6. પહોંચ્યા સહુ ઠામે?
હતાશ, નિરાશ થઈ અમે થોડો સમય બેસી રહ્યા. બધે વીરતા કામ લગતી નથી. કાબે અર્જુન આમ જ લૂંટ્યો હતો. પણ બાકી રહેલાઓએ ટકી રહેવા ખાવું તો ખરું ને? અમે બાકી રહેલી ઘરડી સ્ત્રીઓ અને પુરુષોએ કોઈની નાનીશી પાઇપથી ટાંકીમાંથી સાચવીને એર ફ્યુએલ ખેંચ્યું. મેં ચેતવ્યા કે આ તો આપણા પેટ્રોલ કરતાં અનેક ગણું જવલનશીલ હોય. લાકડાના ઢગલા પર તે છાંટી અમે લાકડાં સળગાવ્યાં અને ખોરાક રાંધ્યો. ખોરાક એટલે? આસપાસ મળેલી વનસ્પતિનાં પાંદડાં અને વિમાનમાંથી મળેલા કેટલાક વાસી બ્રેડના ટુકડાઓ. અમુક ઉતારુઓ નારિયેળો લઈ આવ્યા પણ એ તોડવા કશું હતું નહીં. એરક્રાફ્ટમાં મોજુદ સળિયા અહીં કામ આવ્યા.
અમે મદદનો ઇંતેજાર કરતા રહ્યા. આ ટેકરી જેવી જગ્યા ઉપરાંત ટાપુ પર શું શું છે અને પેલા હુમલાખોર આદિવાસીઓ કઈ તરફ છે એનું સર્વેક્ષણ કરવા બે ત્રણ ટુકડીઓમાં વહેંચાઈ ટાપુનો ચકરાવો લેવો શરુ કર્યો. કોઈ, લગભગ તો પેલો ચીનો સૈનિક જ, એક ઊંચા ઝાડ પર ચડી શક્યો અને ત્યાં તેણે લાલ કપડું બાંધ્યું. એક મલયેશિયાના ભાઈને નારિયેળી પર ચડતાં આવડતું હતું. નારિયેળીનું એક ઝુંડ ટાપુ પર અમે હતા તેનાથી થોડે નીચે હતું પણ ખરું. થોડો દુર્ગમ રસ્તો હતો. કોઈ વિમાનની તૂટલી સીટનું એક હેન્ડલ કાઢવામાં સફળ થયું અને એનાથી, બીજી ડાળીઓથી માર્ગ કરતા તે નારિયેળીઓ સુધી પહોંચ્યા પણ ખરા.
અહીં નજીકમાં કોઈ પ્રાણી પણ ન હતાં કે શિકાર કરીએ. એક વયસ્ક, ચાયનીઝ સ્પોર્ટ્સ શિક્ષિકા મેડમે વૃક્ષની ડાળીમાંથી y આકારની ગિલોલ બનાવી બે ચાર સ્ત્રીઓની રબરબેન્ડ લઈ ઉડતાં કાગડા કે બતક જેવાં પક્ષીઓ પાડવાનું શરુ કર્યું અને બીજા બે ચાર લોકોને શીખવ્યું. એ મેડમ અમારી અન્નપૂર્ણા બની રહ્યાં. એ બતક પેલા તૂટેલા હેન્ડલ અને કોઈએ બીજે પ્લેનમાંથી જ ક્યાંકથી ખેંચી કાઢેલા પતરાંના ટુકડાથી કાપી, અગ્નિમાં શેકી અમે પેટ ભરવા લાગ્યાં અને ચારે બાજુ કોઈ વહાણ કે કોઈ મદદ મળે તે માટે ઘુમવા લાગ્યાં.
ચીનાઓ કહ્યા એટલે થઇ રહ્યું. એ લોકોને પેલા સૈનિકે બતાવ્યું એટલે કોઈ સાપ પકડી એનું માથું, પૂંછડી કાપી ટુકડા કરી ખાવો શરુ કર્યો.
આમને આમ બીજા થોડા દિવસો વહી ગયા. કો પાઇલોટ અને કોઈ ઉતારુએ લૂંટાઈ ગયા પછી બચેલી ખાલી સૂટકેસમાં પાણી ભરી લાકડી ખોસી તરાપા બનાવ્યા. પણ એ ટાપુની આજુબાજુ કામ લાગે, એના ઉપર હજાર માઈલ થોડું જવાય? જેનામાં શક્તિ બચી હતી એવા કેટલાક લોકો લાકડાંઓ કાપી, રેસાઓથી તરાપો બનાવવા લાગ્યા. પણ મધ દરિયે આપણું સ્થાન જાણ્યા વગર તરાપો કઈ દિશામાં, કેટલે દૂર લઇ જવો? તૈયાર થાય એટલે ટાપુથી થોડા દૂર જવું એમ નક્કી કર્યું.
ઓચિંતા, પ્રયત્ન કરતાં વિમાનની બ્લેકબોક્સમાં અમને પીંગ મળવા લાગ્યા. અમે જીપીએસ ચાલુ કરવા પ્રયત્ન કર્યો. બે ત્રણ દિવસ પીંગ મળ્યા પણ કોઈ જવાબ સામેથી ન આવ્યો. ફરી બધું શાંત થઇ ગયું. મેં પ્રયત્ન ચાલુ રાખ્યા. કોઈ રીતે અમારું સ્થાન કોઈ એર કંટ્રોલને પહોંચાડી શકાય તો બચી શકાય. પણ મારા પ્રયત્નો વ્યર્થ ગયા. ફરી એ સાધન ચાલુ થયું નહીં .
ગમે તે ખાઈને કે ભૂખમરાથી થોડા ઉતારુઓ મૃત્યુ પામ્યા. એનાં શરીર ખાવા બીજા કેટલાકે પ્રયત્ન કર્યો પણ મેં એમને બળપુર્વક અંકુશમાં લઇ લીધા. જીવવા માટે અંદરોઅંદર લડાઈઓ થવા લાગી.
આખરે પેલી ટુકડીએ તરાપા બનાવ્યા અને બે ત્રણ ટુકડીઓ ટાપુ આસપાસ અલગ અલગ દિશાઓમાં ગઈ. કેટલાક લોકો ટાપુની અંદર ઊંડે ગયા અને અમને પ્લેનમાં મળેલા પતરાંનો ઢોલ બનાવી સંદેશ આપવા લાગ્યા. હું અને કો પાઇલોટ વિમાન પાસે રહી જે બચ્યું એની ચોકીમાં અને સંદેશ ચાલુ કરવામાં રહ્યા.
એ રાત્રે કો પાઇલોટ એક કપડાં પર ફ્યુએલ છાંટી મશાલ સળગાવી જંગલમાં ગયો. એ બીજી દિશાએ એક ટેકરી તરફ જતો હતો. એ પડી જતાં મશાલ બુઝાઈ ગઈ અને એ ઊંડી ખીણમાં પડી મરી ગયો. ગીધો કોણજાણે ક્યાંથી આવી ખીણમાં ઉડતાં શબ પડેલું જોઈ તેને ખાવા લાગ્યાં એટલે તો મને તેના મૃત્યુની ખબર પડી.
તરાપા પર મોટું મોજું, શાર્ક કે કઈં પણ ત્રાટક્યું હોય, પેલા ચીના જેવા તાઇવાનના સૈનિક ડૂબી ગયા અને એનો કે તેની સાથે ગયેલા પાંચ પુરુષોનો કોઈ પત્તો જ ન મળ્યો.
વૃદ્ધ સ્ત્રીઓ અમને કઈંક પણ રાંધી આપવા લાગી અને જંગલમાં જવાય એટલે અંદર જઈ લાકડાં વગેરે લાવવા લાગી. પણ એક પછી એક તેઓ જંગલમાં કાં તો સાપ જેવું કઈંક કરડવાથી, થોડા દિવસે કહોવાયેલા મૃતદેહના સ્વરૂપે મળી. કાં તો ભૂલી પડવાથી ગુમ થઇ ગઈ. બની શકે કે આદિવાસીઓની નજીક જઈ ચડી હોય અને એમને આદિવાસીઓએ મારી નાખી હોય.
ખોરાકના અભાવે, જંતુ કે સાપ કરડવાથી કે કોઈ પણ કારણે બાકીના ઉતારુઓ ઝડપથી મરવા લાગ્યા. એમની ઝડપથી કહોવાતી લાશોને દરિયાને હવાલે કર્યા સિવાય મારે છૂટકો ન હતો.
બચેલા ઉતારુઓ બીજી તરફ કોઈ આવે તો એ જોવા ગયા. હું હજુ આશા ભર્યો વિમાન નજીક બેસી ચોકી કરતો અને ઊંચી જગ્યા હોઈ કોઈ દેખાય તો ધ્યાન ખેંચવા એ ટેકરી પર જ રહ્યો. એ લોકો પણ દિવસે સૂર્યની મદદથી અને રાત્રે ધ્રુવ તારાની મદદથી અફાટ સમુદ્રમાં દિશા ગોતવા લાગ્યા. અમે દક્ષિણ ગોળાર્ધમાં ઘણા જ પૂર્વ તરફ હતા એમ લાગ્યું. એક પછી એક લોકો ગુમ થવા લાગ્યા. ટાપુની પાછલી બાજુએ ગયેલા રહ્યા સહ્યા બચેલા લોકોનો કોઈ સંદેશ હવે નથી.
તેઓ ઘેર જરૂર પહોંચ્યા પણ ભગવાનને ઘેર. જ્યાં દરેકે કોઈ ને કોઈ સમયે જવાનું હોય છે.
મને ઘોર નિરાશા થઈ કે મારી આવું કપરું ઉતરાણ કરી લોકોને જીવતા ઉતારી બચાવવાની મહેનત સફળ ન થઇ. તેમના વાટ જોતા સંબંધીઓના આતુર ચહેરા જાણે મને ઠપકો આપતા હતા, મારી પાસે તેમને સલામત પહોંચાડવા આતુરતા ભરી મીટ માંડતા, યાચના કરતા હતા. હું કઈં જ કરી શકું એમ ન હતો.