Sambandhone majbutithi jodi rakhto pul books and stories free download online pdf in Gujarati

સબંધોને મજબુતીથી જોડી રાખતો પુલ

જરા વિચારો જોઇએ કે કોઇ વ્યક્તી અતિશય ટેલેન્ટેડ હોય, હોશીયાર હોય પણ તેના પર તલભારનોય વિશ્વાસ મુકી શકાય તેમ ન હોય તો શું તમે તેને નોકરીએ રાખશો? કોઇ વ્યક્તી વારંવાર પોતાની વાત પરથી પલટી જતા હોય, વાતે વાતે ખોટુ બોલતા હોય, દરેક સમયે વિરોધાભાસી વર્તન કરતા હોય, તેઓના વાણી વર્તનમા જરા પણ મેળ બેસતો ન હોય તો શું તેવા લોકોની વાત સાંભળી તેઓનો પક્ષ લઇ તેમને સહકાર આપી શકશો? એક વખત તમને જે વ્યક્તી પર શંકા થઈ ગઈ છે તે વ્યક્તી પછી ગમે તેવા દંભ દેખાડા કરી લે કે કદાચ તે સાચો પણ હોય તો શું તમે તેનો જડપથી વિશ્વાસ કરી શકશો ? કોઇ સ્ત્રીને કોઇ પુરૂષ પર વિશ્વાસ ન હોય તો શું તે પેલા પુરૂષની પ્રપોઝલ સ્વીકારી શકશે ? હવે માની લ્યો કે આવા વ્યક્તીને તમારા સાથની ખુબજ જરુરીયાત પડી હોય, તમારા વગર તેનુ કામ થઇ શકે તેમ ન હોય ત્યારે તમે તેઓ પર શંકા કરી મદદ ન કરો તો તેઓના કેવા હાલ થાય? તેઓએ અનેક પ્રકારની મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓ સહન કરવી પડે ખરુને ! હવે જો તે વ્યક્તી ખુબજ વિશ્વાસપાત્ર હોત, તેના એકે એક શબ્દ પત્થરની લકીર સમાન હોત તો તમે ક્યારેય તેઓને મદદરુપ થવાની ના પાડેત ? જો તમે ના ન પાળેત તો તેમને નિષ્ફળ થવાનુ કોઇ કારણ બચેત ? તમારો સબંધ ક્યારેય બગળી શકેત? આમ આપણી વિશ્વાસપાત્રતા એ સબંધો અને સફળતા મેળવવા માટે લાઇફલાઇન સમાન હોય છે, આવી લાઇફલાઇન ધરાવતી વ્યક્તી મોટામા મોટી મુશ્કેલીઓને સરળતાથી પાર કરી સફળ થઇ શકતા હોય છે.
વિશ્વાસ એ બે સબંધોને મજબુતીથી જોડી રાખતો પુલ છે, આ પુલ જેટલો મજબુત હોય તેટલોજ મજબુતીથી સબંધ મુશ્કેલીઓ વચ્ચે ટકી શકતો હોય છે, પણ જો આ પુલ તુટી જાય તો વર્ષો જુના સબંધોને પણ તુટતા વાર લાગતી હોતી નથી.
આજના દંભથી ભરેલા જમાનામા વિશ્વાસપાત્ર લોકો અને સારા સબંધો મેળવવા ખુબ અઘરા હોય છે. આવા સબંધો ખુબજ નશીબથી પ્રાપ્ત થતા હોય છે. જો આવા સબંધો પ્રાપ્ત થાય તો તેને ખુબજ પ્રામાણિકતાથી નિભાવવા જોઇએ અને બને ત્યાં સુધી પરસ્પર વિશ્વાસ જાળવી રાખવો જોઇએ. જે લોકો આપણને મદદરુપ થઇ રહ્યા છે, જેઓ આપણા માટે બધુ કુર્બાન કરી રહ્યા છે, જેઓ આપણને સમર્પીત છે તેઓનો વિશ્વાસતો મરતે દમ સુધી જાળવી રાખવો જોઇએ. જીવનની મુખ્ય થાપણો એ આવા સબંધોજ હોય છે, જો તે જતા રહે તો પછી આ દુનિયામા આપણા માટે ખાસ કશુ બચતુ હોતુ નથી કારણકે ચારેય બાજુ લેભાગુ અને સ્વાર્થી લોકોનીજ ભરમાર હોય છે. પછી આવા લોકો વચ્ચે જીવવાની મજા આવતી હોતી નથી. આમ સબંધોમા વિશ્વાસ એ મોટી વસ્તુ છે, તેના આધારેજ સબંધો ટકી રહેતા હોય છે, જો લોકોને એક બીજા પર વિશ્વાસ ઉઠી જાય તો પછી નીઃ સ્વાર્થ મદદ, પ્રેમ અને સહકારીતા પણ નષ્ટ થઇ જતા હોય છે. પછી જ્યારે વ્યક્તીને ખરેખર તેની જરુર પડતી હોય છે ત્યારે કોઇ આપણા પર વિશ્વાસ મુકી મદદ આપવા તૈયાર હોતુ નથી અને જો મદદ આપે તો તેની ઉચી કીંમત તેઓ વસુલ કરતા હોય છે, લુંટી લેતા હોય છે. પછી આવા સમયે આપણને સમજાતુ હોય છે કે જીવનમા સાચા સબંધો અને સબંધોમા વિશ્વાસપાત્રતા કેટલા જરુરી બનતા હોય છે.
માની લ્યો કે કોઇ બે વ્યક્તી પોતાનો કોઇ વેપાર શરુ કરવા માગે છે, માટે તેઓ તમારી પાસે થોડા પૈસા ઉછીના આપવા વિનંતી કરી રહ્યા છે. હવે તે બન્નેમાથી પહેલો વ્યક્તી ચોર, લુટારો અને દગાબાજ પ્રવૃતીનો માણસ છે, તે પૈસા માટે કંઇ પણ કરી શકે તેમ છે, તેણે ક્યારેય કોઇને લીધેલા પૈસા સમયે પાછા આપ્યા નથી અને જો કોઇ માગવા જાય તો તેને ધાક ધમકી અને બહાનાઓ કાઢી પાછા મોકલી દે છે, વધુમા પોલિસ ચોપડે પણ તેનુ નામ અનેક વખત નોંધાઇ ચુક્યુ છે. હવે બીજો વ્યક્તી ખુબજ પ્રામાણિક છે, વિશ્વાસુ છે, તેના પર આંખ બંધ કરીને પણ વિશ્વાસ મુકી શકાય તેમ છે કારણકે તે એક વખત જે વચન આપી દે તેને તે કોઇ પણ ભોગે પુરુ કરી બતાવે છે, ઉપરાંત તેના ભુતકાળમા પણ ક્યાંય દગાબાજી, છેતરપીંડીનો દાગ લાગેલો નથી. હવે તમે ઉપરની આટલી માહિતી પરથી નક્કી કરો જોઇએ કે તમે કોને પૈસા ઉછીના આપવાનુ કે મદદરુપ થવાનુ વધારે પસંદ કરશો? કોણ તમારી મદદ મેળવી સફળતા પ્રાપ્ત કરી જશે? આટલો વિચાર કરશો તો જીવનમા વિશ્વાસપાત્રતાનુ શું મહત્વ છે અને તે અણીના સમયે આપણને કેટલો ઉપયોગી સાબીત થતો હોય છે તે ખુબજ સરળતાથી સમજાઇ જશે.
હકીકતતો એ છે કે આપણે બધાજ વિશ્વાસપાત્રતાનુ મહત્વ સમજતા હોઇએ છીએ, પણ આપણી આંખો પર બંધાયેલી લાલચ અને ગેરમાન્યતાઓની કાળી પટ્ટીજ આપણને ખરાબ પ્રવૃતીઓ કરવાની કે લોકોને છેતરવાની પ્રેરણા આપતી હોય છે. જો દરેક વ્યક્તી લાલચ અને ગેરમાન્યતાની આવી પટ્ટીને ઉખેળી ફેંકી દે તો તેઓ સમાજમા વિશ્વાસપાત્રતા પ્રાપ્ત કરી સામેથીજ જે જોઇએ તે મેળવી શકતા હોય છે. વિશ્વાસપાત્રતાનુ આટલુ ગણીત જો લોકો સમજી લે તો જીવનમાથી તમામ પ્રકારની વિકૃતીઓ અને લાલચો દુર કરી સફળતા મેળવી શકતા હોય છે.
વિશ્વાસ પાત્રતાથી સફળતા કેવી રીતે મળે ?
જ્યારે એક વ્યક્તીને બીજા વ્યક્તી પર વિશ્વાસ ઘટી જતો હોય છે ત્યારે શંકા–કુશંકાઓ ઉત્પન્ન થતી હોય છે, જ્યારે શંકાઓ ઉત્પન્ન થતી હોય છે ત્યારે એક બીજા સાથે હળી મળીને વિશ્વાસથી કામ કરવુ મુશ્કેલ બની જતુ હોય છે અને કામ અટકી પળતુ હોય છે. જ્યારે કામ અટકી પડતુ હોય છે ત્યારે તનાવ, હતાશા, ઉદાસીનતા, એકલતા, નકારાત્મકતા અને ગુસ્સાના ભાવ ઉત્પન્ન થતા હોય છે. આ બધુ ભેગુ થઇને આપણા સ્વભાવને ચીડચીડિયો બનાવી આપણુ મનોબળ ભાંગી નાખતુ હોય છે અને આપણે ગીવઅપ કરવા મજબુર બની જતા હોઈએ છીએ. પણ જો એક બીજા પ્રત્યે વિશ્વાસપાત્રતામા વધરો કરી દેવામા આવે તો શંકાઓ કરવાનુ કોઇ કારણ ન બચતા લોકો ટીમ સ્પીરીટથી એક બીજા સાથે હળી મળીને કામ કરવા પ્રેરાતા હોય છે, એક બીજાને વગર સંકોચે નીઃસ્વાર્થ ભાવે મદદરૂપ થતા હોય છે. આવા સહયોગભર્યા વાતાવરણથી ઉત્સાહ અને આત્મવિશ્વાસમા વધારો થતો હોય છે જેથી વ્યક્તી પોતાના દરેક કાર્યને તેના યોગ્ય સમયે પુર્ણ કરી સફળતા મેળવી બતાવતા હોય છે.
આમ વિશ્વાસ એ સબંધોનો આધાર છે, આ આધાર વગર ક્યારેય કોઇ સબંધ ટકી શકે નહી. જો તમે લોકોના દિલને જીતવા માગતા હોવ, શંકા કુશંકાના તોફાનથી પોતાના સબંધોને બચાવવા માગતા હોવ તો તમારે પરસ્પર વિશ્વાસ કેળવવો જોઇએ. પ્રેમ અને વિશ્વાસ એ વ્યક્તીના દિલને જીતવાનો જાદુ છે, જો કોઇ વ્યક્તી તમારા પર પુરતો વિશ્વાસ કરતા હશે તો તેઓ આંખ બંધ કરીને પણ તમને પહેલી પ્રાથમિકતા આપશે, તમને મદદ કરવા દોળી આવશે કે તમારી પ્રોપોઝલનો સ્વીકાર કરશે, પણ જો લોકો તમારો વિશ્વાસ નહિ કરતા હોય તો તમે ગમ્મે તેટલા પૈસાવાળા હશો, ગમે તેવા દેખાવડા હશો તો પણ લોકો તમને સાથ નહિ આપે તે નહિજ આપે. આમ વિશ્વાસ એ સબંધોનો પ્રાણ છે. જેમ પ્રાણ વગર શરીર જીવી ન શકે તેમ વિશ્વાસ વગર પણ સબંધ ટકી ન શકે. આવા વિશ્વાસ વગરનો સબંધ માત્ર નામ માત્રનોજ સબંધ બનીને રહી જતો હોય છે, તેમા કશો ઉમળકો પ્રેમ કે આત્મીયતા હોતી નથી જેથી આવા સબંધો વધારે ટકી શકતા હોતા નથી.
જ્યારે બે વ્યક્તી વચ્ચેનો વિશ્વાસ તુટતો હોય છે, ત્યારે તેઓ માટે સાથે રહેવુ, સાથે કામ કરવુ, એક બીજાને સહકાર આપવો તો ઠિક પણ વાતચીત કરવાનુ પણ મુશ્કેલ બની જતુ હોય છે. પછી એક બીજાની પીઠ પાછળ ટીકા ટીપ્પણી, અપમાનજનક વાતો કે હાંસી ઉડાળવાનુ શરુ થઇ જતુ હોય છે. આવી વાતો સાંભળીને બીજા લોકોના મનમા પણ શંકાના બીજ રોપાતા હોય છે જે અંદરો અંદર વિભાજન અને વિખવાદ ઉત્પન્ન કરતા હોય છે. આ રીતેતો ક્યારેય બે વ્યક્તી સાથે મળીને કોઇ કામ પાર પાળી શકે નહી, પણ જો વ્યક્તી એક બીજા પર વિશ્વાસ રાખે તો તેઓ અસરકારક વાતચીત કરી સમસ્યા કે ટાસ્કને બરોબર સમજી આપસી તાલમેલથી તેના નિવારણ લાવી શકતા હોય છે.
જરા વિચારો જોઇએ કે પતી-પત્ની, ગ્રાહક–વિક્રેતા, મજુર માલીક, પીતા-પુત્ર વચ્ચે વિશ્વાસ ન હોય તો તેવા સબંધોનુ શું થાય ? આવા સબંધો દેખાવ પુરતા સગવળીયા અને પાયા વિહોણા બની જતા હોય છે, તેઓ જાહેરમાતો બધુ બરોબર છે તેવુ દેખાડતા હોય છે પણ અંદરથી તેઓ એક બીજાના વિરોધી બની જતા હોય છે. તેઓના જીવનમા હલકો પવન આવે તો પણ તેઓના સબંધો ઉડી જતા હોય છે. આવા સબંધોમા જરાક પણ ગેરસમજણ ઉદ્ભવે કે તરતજ તે પત્તાના મહેલની જેમ ઢળી પળતા હોય છે પછી તેમ થતા કોઇ અટકાવી શકતુ હોતુ નથી. આવુ આપસી વિશ્વાસ ધરાવતા સબંધોમા બનતુ હોતુ નથી. આવા સબંધોમા તો જ્યારે પણ મુશ્કેલીઓ આવે છે ત્યારે બધા એક બીજા પર શક કરવાને બદલે એક બીજાને મદદરૂપ થવા ભેગા થઈ જતા હોય છે, વાતચીત દ્વારા સમસ્યાઓના નિવારણ લાવતા હોય છે અને પછી કોઇ કાંઈ પણ કહે, ગમે તેટલા ધમપછાડા કરી લે તો પણ આવા સબંધો તોડી શકાતા હોતા નથી. જો તમે તમારા સબંધોને આ રીતે ચટ્ટાનની જેમ મજબુત બનાવવા માગતા હોવ તો સૌથી પહેલા તમારે વિશ્વાસપાત્રતા કેળવવી જોઇએ. જો દરેક પરીસ્થીતિમા લોકોનો તમારા પરનો વિશ્વાસ જળવાઇ રહેતો હોય તો તમારો સબંધ નીઃશંકપણે અમર બની જશે.
જો તમે એમ સમજતા હોવ કે હું જે કંઇ પણ કરુ છુ તેની લોકોને કંઇ ખબર પડતી નથી કે તેઓને ક્યારેય ખબ પડશેજ નહિ તો એ તમારી ભુલ છે કારણકે અસત્ય, ગુનો અને અપ્રામાણિકતા એકને એક દિવસ બહાર આવતાજ હોય છે. એતો અત્યારે લોકો જાગૃત નથી કે તેઓ પાસે સામર્થ્ય નથી એટલા માટેજ તેઓ મોટા પાયે બહાર આવતા નથી. પણ જે દિવસે લોકો આ બધુ સહન કરીને થાકી જશે કે તેઓ પાસે સામર્થ્ય આવી જશે ત્યારે તે બધાજ લોકો ખુલેઆમ તમારી સામે પડી વિરોધ કે અસહકાર આપવા લાગશે. જ્યારે તેમ થશે ત્યારે વ્યક્તીની બધીજ કરતુતો, કાળા કારનામાઓ એક પછી એક બહાર આવવા લાગતા હોય છે અને મહા મહેનતે ઉભા કરેલા સામ્રાજ્ય, પૈસા કે વિશ્વાસપાત્રતા એ બધુજ પડી ભાંગતુ હોય છે. માટે પ્રામાણિકતાથી પોતાના વિકાસ માટે કામ કરો પણ કોઇને છેતરવા કે નુક્શાન પહોચાડવાના ઇરાદાથી હંમેશા દુર રહો.
વિશ્વાસપાત્રતા વધારવા શું કરવુ જોઇએ ?

વિશ્વાસપાત્રતા વધારવા માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવવા જોઇએ.
૧) કથની અને કરણી એકરુપ રાખો. જયાં સુધી તમારી કથની અને કરણી એકરુપ રહેશે ત્યાં સુધી લોકો તમારા પડ્યા શબ્દો જીલી લેશે, તમારા પર આંખ બંધ કરીને પણ વિશ્વાસ મુકશે. પણ જો તમે આ બાબતનુ ધ્યાન નહી રાખો તો ઘણી વખત તમારી વાત સાચી હશે તો પણ લોકો તમારો વિશ્વાસ કરશે નહી. આમ વિશ્વાસપાત્રતા વધારવા માટે જે બોલો તે કરી બતાવવુ જોઈએ અને જેટલુ કરી શકો તેટલુજ બોલવાનુ રાખવુ જોઈએ.

૨) નેકદિલ, નિખાલસ, સેવભાવી અને પ્રેમાળ બનો. જે વ્યક્તી સમાજની ખરા દિલથી સેવા કરે છે, જેઓ દરેક સાથે પ્રેમપુર્વક વર્તન કરે છે અને નેકદિલ રાખી દરેકનુ ભલુ ઇચ્છે છે તેઓ પર ખરાબ માણસ હોવાની શંકા ક્યારેય કોઇ કરી શકતા નથી. ટુંકમા લોકો એ વાત સ્વીકારવા તૈયારજ હોતા નથી કે આ વ્યક્તી આવુ કંઈ પણ કરી શકે.

૩) ગેરમાન્યતાઓ દુર કરો. આજના જમાનામા લોકોને છેતરવાથી કે ખોટુ બોલવાથીજ આપણા કામ થાય છે કે આગળ વધી શકાય છે તેવી ગેરમાન્યતાજ વ્યક્તીને ખોટા કામ કરવાની પ્રેરણા આપતી હોય છે. પછી જ્યારે આ બધુ બહાર આવતુ હોય છે ત્યારે જીંદગી ભરની પુંજી ગુમાવવાનો વારો આવતો હોય છે. માટે વિશ્વાસઘાત કરવાની પ્રેરણા આપે તેવી તમામ પ્રકારની ગેરમાન્યતાઓ, લાલચો અને દેખાદેખીઓને તર્કબધ્ધ રીતે જાકારો આપો, એમાજ આપણા સૌની ભલાઇ છે.

૪) નિષ્ઠાવાન, વફાદાર અને પ્રામાણિક બનો. પોતાના પરીવાર, માલીક, દેશ, ગ્રાહક કે ઇશ્વર પ્રત્યે કોઇ પણ ભોગે વફાદાર રહેનાર વ્યક્તી પર લોકો કાયમી વિશ્વાસ મુકી તેઓને પ્રથમ પસંદગી આપતા હોય છે.

૫) ચારીત્ર્યવાન બનો. જો તમારા ચારીત્ર્યમા ગળબળ હશે કે તમે ઉલટા સુલટા કામ કરવાનો ઇરાદો રાખી પ્રયત્ન કરતા હશો તો તેની નોંધ ક્યાંકને ક્યાંકતો લેવાતીજ હશે. જો એક વખત તમારા ચારીત્ર્ય પર કોઇને શંકા થઇ જશે તો પછી આજીવન લોકો તમારા પર વિશ્વાસ મુકતા અચકાશે. માટે દરેક વ્યક્તીએ પોતાના ચારીત્ર્યને જીવની જેમ સાચવવુ જોઇએ, તેની પવિત્રતા જાળવી રાખવી જોઇએ.

૬) ક્યારેય પણ ખોટુ ન બોલો, લોકોને છેતરવાની ભુલ ન કરો કારણકે એક વખત તમે કોઇને છેતરવાનો પ્રયત્ન કરશો તો લોકો આ વાત સમાજમા ફેલાવી દેશે અને પછીતો લોકો ભેગા થઇને સામેથીજ તમને પાઠ ભણાવવાના પ્રયત્ન કરશે અને તમારે બધુજ પડતુ મુકીને ભાગવુ પડશે.

૭) ન્યાય, નીતિ અને ધર્મના સિદ્ધાંત પર ચાલો. જે લોકો ક્યારેય આ ત્રણ બાબતો ચુકતા નથી તેઓ ક્યારેય વિશ્વાસપાત્રતા ગુમાવતા નથી.

૮) નિયમિતતા અને પ્રામાણિકતાથી કામ કરો. સ્વાર્થનો ત્યાગ કરો. જેઓ સ્વાર્થી છે તેઓના દરેક એક્શન પર લોકો શંકા કરતા હોય છે. આવા લોકો જળપથી લોકોનો વિશ્વાસ જીતી શકતા હોતા નથી અને જીતી જાય તો પોતાના સ્વભાવને કારણે લાંબો સમય સુધી ટકાવી શકતા હોતા નથી.

૯) અહંકારનો ત્યાગ કરો, અહંકારી વ્યક્તી હંમેશા બડાઇઓ હાંકશે પણ આવી બડાઇઓનો કોઇ વિશ્વાસ કરતુ હોતુ નથી જેથી આવા વ્યક્તી વિશ્વાસપાત્રતા ગુમાવી બેસતા હોય છે. પછી આવી મોટી મોટી બડાઇઓ હાંકનાર વ્યક્તીની આસપાસ રહેવાનુ લોકો પસંદ કરતા હોતા નથી.

૧૦) તમારો ઇરાદો નેક અને પ્રામાણિક રાખો, બદઈરાદાની બદબુ વહેલા મોડા બહાર આવીજ જતી હોય છે, તે જ્યારે બહાર આવતી હોય છે ત્યાર પછી લોકો આજીવન આપણા પર વિશ્વાસ મુકી શકતા હોતા નથી. માટે નેક, પવિત્ર અને દરેકનુ ભલુ થાય તેવો ઇરાદો રાખો.

૧૧) વિવાદોના ઉકેલ લાવો. જ્યારે વિવાદો અસ્તીત્વમા હોય કે અણબનાવ બન્યો હોય ત્યારે સામાન્ય રીતે લોકો એક બીજા પર શંકાઓ કરીને એવુ વિચારતા હોય છે કે આ વ્યક્તીને મારી સાથે જઘડો છે એટલે તેણેજ આવુ કામ કર્યુ હોવુ જોઇએ. પણ જો આવા વિવાદોને શાંત પાળી દેવામા આવે તો અનેક પ્રકારની શંકા-કુશંકાઓ, તર્ક-વિતર્કો પર પુર્ણ વિરામ લગાવી આપણી વિશ્વાસપાત્રતા જાળવી શકાતી હોય છે.

૧૨) જ્યારે પણ અવિશ્વાસ ઉત્પન્ન થાય ત્યારે તે શા માટે ઉત્પન્ન થયો તેનુ કારણ શોધો અને જડપથી તેના ઇલાજમા લાગી જાઓ. આ રીતે વિશ્વાસનો ઘસારો થતા અટકાવી શકાશે.

૧૩) નકામી, ખોટી કે વાતે વાતે શંકાઓ કરવાની ટેવ દુર કરો. તમારુ આવુ વર્તન જોઇને લોકોને પણ તમારી સાથે તેમજ કરવાની પ્રેરણા મળશે.

૧૪) કોઇએ કહેલી વાતને અફવાઓની જેમ ફેલાવવાને બદલે આપણે પહેલા તેની ખરાઇ કરી લેવી જોઇએ અને પછીજ તેનો ફેલાવો કરવો જોઇએ જેથી લોકો બીજી વખત આપણી વાત પર વિશ્વાસ કરવા પ્રેરાય.

૧૫) સિદ્ધાંતો, અનુશાશન અને નીતિ નિયમોનુ કડકાઇથી પાલન કરો, જે લોકો નીતિ નિયમો મુજબ ચાલે છે તેઓ સમાજમા સારી છાપ વિકસાવી શકતા હોય છે જેથી તેઓ સરળતાથી લોકોનો વિશ્વાસ જીતી જતા હોય છે.

૧૬) પ્રામાણિકતાથી, નેક ઇરાદાથી કામ કરો, દરેકનુ ભલુ ઇચ્છો અને દરેકના હિતનુ ધ્યાન રાખી કામ કરો. કોઇને પડતા કરવા, નુક્શાન પહોચાડવા કે છેતરી જવાના ઇરાદાથી કામ કરવાને બદલે પોતાના વિકાસ કરવાના દ્રષ્ટીકોણથી કામ કરો. આ દુનિયાના દરેક વ્યક્તીને પોતાનો, પોતાના સમાજનો વિકાસ કરવાનો અધીકાર છે પણ કોઇનેય નુક્શાની કરવાના ઇરાદાથી કે તેમને પડતા કરવાના ઇરાદાથી કામ કરવાનો કોઇનેય અધીકાર નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED