મારી ચૂંટેલી લઘુકથાઓ - 19 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 19

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

અંતરાત્મા

આમતો આ કિસ્સો બહુ મોટો નથી પરંતુ તેની વાત બહુ મોટી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી મધુપ પાંડે માટે ચિંતાનું કારણ બની ગઈ હતી. એક વર્ષના અથાગ પરિશ્રમ પછી તેણે એક સોફ્ટવેર ડેવલોપ કર્યું હતું જેને તેણે ‘અંતરાત્મા’ નામ આપ્યું હતું. તેના કહેવા અનુસાર આ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાની સાથેજ તે માનવીય સંવેદનાઓ સાથે કનેક્ટ થઇ જતું હતું.

તે આ સોફ્ટવેરના પરિણામોની તપાસ કરવા માટે યોગ્ય અવસરની રાહ જોઈ રહ્યો હતો અને બહુ જલ્દીથી તેને આ અવસર મળી પણ ગયો હતો. વર્તમાન શાસનની નીતિઓથી ક્ષુબ્ધ થઈને પોતપોતાના અંતરાત્માના અવાજ પર કેટલાક લેખકો અને કલાકારો પોતપોતાના ઇનામ અકરામ પરત કરી રહ્યા હતા જેને તેમને અગાઉની સરકારે આપ્યા હતા.

આ બધીજ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીને તેણે પોતાના લેપટોપ પર એક વિસ્તૃત લેખ લખ્યો અને તેને પોતે ઇન્સ્ટોલ કરેલા સોફ્ટવેર સાથે કનેક્ટ કરી દીધો.

ગયા અઠવાડિયે એક સવારે ઉઠતાવેંત તેણે સહુથી પહેલા લેપટોપ ઓન કરીને તે સોફ્ટવેરના ઉત્તરોની તપાસ કરી રહ્યો હતો. પણ તેને આશ્ચર્ય થયું અને ચિંતા પણ થઇ કે તેનું લેપટોપ કોઇપણ પ્રકારે રીસપોંડ નહોતું કરી રહ્યું. ન તો લેખ સાચો હોય તો તેના પરિણામ સ્વરૂપ ટાઈપ કરેલા અક્ષર બોલ્ડ થયા હતા કે ન તો અક્ષર ગડબડ થઇ ગયા હતા જેથી લેખમાં કહેલી વાતો ખોટી સાબિત થઇ શકે.

પાછલા સાત દિવસોથી તેની ચિંતા, ઉત્તેજના અને ચીડ સતત વધી રહી હતી. તે પોતાની અસફળતાનો સ્વીકાર કરવા માટે બિલકુલ તૈયાર ન હતો.

આજે સવારે આશા-નિરાશા વચ્ચે ઝૂલતા ઝૂલતા તેણે જ્યારે પોતાનું લેપટોપ ઓન કર્યું ત્યારે તે ખુશીનો માર્યો ઉછળી પડ્યો. તેના લેખના તમામ અક્ષરો ગડબડીયા થઇ ગયા હતા.

‘આ વિકટ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે અંતરાત્માને આટલો સમય તો જોઈએજ ને!” પોતાની સફળતા પર ખડખડાટ હસતા હસતા એ વિચારી રહ્યો હતો.

***