મારી ચૂંટેલી લઘુકથાઓ - 27 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 27

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

ભ્રમ-ભંગ

જુનની ભયંકર ગરમીવાળી બપોરમાં એરકન્ડીશન્ડ રૂમમાંથી બહાર નીકળ્યો તો વિશાલને એમ લાગ્યું કે તે સ્વર્ગમાંથી નરકમાં આવી ગયો છે.

ફરીથી આકાશમાં વચ્ચે સૂરજ તપી રહ્યો છે, ફરીથી એ જ ડામરની સળગતી સડક છે અને ફરીથી મનમાં એ જ ફિટકાર વરસી રહ્યો છે, “છેલ્લા ત્રણ મહિનાઓની જેમ આ ત્રણ મહિનાઓમાં પણ તું પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો આવું જ રહ્યું તો કંપની વધુ સમય તારો ભાર ઉપાડી નહીં શકે.”

ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... ટ્રીંગ... એનામાં એટલી હિંમત પણ બચી ન હતી કે તે મોબાઈલને કાન પર મૂકીને હેલ્લો બોલી શકે.

મોબાઈલે બંધ તો થવાનું જ ન હતું અને તે થયો પણ નહીં.

“બોલો...” એ કંટાળીને બોલ્યો.

“શું વાત છે દીકરા, કોઈ તકલીફ છે કે શું?”

“મા.. ના મા.. હું ઠીક છું.” ગરમ સૂરજને નાનકડા વાદળે ઢાંકી લીધો છે અને તે રડતા રડતા રોકાઈ ગયો.

“જો દીકરા, તું શહેર માટે નથી બન્યો.”

“ના મા, આ જ મારું લક્ષ્ય છે.” એ સત્યને નકારી કાઢવા માંગે છે પણ બીજી તરફ મા છે જે તેને છેક ઊંડેથી ઓળખે છે.

“બેટા, અહીં ગામડામાં બધા તારા છે, ત્યાં શહેરમાં તારું કોણ છે રે?”

“શહેરમાં હું ખુદ છું... ગામડાએ તો મારી ઓળખાણ જ છીનવી લીધી હતી.”

“ભણીગણીને તું બહુ મોટો બની ગયો છે દીકરા, બહુ મોટી મોટી વાતો કરવા લાગ્યો છે ને કાંઈ?”

“મા..!”

“તું ભ્રમમાં પડી ગયો છે રે વિશુ! ગામમાં તું બનવારીલાલનો દીકરો હતો... આખું ગામ તારું ખુદનું હતું બેટા!”

“પણ મારું વજૂદ ક્યાં હતું મા?” એ હવે હઠ પકડી રહ્યો હતો.

“શહેરમાં તારું વજૂદ છે કે? બાપનું કહેલું મન પર ન લેવું, દીકરા!”

“મા...” વાદળું સૂરજથી દૂર જઈ રહ્યું છે, તાપ ફરીથી વધી રહ્યો છે.

“આવતો રહે દીકરા. અહીંયા એ પણ પશ્ચાતાપમાં સળગી રહ્યા છે, ત્યાં તું ભટકી રહ્યો છે. આનાથી કશુંજ હાંસલ નહીં થાય રે! બધું તારું જ તો છે. અમે કેટલા દિવસ રહીશું? તારું બધું સંભાળી લે.” સામે છેડે થી અવાજ તૂટવા લાગ્યો છે.

વિશાલ ચૂપ છે... બિલકુલ ચૂપ. ત્યાંથી ફોન કપાયો નથી. તેના પગ રેલ્વેના રિઝર્વેશન કાઉન્ટર તરફ આગળ વધી રહ્યા છે... વધી રહ્યા છે. ગરમ સૂરજને ફરીથી નાનકડા વાદળે ઢાંકી લીધો છે.

***