પલ પલ દિલ કે પાસ - દેવ આનંદ - 11 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - દેવ આનંદ - 11

દેવ આનંદ

૧૯૪૩માં જયારે બીજા વિશ્વ યુધ્ધના દિવસો ચાલતા હતા બરોબર ત્યારેજ વીસ વર્ષના યુવાન દેવ આનંદનો કપરા સંઘર્ષનો સમય ચાલતો હતો. ખિસ્સામાં માત્ર ત્રીસ રૂપિયા અને બાળપણથી ભેગું કરેલું સ્ટેમ્પ કલેક્શન લઈને તેણે મુંબઈમાં પગ મુક્યો હતો. પૈસા ખૂટી પડતાં આખરે વ્યથિત હ્રદયે સ્ટેમ્પ કલેક્શન પણ વેચી નાખવું પડયું હતું. મોટા ભાઈ ચેતન આનંદને કારણે માંડ ઇપ્ટાના એક નાટકમાં કામ મળ્યું હતું. ખ્વાજા અહમદ અબ્બાસ લિખિત તે નાટકના રીહર્સલમાં દેવથી ડાયલોગ બોલવામાં ભૂલ થઇ હતી. રિહર્સલમાં હાજર રહેલા બલરાજ સહાનીએ તેજ વખતે દેવની ભવિષ્યવાણી ભાખી હતી કે “યે લડકા ઝીંદગી મેં કભી એક્ટર નહિ બન શકેગા”. જોકે દેવની મહેનત અને ધગશને કારણે બલરાજ સહાનીની વાત ખોટી પડી હતી.

આજે ફિલ્મ એક્ટર,રાઈટર ,ડાયરેક્ટર એન્ડ પ્રોડયુસર દેવ આનંદની જિંદગી તરફ નજર નાખીએ તો ૮૮ વર્ષની આયુ ,સાડા છ દાયકાની ફિલ્મી કારકિર્દી, સવાસો જેટલી ફિલ્મોમાં અભિનય તથા પાંત્રીસેક ફિલ્મોનું નિર્માણ તેના ખાતે બોલે છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનિત દેવ આનંદ તેની આત્મકથા “રોમેન્સિંગ વીથ લાઈફ” માં લખે છે હું વારંવાર પ્રેમમાં પડતો રહ્યો છું. જીવનમાં માત્ર એક જ સ્ત્રી એવી આવી હતી કે જેના વગર હું જીવી નહિ શકું તેવી લાગણી અનુભવી છે. હા તેનું નામ છે સુરૈયા. મારા કલ્પનાકાર્તિક સાથેના લગ્ન પણ સુરૈયા સાથેના વિચ્છેદના પ્રત્યાઘાત રૂપે જ હતા.

દેવ આનંદનું સાચું નામ હતું ધરમદેવ. તેનો જન્મ તા. ૨૬/૯/૧૯૨૩ના રોજ પંજાબના શક્કરગઢ(હાલ પાકિસ્તાન)માં થયો હતો. નવ ભાઈ બહેનોમાં દેવનો નંબર ત્રીજો હતો. પિતા પિશોરીમાલ આનંદ વકીલ હતા. લાહોરની કોલેજમાં બીએ વીથ ઈંગ્લીશ થયા બાદ એક્ટર બનવા માટે જ તેણે મુંબઈની ટ્રેન પકડી હતી. નાટકમાં કામ મળ્યું પણ તેમાં ખાસ શક્કરવાર વળ્યો નહિ. આખરે આર્થિક તંગીના એ દિવસોમાં નાછૂટકે સેન્સરશીપ ઓફીસમાં માસિક ૧૬૫ રૂપિયાના પગાર વાળી નોકરી સ્વીકારી લીધી. ભારતીય તથા બ્રિટીશ સૈનિકોએ લખેલા પત્રો વાંચીને જો કોઈ વાંધાજનક લખાણ હોય તો તે કાઢી નાખવાની કામગીરી તેને સોંપવામાં આવી હતી. એકાદ વર્ષની નોકરી બાદ એક વાર દેવને ખબર પડી કે પૂણેના પ્રભાત સ્ટુડિયોને આગામી ફિલ્મ માટે હીરોની જરૂર છે. દેવે ત્યાં જઈને ઓડીશન ટેસ્ટ આપ્યો. દેવને ત્રણ વર્ષ માટે માસિક ચારસો રૂપિયાનો કોન્ટ્રેક્ટ મળી ગયો. ૧૯૪૬માં દેવની પ્રથમ ફિલ્મ “હમ એક હૈ” રીલીઝ થઇ જે ખાસ ચાલી નહોતી. ૧૯૪૮માં રીલીઝ થયેલી “ઝીદ્દી” એ દેવને સ્ટારવેલ્યુ અપાવી. દેવ આનંદે ૧૯૪૯માં મોટું આર્થિક સાહસ કરીને નવકેતનની સ્થાપના કરી હતી. શરૂઆતમાં ચેતન આનંદે અને થોડા વર્ષો બાદ વિજય આનંદે તેમાં દિગ્દર્શનનું કાર્ય સંભાળ્યું. નવકેતનની પ્રથમ ફિલ્મ એટલે “અફસર”. જેમાં દેવ આનંદની સાથે હિરોઈન હતી સુરૈયા. ત્યાર બાદ દેવ અને સુરૈયાની અન્ય છ ફિલ્મો રીલીઝ થઇ હતી. એક ફિલ્મના શુટિંગમાં સુરૈયાની હોડી પાણીમાં ઉંધી પડી જતાં દેવે જ તેને બચાવી હતી. બંને ગળાડૂબ પ્રેમમાં હતા પણ અલગ ધર્મ હોવાને કારણે લગ્ન થઇ શક્યા નહોતા તે વાત જગજાહેર છે. ભગ્ન હ્રદયે દેવઆનંદે ૧૯૫૪ માં “ટેક્ષી ડ્રાયવર”ની તેની હિરોઈન કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા દેવઆનંદની “બાઝી” અને “જાલ” સફળતાને વરી હતી જેનું દિગ્દર્શન ગુરુદત્તે કર્યું હતું. બ્લેક એન્ડ વ્હાઈટના તે જમાનામાં મુનીમજી, સી આઈ ડી, ફંટૂશ, પોકેટમાર,નૌ દો ગ્યારહ, પેઈંગ ગેસ્ટ ,અમરદીપ, કાલાપાની, કાલા બાઝાર, હમ દોનો, માયા, જબ પ્યાર કિસીસે હોતા હૈ, અસલી નકલી, બાત એક રાત કી, તેરે ઘર કે સામને, તીન દેવીયા જેવી સફળ ફિલ્મોથી દેવ આનંદનો એક અલગ જ ચાહક વર્ગ ઉભો થયો હતો. ૧૯૬૫માં તેની પ્રથમ રંગીન ફિલ્મ એટલે “ગાઈડ. ” ફિલ્મની વાર્તા વિવાહિત નાયિકા રોઝી પોતાના પુરાતત્વવિદ અને નીરસ પતિ થી કંટાળીને મુફલીસ ગાઈડ રાજુ સાથે લગ્નેતર સંબંધ બાંધે છે તેવી હતી. જમાનાથી ઘણી આગળ એવી બોલ્ડ વાર્તા સામે સેન્સર બોર્ડે વાંધો લીધો હતો. આખરે ખુદ દેવઆનંદે ફિલ્મની પ્રિન્ટ લઈને તે સમયના માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય પ્રધાન ઇન્દિરા ગાંધીને દિલ્હી જઈને બતાવી હતી અને સેન્સર બોર્ડે “ગાઈડ” ને લીલી ઝંડી આપી હતી. જે અંગ્રેજી અને હિન્દી બંનેમાં બની હતી. અંગ્રેજીમાં બનેલી ફિલ્મ “ગાઈડ” પહેલા રીલીઝ થઇ હતી. જે તદ્ન ફ્લોપ નીવડી હતી. તે સમયે હજુ હિન્દી “ગાઈડ” નું શુટિંગ ચાલતું હતું. અંગ્રેજી “ગાઈડ” ની નિષ્ફળતા જોઇને દેવ આનંદ અને વિજય આનંદે ભારતીય દર્શકોને ધ્યાનમાં લઈને જરૂરી ફેરફાર કર્યા હતા. જોકે તેનાથી ફિલ્મનું બજેટ ખુબ વધી ગયું હતું. ”ગાઈડ” નો પ્રીમિયર શો પૂરો થયો ત્યારે થીએટરમાં સોપો પડી ગયો હતો. ફિલ્મ જોઇને કોઈએ દેવ આનંદ કે વિજય આનંદને અભિનંદન નહોતા આપ્યા. એક તો પરણેલી નાયિકા અને કુંવારા નાયક વાળી સ્ટોરી જ કોઈને ગળે ઉતરી નહોતી. વળી તમામને અંત પણ અટપટો લાગ્યો હતો. ગામડાના અભણ માણસો વરસાદ આવે તે માટે અંધશ્રદ્ધાથી પ્રેરાઈને દેવ આનંદને સ્વામીજી સમજીને પરાણે ઉપવાસ પર બેસાડી દે છે. ઉપવાસ પર બેઠેલો દેવ આનંદ પરિવર્તન પામીને સાચો સ્વામી બની જાય છે અને પોતાના પ્રાણની આહુતિ આપી દે છે ત્યારે વરસાદ આવે છે. વળી ક્લાઈમેક્સ સીનમાં દેવઆનંદના મૃત્યુ બાદ વિજય આનંદે ભાગવત ગીતાનો મેસેજ આપવાની કોશિશ કરી હતી.. શરીર મરે છે પણ આત્મા મારતો નથી. બધાંને શંકા હતીકે આવો અંત લોકોને ગમશે નહિ. ખરેખર પહેલાં બે અઠવાડિયા ફિલ્મને ખુબ જ મોળો પ્રતિસાદ સાંપડયો હતો પરંતુ એસ ડી બર્મનનું સંગીત તથા જબરદસ્ત પીક્ચરાઇઝેશનને કારણે જેમ જેમ લોકો ફિલ્મ જોતા ગયા તેમ તેમ સ્ટોરીને તથા અનઅપેક્ષિત અંતને પણ સ્વીકારતા ગયા અને ફિલ્મ સુપર ડુપર હિટ નીવડી. જોકે એક વાત નોંધનીય છે કે “ગાઈડ” દેવ આનંદની પહેલી અને છેલ્લી એવી ફિલ્મ હતી જેમાં સિલ્વર સ્ક્રીન પર તેનું મૃત્યુ બતાવવામાં આવ્યું હતું. ”ગાઈડ” ને કુલ સાત ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા પરંતુ જે ગીત સંગીત લોકોએ વખાણ્યું હતું તેના માટે એસ ડી બર્મનને એવોર્ડ નહોતો મળ્યો. તે વર્ષે બેસ્ટ સંગીતનો એવોર્ડ શંકર જયકિશન લઇ ગયા હતા ... ”સૂરજ” માટે.

ત્યાર બાદની દેવ આનંદની સફળ ફિલ્મો એટલે “જ્વેલ થીફ” અને “જોની મેરા નામ” દરમ્યાનમાં તેના હોમ પ્રોડક્શન નવકેતનની ફિલ્મ “પ્રેમ પૂજારી” ખાસ ચાલી નહોતી. ૧૯૭૧માં દેવ આનંદની હિટ ફિલ્મ એટલે “હરે રામ હરે કૃષ્ણ”. તેમાં ઝીન્નત અમાને ભજવેલી જેનીસની ભૂમિકા વાસ્તવમાં પંજાબી કુડી જસબીર કૌરની કથા હતી. જસબીર કેનેડામાં રહેતી હતી તેના માતા પિતાના રોજ બરોજના ઝઘડાથી ત્રાસીને નેપાળમાં હિપ્પીઓની જમાતમાં ભળી ગઈ હતી જ્યાં દેવ આનંદ સાથે અનાયાસે તેની મુલાકાત થઇ હતી. દેવઆનંદે જસબીર (જેનીસ)ના પાત્રને ફરતી માદક દ્રવ્યોની સમસ્યા વાળી સ્ટોરી કાઠમંડુમાં જ લખી હતી. ઝીન્નતની એન્ટ્રી અને પંચમના ધમાકેદાર વેસ્ટર્ન સંગીતે ફિલ્મને સફળતા અપાવી હતી. દેવ આનંદે ૧૯૭૮માં “દેશ પરદેશ”માં ટીનામુનીમને લોન્ચ કરી હતી. ૧૯૮૪માં પુત્ર સુનીલને લઈને “આનંદ ઔર આનંદ” બનાવી હતી જે સદંતર ફ્લોપ ફિલ્મ હતી. ત્યાર બાદ તો દેવ આનંદે ફ્લોપ ફિલ્મોની વણઝાર ખડી કરી દીધી હતી. છેલ્લી ફિલ્મ હતી “ચાર્જશીટ”.

બુઢાપાને દેવ આનંદે ઘરની બહાર જ રાખ્યો હતો. તેમની બિલકુલ ઈચ્છા નહોતી કે કોઈ પણ સિનેમાપ્રેમી તેમનો વૃધ્ધ મૃતદેહ જુએ. તેથી તેમના અંતિમ સંસ્કાર પણ લંડનમાંજ કરવામાં આવ્યા હતા. ૧૬ ડીસેમ્બર ૨૦૧૧ના રોજ મહેબુબ સ્ટુડીઓમાં દેવ્સાબની પત્ની અને પુત્રએ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. જ્યાં સમગ્ર બોલીવુડ ઉમટી પડયું હતું.

સમાપ્ત