મારી ચૂંટેલી લઘુકથાઓ - 21 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 21

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

નજીક... ખૂબ નજીક

ગામથી બે કિલોમીટર દુર આવેલા બસ સ્ટેન્ડ પર જ્યારે બસે વિજયાને ઉતારી ત્યારે શિયાળાની સાંજનું ધુમ્મસ ઉતરી રહ્યું હતું. ગામથી એનો ભાઈ એને ચોક્કસ લેવા આવ્યો હશે, એ આશાએ તેણે આજુબાજુ જોયું પરંતુ દૂર દૂર સુધી કોઈનો પડછાયો પણ દેખાતો ન હતો. તેણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો તો તેનો સ્ક્રિન પણ કાળો પડી ગયો હતો. અહીં આવવા માટે નીકળતા પહેલા કદાચ તે ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી.

પાંચ-સાત મિનીટ રાહ જોયા પછી તેણે બેગને પોતાના ખભે લટકાવી અને ગામ તરફ લઇ જતી કેડી પર પોતાના પગ ચલાવવાના શરુ કરી જ દીધા. છેવટે તો તે શહેરની એક જાણીતી મહિલા કોલેજની હોકી ટીમની સહુથી તેજ ફોરવર્ડ ખેલાડી અને ગર્લ્સ હોસ્ટેલની દબંગ વિદ્યાર્થીની હતી. મનમાં હિંમત હતી અને આત્મવિશ્વાસ તેના પગને ગતિ આપી રહ્યા હતા. તેમ છતાં સલામુદ્દીનની વાડી સુધી પહોંચતા પહોંચતા આકાશમાંથી તેજગતિથી અંધારું ઉતરી આવ્યું તો મનમાં ગભરાટ થવા લાગ્યો.

પોતાનાં પગલાંનો અવાજ પણ તેને પારકો લાગવા લાગ્યો હતો. તે વારેવારે પાછળ વળીને જોઈ રહી હતી, કેડી સુમસામ હતી. ગામ હજી પણ ઘણું દૂર હતું.

“તું રઝીયા સુલ્તાના છે...” તેણે હવામાં મુઠ્ઠી હલાવીને પગ આગળ વધાર્યા.

“તું ઝાંસીની રાણી છે...” એના આગળ વધતા પગમાં વધુ તેજી આવી ગઈ.

“તું ભારતની હિંમતવાન દીકરી છે...” હા હવે ગામ નજીક... ખૂબ નજીક આવી ગયું હતું.

***