મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
અવિશ્વાસ
વૃદ્ધ રમાકાંત છેવટે કરી પણ શું શકતા હતા! પગ કપાઈ ગયો હતો એટલે ઘોડીનો સહારો લેવો જ પડતો હતો. પછી તે ઘોડી ભલે ગમેતેવી પણ કેમ ન હોય.
જ્યારે સાથ લેવા-આપવાની સહુથી વધુ જરૂરિયાત હતી તે સમયે જ પત્નીની વિદાયે રમાકાંતને બિલકુલ એકલા પાડી દીધા. હજી તો બે મહિના જ થયા હતા કે બંને એકબીજાના ધ્રુજતા હાથને સહારો આપતા આપતા સફરમાં આગળ વધી રહ્યા હતા પરંતુ નસીબ સામે કોનું ચાલ્યું છે!
રમાકાંત થોડાક દિવસો તો પોતાના પૈતૃક મકાનમાં પ્રેતની જેમ એકલા ભટકતા રહ્યા પરંતુ એ પહેલા કે તેઓ સાવ વિખેરાઈ જાય એ પહેલા તેમણે એક અપ્રિય નિર્ણય લેવો જ પડ્યો. અપ્રિય એટલા માટે કારણકે તેના એકના એક પુત્ર જયકાંતે વિજાતીય વિવાહ કરીને એ ઘરનો ઉંબરો વટાવ્યો હતો કે પછી પચ્ચીસ વર્ષ પછી માતાના મૃત્યુ બાદ થોડો સમય એ પરત આવ્યો હતો, એકલો!
બહુ મુશ્કેલભરી પરિસ્થિતિ હતી. ન પિતા સહજ હતા કે ન દીકરો સહજ હતો અને વહુ ગૂંચવણમાં હતી કે આ પરિસ્થિતિનો ઉકેલ ક્યારે આવશે. ગજબના અબોલા હતા બંને વચ્ચે.
જો કે ત્રણ દિવસ બાદ આજે અબોલા તૂટ્યા.
“પિતાજી! શું તમે આ છેલ્લો નિર્ણય કરી લીધો છે કે તમે અમારી સાથે અહી શહેરમાં જ રોકશો?” જયકાંતે પિતાને અત્યંત તીક્ષ્ણ સવાલ કર્યો હતો.
“હા...” ભાલાના આઘાતને છાતી પર સ્વીકારતા રમાકાંતના હોઠો પરથી આ એક જ શબ્દ બહાર આવ્યો હતો.
“તો પછી આપણે ગામડાનું આ મકાન વેંચી નાખીએ. હા તમારું થોડુંક બેંક બેલેન્સ તો હશે જ અને થોડાક તમારા ઘરેણા પણ હશે. બધું ભેગું થઈને એટલું તો થશે જ જેનાથી આપણે શહેરમાં સારું કહી શકાય એવું એક ઘર લઇ શકીએ. તમે પોતેજ જુઓ, આ નાનકડા મકાનમાં આપણે બધા તો ન જ રહી શકીએને?” જયકાંતે નિર્ણય સંભળાવી જ દીધો.
રમાકાંત કપાળ પર હથેળી ટેકવીને નિશબ્દ બેઠા રહ્યા, તેમની કોણી ટેબલ પર સ્થિર થઇ ગઈ હતી. બસ ત્યારબાદથી જ પિતા-પુત્ર વચ્ચે ઘેરો અવિશ્વાસ તરી રહ્યો છે.
***