પલ પલ દિલ કે પાસ - ગીરીશ કર્નાડ - 14 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - ગીરીશ કર્નાડ - 14

ગીરીશ કર્નાડ

ગીરીશ કર્નાડ ની ગણના આજે આલા દરજ્જાના અભિનેતા તરીકે થાય છે ચાહે તે ફિલ્મ હોય કે રંગ મંચ. પાત્રને આત્મસાત કરવાની તેની કળાથી આજે સમગ્ર ફિલ્મ જગત વાકેફ છે. જોકે એ વાત જુદી છે કે એક ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ ગુસ્સે થઈને બોલી ઉઠયા હતા “અરે ગીરીશ, મુઝે તુમ્હારે ચહેરે પે રોમાન્સ ચાહિયે રોમાન્સ”.કઈ હતી તે ફિલ્મ ?

૧૯૭૬ ની સાલ હતી. એક ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ અપસેટ થઇ ગયા હતાં.રસોડામાં પતિ પત્ની તરીકે ગીરીશ કર્નાડ અને શબાના આઝમીના સંવાદના દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. રીટેઈક પર રીટેઈક થઈ રહ્યા હતા.શબાના દરેક ટેઈક માં તેના ડાયલોગને ચહેરા પર યોગ્ય હાવભાવ સાથે બરોબર ન્યાય આપી રહી હતી.ગીરીશ કર્નાડ ના ચહેરા પર શ્યામ બેનેગલને જોઈએ તેવા ભાવ નહોતા આવતા.આખરે શ્યામ બેનેગલ બોલી ઉઠયા. “અરે ગીરીશ, ફિલ્મ દેખને વાલો કો કો લગના ભી ચાહિયે કી પતિ પત્ની આપસ મેં બાત કર રહે હૈ. મુઝે તુમ્હારે ચહેરે પે રોમાન્સ ચાહિયે રોમાન્સ”. થોડી વાર બાદ કેમેરો સ્ટાર્ટ થયો કે તરત જ ગીરીશ કર્નાડ તેનો સંવાદ બોલે તે પહેલાં અચાનક શબાનાએ તેના ખુલ્લા પગ વડે ધીમે ધીમે ગીરીશ કર્નાડના પગને સ્પર્શ કર્યો. ફિલ્મમાં હાફ સીન જ લેવાનો હતો તેથી શબાનાની તે હરકત કેમેરામાં આવવાની નહોતી તેનો બંનેને ખ્યાલ હતો. શબાનાની તે હરકતનો ફાયદો એ થયો કે ગીરીશ કર્નાડના ચહેરા પર શ્યામ બેનેગલને જેવા જોઈતા હતા તેવા રોમાન્સના ભાવ ચોક્કસ આવી ગયા. સીન ઓકે થઇ ગયો. તે ફિલ્મ હતી “મંથન” આ વાત વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં ખુદ ગીરીશ કર્નાડે જ કરી હતી.

ગીરીશ કર્નાડનો જન્મ તા ૧૯/૫/૧૯૩૮ ના રોજ માથેરાનમાં થયો હતો. પિતાનું નામ રઘુનાથ કર્નાડ અને માતાનું નામ કૃષ્ણાબાઈ કર્નાડ.ગીરીશ કર્નાડની સૌથી મોટી ઓળખ તો કન્નડ લેખક અને નાટ્યકાર તરીકેની છે.૧૯૬૦ ના દસકમાં જ ગીરીશ કર્નાડની છબી દક્ષિણ ભારતના મોટા ગજાના નાટ્યકાર તરીકે ઉભરી આવી હતી.તેણે કન્નડમાં લખેલા નાટકો વિજય તેન્ડુલકરે મરાઠીમાં, બાદલ સરકારે બંગાળીમાં અને મોહન રાકેશે હિન્દીમાં રૂપાંતરિત કર્યા હતાં. સતત ચાર દસકા સુધી નાટકો લખવા અને મોટાભાગના નાટકો સફળતાને વરે તે નાની સૂની સિદ્ધી તો ના જ કહેવાય.વળી ગીરીશ કર્નાડે ખુદ ના લખેલા અસંખ્ય નાટકોનું અંગ્રેજીમાં રૂપાંતર પણ કરેલ છે. ઈતિહાસ અને પૌરાણિક કથાઓનો ઉપયોગ ગીરીશ કર્નાડે અદ્ભુત રીતે તેના નાટકોમાં કર્યો છે. ભારતનું સૌથું ઉચ્ચ સાહિત્યિક સન્માન એટલે જ્ઞાનપીઠ એવોર્ડ તો ગીરીશ કર્નાડને લગભગ ૨૧ વર્ષ પહેલાં ૧૯૯૮ માં પ્રાપ્ત થઈ ગયો હતો. ગીરીશ કર્નાડે પોતાના નાટકો દ્વારા દર્શકોને એક નવી જ દિશા બતાવી છે. ગીરીશ કર્નાડના નાટકોને બી.વી.કારન્થ,ઈબ્રાહીમ અલ્ફાઝી, સત્યદેવ દુબે તથા વિજય મહેતા જેવા દિગ્ગજ નિર્દેશકોએ હોંશે હોંશે રજૂ કર્યા છે.

ગીરીશ કર્નાડ સફળ ફિલ્મ નિર્દેશક પણ છે.૧૯૭૦ માં જ કન્નડ ફિલ્મ “સંસ્કાર” થી નિર્દેશક તરીકેની કરિયરનો પ્રારંભ કર્યો હતો અને તે ફિલ્મની પટકથા પણ તેણે જ લખી હતી.”સંસ્કાર” ને શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

હિન્દી ફિલ્મોની વાત કરીએ તો આ અતિવ્યસ્ત કલાકારે મંથન ઉપરાંત નિશાંત, પુકાર, ભૂમિકા , સ્વામી. આશા. મનપસંદ, અપને પરાયે, તેરી કસમ જેવી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. શશીકપૂરની ફિલ્મ “કલયુગ” ની પટકથા લખવામાં પણ ગીરીશ કર્નાડનો મહત્વનો ફાળો હતો.

હેમા માલિનીની માતા જયા ચક્રવર્તીએ પ્રોડ્યુસ કરેલી અને બાસુ ચેટરજીએ ડીરેક્ટ કરેલી સુંદર ભાવનાત્મક ફિલ્મ એટલે “સ્વામી”. ૧૯૭૮ માં રીલીઝ થયેલી તે ફિલ્મ શરદબાબુની નવલકથા પર આધારિત હતી જેમાં ગીરીશ કર્નાડની ભૂમિકા શબાના આઝમીના એવા ખેલદિલ પતિની હતી જે શબાનાના લગ્ન અગાઉના પ્રેમી વિક્રમ વિષે જાણતો હોય છે. જોકે તે વાતનો પર્દાફાશ ફિલ્મના અંતમાં થાય છે. શબાના તેના પ્રેમી વિક્રમ સાથે ઘર છોડી દે છે. ગામડાના સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન આવે તે પહેલાં શબાનાને પતિ ગીરીશ કર્નાડની યાદ સતાવે છે.ટ્રેન આવે છે. વિક્રમ ટ્રેનમાં ચડે છે. અચાનક ગીરીશ કર્નાડ શબાનાને લેવા સ્ટેશન પર આવી પહોંચે છે અને કહે છે “ચલો ઘર ચલો સૌદામિની, મૈ તુમ્હે લેને આયા હું. એક ઔરત કા સ્થાન સ્વામી કે ઘર કે અલાવા કહી નહિ હોતા”.

૧૯૮૦ ની સાલની અતિ સફળ ફિલ્મ “આશા” માં ગીરીશ કર્નાડને ફિલ્મના અંતમાં (જયારે રામેશ્વરી અને જીતેન્દ્રનું અનાયાસે મિલન થાય છે તે જોઇને) નાસ્તિકમાંથી આસ્તિક બનતાં દર્શાવેલ છે. ગીરીશ કર્નાડ ભાવપૂર્વક મંદિરના પગથીયા ચડીને શિશ ઝુકાવીને ઈશ્વરનું આધિપત્ય સ્વીકારે છે તે સમયે સિનેમાઘરમાં બેઠેલા તમામ દર્શકો સ્વીકારવા માટે મજબુર થઇ જાય છે કે આ અભિનેતા તદ્દન નાના રોલમાં પણ તેની અભિનય ક્ષમતાના જોરે ફિલ્મમાં મેદાન મારી ગયો છે.

સલમાન ખાનની ફિલ્મ “એક થા ટાઈગર” અને “ટાઈગર અભી ઝીંદા હૈ” માં પણ ગીરીશ કર્નાડના અભિનયનેને લોકોએ વખાણ્યો છે.

એક જમાનામાં સંગીત અકાદમીના અધ્યક્ષ રહી ચૂકેલ ગીરીશ કર્નાડને ભારત સરકારે ૧૯૭૪ માં પદ્મશ્રી અને ૧૯૯૨ માં પદ્મભૂષણથી સન્માનિત કરેલ છે.

૧૯૮૭ માં લોકપ્રિય ટીવી સીરીયલ “માલગુડી ડેય્સ” (જે આર.કે નારાયણ લિખિત પુસ્તક પર આધારિત હતી). તેમાં પણ ગીરીશ કર્નાડના વાસ્તવિક અભિનયને દૂરદર્શન પર સમગ્ર દેશના દર્શકોએ માણ્યો હતો.

સમાપ્ત