મારી ચૂંટેલી લઘુકથાઓ - 28 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 28

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

યોદ્ધાઓ પરાજીત નથી થતા

એ જાણે છે કે છેવટે તો તેણે પરાજીત થવાનું જ છે, પરંતુ તેમ છતાં તે પૂરી લગન સાથે જીવનભર આ લડાઈ લડતો આવ્યો છે. એ મોટો છે પરંતુ તેને કાયમ નાનો બનાવવામાં આવે છે. તે બાળપણથી જ સાંભળતો આવ્યો છે કે તેનું મગજ લાકડાનું છે અને આથી ભણવું ગણવું તેના વશની વાત નથી. એટલે તેને ખેતીવાડીના પેઢીઓ જુના કાર્યમાં લગાવી દેવામાં આવ્યો અને એણે પણ ચુપચાપ હળ પકડી લીધું. નાનો ભણવામાં હોંશિયાર હતો, બાપુએ કેટલાક ખેતરો વેંચીને તેને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને તે એક એમએનસી કંપનીમાં અધિકારી બનીને અમેરિકા જતો રહ્યો. મોટો અભણ હોવાને કારણે તેના લગ્ન ન થઇ શક્યા, તો ત્યાં વિદેશમાં નાનાની પત્ની ગોરી મેડમ છે અને તે ત્યાં બે ગોરાગોરા બાળકોનો બાપ બની ચૂક્યો છે. મોટાને આજે પણ યાદ છે કે મા ના મૃત્યુ બાદ નાનો છેક તેરમાના દિવસે જ અમેરિકાથી પરત આવી શક્યો હતો અને એ પહેલાના તમામ ક્રિયાકર્મ તેણે જ પુરા કરાવ્યા હતા, પણ નાનાને તેરમાના દિવસે આવેલો જોઇને બાપુની આંખમાં જે ચમક તેણે જોઈ તે જોવા માટે એ આખું જીવન વલખાં મારી ચૂક્યો હતો. નાનાના ખભાને બાપના આંસુઓએ કાયમ ભીનો કર્યો છે પરંતુ તેનો ખભો કાયમ સુકો રહી ગયો છે.

નાનો આજે ફરીથી સપરિવાર અમેરિકાથી ગામડે આવ્યો છે. પણ શું એ ખરેખર એ જ નાનો છે? ના આ એ તો બિલકુલ જ નથી. પીળો પડી ગયેલો ચહેરો, ટેક્સીમાંથી ઉતર્યો તો એક તરફ પત્ની અને બીજી તરફ દીકરાએ તેને પકડીને રાખ્યો હતો. હાલક ડોલક થતા પગથી તે ઉંબરે પહોંચ્યો તો મોટો તરતજ એને ભેટી પડ્યો.

“ના ભાઈ, તું મારો નાનો ભાઈ છે, તું ચિંતા ન કર. તને કશું જ નહીં થાય. હું તને મારી કીડની આપીશ. બસ આટલું સાંભળીને નાનો ડૂસકાં ભરી ભરીને અસ્ખલિતપણે રડવા લાગ્યો છે અને આજે મોટાનો ખભો પણ ભીનો થયો છે.

***