અર્ધ અસત્ય. - 51 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 51

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫૧

પ્રવીણ પીઠડીયા

અભય ભીલ લોકોના કબિલામાં પહોંચીને ચોગાનમાં ઉભો હતો. અહીં આવ્યો ત્યારની તેના મનમાં એક જ વાત રમતી હતી કે વર્ષો પહેલાં જે ભીલ યુવતી અચાનક ક્યાંક ગાયબ થઇ ગઇ હતી એનું સત્ય શું છે એ જાણવું અને તેનો પૃથ્વીસિંહજીના ગાયબ થવા સાથે કોઇ સંબંધ હોય તો એનો સંદર્ભ તપાસવો. કબિલામાં પ્રવેશ્યાં બાદ તેણે મુખિયાની પૃચ્છાં કરી એટલે એક બાળક દોડીને મુખિયાને બોલાવી લાવ્યો હતો. મુખિયો ખબર નહીં કેમ પણ તેને જોઇને ચોંકયો હોય એવું લાગ્યું પરંતુ પછી તેણે તેને આવકાર્યો હતો અને નજીકનાં એક ઝૂપડાની પરસાળમાં ખાટલો ઢળીને તેને બેસવાં કહ્યું હતું. તેઓ ખાટલાં ઉપર બેઠા અને એમ જ, સાવ ઔપચારીક રીતે વાતચીતની શરૂઆત થઇ હતી. અભયે સૌ-પ્રથમ પોતાનો પરીચય આપ્યો હતો અને તેના આગમનનું કારણ જણાવ્યું હતું. એ દરમ્યાન એક પંદરેક વર્ષનો છોકરો તેમની નજીક આવીને ઉભો રહી ગયો હતો.

પણ… અભયના આગમનનું કારણ જાણીને મુખિયાની આંખો પહોળી થઇ હતી અને તેનું બોખું મોં ભયાનક આશ્વર્યથી ખૂલી ગયું હતું. તેના કરચલીવાળા ચહેરા ઉપર એકાએક મોતનો માતમ છવાયો હોય એમ આતંકનાં ભાવો પ્રસર્યાં હતા અને તેનું શરીર થોડું ધ્રૂજયું હોય એવું પ્રતિત થયું. તેણે શંકાશિલ નજરોથી પહેલાં તો અભયને બરાબર તાકયો અને પછી ઉભા થઇને પરસાળની નાનકડી અમથી જગ્યામાં ટહેલવાં લાગ્યો. તેમની એ હરકત ઉપરથી અભય સમજી ગયો હતો કે તીર બરાબર નિશાને લાગ્યું છે અને તે યોગ્ય ઠેકાણે આવી પહોંચ્યો છે.

“વર્ષો પછી કોઇએ આ વાત ઉખેળી છે. તમે પોલીસવાળા છો તો તમને ખબર જ હોવી જોઇએ કે આ કબિલામાંથી કોણ ગાયબ થયું હતું અને શું કામ ગાયબ થયું હતું?” એ બુઢ્ઢાનાં સવાલમાં આક્રોશ ભળેલો હતો. તેની ઉંડી ઉતરી ગયેલી આંખો અભયને જાણે ડારો દેતી હોય એમ તેની તરફ તકાઇ હતી. અભયને સમજાયું નહી કે તે શું બોલે? તેણે તો ભરૂચનાં સ્ટોરરૂમમાં મળેલી કેસ ફાઇલમાં માત્ર એટલું જ વાંચ્યું હતું કે રાજગઢની પાછળ આવેલાં જંગલમાં વસતાં કબિલામાંથી એક ભીલ યુવતી ગાયબ થઇ હતી. એ કેમ કરતાં ગાયબ થઇ હતી અને તેને કોણે ગાયબ કરી હતી એ વિશેની કોઇ જ ડિટેઇલ એ કેસ પેપરમાં નહોતી. એવું લાગતું હતું કે જાણે એ કેસની તપાસ થઇ જ નહોતી અને વગર તપાસે એમ જ ફાઇલને અભરાઇએ ચડાવી દેવાઇ હશે. એ હકીકત અત્યારે તેને સમજાઇ રહી હતી. ખરેખર તો એવું કેમ હતું એ જો વિચાર્યું હોત તો અત્યારે આ બુઢ્ઢા મૂખિયાને ચોક્કસ તે જવાબ આપી શકવાં સમર્થ હોત. પણ એ વખતે તેનું સમગ્ર ધ્યાન પૃથ્વીસિંહજીની ફાઇલ શોધવામાં હતું એટલે એ કેસ પેપરમાં શું ઘટે છે એ તેની નજરોમાંથી નિકળી જ ગયું હતું.

“હું એ જાણવાં જ અહી આવ્યો છું. એ સમયે શું થયું હતું દાદા?” એકાએક અભયના અવાજમાં જબરૂં પરિવર્તન આવ્યું હતું અને તે જાણે પોતાના જ સગ્ગા દાદા સાથે વાત કરી રહ્યો હોય એવી ભાવુકતાં ભળી હતી. તેને ખુદને સમજાયું નહી કે અચાનક તેનો અવાજ ઢીલો કેમ પડી ગયો હતો અને તેણે મૂખિયાને દાદા કહીને શું કામ સંબોધ્યાં હતા? પણ તેના એ સંબોધનની ધારી અસર ઉપજી હતી. મૂખિયાના ચહેરાની રેખાઓ એકાએક નરમ પડી ગઇ હતી અને ચહલ-કદમી અટકાવીને તેમણે ફરી પાછી ખાટલે બેઠક લીધી હતી. તેમનો ગુસ્સો, તેમનો બધો આક્રોશ જાણે હવા બનીને ઉડી ગયો હોય એમ આપોઆપ તેઓએ બોલવાની શરૂઆત કરી હતી. તેમણે અભયને એક કહાની કહેવાની શરૂઆત કરી.

એક એવી કહાની જેમાં દર્દની પરાકાષ્ટાં ભળેલી હતી. ક્રૂરતાની ચરમસીમા હતી. વાસના અને હૈવાનિયતનો નગ્ન ખેલ ખેલાયો હતો. અરે ઈન્સાનિયત ઉપરથી ખુદ ભગવાનને પણ ભરોસો ઉઠી જાય એવું શૈતાની ષડયંત્ર રચાયું હતું અને અતી બર્બરતા પૂર્વક એ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો. એક નહીં પરંતુ સાત-સાત માસૂમ કન્યાઓનો ભયાવહ ચિત્કાર એ કહાનીમાં ભળેલો હતો. તેમની માસૂમિયતને ભારે બેરહમીથી કચડી નાંખવામાં આવી હતી અને આટલું ઓછું હોય એમ સાક્ષાત મોત પણ થથરી જાય એવી બેરહમીથી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. એ મોત સમયે તેઓ એટલી તડપી હતી, એટલી કરગરી હતી, એટલાં ભયાનક દોઝખમાંથી પસાર થઇ હતી કે ખુદ ભગવાન પણ તેમની નોંધ લેવા મજબૂર બન્યો હતો. એ ભયાવહ હતું. ભયાવહ અને બિભત્સ. સાત-સાત માસૂમ બાળાઓ નો હૈયાફાડ ચિત્કાર જાણે ભગવાનનાં કાને સાંભળાયો હોય એમ… તેમનો કબિલો જે જગ્યાએ સ્થિત હતો એ પહાડ ઉપરથી એક પછી એક એમ સાત ધોધ વહેવા શરૂ થયાં હતા. જ્યાં આજ સુધી ગમે તેટલો વરસાદ પડે તો પણ સહેજે પાણી ભરાતું નહી એવાં સુરક્ષિત સ્થળે એકાએક ઝરણાઓની હારમાળા ફૂટી નિકળી હતી અને ત્યાં નાનકડું અમથું એક સરોવર રચાયું હતું.

એવું કેમ કરતાં થયું હતું એ આજ સુધી કોઇ સમજી શકયું નહોતું. કદાચ ઈશ્વરનો એ કોઇ સંકેત હતો કે બીજું કંઇક, પરંતુ એક વાત સત્ય હતી કે સાત કન્યાઓનાં સ્થાન આ સાત ઝરણાઓએ લીધા હતા. કબિલાના મૂખિયા, એટલે કે દાદા.. આ ઘટનાનો યથાર્થ બહું સારી રીતે સમજ્યાં હતા અને એટલે જ તેઓ દર વર્ષે એ દેવીઓનાં દર્શને જતાં. તેમના હદયમાં કબિલાની દિકરીઓને બચાવી ન શકવાની જે ગ્લાની જન્મી હતી, એ ગ્લાનીને મિટાવવા તેઓ દર વર્ષે ઝરણાઓ સ્વરૂપે વહેતાં આ સાત ધોધનાં દર્શને આવતાં. તેમને લાગતું કે ક્યારેક તો ભગવાન તેમનાં આસુંઓ જોઇને પીઘળશે, ક્યારેક તો એ માસૂમ કન્યાઓને ન્યાય મળશે. એવી એક અમર આશા તેમનાં દિલમાં સતત પ્રજ્વલીત રહેતી હતી.

@@@

અભય ભયાનક આઘાતથી એ કહાની સાંભળી રહ્યો. કોઇ ગહેરાં, ઉંડા ભમ્મરિયા કૂવામાં તેને ફેંકી દેવામાં આવ્યો હોય અને ઉપરથી એ કૂવાનું મોં બંધ કરી દેવામાં આવ્યું હોય… ત્યારે જે ગુંગળામણ, જે ડર, એક પ્રકારનો મુંઝારો ઉદભવે, એવું જ અભયને અત્યારે થતું હતું. તેનું હદય એટલાં જોરથી ધબકતું હતું કે હમણાં જ છાતીનાં પાટિયા ફાડીને તે બહાર નિકળી આવશે એવું લાગતું હતું. તેને પોતાનાં જ કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે તે જે સાંભળી રહ્યો છે એ સત્ય છે કે કોઇ છળ! તેની આંખોમાં આશ્વર્ય, અવિશ્વાસ અને ધ્રૂણાનો મહાસાગર ઉમટયો હતો અને તે અપલક દ્રષ્ટિથી કબિલાના બુઢ્ઢા મુખિયાના સાવ નંખાઇ ગયેલા કરચલીવાળા ચહેરા સામું જોઇ રહ્યો. તેના જીગરમાં દાવાનળ સળગ્યો હતો અને તેનું શરીર કંપવા લાગ્યું હતું. કોઇ આટલું બેરહમ કેવી રીતે હોઇ શકે? અને આટલી બર્બરતા તો કદાચ કોઇ ભયાવહ યુધ્ધમાં પણ નહી વર્તાઇ હોય. તે એકાએક ઉભો થઇ ગયો અને પોતાના દાદાની ઉંમરનાં એ બુઢ્ઢા આદમીની આસુંઓ ભરી નિષ્તેજ આંખોમાં તાકીને બોલ્યો.

“જે પહેલાં ન થયું એ હવે થશે દાદા. એ સાત દેવીઓનું તર્પણ પણ થશે અને તેના અસલી ગૂનેહગારને સજા પણ મળશે. મારું તમને વચન છે કે એમના કર્મોની સજા હું તેને અપાવીને જ જંપીશ. પછી ભલે મારે ગમે તે હદ સુધી જવું પડે.” તે ધ્રૂજતો હતો. તેની આંખોમાં ક્રોધનો દાવાનળ સળગી રહ્યો હતો. આ બનાવ સાથે તેને કશી જ લેવાદેવા નહોતી. તે ફક્ત પૃથ્વીસિંહજીની અને પોતાના મિત્ર અનંતની તલાશ કરતો અહી સુધી પહોંચ્યો હતો. પરંતુ હમણાં તેણે જે કહાની સાંભળી હતી એ તેના રોમ-રોમને દઝાડી ગઇ હતી. ભયંકર ક્રોધથી તેનું અંગ-અંગ ફડકતું હતું. અનાયાસે જ તે પેલા છોકરાની નજીક ગયો અને તેના માથે હાથ ફેરવ્યો. અને પછી કંઇ જ બોલ્યાં વગર તે ત્યાંથી રાજગઢ ભણી જવા રવાનાં થઇ ગયો. તેને જે જાણવું હતું એ જાણવાં મળી ગયું હતું એટલે હવે અહી વધું રોકાઇને તે વ્યર્થ સમય બગાડવા માંગતો નહોતો. તેણે રાજગઢમાં ઘણાંબઘાં હિસાબો પતાવવાનાં હતા.

દાદો-દિકરો અવાચક બનીને કબિલાની બહાર નિકળતાં અભયની પીઠને તાકી રહ્યાં. એ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, તેને કબિલામાંથી ગુમ થયેલી ભીલ કન્યાઓ સાથે શું સંબંધ હતો, એ તમામ પ્રશ્નો સરખી રીતે સમજાય અને તેનાં ઉત્તરો મેળવવાની તેઓ મથામણ કરે, એ પહેલાં તો અભય ત્યાંથી ચાલતો થયો હતો. ઘડીક તો તેમને લાગ્યું કે કોઇ દેવદૂત આવીને આશ્વાસન આપી ગયો છે. અથવા તો કદાચ સાક્ષાત ભગવાન જ તેમને આંગણે પધારીને વર્ષોથી જે ભયાનક માનસિક યાતનામાંથી તેઓ પસાર થઇ રહ્યાં હતા એનું નિરાકરણ કરવાનું વચન આપીને ગયા છે. દાદાએ નજીક ઉભેલાં પૌત્રને પડખામાં દબાવ્યો અને પછી સજળ નયને આકાશ તરફ તાક્યું હતું.

એ સમયે સંધ્યાં ટાણું થવા આવ્યું હતું. કબિલાની ધરતી ઉપર ધીરે-ધીરે સાંજનો અંધકાર ઉતરતો હતો. માંડ વીસ-બાવીસ ઝૂંપડાઓ પોતાનામાં સમાવતાં કબિલામાં અત્યારે ભયંકર સન્નાટો પ્રસરી ચૂકયો હતો. કબિલાનો એક-એક રહેવાસી આજે રાતભર જાગવાનો હતો કારણ કે આજે વર્ષ પછી તેમની સાત દેવીઓનું તર્પણ થવાનું હતું. કબિલાના મૂખિયા એવા વયોવૃધ્ધ દાદાએ ક્યારેય નહોતી કહી એ કહાની આજે તેમણે એક અજનબીને કહી સંભળાવી હતી ત્યારે કબિલાના લોકોને ખ્યાલ આવ્યો હતો કે સમયની ગર્તામાં ખોવાઇ ગયેલી તેમની સાત દિકરીઓ સાથે ખરેખર શું થયું હતું. તેમણે એ સમયે જ દાદાની ફરતે ટોળે વળીને ભયાવહ અવાજે રૂદન શરૂ કર્યું હતું અને એ રૂદનનો પડઘો ઢળતી સાંજનાં વાતાવરણને વધું બોઝિલ, વધું ભયાનક બનાવી રહ્યો હતો.

(ક્રમશઃ)