મારા એક મીત્રને બુક્સ ભેગી કરવાનો ખુબજ શોખ હતો. તેની પાસે દરેકે દરેક વિષય પર રસોઇથી માંડીને પોલીટીક્સ, વ્યક્તીત્વ વિકાસ સુધીના એકથી એક ચઢીયાતા દુર્લભ પુસ્તકો હતા. પણ હવે બનતુ એવુ કે તેનુ આ કલેક્શન જોનાર વ્યક્તીઓમા મોટા ભાગના લોકો ચોપળીઓ વાંચવામા કે તેને ભેગી કરવામા જરાય રસ ધરાવતા નહી. તેઓનેતો મોજ શોખની બાબતો, ફિલ્મસ્ટારો કે અન્ય ગપ્પાઓ મારવામાજ રસ પડતો એટલે તેઓ આ અતી દુર્લભ પુસ્તકોનુ ખાસ કશુ મહત્વ સમજતા નહિ. આ બધુ જોઇને મારા મીત્રને ખુબજ દુ:ખ થતુ. તે ભલે પોતાના શોખ ખાતર ચોપડીઓ ભેગી કરતો તેમ છતાય તે પોતાની પ્રસંશા સાંભળવા ઘણો આતુર રહેતો. તે લોકોના મોઢેથી પોતાના આવા શોખ વિશે થોડા ઘણા પણ મીઠા શબ્દો સાંભળવા રીતસરના વલખા મારતો.
એક દિવસ તેના ઘરે તેની ફુઇનો છોકરો થોડા દિવસ રોકાવા માટે આવ્યો. મારા મીત્રએ તેને વાતવાતમા પુછી લીધુ કે શું તને નવી નવી બુક્સ વાંચવી ગમશે? સામેથી જવાબ મળ્યો હા, ખુબજ !
ચાલ તને એક વસ્તુ બતાવુ એમ કહી તેણે પોતાનુ બુક્સનુ કલેક્શન બતાવ્યુ. નવી નવી રસપ્રદ અને અતી દુર્લભ ચોપડીઓ જોઇને તે છોકરો તો દંગજ રહી ગયો અને બોલી ઉઠ્યો કે અરે વાહ ! આ તો ખુબ અદ્ભુત છે હો, આવુ દ્રષ્ય તો હું પહેલી વખત જોવ છુ, તમારી પાસેતો ખુબજ સરસ ચોપડીઓ છે, મનેતો બધીજ ચોપડીઓ ખુબ ગમી! બસ આટલીજ વાત સાંભળીને મારા મીત્રનુ હ્રદય ભરાઇ આવ્યુ કારણકે હવે તેને પોતાના શોખનો પ્રસંશક –કદરદાન મળી ગયો હતો એટલે હવે તે ખુબજ સમ્માનની લાગણી અનુભવતો હતો. પછી તેણે ધીરેકથી બાજુમા રહેલા ટેબલનુ ખાનુ ખોલ્યુ અને તેમાથી પોતાને ખુબજ પસંદ હોય તેવી ૬-૭ ચોપળીઓ બહાર કાઢી અને તેમાથી એક ચોપડી તેના ભાઇને ગીફ્ટમા આપી દીધી.
આ ચોપડીને હું મારા જીવની જેમ સાચવુ છુ, તે મને ખુબજ પ્રીય છે કારણકે મને મારી સમસ્યાઓના તમામ ઉકેલ આ બુકમાથી મળી આવે છે. જ્યારે પણ હુ દુઃખી, નિરાશ થાવ છુ ત્યારે હું આ બુક અચુક વાંચુ છુ. તને બુક્સની કદર છે એટલા માટે તુ આ ચોપળી રાખ. તને તારા હેતુઓ પ્રાપ્ત કરવામા, સબંધો વિકસાવવામા કે નિરાશાઓમાથી બહાર આવવામા તે ખુબજ ઉપયોગી થશે. આ રીતે તેઓ થોડી ઘણી ચર્ચાઓ કરી બન્ને જણા વિદાય થયા.
પણ હવે અહિ સવાલ એ થાય છે કે જે વ્યક્તી વર્ષોથી પોતાની ચોપડીઓને જીવની જેમ સાચવતો હતો તે ચોપડીને આટલી સરળતાથી પેલા વ્યક્તીને કેમ આપી દીધી? શા માટે પેલા વ્યક્તીએ આ ભાઇનુ દિલ જીતી લીધુ હતુ? તો આવા બધાજ પ્રશ્નોનો જવાબ એકજ છે જે છે “ પ્રસંશા ” દરેક વ્યક્તી પોતાની પ્રસંશા સાંભળવા માટે આતુર હોય છે, દરેક વ્યક્તીને એવા અરમાનો હોય છે કે પોતાની કોઇ ખરા દિલથી પ્રસંશા કરે, તેઓના કામની કદર કરે. એવામા જો કોઇ વ્યક્તી આવી પ્રસંશા કરી બતાવે તો તે વ્યક્તી માટે જાણે કે લાઇફ સપોર્ટ મળી ગયો હોય તેવો અનુભવ તેઓને થતો હોય છે. પછીતો આવો અનુભવ આપનાર વ્યક્તી તેઓ માટે બધાથી અલગ અને ખાસ બની જતા હોય છે, તેઓ આપણુ દિલ જીતી લેતા હોય છે અને આપણે તેઓને તમામ પ્રકારનો સહકાર આપવા તૈયાર થઇ જતા હોઇએ છીએ.
કહેવાનો મતલબ એટલોજ છે કે લોકોને ખુશ કરવા, તેઓનુ આત્મસમ્માન વધારવા તેઓને ગર્વની લાગણીનો અનુભવ આપવા તેમજ તેઓના દિલમા જડપથી સ્થાન પામવાનો જો કોઇ ચમત્કારીક ઇલાજ હોય તો તે છે નીઃ સ્વાર્થ ભાવે નિખાલસતાથી કરાયેલી પ્રસંશા. એક નાની એવી પ્રસંશા લોકોના દિલને એટલી જોરદાર અસર કરી બતાવતી હોય છે કે લોકો પોતાની પ્રસંશા કરનાર વ્યક્તીના મુરીદ થઇ જતા હોય છે અને તેઓ આપણી સાથે સબંધો વધુ ગાઢ બનાવવા પ્રેરાતા હોય છે જેથી તેઓ જડપથી હળી મળી જતા હોય છે અને સબંધોને નવીજ ઉંચાઇઓ પર લઇ જઇ શકાતા હોય છે.
આ વિશ્વાના દરેક વ્યક્તી પોતાને સમાજમા પ્રસંશનીય બનાવવા મથતા હોય છે, લોકોની નજરોના તારા બનવા માગતા હોય છે, આ રીતે તેઓ પોતાનુ આત્મસમ્માન વધ્યાનો અનુભવ કરતા હોય છે. જો તમે લોકોને આવી અનુભુતિ આપી બતાવો તો તમે તેઓની નજરોમા એક ખાસ વ્યક્તી બની જતા હોવ છો, તેઓ તમારા પ્રત્યે લગાવ કે સમ્માન અનુભવતા હોય છે જેથી તેઓ સામેથીજ તમારી સાથે સુમેળતાથી વાતચીત કરવા કે સબંધો વધારવા પ્રેરાતા હોય છે. આ રીતે આપસી સમજ અને સ્વીકૃતી વધતા સબંધોને નવી ઉંચાઇ પર લઇ જઇ શકાતા હોય છે.
તમે ઘણી વખત અનુભવ્યુજ હશે કે જ્યારે તમે ખુબજ થાક નિરાશા કે ચીંતા અનુભવતા હતા ત્યારે તમારા મા બાપ કે મીત્રોએ તમારા કામની કરેલી પ્રસંશા તમારામા એક નવોજ જોષ ભરી દીધો હશે, તમને ફરી પાછી નવી આશાઓ બંધાણી હશે જેથી તમે ફરી પાછા પ્રયત્નો કરવા લાગી ગયા હશો. આમ થવાનુ કારણ એટલુજ હોય છે કે વિશ્વની દરેક વ્યક્તી પોતે સારુ કામ કરે છે કે નહિ, લોકો તેનો સ્વીકાર કરે છે કે નહિ તે જાણવાની અપેક્ષા અન્ય લોકો પાસે રાખતા હોય છે. એવામા જો લોકો તેઓના કાર્યની પ્રસંશા કરી બતાવે, પોતાનો ટેકો કે સ્વીકૃતી જાહેર કરે ત્યારે આપણે કંઈક સારુ કામ કરી રહ્યા છીએ અને હજુ તેમા આગળ વધવુ જોઇએ તેવી ભાવના પ્રગટ થતી હોય છે જેથી આપણે વધુ સારી રીતે કામ કરી બતાવતા હોઇએ છીએ. તો આવી ભાવના આપનાર અને અનુભવનાર બન્ને વ્યક્તી એક બીજા પ્રત્યે સમ્માન અનુભવતા હોય છે અને આવુ સમ્મ્માન તે બન્નેની આપસી સમજ અને ઉત્સાહમા વધારો કરી આપતા હોય છે. આવો ઉત્સાહ ઉર્જામા રુપાંતરીત થઇ વ્યક્તીને સક્રિયતામા વધારો કરી દેતો હોય છે.
લોકોને સારુ ફિલ કરાવવાની, તેઓનો ઉત્સાહ વધારવાની અને તેઓના દિલમા સ્થાન પ્રાપ્ત કરી સક્રિય બનવાની શક્તી જેટલી પ્રસંશામા હોય છે તેટલી શક્તી અન્ય કોઇ બાબતમા હોતી નથી. લોકોતો મેડલ મેળવવા માટે, પોતાની અલગ ઓળખ ઉભી કરવા માટે પોતાનો જીવ પણ કુરબાન કરી દેતા હોય છે એવામા જો તમે તેઓના કાર્યોની પ્રસંશા કરી બતાવો તો લોકોને સર્વશ્રેષ્ઠ પ્રેરણા આપી સબંધો વિકસાવી શકતા હોવ છો.
આમ પ્રસંશા એ શ્રેષ્ઠ વ્યક્તીની શ્રેષ્ઠ આવળત હોય છે. વિશ્વના દરેક વ્યક્તીઓ, લીડર્સ કે માતા પીતા આવી આવળત ધરાવતા હોય છે અને તેનો નિખાલસતાથી ઉપયોગ પણ કરી જાણતા હોય છે.
સરકસના ખેલમા ભાત ભાતના કર્તબો કરતા જાનવરોનેતો તમે જોયાજ હશે, મો મા આંગળા નાખી જવાય તે હદના કરતબો કરી મુંગા પ્રાણીઓ આપણુ મનોરંજન કરતા હોય છે. આ બધુ જોઇ આપણને એક વખતતો એવો વિચાર જરુર આવતો હોય છે કે મુંગા અબુધ પ્રાણીઓ આ બધુ કેવી રીતે કરી લેતા હશે ? તેઓને તાલીમ કેવી રીતે અપાતી હશે ? એ તાલીમ કેટલી કઠોર હશે કે પ્રાણીઓ પણ સુધરી જાય! પણ હકીકતમા તેવુ હોતુ નથી. પ્રાણીઓને તાલીમ આપનારા લોકો ચાબુક કરતા પણ વધુ અસરકારક હથીયારનો ઉપયોગ કરતા હોય છે, આ હથીયાર હોય છે પ્રસંશા. જ્યારે પણ પ્રાણી જરા સરખુ પણ સારુ કામ કરી બતાવે કે માલીકની ઇચ્છાઓ મુજબ સુધારાઓ કરી બતાવે ત્યારે તેનો માલીક તેને ખુબજ શાબાશીઓ આપવા લાગતો હોય છે, થપથપાવવા, રમાળવા લાગતો હોય છે અને વધુમા તેને ભાવતુ ભોજન પણ આપતો હોય છે. આ રીતે માલીક તેના પ્રાણીઓ પર રીતસરનો ફીદાજ થઇ જતો હોય છે. માલીકનુ આવુ વર્તન જોઇ પ્રાણીઓ સમજી જતા હોય છે કે હું જે કરુ છુ તે બરોબર કરુ છુ. આ રીતે તે વધુ ઉત્સાહમા આવી તે મુજબ વર્તન કરતા શીખી જતા હોય છે.
આમ નાના નાના સુધારાઓને પ્રોત્સાહન આપી અશક્યને પણ શક્ય કરી બતાવી શકાતુ હોય છે.
જ્યારથી સરકસો અસ્તીત્વમા આવ્યા છે ત્યારથી આ જાદુઇ યુક્તી અજમાવવામા આવે છે તેમ છતાય જોવા જેવી વાતતો એ છે કે વર્ષોથી પશુઓને પ્રસંશા આપી તાલીમ આપી શકાતી હોય તો પછી માણસો માટે આવી યુક્તી શા માટે વાપરવામા નહિ આવતી હોય ? શું કોઇ વ્યક્તી સારુ કામ કરે તો તેઓ પ્રસંશાને લાયક નથી ? શું આ રીતે તેઓને તે કામ વધુ સારી રીતે કરવાની પ્રેરણા ન આપી શકાય ? ૧૦૦ % આપી શકાય, પણ આપણે બધા ભુલ એ કરીએ છીએ કે કોઇ વ્યક્તી ખરાબ કામ કરે તો આપણે તેઓના દોષ કાઢી દેકારો મચાવી દેતા હોઇએ છીએ પણ એજ વ્યક્તી જ્યારે નાનુ એવુ પણ સારુ કામ કરી બતાવે તો આપણે તેની પ્રસંશા કરવાની હીંમત દાખવી શકતા હોતા નથી. આવા વિરોધાભાસને કારણેજ એક બીજાને પ્રોત્સાહન આપી સારુ કામ મેળવી કે સબંધો સુધારી શકતા હોતા નથી.
યાદ રાખો કે માણસમા થયેલો નાનામા નાનો સુધારો પણ સાચી પ્રસંશાને લાયક હોય છે, જો તેમ કરવામા આવે તો વ્યક્તી જરુરથી તે દિશામા આગળ વધવા પ્રેરાતો હોય છે. કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે જો પ્રસંશાથી પશુઓ પણ સુધરી શકતા હોય તો બુદ્ધીશાળી સમજુ માણસતો સુધરીજ શકેને !
વિશ્વની દરેક જેઈલોમા પણ આજ યુક્તી વાપરવામા આવતી હોય છે. ત્યાં કેદીઓને ધીક્કારી તેઓના દોષ ગણાવી તેઓનુ અપમાન કરવાને બદલે તેઓમા જે સારા ગુણો રહેલા છે તેને પ્રોત્સાહન આપવામા આવતુ હોય છે. આ રીતે કેદીઓને સુધારી મુળ પ્રવાહમા પછા વાળવામા આવતા હોય છે.
એક કેદીને ગાવાનો ખુબ શોખ હતો, તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે તેની પ્રક્ટીસ કરવા બેસી જતો અને જો તે ન મળે તો તે કામ કરતા કરતા પણ ગુનગુનાવાનુ શરુ રાખતો. તેનુ આવુ વર્તન જોઇ તેના સાથી મીત્રો તેને મેણા ટોણા મારતા કે હવે આપણી જીંદગી બરબાદજ થઇ ગઇ કહેવાય, તુ ગમે તેટલી ગાવાની પ્રેક્ટીસ કરી લે, તને કોઇજ ગાવા માટે રાખવાનુ નથી અને આમેય તુ કંઇ સારુ ગાતો પણ નથી. આવો અવિશ્વાસ તેઓ વ્યક્ત કરતા. જેઈલના અધીકારીઓ આ બધી વાત ખુબ સારી રીતે જાણતા હતા તેમ છતાય તેવુ ક્યારેય દર્શાવતા નહી. તેઓ હંમેશા આ વ્યક્તીની લગન અને આવળત પર વિશ્વાવાસ દર્શાવતા અને તેની પ્રસંશા કરતા કહેતા કે તુ ખુબજ સારુ ગાય છો, તારો અવાજ ધીરે ધીરે મધુર થઇ રહ્યો છે , જો તુ હજુ વધારે સારી રીતે પ્રેક્ટીસ કરે તો ગાયનના ક્ષેત્રમા વધુ સારુ કામ કરી શકે તેમ છે. પોતાના પર દર્શાવવામા આવતા આવા વિશ્વાસને કારણે તેને ગાવાનો વધારે ઉત્સાહ મળતો જેથી તે વધુને વધુ રીયાઝ કરવા લાગ્યો અને આખરે તે ઉચ્ચ કક્ષાનો ગાયક બની શક્યો. આમ તેની આવળતોની પ્રસંશા થવાથી તેનુ સમગ્ર જીવનજ બદલાઇ ગયુ અને તે કાયમને માટે કાનુનનો પ્રસંશક પણ બની ગયો.
આટલા ઉદાહરણ પરથી હવે આપણે સમજી શકિએ છીએ કે નાની એવી પ્રસંશાથી પણ માનવ જીવનને કેવી રીતે કોઇ દિશામા વાળી તેને પરીવર્તીત કરી શકાતુ હોય છે. માત્ર એક પ્રસંશામા લોકોને નિરાશા, નિશ્ફળતા અને અંધકારમાથી પણ બેઠા કરી તેઓમા સાહસ ભરી નવી દિશા આપવાનુ સામર્થ્ય હોય છે. જો તમે પણ લોકોને કોઇ દિશા આપવા માગતા હોવ કે કોઇ ધારેલી દિશામા વાળવા માગતા હોવ તો જેવા તેઓ તે દિશામા એક નાનુ એવુ પણ કદમ ઉઠાવે કે તરતજ તેની ખરા દિલથી પ્રસંશા કરજો, પોતાની આવી પ્રસંશા સાંભળતાજ લોકોના જીવનમા આમુલ પરીવર્તનો થવાની શરુઆત થવા લાગશે અને તેઓ કાયમને માટે તમારા મુરીદ બની જશે.
આમ લોકોને દુઃખ લગાળ્યા વગર તેઓને સુધારવાનો નિયમ આ રહ્યો.
તમે લોકોને જે દિશામા વાળવા માગો છો તે દિશામા તેઓની ખરા દિલથી પ્રસંશા કરો, તેઓમા થતા સુક્ષ્મ ફેરફારોની પણ નીખાલસ પ્રસંશા કરી તેઓનુ સમ્માન વધારો. આ રીતે તેઓ તમારી નજરોમા સ્થાન ઉંચુ રાખવા પોતાની તમામ તાકાત લગાવી દેશે.
લોકોની પ્રસંશા કરવાથી બે પ્રકારની અસરો ઉપજતી હોય છે, એકતો લોકોના દિલમા આપણા પ્રત્યે માન ઉદ્ભવતુ હોય છે જે લોકોમા આપણી વાત સ્વીકારવાની ઇચ્છા પ્રગટ કરતુ હોય છે, ઉપરાંત પોતાની કોઇ ખાસ બાબતની પ્રસંશા થતા તે દિશામા આગળ વધવાની પ્રેરણા પણ મળતી હોય છે જેથી લોકો સ્વૈચ્છાએ, જુસ્સાભેર તે દિશામા આગળ વધવા પ્રેરાતા હોય છે. આ રીતે આપણા પ્રત્યે માન અને કોઇ કામ કરી બતાવવાનો જુસ્સો ઉત્પન્ન થવાથી લોકો પાસેથી સહેલાઇથી કોઇ કામ મેળવી શકાતુ હોય છે.
શાળામા દોસ્તારોનુ એક ગ્રુપ હતુ, તે બધા થોડા ઘણા પ્રમાણમા હોશીયાર હતા પણ એક છોકરો સાવ ઢગલાના ઢ જેવો હતો. તેને કશુ વાંચતા આવળે નહિ કે નતો તેને ભણવામા રસ હતો. તેને કોઇ પ્રવૃતીમા રસ ન હતો એટલે તે સાવ લઘર વઘર, ચીંથરે હાલ રહેતો, મેલા ઘેલા ઇસ્ત્રી વગરના એકને એક કપડા દિવસો સુધી પહેરી રાખતો, અસ્ત વ્યસ્ત વાળ ઓળવતો, ફાટલા તુટલા ચપ્પલ પહેરતો અને ઘુવળ જેવો લાગતો. બધા દોસ્તારો તેને ઘણુ સમજાવે પણ આ ભાઇ તો સુધરવાનુ નામજ ન લેતો. આખરે બધા થાકી ગયા અને તેને સમજાવવાનુજ બંધ કરી દીધુ.
આ વાતને ઘણો સમય વિતી ગયો.
હવે થોડા દિવસો પછી તેનો એક મીત્ર નવા ચશ્મા લઇને આવ્યો પણ બન્યુ એવુ કે તે ચશ્મા તેને બરોબર સુટ કરતા નહી એટલે તેણે તે દોસ્તારોને આપી દેવાનુ નક્કી કર્યુ. બધા દોસ્તારો વારા ફરથી વારા ચશ્મા પહેરીને જોયુ તો કોઇનેય તે ચહેરા પર બરોબર ફીટ બેસતા ન હતા એટલે બધાએ નક્કી કર્યુ કે આ ચશ્મા આપણે પેલા લઘર વઘર રહેતા મીત્રને આપી દઇએ. બધા મીત્રો તેની પાસે ગયા અને એ ચશ્મા પહેરવાની વિનંતી કરી એટલે પેલા મીત્રએ ચશ્મા પહેરી લીધા.
અરે ! આ શું ? ચશ્મા તો તેના ચહેરા પર બીલકુલ પર્ફેક્ટ બેસી ગયા હતા. તે ભલે લઘરવઘર રહેતો હતો તેમ છતા આ ચશ્મામા તે થોડો ઘણો પણ આકર્ષક જણાઇ રહ્યો હતો. આ બધુ જોઇ તેના મીત્રો બોલી ઉઠ્યા, અરે વાહ યાર! આ ચશ્મા તો તને ખુબજ સરસ લાગે છે હો ! તુ તો આમા ખરેખર હીરો જેવો લાગે છો હો. પોતાના આવા વખાણ સાંભળીને પેલો વ્યક્તીતો સાવ સ્તબ્ધજ થઇ ગયો.
શુ.... ? હું ખરેખર હીરો જેવો લાગુ છુ ? અરે હા હા ૧૦૦%. તને વિશ્વાસ ન આવતો હોય તો આ અરીસામા જો.. બસ પછી તો તે આખો દિવસ વિચારોમા ખોવાઇ ગયો, આમ તેમ વિચારો કરતા કરતા ભટકવા લાગ્યો અને આંખોમાથી આંસુ પણ નીકળી પળ્યા કારણકે તેને ઘણા દિવસ પછી પોતાની આવી પ્રસંશા સાંભળવા મળી હતી. બસ આ દિવસ પછીતો તેના જીવનમા પરીવર્તનોના પવનો ફુંકાવા લાગ્યા, તે એકદમ વ્યવસ્થીત રહેવા લાગ્યો. તે રોજે ન્હાઇ ધોઇને સરસ મજાના વાળ ઓળવવા લાગ્યો, સારા ઇસ્ત્રી ટાઇટ કપળા અને બુટ ચપ્પલો પહેરી અપટુડેટ રહેવા લાગ્યો અને સમાજમા પણ બધા સાથે ભળી ગયો. આવી સુઘળતા જોઇ તેના જુના મીત્રો પણ તેને માન આપવા લાગ્યા અને આ રીતે માત્ર એક પ્રસંશા દ્વારાજ પેલા ઘુવળ જેવા લાગતા વ્યક્તીના જીવનમા મોટા મોટા પરીવર્તનો થવા લાગ્યા. તે પોતાના મીત્રોનો ખરેખર આભાર માનવા લાગ્યો અને કહેતો કે જો તમે મારા વખાણ ન કર્યા હોત, મને મારી અચ્છાઇઓનુ ભાન ન કરાવ્યુ હોત તો આજીવન હું ઘુવડ જેવોજ બનીને ફરતો રહેત.
થોડા મહિના પછીતો શહેરના નામાંકિત અને સંસ્કારી પરીવારની છોકરી સાથે તેના લગ્ન પણ થઇ ગયા અને સુખી સંસાર પણ માંડી દીધો.
આમ નાની એવી પ્રસંશાથીજ તેનુ જીવન જડ મુળથી ફેરવાઇ ગયુ.
આ પરથી નક્કી થાય છે કે કોઇ પણ વ્યક્તીમા સારા ગુણોની સ્થાપના કરવી કે તેનામા રહેલા ગુણોનો લાભ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એજ છે કે તેઓના સારા ગુણો, સારી બાબતો કે કાર્યોને ઓળખી તેની જાહેરમા પ્રસંશા કરવામા આવે. આવા વર્તનથી તે એટલો બધો ખુશ થઇ જશે કે પોતાની આવીજ છાપ જાળવી રાખવા તે તમારી ઇચ્છા મુજબ વર્તન તો શું પોતાનો જીવ પણ કુર્બાન કરી બતાવશે.
આટલુ વાંચ્યા પછી જો તમને પ્રસંશાની અસરકારકતા કે મહત્વ સમજાણુ હોય તો તેની શરુઆત પોતાના ઘરથી કરજો. એટલેકે પોતાની માતા દ્વારા બનાવાયેલી સ્વાદીષ્ટ રસોઇની પ્રસંશા કરજો, પોતાની પત્નીના રૂપ, પહેરવેશ સ્વભાવ કે કાર્યકુશળતાના વખાણ કરજો, પોતાના પીતા કે ભાઇ કે જે દિવસ રાત મહેનત કરી ઘરનુ ગુજરાન ચલાવે છે તેની પ્રસંશા કરજો.. પ્રસંશાની આવી શરુઆતજ તમારા જીવનને આનંદ–કીલ્લોલથી તરબોળ કરી મુકશે.
પ્રસંશા કેવી રીતે કરવી જોઇએ ? તેને કેવી રીતે અસરકારક બનાવી શકાય ?
પ્રસંશાને અસરકારક બનાવવા માટે નીચેની બાબતોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.
૧) તત્કાલ પ્રસંશા કરો
તમે કોઇ સારુ કામ કર્યુ હોય પણ લોકો તેની ૬ કે ૧૨ મહીના પછી રહી રહીને પ્રસંશા કરે તો એ તમને કેવુ વિચીત્ર લાગે? લોકોતો અહી તમારી પ્રસંશાજ કરી રહ્યા છે તેમ છતા તે વિચીત્ર લાગે છે તો તેનુ કારણ તેની સમયસુચકતાજ હોય છે. તેના કરતા આપણુ કાર્ય પુર્ણ થતા તરતજ સૌથી પહેલા કોઇ તેની પ્રસંશા કરી બતાવે તો તે આપણને વધારે ઉત્સાહજનક લાગતી હોય છે અને આવી પ્રસંશા કરનાર વ્યક્તી પણ આપણને વધારે યાદ રહી જતા હોય છે. આ વાત તમને સોશિયલ નેટવર્કીંગ સાઈટના ઉદાહરણ પરથી વધારે સમજાશે. જ્યારે તમે સોશિયલ નેટવર્કીંગ સાઈટ પર કોઇ ફોટો કે લખાણ અપલોડ કરો છો ત્યારે સૌથી પહેલી લાઇક આપનાર વ્યક્તી પ્રત્યે આપણને થોડોક વધારેજ ઉમળકો થતો હોય છે કારણકે તેઓ આપણી અપેક્ષાઓને જળપથી સંતોષી રહ્યા હોય છે. પણ આવો ઉમળકો રહી રહીને કે ધરારથી લાઈક કરનાર વ્યક્તી પ્રત્યે થતો હોતો નથી ખરુને ! આમ તત્કાલ પ્રસંશાની તત્કાલ અને ઉંડી અસરો ઉપજતી હોય છે જ્યારે મોડે મોડે થતી પ્રસંશાની ખાસ કશી અસર થતી હોતી નથી.
તત્કાલ પ્રસંશા સૌથી વધારે અસર કરતી હોય છે તેનુ કારણ માત્ર એટલુજ છે કે જ્યારે લોકો કોઇ સારુ કામ કરે છે ત્યારે તેઓ તેની પ્રસંશા મેળવવા ઉત્સુક થઇ જતા હોય છે, પોતાની પ્રસંશા સાંભળવાની અપેક્ષા વધી જતી હોય છે, એવામા જો તેઓને પ્રસંશા મળી જાય તો તેઓનો ઉત્સાહ ચરમ સીમાએ પહોચી જતો હોય છે, તેઓ સંતોષ અનુભવતા હોય છે. પણ જો પ્રસંશા આપવામા વિલંબ કરવામા આવે તો તેટલા સમયગાળમા લોકોની પ્રસંશા સાંભળવાની ઉત્કંઠા કે તાલાવેલી ઓછી થઇ જતી હોય છે, પછી તેઓને પ્રસંશા સાંભળવાનો એટલો બધો ઉમળકો રહેતો હોતો નથી જેટલો પહેલા અનુભવતા હતા. હવે જો લોકોને પ્રસંશા સાંભળવાનો ઉમળકોજ ન હોય તો પછી તેઓ પોતાની પ્રસંશા સાંભળીને એટલા બધા ખુશ પણ ન થાય તે દેખીતી વાત છે. આપણને કોઇ ભાવતુ ભોજન ખાવાની તાલાવેલી લાગી હોય અને ત્યારે તે મળી જાય તો તેનો આનંદ કંઇક અલગજ હોય છે પણ એક વખત મુળ ઓફ થઇ જાય કે તૃપ્ત થઈ જઈએ તો પછી ભાવતુ ભોજન પણ ગળે ઉતરતુ હોતુ નથી તેના જેવી આ વાત છે.
આમ તત્કાલ અને વહેલી તકે કરેલી પ્રસંશા સારુ પરીણામ લાવી બતાવે છે માટે વહેલી તકે પ્રસંશા કરવાની ટેવ વિકસાવવી જોઇએ.
૨) અસરકારક, નવીનતાસભર પ્રસંશા કરો.
જરા વિચારો જોઇએ કે ૧૦માથી ૯ વ્યક્તી તમને એમ કહે કે તમે ખુબજ સરસ રમ્યા છો પણ એક વ્યક્તી એમ કહે કે અરે યાર, તે તો આજે કમાલ કરી નાખી છે હો, શું ચોગ્ગા ને છગ્ગા ફટકાર્યા છે ! આવુતો કોઇ રમીજ ન શકે ! હવેતો તારો રેકોર્ડ કોઇ તોળીજ ન શકે હો ! તો આવી પ્રસંશા સાંભળીને તમે ખુશ ખુશાલ થઇ જાવ કે નહી ? તમે ક્યાંય ફુલ્યા નહિ સમાતા હોવ અને ફરી પાછી આવીજ ધુવાધાર ઇનીંગ રમવાના ખ્વાબમા તમે ખોવાઇ જતા હશો ખરુને !
આમ સાદી પ્રસંશાની એક હદ સુધીની અસરો જોવા મળતી હોય છે જ્યારે નવીનતા સભર પ્રસંશાની વ્યાપક પ્રમાણમા અસરો જોઇ શકાતી હોય છે તેમજ આવી પ્રસંશા અને તે કરનાર વ્યક્તી આપણને કાયમને માટે યાદ રહી જતા હોય છે. માટે જ્યારે પણ પ્રસંશા કરો ત્યારે ચીલાચાલુ પ્રસંશા કરવાને બદલે લોકોના દિલને સ્પર્શી જાય, તેઓ ખુશ ખુશાલ થઇ જાય અને ફરી પાછુ તેવુજ કામ કરવા પ્રેરાય તેવી પ્રસંશા કરો. આ રીતે લોકોની ઉપલબ્ધી કે સ્ટાન્ડર્ડ દરશાવશો તો પ્રસંશાની અસરકારકતા ખુબજ વધી જશે.
૩) જાહેરમા પ્રસંશા કરો
દરેક વ્યક્તીને સમાજમા વધુને વધુ લોકો વચ્ચે સમ્માન પ્રાપ્ત કરવાની, લોકોની નજરોમા ઉંચા ઉઠવાની પ્રબળ ઇચ્છા હોય છે. એવામા જો તમે તેઓની જાહેરમા, બધા વચ્ચે પ્રસંશા કરી બતાવો તો લોકોનુ આ સપનુ સાકાર થઇ જતુ હોય છે જેથી તેઓ વધુ ઉર્જા અને પ્રેરણાનો અનુભવ કરતા હોય છે. પછીતો લોકોની નજરોમા પોતાનુ આવુ સમ્માન જાળવવા તેઓ જાતેજ વધારે મહેનત કરવા લાગતા હોય છે અને વારંવાર ઉત્કૃષ્ટ પરીણામ લાવી બતાવતા હોય છે. તેનાથી વિપરીત જ્યારે પણ ટીકા ટીપ્પ્ણી કરવાની જરુરીયાત ઉભી થાય ત્યારે તેને ખાનગીમા કહેવાનો આગ્રહ રાખવો જોઇએ કારણકે કોઇ પણ વ્યક્તીને બધાની નજરોમા નીચા પડવુ કે અપમાનીત થવુ પસંદ હોતુ નથી. જો એક વખત તેઓ લોકોની નજરોમા નીચા પડી જાય તો પછી તેઓ લોકો સાથે વાતચીત કરતા, સાથે કામકાજ કરતા કે લોકો સાથે નજરો મીલાવતા શરમ સંકોચ અનુભવતા હોય છે, જેથી તેઓ ધીરે ધીરે લોકોથી કે તમારાથી દુર થવા લાગતા હોય છે અને આવી બધી ચીંતાઓમા તે પોતાની કાર્યકુશળતા ગુમાવી બેસતા હોય છે. માટે બને ત્યાં સુધી ખાનગીમા અને રચનાત્મક ટીકા કરવાનુ રાખો. રચનાત્મક ટીકા કરવા માટે તમે લોકોને એમ કહો કે તમે આ રીતે નહિ પણ આ રીતે કામ કરશો તો વધુ સારુ પરીણામ મેળવી શકાશે. આ રીતે લોકોને મદદરુપ થવાના ઇરાદાથી કોઇ ભુલ દર્શાવવામા આવે તો લોકોને નીચા પડતા બચાવી તેઓની કાર્યક્ષમતા કે ભુલ સુધારણામા વધારો કરી શકાતો હોય છે ઉપરાંત સબંધોમા કડવાહટ ફેલાતા પણ બચાવી શકાતી હોય છે.
વિશ્વનુ શ્રેષ્ઠમા શ્રેષ્ઠ સુખ જો કોઇ હોય તો એ છે જીંદગી જીવવાનો ઉત્સાહ. જે લોકોને જીંદગી જીવવાનો અનેરો ઉત્સાહ છે તેઓ વિશ્વના સૌથી સુખી લોકોમા સ્થાન પામી શકતા હોય છે. લોકોને આવુ સુખ આપવા માટે તેઓને કીંમતી વસ્તુઓની ભેટ આપવાને બદલે તેઓનુ મહત્વ અને આત્મસમ્માન વધારવુ જોઇએ. તેઓને સ્પેશિયલ ફિલ કરાવવુ જોઇએ. લોકોને આવો મીઠો અનુભવ આપવાનો શ્રેષ્ઠ રસ્તો છે પ્રસંશા. તમે જ્યારે લોકોની પ્રસંશા કરો છો ત્યારે તેઓ સમ્માનીત થયાનુ, મહત્વના વ્યક્તી હોવાનુ કે કંઇક સારુ કામ કર્યાનુ ગૌરવ અનુભવતા હોય છે. આવુ ગૌરવ તેઓના આત્મસમ્માનમા વધારો કરતુ હોવાથી તેમનો જીવન જીવવાનો ઉત્સાહ વધી જતો હોય છે અને આમ તેઓ શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત કરતા હોય છે. પછીતો આવુ સુખ આપનાર વ્યક્તી તેઓ માટે ખાસ બની જતા હોય છે.
આજના જમાનામા ઘણા લોકો માત્ર એટલા માટેજ દુઃખી હોય છે કારણકે તેઓ પોતાને નકામા, નગણ્ય અને બીનજરુરી સમજતા હોય, તેઓના મનમા લઘુતાગ્રંથી ઘર કરી ગઈ હોય છે, તો ઘણી વખત આવુ થવાનુ કારણ તેઓની પ્રસંશા કરનારાઓ કે ટેકો આપનારા લોકોનો અભાવ હોય છે. જો લોકો ખરા દિલથી એક વખત પણ આવા લોકોની પ્રસંશા કરી બતાવે તો તેઓના મનમા આત્મવિશ્વાસ કે આત્મસમ્માનનો સંચાર કરી શકાતો હોય છે. પ્રસંશામા નિરાશ, નિષ્ફળ અને નાસીપાસ થયેલા લોકોને ફરી પાછા બેઠા કરવાની અદ્ભુત તાકાત હોય છે જે વ્યક્તી આ તાકાતનો ઉપયોગ કરી બતાવતા હોય છે તેઓ સમગ્ર વિશ્વના લોકો પર પોતાનો જાદુ ચલાવી શકતા હોય છે.
૪) ખરા દિલથી, નીઃસ્વાર્થ ભાવે અને સાચી પ્રસંશા કરો.
પ્રસંશા કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે પ્રસંશા હંમેશા નીઃ સ્વાર્થ ભાવે, ખરા દિલથી અને વ્યાજબી લાગે એ રીતે કરવી જોઇએ. જો તમે સ્વાર્થ રાખી કે ખોટી પ્રસંશા કરશો તો તે તમારા ચહેરા પર દેખાઇજ આવશે અને લોકો તમારા પર શંકા કરી તમારી પ્રસંશાની અવગણના કરશે. તેઓ સમજી જશે કે તમે તેઓ પાસેથી કંઈક ફાયદો મેળવવા ઇચ્છો છો એટલા માટેજ તેઓની ચાપલુસી કરી રહ્યા છો. આવી પરીસ્થીતિઓ ન ઉદ્ભવે કે તમારી વિશ્વાસપાત્રતા જળવાઈ રહે તેના માટે હંમેશા પ્રામાણિકતાથી પ્રસંશા કરવાનુ વલણ અપનાવવુ જોઈએ.
છેલ્લે તો એટલુજ કહિશ કે અહિ જેટલા પણ સુચનો દર્શવ્યા છે તેની નકલ કે દેખાડો કરવાને બદલે તેને જીવનમા સ્વભાવ સાથે વણી લેવા જોઇએ. આપણે પ્રસંશા કરવાનો કે ખુશ દેખાવાનો દેખાડો નથી કરવાનો પણ તે બધુ આપણા સ્વભાવ સાથે એ રીતે વણી લેવાનુ છે કે કોઇનુ સારુ કામ જોતાજ આપણા ચહેરા પર ખુશી આપોઆપ છલકાઇ આવે.