Chhelli kadi -1 books and stories free download online pdf in Gujarati

છેલ્લી કડી - 1

1.એકલો અટુલો હું ઝાંખો પડયો. ..

સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની અંતિમ કડી જીવી લઉં. જીવવી જ પડશે. બીજાઓને જીવાડવા. કેમ? ચાલો, કહું.

મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ અત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો છું કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે. કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો છું? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો છું, સમુદ્ર સામે જોતો એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો છું.

સમય, તું કેટલો વહી ગયો એ ખબર નથી. વહ્યે રાખ. હું એકલો અટુલો ઝાંખો નહીં જ પડું.. નહીં મારુ નામ ઝાંખું પાડું.

અહીં સમય જોવા કેલેન્ડર નથી કે નથી ઘડિયાળ. સૂર્યની સ્થિતિ જોઈ આભ ના ડાયલ પરથી સમય કહું છું. સુર્યની સ્થિતિ મુજબ જુલાઈ હોવો જોઈએ કેમ કે દિવસ ખુબ લાંબામાંથી સહેજ ટૂંકો થયો છે.સુર્ય સાવ ઉત્તર તરફથી સહેજ દક્ષિણે ગયો છે. ધ્રુવના તારા પરથી હું આ કહી શકું છું. મારી રિસ્ટવોચના બટનસેલ બે વર્ષથી બંધ પડી ગયા છે. હું પાંદડાંઓ, ફળો ખાઈ, નારિયેળ કે દરિયાનું ઉકાળેલું પાણી પી જીવું છું. મારા વાળ દાઢી વધી ગયાં છે. અંગે આ ચીંથરાં, પાંદડાંઓ પહેર્યાં છે. મારે બેસવા સુવા આસપાસ રેક્ઝિનના ટુકડાઓ છે. મારી સાથે બીજા સાથીઓ હશે ખરા. કેમ હશે કહું છું? તેઓ હોવા જોઈએ, આસપાસ જ ક્યાંક પણ અત્યારે તેમનો કોઈ પત્તો મને નથી.

હું આ નિર્જન ટાપુ પર સાવ એકલો છું. ક્યાંય કોઈ દેખાય તો બોલાવવા આંખોનું છાજવું કરી જોઈ રહ્યો છું.

હું ક્ષિતિજમાં મીટ મંડી રહ્યો છું. કોઈક તો આવશે અને મને શોધી કાઢશે. પછી હું મારું લક્ષ્ય પાર પાડીશ. કયું લક્ષ્ય? એક છેલ્લી કડી ગાઈ, એને જીવી લેવાનું. કઈ છે તે કડી? કહું છું.

શાંતિ ધરો, હું આટલાં વર્ષોથી શાંતિ ધરીને બેઠો છું. બેઠો એટલે નિષ્ક્રિય નહીં. તક ની રાહમાં.

એકાંત, સર્વત્ર નીરવ એકાંત. એકાંતમાં પડઘાતા મારા અવાજે હું તમને મારું પ્રિય ગીત સાંભળવું છું. મને ખુબ ગમતું. શાળામાં ભણતો ત્યારે ભણવામાં આવતું અને હું ગાતો એ ગીત- જેની એક એક કડી હું જીવ્યો છું અને મારે છેલ્લી કડી જીવવાની બાકી છે તો એ માટે જ સમયનાં ચક્રો ઉલટાં ફેરવવાં છે.

તો હું ગાઉં છું મારું આ પ્રિય ગીત-


“ વિશાળ ગોળ વિશ્વ તણો હું બનીશ એક વિમાની.

નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઇં નાની.

ગરુડ સમાણું વિમાન મારું સરરર ઊંચે ચડશે

વીજ વિલસતાં વાદળ વીંધી આકાશે જઈ અડશે.

ચક્કર પર ચક્કર લેતું એ માપ ધરાનું લેશે

સાતે સાગર ઉપર થઈને ઘુમશે દેશ વિદેશે.


વિમાન મારું જ્યાં જશે ત્યાં નભમાં ઉષા છવાશે,

મંગળ મહિમા ગાતી પાસે જળહળ જ્યોત છવાશે.

ગરવા રવ વિમાનના મારા પૃથ્વી પર પડઘાશે

ઝીલીશ હું એને એ તો આભ મહીં ફેલાશે.


તૈયાર રહો સહુ ઉડાન મારી છે મુકામ છૂવાની

આબાલવૃદ્ધ સહુને એ તો સલામત ઉતારવાની.

વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં

સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .


વિશાલ ગોળ વિશ્વ તણો હું બનીશ એક વિમાની

નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઇં નાની.”


હાસ્તો. મારું કદ સામાન્ય ઊંચું,, પણ સાહસ વૃત્તિ આભ જેટલી ઊંચી છે. મારું હૈયું ભલે મુઠ્ઠી જેવડું છે પણ હોંશ તો અનંત જ હોય ને? હું આખરે કોણ? સાંભળો. ખબર પડતાની સાથે જ ચોંકી જશો..

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED