દિવાનખંડમાં આંટાં મારવા લાગ્યો.

@@@

વિષ્ણુંસિંહે લોહી નીતરતી લાશને પોતાના ખભે નાંખી અને કબિલાની ઉપરવાસ તરફ ચાલી નીકળ્યાં. રુખીનો દેહ જ્યાં સંતાડયો હતો તેની બરાબર બાજુમાં તેણે છોકરીનું શરીર સરકાવ્યું અને ફરીથી ગુફાનું મોં ઢાંકી દીધું. હાશ.. જબરજસ્ત આનંદનો ઓડકાર આવ્યો હોય એમ તેઓ ઝૂમી ઉઠયાં. આજે ફરી વખત તેમને કીક લાગી હતી. આજે ફરી વખત તેઓ રાજા બની ગયા હતા. એક અન્ય કુસુમદેવીને તેમણે મોતને ઘાટ ઉતારી દીધા હતા. હજુ એ અહેસાસની મજા માણવાનું તેમણે શરૂ જ કર્યું હતું કે અચાનક તેમની પાછળ કોઇક આવીને ઉભું રહ્યું હોય એવું લાગ્યું. તેઓ ચોંકી ઉઠયાં અને એક ઝટકા સાથે પાછળ ફર્યા.

એ સાથે જ તેમની આંખો પહોળી થઇ ગઇ. બરાબર તેની પીઠ પાછળ કબિલાનો મૂખિયા ઉભો હતો. જબરજસ્ત હૈરતથી તેમનું મોં પહોળું થયું હતું. મૂખિયો અહી ક્યારે આવી ચડયો એ ખ્યાલ તેમને આવ્યો જ નહોતો. તેઓ તો પોતાની મસ્તીમાં જ મહાલી રહ્યાં હતા. તેમાં મૂખિયાએ રંગમાં ભંગ પાડયો હતો. પહેલા તો વિસ્મયથી ઘડીક તેને જોઇ રહ્યાં અને પછી એકાએક તેમને ભાન થયું કે મૂખિયો તેમના માટે ખતરનાક નીવડી શકે છે. તેઓ સતર્ક થયાં અને સીધા જ તેની સન્મૂખ જઇને ઉભા રહ્યાં.

“ખબરદાર, જો તે કોઇને આ વિશે વાત કરી છે તો! તારું પણ આવી બનશે, સમજયો?” બાપુએ ગર્જના કરી. પણ મૂખિયો તો જાણે કશું જ સાંભળ્યું ન હોય તેમ પેલી ઝાડની ડાળખીઓ ઢાંકેલી ગુફા તરફ જોઇ રહ્યો હતો. તેના ચહેરા ઉપર ભયંકર આઘાતનાં ભાવ છવાયેલા હતા. તે થોડીવાર પહેલા જ જંગલમાં નીકળ્યો હતો. તેણે જોયું હતું કે કોઇ આદમી કશુંક તેના ખભે ઉઠાવીને પહાડ તરફ જઇ રહ્યો છે. તેને તાજ્જૂબી ઉદભવી કે આ સમયે જંગલમાં વળી કોણ હશે! તેણે તેનો પીછો આરંભ્યો. પહાડ ઉપર ચડતી વખતે જ તેણે કબિલાની કન્યાને એ આદમીના ખભે ઝૂલતી જોઇ હતી અને તેના હાજા ગગડી ગયાં હતા. ભયાનક આઘાતથી તે શૂન્યાવકાશમાં ચાલ્યો ગયો હતો અને કોઇ ચાવી દીધેલા પૂતળાની માફક જ એ આદમી શું કરે છે એ જોવા તેની પાછળ-પાછળ ચાલ્યો આવ્યો હતો.

વિષ્ણુંસિંહને સમજ પડી કે તે શું જોઇ રહ્યો છે. એ ખતરનાક હતું. તરત તેણે કંઇક કરવું જરૂરી હતું. તેમણે આજૂબાજૂ નજર ઘૂમાવી અને જમીન ઉપર એક વૃક્ષની મજબૂત ડાળખી પડેલી જોઇ. ક્ષણનાં ચોથાભાગમાં તેણે એ ડાળખી ઉઠાવી હતી અને મૂખિયાનાં માથે દઇ મારી હતી. મૂખિયો આઘાતથી ડરેલો જ હતો. તેમાં એકાએક માથાં ઉપર પ્રહાર થતા તે નીચે પડી ગયો. વિષ્ણુંસિંહે તેનું માથું ફોડી નાંખવાં ફરીથી ડાળખી ઉગામી જ હતી કે એકાએક તે થોભી ગયો. એક વિચાર તેમના મનમાં ઉદભવ્યો અને તેમના ચહેરા ઉપર કૂટિલ હાસ્ય છવાયું. આ મૂખિયો તેમને ઘણો કામ આવે એમ હતો. અરે… કબિલાની યુવતીઓને શોધવાની અને તેની પાછળ રાહ જોઇને સમય બગાડવાની જરૂર ખતમ થઇ જાય એમ હતી. તે મૂખિયાને વચ્ચે રાખીને કબિલાની યુવતીઓને પોતાની પાસે બોલાવી શકે એમ હતો. એ ખ્યાલે તેના જીગરમાં ઉત્સાહ ભરી દીધો.

તેમણે મૂખિયાને ઉઠાવ્યો અને પહાડ ઉતરીને પોતાની જીપ સુધી લઇ આવ્યાં. મૂખિયાને જીપની પાછલી સીટમાં નાંખીને સીધી હવેલી તરફ જીપને ભગાવી મૂકી હતી. પૃથ્વીસિંહજીની હવેલી પાછળ એક ઘોડાર હતું. હવે તો તેમાં ઘોડાઓ રખાતાં નહોતા કારણ કે ઘોડાઓની જરૂર રહી નહોતી. એ ઘોડાર સાવ અવાવરું પડયું રહેતું. વિષ્ણુંબાપુએ ઘોડારની પાછળ આવીને જીપ થોભાવી હતી અને મૂખિયાને ફરીથી ઉઠાવીને ઘોડારનાં માળિયે નાંખ્યો હતો. પછી તેઓ હવેલીમાં આવ્યાં અને મૂખિયાને જીવતો રાખવાં માટે ઉપયોગી સરસામાન લઇને પાછાં ઘોડારમાં આવ્યાં. તેમણે મૂખિયાને એક થાંભલા સાથે મુશ્કેટાઈટ બાંધ્યો અને તેનાં મોઢે ટેપ ચીપકાવી દીધી હતી. હવે તે કંઇપણ હલન-ચલન કે બૂમો પાડી શકે તેમ નહોતો. પોતે કરેલી વ્યવસ્થાથી ખુશ થયા હોય એમ તેમણે સંતોષનો એક શ્વાસ ભર્યો અને ઘોડારનો દરવાજો બંધ કરીને જાણે કંઇ જ ન થયું હોય એમ તેઓ હવેલીમાં પાછાં ફર્યાં.

પરંતુ એ તેમનો ભ્રમ હતો. કોઇક હતું જે તેમને બરાબર જોઇ રહ્યું હતું. કોણ હતું એ?

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 4 માસ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

Hiren Patel

Hiren Patel 2 વર્ષ પહેલા

Jayshree Thaker

Jayshree Thaker 3 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા