Pal Pal Dil Ke Paas - Dilipkumar - 12 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - દિલીપકુમાર - 12

દિલીપકુમાર

સીને જગતમાં અભિનયની દ્રષ્ટીએ દિલીપકુમારનું સ્થાન એક અલગ જ ઉંચાઈ પર છે. ભાગ્યેજ કોઈ અભિનેતા એવો હશે જેણે સમગ્ર કરિયરમાં એકાદ વાર પણ દિલીપ કુમારની કોપી કરવાનો પ્રયત્ન નહિ કર્યો હોય.સફેદ વસ્ત્રો પહેરવાના શોખીન દિલીપકુમાર અંગ્રેજી,ઉર્દુ અને હિન્દી પર ગજબનું પ્રભુત્વ ધરાવે છે.ફિલ્મોમાં દિલીપકુમારની ડાયલોગ ડીલીવરીનો એક અલગ જ અંદાઝ રહ્યો છે.

દિલીપકુમારનો જન્મ ૧૧/૧૨/૧૯૨૨ના રોજ પેશાવર (હાલ પાકિસ્તાન)માં થયો હતો.સાચું નામ છે મોહમદ યુસુફ. અગિયાર ભાઈ બહેનોમાં યુસુફનો નંબર ત્રીજો છે.દેશના ભાગલા પહેલાં જ પિતા લાલા ગુલામ શરવર મુંબઈ શિફ્ટ થઇ ગયા હતા.બહોળા પરિવારમાં બાળક યુસુફનો ઉછેર ખૂબ જ સાદગીથી થયો હતો.પિતાજીને ફ્રુટનો બીઝનેસ હતો. યુસુફખાને પ્રાથમિક શિક્ષણ મુંબઈ નજીક દેવલાલી ખાતે લીધું હતું.ત્યાર બાદ બોરીબંદર પાસે આવેલ અંજુમને –ઈ –ઇસ્લામ હાઈસ્કૂલમાં મેટ્રિકનો અભ્યાસ પૂરો કરીને મુંબઈની વિલ્સન એન્ડ ખાલસા કોલેજમાં એડમીશન લીધું હતું. કોલેજ લાઈફમાં યુસુફખાને માત્ર બે જ ફિલ્મો જોઈ હતી.”બસંત” અને “એક હી રાસ્તા”.ક્રિકેટ, ફૂટબોલ તથા શેર શાયરીનો શોખ ધરાવનાર યુસુફખાને કરિયરની શરૂઆત પૂનામાં લશ્કરી કેન્ટીન માં મેનેજર તરીકે પાંત્રીસ રૂપિયાના પગારથી કરી હતી.દરમિયાનમાં દેશમાં રેશનીંગ આવી જતા તે કેન્ટીન બંધ થઇ ગઈ હતી. આખરે યુસુફખાને પિતાના ફ્રુટના ધંધામાં ઝંપલાવ્યું હતું.તે દિવસોમાં યુવાન યુસુફને ફળ ખરીદવા માટે નૈનીતાલ જવાનું થયું.

યુસુફ ખાનનો પરિચય નૈનીતાલમાં જ બોમ્બેટોકીઝની માલકીન દેવિકારાણી અને દિગ્દર્શક અમીય ચક્રવર્તી સાથે થયો હતો.દેવિકારાણીને ગોરી ત્વચા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા યુવાન યુસુફખાનની આંખમાં એક ઉગતો કલાકાર દ્રષ્ટિમાન થયો હતો. તેમણે પ્રથમ મુલાકાતમાં જ પૂછ્યું હતું “તુમ ફિલ્મમેં કામ કરોગે ?” યુસુફખાને હા પાડી. “યે મેરી ઓફીસ કા એડ્રેસ હૈ” દેવિકારાનીએ યુસુફખાનના હાથમાં કાર્ડ આપતા કહ્યું હતું. મુંબઈ ગયા બાદ યુસુફે તે કાર્ડમાં દર્શાવેલ મલાડના એડ્રેસ પર બોમ્બે ટોકીઝની ઓફિસે દેવિકારાણીનો સંપર્ક કર્યો હતો.બોમ્બે ટોકીઝે યુસુફખાન સાથે ૫૦૦ રૂપિયાના માસિક પગારથી ફિલ્મોમાં કામ કરવાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો જેમાં દર વર્ષે ૨૦૦ રૂપિયાનો વેતન વધારો આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. દેવિકારાણીએ યુસુફખાનને ફિલ્મોમાં પ્રવેશતા પહેલા ત્રણ નામ સૂચવ્યા હતા.જહાંગીર ,વાસુદેવ અને દિલીપકુમાર.આમ ૧૯૪૪ માં રીલીઝ થયેલી ફિલ્મ “જવારભાટા”થી બાવીસ વર્ષની ઉમરે દિલીપકુમારે અભિનય ક્ષેત્રે બાકાયદા પ્રવેશ કર્યો.

જોકે દિલીપ કુમારને સ્ટાર બનાવનાર ફિલ્મ એટલે ૧૯૪૭માં રીલીઝ થયેલી “જુગનૂ”.ત્યાર બાદ તો દિલીપ કુમારની એક પછી એક ફિલ્મો આવતી રહી જેમાં મેલા, નાદિયા કે પાર, શબનમ, જોગન, બાબુલ,આન, દાગ, અંદાઝ,દિદાર, દેવદાસ ઉડન ખટોલા, નયાદૌર, મધુમતી ,પૈગામ, મુગલે આઝમ જેવી અતિ સફળ ફિલ્મોનો સમાવેશ થાય છે. સતત પ્રેમભગ્ન પ્રેમીની ભૂમિકા ભજવનાર આ ટ્રેજેડી કિંગે તે દિવસોમાં પાત્રમાં ઓતપ્રોત થઈને એટલી હદે વાસ્તવિક અભિનય કર્યો હતો કે મન પર ઊંડી અસર થઇ ગઈ હતી.ડીપ્રેશન માટે લંડન જઈને સારવાર કરાવવી પડી હતી.સારવાર દરમ્યાન વિદેશના ડોકટરોની સલાહ મુજબ દિલીપ કુમારે હલકા ફૂલકા રોલ ધરાવતી કોહિનૂર, રામ ઔર શ્યામ અને આઝાદ જેવી ફિલ્મો સ્વીકારી હતી.

દર્શકોને તે ફિલ્મો મારફત દિલીપકુમારની ઉત્કૃષ્ટ અભિનય શક્તિનો વધારે પરિચય થયો હતો. ૧૯૬૧માં દિલીપકુમારે નાના ભાઈ નસીર ખાનને સાથે લઈને બનાવેલી ફિલ્મ “ગંગા જમુના” સુપર ડુપર હિટ ફિલ્મ હતી.

માત્ર ૬૦ જેટલી ફિલ્મોમાં જ અભિનય કરનાર દિલીપકુમારની મોટા ભાગની ફિલ્મો અતિ સફળ રહી હતી વળી જે જૂજ ફિલ્મોએ બોક્ષ ઓફીસ પર સારો દેખાવ નહોતો કર્યો તે ફિલ્મોમાં પણ દિલીપકુમારનો અભિનય તો વખણાયો જ હતો.

દિલીપકુમારની મુખ્ય હીરો તરીકે છેલ્લી ફિલ્મ “બૈરાગ” હતી જેમાં ટ્રીપલ રોલ કરનાર દિલીપકુમારની વધેલી ઉમર દેખાતી હતી.થોડા વર્ષોના બ્રેક બાદ ૧૯૮૦ ના દસકમાં દિલીપકુમારની સેકન્ડ ઇનિંગ્સ શાનદાર રહી હતી.ક્રાંતિ, શક્તિ વિધાતા, મશાલ, દુનિયા, કર્મા અને સૌદાગર જેવી ફિલ્મોમાં દિલીપકુમારે લાજવાબ અભિનય કર્યો હતો.”શક્તિ” માટે દિલીપકુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મ ફેરનો એવોર્ડ પણ મળ્યો હતો.

હિન્દી ફિલ્મ જગતમાં ફિલ્મ ફેરનો સૌથી પ્રથમ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવવા નું સન્માન દિલીપ કુમારના નામે બોલે છે. ફિલ્મ હતી “દાગ” .આઠ વાર બેસ્ટ એક્ટરનો ફિલ્મફેરનો એવોર્ડ મેળવનાર દિલીપકુમારનું ભારત સરકારે ૧૯૯૧ માં પદ્મભૂષણ અને ૨૦૧૫ માં પદ્મવિભૂષણથી સન્માન કરેલ છે.દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર દિલીપકુમાર મુંબઈના શેરીફ તરીકે પણ રહી ચૂકેલ છે.

૧૯૯૮ માં દિલીપકુમારને પાકિસ્તાને ત્યાંના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ નિશાન –એ –ઈમ્તિયાઝ થી સન્માનિત કર્યા હતા.

કામિની કૌશલ, નરગીસ, મધુબાલા અને વહીદા રહેમાન સાથેના કહેવાતા પ્રેમસંબંધોમાં દિલીપકુમારનું નામ હમેશા મીડિયામાં ચર્ચાસ્પદ રહ્યું હતું. જોકે ૧૯૬૬ માં ૪૪ વર્ષના દિલીપ કુમારે ૨૨ વર્ષની સાયરાબાનુ સાથે લગ્ન કરીને તે જમાનામાં સીને રસિકોને સૌથી મોટો આંચકો આપ્યો હતો.લગ્ન બાદ શરૂઆતના દિવસોમાં થોડો સમય દિલીપ કુમારે સાસુજી નસીમબાનુના બંગલે રહેવાનું પસંદ કર્યું હતું.દિલીપકુમારની ઉમર સાસુજીની ઉમર કરતા માત્ર પાંચ વર્ષ જ ઓછી હતી.૧૯૮૨માં નિ:સંતાન દિલીપકુમારે ખાનગીમાં હૈદરાબાદની તલાક લીધેલી અસ્મા સાથે નિકાહ કરી લીધા હતા જે સમાચાર દેશભરના અખબારની હેડલાઈન બન્યા હતા.જોકે ખુબ જ ટૂંકા ગાળામાં તે લગ્ન ડિવોર્સમાં પરિણમ્યા હતા.સાયરાબાનુનો દિલીપકુમાર પ્રત્યેનો પ્રેમ જીતી ગયો હતો.લગભગ બાવન વર્ષથી સુખી દામ્પત્યજીવન જીવી રહેલા દિલીપકુમાર અને સાયરાબાનુની ગણના આજે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આદર્શ યુગલ તરીકે થાય છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED