તો હવે આ કડી જેમ તેમ જીવ્યો-
“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.”
સલામત ઉતાર્યા તો ખરા. હવે મારા પ્રિય ગીતની એક જ આખરી કડી મારે જીવવાની બાકી રહી-
“વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં
સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .”
દૂર દેશ, કોઈ અજાણ્યા, કદાચ કોઈ પણ દેશ નથી તેવા દેશે કે સ્થાને તો સહુને પહોંચાડયા.
સમય સાથે નહિ તો મોડામોડા પણ, મારી સાથે ઉડે એને ઘેર જરૂર પહોંચાડવા માટે.
જો બધી કડીઓ જીવ્યો તો આ છેલ્લી કડી કેમ બાકી રહેશે?
લાંબા સમયથી હું એકલો અટુલો રાહ જોયે રાખતો હતો. ઉપરથી વિમાનો પસાર થયેલાં પણ મેં આગ સળગાવવા છતાં એમનું ધ્યાન ગયું ન હતું.
સમયે આખરે મને સાથ આપ્યો. હું બાકીનાને જરૂર સુરક્ષિત મુકામે પહોંચાડીશ. જો એ આ ટાપુ પર જીવતા મળે તો.
અને આખરે એક દિવસ મને દૂર એક ટપકું દેખાયું . મને ચોક્કસ લાગ્યું કે લગભગ તો કોઈ શીપ જ છે. આ દૂર ક્ષિતિજે આકાશમાં પણ કોઈ ટપકું દેખાતું લાગે છે. સહેજ પણ સમય ગુમાવ્યા વગર હું મારૂં વસ્ત્ર ફરકાવતો તૂટેલી પાંખ સાથે બાંધેલ દોરડેથી વિમાન પર ચડવા લાગ્યો. આ વખતે તો હું સફળ થઈશ જ, એ નિર્ધાર સાથે.
અને મારી આખરી કડી પણ જીવવાનો મોકો મળ્યો. તમે મારી નારીયેળી પર ફરકાવેલી ધજા જોઈ. તમે વહાણ નજીક લાવ્યા. મેં ફરી ઢોલ વગાડ્યો. મેગાફોન જેવું બનાવેલું તે શંકુ આકારનું ભૂંગળું વગાડ્યું.
સામેથી આગ દેખાઈ. દરિયામાં ઝડપથી સરતો તરાપો અને એની ઉપર મિલિટરી કલરની ધજા જેવું! અરે, આ તો પેલા લશ્કરી મહાશય! તેઓ તો જીવે છે! સાથેના પાંચ પુરુષોને પણ તેમને પોતાની આગવી સીટી વગાડી બોલાવી લીધા.
જોતજોતામાં 45 ઉતારુઓ એકઠા થઈ ગયા. ઉંમરલાયક સ્ત્રીઓ અને બચેલા પુરૂષો. બે કિશોરો.
સહુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. કોઈએ ધાર્યું ન હતું કે આટલા વખતે તેમની ભાળ મળશે અને તેઓ જીવતા પરત જશે.
તેમની પાસે ડ્રેસ તો ક્યાં બચ્યા હોય જો હું પણ પ્રાચીન ઋષિઓ ની જેમ પાંદડાં પહેરી ફરતો હોઉં!
તેમને સહુને આપના તરફથી સફેદ કપડાં ના ટુકડા આપવામાં આવ્યા. જે ક્યારેક પણ તેમની ભાળ માલી હોટ તો તેમના સડી ગયેલા દેહ પર ઢંકાયા હોત. પેલી ખ્રિસ્તી સાધ્વીએ તો તેના ફ્રોકની ઘેર કાપીને કાપડ કરી જ રાખેલું. ચીની મિલિટરી વાળા મહાશય તો તેમનો ચામડા નો પટ્ટો જ ગુહ્યાન્ગો ઢાંકવા પહેરીને તરાપામાં ફરતા હતા. જોખમ લાગે કે એ જ પટ્ટો કાઢી વાર કરવાનો. સહુએ કાયાઓ એ કાઓળના ટુકડાઓ આપની સાથે જ લાવેલી કાતરથી કરી વીંટયા. તે બદલ આપની ટીમનો હાર્દિક આભાર.
તેઓ એ વિચારે રોમાંચિત થઈ ઉઠ્યા કે તેમના સગાઓને એટલા લાંબા સમયે તેઓ જીવતા મળશે. તેમની સાથે મેં પણ આશા મૂકી દીધેલી.
અને તમે વિમાન બોલાવ્યું. વિશ્વ માનતું નહીં હોય કે અમે જીવીએ છીએ. ફ્લાઇટ MH370 નું પ્લેન તો અમારા સાહસની યાદ અપાવતું આ પડ્યું. નવા નાના વિમાનના પાઈલોટ આપને મેં વિનંતી કરી કે અહીંથી બૈજિંગ તો હું જ ઉડાડીશ. તમે પ્લીઝ. મારા કોપાઈલોટ બનો. તો જ મારી આ આખરી કડી ,
“તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની
આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.”
જે જીવવા હું એટલું મથ્યો, તે પણ પુરી થાય.
આ પંખા ફર્યા, આ ઘુરઘુરાટ થયો. અને બાકીના, મોતને જીતી ગયેલા સાહસિક યાત્રીઓ ભેગા આપણે આ ઊડયા..
વહેલું આવે બૈજિંગ. અત્યારે તો હવા પણ શાંત છે. હું બને તેટલો જલ્દી અને સલામત રીતે સહુને પહોંચાડીશ. આખરી કડી પણ જીવીશ.
(સમાપ્ત)