Aarop books and stories free download online pdf in Gujarati

આરોપ - (વહુએ મૂકેલા સાસુ પરના આરોપની એક હૃદયસ્પર્શી કથા)


"આરોપ"
નીરવ પટેલ "શ્યામ"

મુકુંદના લગ્નને હજુ 3 મહિના જ થયા હતા, નવી આવેલી વહુ રીમા ઘરમાં ધીમે ધીમે સેટ થવા લાગી હતી, મુકુંદ પણ તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતો, મુકુંદની મમ્મી કલ્પનાને પણ દીકરી નહોતી એટલે એમને પણ વહુના રૂપમાં દીકરી જ મળી છે એમ જ વિચાર્યું હતું. શરૂઆતના ત્રણ મહિના સુધી તો કલ્પનાને રીમા સાથે કોઈ વધારે વાત થતી નહોતી કારણ કે નવા નવા લગ્ન થયા બાદ ત્રણ મહિનામાં મોટાભાગનો સમયતો મુકુંદ અને રીમાનો બહાર જ વીત્યો હતો.

ત્રણ મહિના પછી મુકુંદ પણ કામમાં બરાબર પરોવાઈ ગયો, રીમા અને કલ્પના હવે સાથે સમય વિતાવવા લાગ્યા હતા, રીમા થોડી આઝાદ વિચારોની હતી, કલ્પના પણ તેને સાચવવાના પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરતી, છતાં પણ રીમાને ક્યારેક તેની સાસુનું બંધન હોય તેમ લાગતું, છતાં પણ તે કઈ બોલી શકતી નહોતી, ના મુકુંદને ફરિયાદ કરી શકતી હતી, કારણ કે રીમા પણ જાણતી હતી કે મુકુંદ તેની મમ્મીને ખુબ જ પ્રેમ કરે છે.

દિવસો વીતતા ગયા અને રીમાના મનના વિચારો પણ ઊંડા બનતા ગયા, તેના મનમાં હવે એમ થઈ ગયું કે ગમે તેમ કરી તેના સાસુને ઘરની બહાર મોકલી આપવા અને તો જ ઘરમાં આઝાદીથી જીવન વિતાવી શકાશે. પરંતુ તેના માટે શું કરવું તેની કોઈ સમજ રીમાને આવી રહી નહોતી.

રીમાની એક ખાસ દોસ્ત સારિકા પાસે તેને સલાહ માંગી, સારિકાએ તેને એક ઉપાય સૂઝવ્યો, જેનાથી મુકુંદને પણ તેની માતા માટે નફરત થાય અને તેની ઈચ્છા મુજબ કલ્પના ઘરની બહાર ચાલી જાય.

રવિવારના દિવસે મુકુંદ ઘરે જ હતો, તેને બહારથી નાસ્તો લાવવાનું બહાનું કાઢી અને રીમાએ મોકલી આપ્યો, કલ્પના ઘરમાં કચરો વાળી રહ્યા હતા, મુકુંદના બહાર ગયા પછી રીમા નાહવા માટે ચાલી ગઈ, પોતાના રૂમનો દરવાજો તેને ખુલ્લો રાખ્યો, બાથરૂમમાં નાહી લીધા પછી પણ મુકુંદ ઘરમાં આવે છે તેની રાહ જોવા લાગી, મુકુંદ આવ્યો ત્યારે કલ્પના તેના રૂમમાં જ કચરો સાફ કરી રહી હતી, મુકુંદનો અવાજ સાંભળી રીમા બહાર આવી અને કંઈક શોધવાનું નાટક કરવા લાગી, મુકુંદે તેને પૂછ્યું: "શું શોધી રહી છે?" ત્યારે રીમાએ જવાબ આપ્યો: "નાહવા જતા પહેલા મેં મારો સોનાનો સેટ બહાર કાઢ્યો હતો, તે ટેબલ ઉપર મૂકીને હું નાહવા ગઈ હતી, પરંતુ પાછી આવીને જોયું તો એ ત્યાં નથી, એને જ શોધી રહી છું."

રીમાની વાત સાંભળતા મુકુંદ પણ એ હાર શોધવા લાગ્યો, કલ્પના પણ મનમાં ગભરાવવા લાગી, તે જયારે કચરો વાળવા રૂમમાં આવી ત્યારે તો એને કોઈ હાર નહોતો જોયો છતાં રીમાની વાત ઉપર વિશ્વાસ મૂકી તે પણ આમતેમ હારને શોધવા લાગી ગઈ. ઘણીવાર સુધી ત્રેણય હારને શોધતા રહ્યા પરંતુ હાર મળ્યો નહીં, મુકુંદે કલ્પનાને બહાર આરામ કરવા જણાવ્યું. કલ્પના બહાર જઈને સોફા ઉપર બેઠી, મુકુંદ અને રીમા હજુ હારને શોધી જ રહ્યા હતા, રીમા જે સમયની રાહ જોઈ રહી હતી તે તેને મળી ગયો અને રડમસ અવાજે મુકુંદને કહ્યું:
"હું હાર અહીંયા જ મૂકીને નાહવા માટે ગઈ હતી, એ સમયે રૂમમાં કોઈ નહોતું, પણ પછી મમ્મી કચરો સાફ કરવા માટે આવ્યા, કદાચ મમ્મીએ તો...???"

રીમા હજુ આખું વાક્ય બોલી નહોતી રહી ત્યાં જ મુકુંદે જોરથી એક લાફો રીમાના ગાલ ઉપર ધરી દીધો. રીમા સીધી બેડ ઉપર જઈને જ ફસડાઈ પડી. લાફાનો અવાજ સાંભળી કલ્પના પણ સોફામાંથી ઊભા થઇ ગયા, તે રૂમ તરફ આવવા જ જતા હતા ત્યાં જ મુકુંદના ગુસ્સે થવાનો અવાજ સંભળાયો.
"તને ભાન છે તું શું બોલી રહી છું? મારી મમ્મી ઉપર આવો આરોપ મૂકતા તને જરા પણ વિચાર ના આવ્યો? તને ખબર છે આજે મારી પાસે આ જે કંઈપણ છે એ મારી મમ્મીના કારણે છે, મારા પિતા તો બાળપણમાં જ મૂકીને ચાલ્યા ગયા, મારી મમ્મીએ લોકોના ઘરના કામ કરી અને મને ભણાવ્યો ત્યારે હું આ જગ્યા ઉપર પહોંચ્યો છું, એને ભલે જીવનમાં ઘણા બધાની ખોટ પડી હશે પરંતુ એને મારા જીવનમાં ક્યારેય કોઈ ખોટ આવવા નથી દીધી, એને કંઈપણ જોઈએ એ મારી પાસે માંગી શકે છે, એને ચોરી કરવાની જરૂર નથી."

રીમા કઈ બોલી શકે એમ નહોતી, કલ્પનાની આંખો પણ બહાર ઊભા ઊભા આંસુઓથી છલકાવવા લાગી. રીમાને પોતાની ભૂલનો અફસોસ ના થયો પરંતુ પોતે જે વિચાર્યું હતું એ ના થયું તેનો ગુસ્સો આવવા લાગ્યો, સાથે મુકુંદે તેના કરતા તેની મમ્મી ઉપર વધુ વિશ્વાસ કર્યો તે વાતનો પણ ગુસ્સો આવતા ઊભી થઇ અને પોતાના કપડાં બેગમાં ભરવા લાગી.

કલ્પનાએ આ જોયું એટલે તરત જ તે પોતાના દીકરાનું ઘર તૂટતું બચાવવા માટે રૂમમાં દોડી આવીને રીમાને રોકવા લાગી, પરંતુ એ પહેલા જ મુકુંદે કહી દીધું.
"મમ્મી એને જવા દે, એની આ ઘરમાં હવે કોઈ જરૂર નથી હવે, એને આજે તારી ઉપર શક કર્યો છે, એવા હાર તો હું ને બીજા 10 લઇ આપતો પરંતુ જે તારું સ્વમાન નથી સાચવી શકી એની પાસે હું જીવન જીવવાની આશા કેવી રીતે રાખી શકું?"

રીમા ઘર છોડીને ચાલી ગઈ, કલ્પનાએ મુકુંદને ઘણું સમજાવ્યો, પણ મુકુંદ માનવ માટે તૈયાર ના થયો. થોડા સમય મુકુન્દથી દૂર રહીને રીમાને પણ તેની ભૂલ સમજાઈ ગઈ, તેને ખોટા આવશેમાં આવી જઈને ખોટું પગલું ભરી લીધું હોવાનો અફસોસ પણ થયો પરંતુ હવે તે કેવી રીતે મુકુંદ સામે આંખો મિલાવી શકશે તે જ સમજાઈ રહ્યું નહોતું.

થોડા દિવસો બાદ રીમા મુકુંદના ઘરે પાછી આવી, મુકુંદ પોતાના કામ ઉપર ગયો હતો, કલ્પનાએ રીમાને જોતા જ ઉત્સાહથી વધાવી લીધી, રીમા પણ કલ્પનાના પગમાં પડી પોતાની ભૂલની માંફી માંગતા પોતાની ભૂલો જણાવી. કલ્પનાને સાચી હકીકતની જાણ થવા છતાં પણ આ વાત મુકુંદને જણાવવાની ના પાડી, કલ્પનાએ રીમાને કહ્યું: "જો મુકુંદને આ વાતની જાણ થશે તો તેની નજરમાં તું સાવ નીચી પડી જઈશ, હવે હારની વાતને ભૂલી જ જવામાં ભલાઈ છે, હું મુકુંદને સમજાવીશ એ માની જશે, અને હવે તું આ ઘર છોડીને પણ ક્યારેય ના જતી."

રીમાને પણ પોતાના આમ કરવા ઉપર ખુબ જ અફસોસ થયો તેને તો સાસુના રૂપમાં એક મા જ મળી હતી છતાં પણ તેને યોગ્ય કદર ના કરી, પરંતુ હવે જીવનમાં બીજીવાર એવી ભૂલ ક્યારેય નહીં કરવાનો પણ નિર્ણય રીમાએ લઇ લીધો. સાંજે મુકુંદના આવતા જ કલ્પનાએ તેને બરાબર સમજાવ્યો તે માની ગયો, મુકુંદ અને રીમા વચ્ચેના સંબંધો હળવા કરવા માટે એ બંનેને બહાર જમવા માટે પણ મોકલી આપ્યા.

- નીરવ પટેલ "શ્યામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED