મારી ચૂંટેલી લઘુકથાઓ - 29 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 29

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

અસમંજસ

અનિલ અને હું બાળપણના મિત્રો છીએ. તે ખૂબ ભાવુક છે અને આ દુનિયાના હિસાબે તો અત્યંત મુર્ખ પણ છે. એક શહેરમાં રહેવા છતાં પણ અમે ત્રણ ચાર મહીને એક જ વાર મળી શકીએ છીએ પરંતુ એ જ્યારે પણ મને મળે છે ત્યારે તે મને પોતાના વણઉકલ્યા પ્રશ્નોથી મુશ્કેલીમાં નાખી દેતો હોય છે. હજી ગઈકાલે રાત્રે જ એ મને મળ્યો હતો. આ વખતે પણ મારી પાસે તેના પ્રશ્નોના કોઈજ ઉત્તર ન હતા. મેં શાંતિથી મારો હાથ તેના ખભે મૂકી દીધો હતો. એ વખતે તો એ ચુપચાપ જતો રહ્યો હતો પરંતુ તેના પ્રશ્નો સતત મારો પીછો કરી રહ્યા છે. આ પ્રશ્નોથી પીછો છોડાવવા માટે મેં એક જ ઉપાય વિચારી રાખ્યો છે કે તેમને હું એમનેમ એના જ શબ્દોમાં વાચકોની સમક્ષ રાખી દઉં.

“આજે બુધવાર છે અને હું રવિવારે ગામડે જઈને બે કલાક માટે મારા વૃદ્ધ માતાપિતાને મળ્યો હતો. પરંતુ શું તેને ખરેખર મળવું કહી શકાય? હું અસમંજસમાં છું.”

“અમે ચાર ભાઈઓ છીએ અને ચારેય અલગ અલગ શહેરોમાં પોતપોતાના પરિવારો સાથે આનંદથી રહીએ છીએ. પણ શું અમે ખરેખર આનંદથી રહી રહ્યા છીએ? હું અસમંજસમાં છું.”

“મારી બે બહેનો છે અને બંને મોટા પરિવારોમાં નિશ્ચિંતપણે જીવન જીવી રહી છે. પરંતુ તેઓ ખરેખર નિશ્ચિંતપણે જીવન જીવી રહી છે ખરી? હું અસમંજસમાં છું.”

“મારા માતાપિતા એંશી પાર કરીને હવે શરીરથી અશક્ત બની ગયા છે. તેઓ ગામના અમારા મકાનમાં સ્વેચ્છાએ એકલા રહે છે. પરંતુ શું તેઓ ખરેખર સ્વેચ્છાએ જ એકલા રહે છે? હું અસમંજસમાં છું.”

વાચકો, શું તમે અનિલની આ અસમંજસ પરિસ્થિતિને દૂર કરવામાં તેની કોઈ મદદ કરી શકશો?

***