અર્ધ અસત્ય. - 45 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 45

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૫

પ્રવીણ પીઠડીયા

ભરૂચનાં પોલીસ મથકમાં એકદમ શાંતી પથરાયેલી હતી. અહીં માત્ર ત્રણ જ લોક-અપ રૂમો હતી જેમાંથી બે અત્યારે ખાલી હતી અને એકમાં હમણાં જ સુરાને અને દિલપાને પૂરવામાં આવ્યાં હતા. રાજસંગ થોડીવાર પહેલાં જ આવ્યો હતો અને તેણે કોન્સ્ટેબલને કહીને એ બન્નેને કસ્ટડીમાં નંખાવ્યાં હતા. એ પછી તે મોટા સાહેબની કેબિનમાં આવ્યો હતો. મોટા સાહેબ, એટલે કે દેવેન્દ્ર દેસાઇને તેણે રિપોર્ટ આપ્યો.

“તો પછી રાહ કોની છે? ચાલ જલદી આ ચેપ્ટરને ખતમ કરીએ.” રાજસંગની વાત સાંભળીને દેસાઇ ઉત્સાહમાં આવી ગયો હતો અને તે બન્ને લોક-અપરૂમમાં આવી પહોંચ્યા હતા.

સુરતથી ભરૂચ આવતી વખતે રાજસંગ રસ્તામાં એકપણ શબ્દ બોલ્યો નહોતો. વારેવારે તેણે પોતાની ગન હાથમાં લઇને ચેક કર્યે રાખી હતી અને ખૂન્નસભરી નજરોથી દિલપાને તાકતો રહ્યો હતો. દિલપો સહમી ગયો હતો. તેને આ અફસર માથાંફરેલ જણાતો હતો કારણ કે પહેલા તો હોસ્પિટલમાં એ જે રીતે વરત્યો હતો એ અને પછી જીપમાં જે રીતે તેને ઘૂરકી રહ્યો હતો એનાથી તેને બીક લાગવા માંડી હતી કે ક્યાંક આ તેનું એન્કાઉન્ટર કરી ન નાંખે. રાજસંગે એ ટ્રિક જ અજમાવી હતી કે તેણે કોઇને હાથ અડાડવો ન પડે અને તેનું કામ પણ આસાનીથી થઇ જાય. તેણે દિલપા ઉપર એક પ્રકારનું માનસિક દબાણ ઉભું કર્યું હતું એટલે જેવા એ લોકો લોક-અપમાં દાખલ થયા કે દિલપો બે હાથ જોડીને તેમની સમક્ષ ઉભો રહી ગયો હતો.

“માયબાપ, આમાં મારો કોઇ હાથ નથી. મને તો રઘુભાએ જે કામ સોંપ્યું હતું એ જ મેં કર્યું છે. તમે નાહકનાં મને આમાં પકડી લાવ્યાં છો. મને જવા દો માયબાપ.” તેણે લગભગ કરગરવાનું જ ચાલું કરી દીધું હતું. સફેદ કોટનનાં પાટામાં લપેટાયેલો તેનો ચહેરો અજીબ લાગતો હતો.

“રઘુભા ક્યાં છે?” દેસાઇએ જાણે તેના શબ્દો સાંભળ્યા જ ન હોય એમ પૂછયું.

“એ..એ..” દિલપો થોથવાયો. તેણે સાચું બોલવું હતું પરંતુ રઘુભા પ્રત્યેની વફાદારી આડે આવતી હતી.

“બીજી વખત નહી પૂછું. સીધી જ ગોળી મારી દઇશ. અને એવું હું કરી શકું છું એ તું જાણે છે. બોલ, રઘુભા ક્યા ’બીલ’માં છૂપાયો છે?” રાજસંગે એકદમ ઠંડકથી પૂછયું અને પછી પોતાની ગન ઉપર હાથ મૂકયો. થથરી ગયો દિલપો. તેના માઢામાં આવતું થૂંક પણ સૂકાઇ ગયું હતું.

“એ અહીં જ છે.” ઘડાકો કરતો હોય એમ તે બોલ્યો.

“અહીં જ છે મતલબ?” દેસાઇ અને રાજસંગ, બન્ને એક સાથે બોલી ઉઠયાં. તેમના ચહેરા ઉપર આશ્વર્ય અને અસમંજસનાં ભાવો છવાયા હતા. ઘડીક તો લાગ્યું કે દિલપો તેમને ઉઠા ભણાવી રહ્યો છે. પરંતુ દિલપાનું ઢળેલું મસ્તક તે સાચું બોલતો હતો એ સ્વિકારવા તેમને મજબૂર કરતું હતું.

“અહીં મતલબ, ભરૂચમાં જ છે. હોટલ ’ન્યાયમંદિર’ની પાછળ એક ખાલી એપાર્ટમેન્ટ છે. તેના એક કમરામાં એ છૂપાયા છે.” દિલપાએ આખરે રઘુભાનું સરનામું આપી જ દીધું.

“પણ એ કેવી રીતે બને? નાનામાં નાનો ગુનેગાર પણ તેણે જ્યાં ગુનો કર્યો હોય, કે તેનાં પકડાઇ જવાની જ્યાં પૂરેપૂરી શક્યતા હોય એવી જગ્યાએથી દૂર જ રહેવાનું વિચારતો હોય છે. જ્યારે આ તો રઘુભા જેવો શાતિર ક્રિમિનલ છે. એ ભલાં અમારાં જ નાક નીચે આવીને શું કામ સંતાય!” દેસાઇના અવાજમાં ભયંકર આશ્વર્ય સમાયેલું હતું. પણ એ સાંભળીને દિલપો ઉપહાસભર્યું હસ્યો હોય એવું તેમને લાગ્યું. મતલબ કે તે સાચું બોલી રહ્યો હતો. માયગોડ, આ વાત ભયાનક હતી. એક મુજરીમ ખૂલ્લેઆમ તેમને ચેલેન્જ આપી રહ્યો હતો. તેઓ જેને આખાં ગામમાં શોધતાં હતા એ રઘુભાની તેમના જ પોલીસ મથકની હદમાં બેફિક્ર બનીને આરામ ફરમાવતો હતો એ તેમના માટે નાલોશીજનક ઘટના હતી.

“કારણ કે રઘુભાને ખબર હતી કે તમે એને કમસેકમ ભરૂચમાં તો નહી જ શોધો. વળી એ એપાર્ટમેન્ટમાં તેની ભાગીદારી છે અને વર્ષોથી એ ખાલી પડયું છે એટલે ત્યાં કોઇ તપાસ નહી કરે. પેલી છોકરીને તમે કોસંબાથી છોડાવી ત્યારથી એ ત્યાં જ છૂપાયો છે.” દિલપો બોલ્યો. દેસાઇ અને રાજસંગ ચકરાઇ ઉઠયાં હતા. રઘુભાએ તેમના કરતા બે ડગલાં આગળનું વિચાર્યું હતું. પણ હવે મોડું કરવા જેવું નહોતું. દિલપો સાચું બોલતો હતો એની તેમને ખાતરી થઇ હતી એટલે તરત તેઓ એકશનમાં આવ્યાં હતા અને સંપૂર્ણ તૈયારી સાથે તેઓ એક જીપ લઇને હોટલ ’ન્યાયમંદિર’ની દિશામાં નિકળી પડયા હતા. ઝાઝી હો-હા મચાવ્યાં વગર રઘુભાને કબજે લેવાનો હતો. દિલપાએ જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટ લગભગ ખાલી જ છે અને તેના બીજા માળે એક ફ્લેટમાં રઘુભા એકલો જ રહે છે. તેમના માટે આટલી ઈન્ફરમેશન કાફી હતી.

તેઓ ભરૂચ હાઇવે ઉપર ચડયાં અને ઝાડેશ્વર ચોકડીએ પહોંચ્યાં. ત્યાંથી ’ન્યાયમંદિર’ હોટલ સાવ નજીક જ હતી. તેમણે એ તરફ જીપને હંકારી હતી. જીપમાં દેસાઇ, રાજસંગ અને બે પહેલવાન જેવા કોન્સ્ટેબલો, એમ કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા અને બધા સિવિલ ડ્રેસમાં જ આવ્યાં હતા જેથી રઘુભા ચેતી ન જાય. એક આદમીને પકડવા ચાર માણસોથી વધારેની જરૂર પડશે નહી એવી તેમની ગણતરી હતી.

ન્યાયમંદિરનાં પાર્કિંગ એરિયામાં પહોંચીને તેમણે જીપને રોકી હતી અને બધા નીચે ઉતર્યા હતા. હોટલની બાજુમાંથી એક રસ્તો પાછળ તરફ જતો હતો. એ રસ્તે જ રઘુભા જેમાં સંતાયો હતો એ એપાર્ટમેન્ટ હતું. એ લોકો ધારત તો જીપને છેક એપાર્ટમેન્ટનાં ગેટ સુધી લઇ જઇ શકત પરંતું એવું કરવામાં રઘુભાની નજરે ચડી જવાનું જોખમ હતું એટલે જીપને અહીં જ પાર્ક કરીને પગપાળા જ એ તરફ જવાનું નક્કી થયું હતું. દેસાઇએ ઇશારો કરીને એક કોન્સ્ટેબલને પોતાની સાથે આવવા જણાવ્યું અને તે બન્ને આગળ વધે પછી રાજસંગ અને બીજા કોન્સ્ટેબલ સાથે આવે એવી સ્ટ્રેટેજી બનાવામાં આવી.

નિકળતા પહેલા દેસાઇએ પોતાની રિવોલ્વર ચેક કરી હતી અને પછી તેઓ એપાર્ટમેન્ટની દિશામાં ચાલ્યાં હતા. હોટલ ન્યાયમંદિર એકદમ હાઇવેને ટચ હતી. તેની પાછળનો ભાગ થોડો ઉજ્જડ અને વિરાન હતો. એક સમય હતો જ્યારે હાઇવે ટચ જમીનોનાં ભાવ આસમાનને આંબતા હતા અને બિલ્ડરો શહેરની નજદિક હોય એવી જમીનો ખરીદીને તેની ઉપર બાંધકામ કરી મબલખ રૂપિયા રળવાની ગણતરી મૂકતા હતા. પરંતુ સમય જતાં એ પ્રોપર્ટીઓમાં મોટાભાગનાં બિલ્ડરોને નૂકશાન ગયું હતું એટલે પછી એ લોકોનો એમાથી રસ ઓછો થતો ગયો હતો અને બધું એમ જ પડયું રહ્યું હતુ. ન્યાયમંદિરની પાછળ બનેલું એપાર્ટમેન્ટ પણ કદાચ તેજીનાં એ જૂવાળમાં જ બન્યું હોવું જોઇએ કારણ કે એ પછી તેને સદંતર ભૂલી જવામાં આવ્યું હતું અને અત્યારે તો એ કોઇ ખંડેરમાં તબદિલ થઇ ચૂકયું હતું. પણ… રઘુભા જેવા લોકો માટે તો આવી જગ્યાઓ સ્વર્ગથી પણ અદકેરી હતી.

દેસાઇએ દૂરથી જ એપાર્ટમેન્ટનું નિરિક્ષણ કર્યું. એપાર્ટમેન્ટ લગભગ બારેક માળનું હશે. તેના કંમ્પાઉન્ડનો ગેટ જાળવણીનાં અભાવે તૂટીને ધરાશાયી થઇ ચૂકયો હતો. તે સાવધાનીથી એ ગેટમાં ઘૂસ્યો હતો અને પછી અવાજ ન થાય તેમ દોડતો તે એપાર્ટમેન્ટની નીચે ખૂલ્લી છોડવામાં આવેલા પાર્કિંગની જગ્યામાં આવ્યો. તેની પાછળ આવતાં કોન્સ્ટેબલે પણ દેસાઇનું અનુકરણ કર્યું હતું.

એપાર્ટમેન્ટમાં લીફ્ટ ચાલું હોવાનો તો કોઇ પ્રશ્ન જ ઉદભવતો નહોતો કારણ કે આ સંપૂર્ણ પરીસર તદ્દન ખાલી જણાતું હતું. થોડીવાર બાદ રાજસંગ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. દિલપાએ કહ્યું હતું કે રઘુભા બીજા માળનાં કોઇ ફ્લેટમાં છે એટલે સૌથી પહેલા તો તેમણે બીજા માળની ઘેરાબંધી કરવાની હતી. તેઓ એકદમ સાવધાની વર્તતા, સહેજ પણ અવાજ ન થાય એ રીતે ચૂપકિદીથી દાદરો ચઢીને બીજા માળનાં પેસેજમાં આવ્યાં. બીજા માળનો પેસેજ ખાસ્સો મોટો હતો. એ પેસેજમાં ચારેય ખૂણે એક-એક ફ્લેટનો દરવાજો હતો. મોટેભાગનાં એપાર્ટમેન્ટમાં હોય એવું જ અહીનું આયોજન હતું. ચાર ખૂણે ચાર ફ્લેટ અને તેમાથી એક ફ્લેટનાં દરવાજે થોડી ચોખ્ખાઇ દેખાતી હતી જે દેસાઇની આંખોમાં ચમકારો પેદા કરી ગઇ હતી.

તેણે ઈશારાથી જ રાજસંગને એ ફ્લેટ તરફ આગળ વધવા જણાવ્યું હતું અને તેને કવર કરવા તે એક ખૂણામાં જઇને ઉભો રહી ગયો. એ ઉપરાંત સાથે આવેલા બન્ને કોન્સ્ટેબલોમાંથી એકને ત્રીજા માળે જતાં દાદરનાં રવેશમાં અને એકને નીચે ઉતરતાં દાદરમાં સંતાઇને ઉભા રહેવા જણાવ્યું જેથી રઘુભા જો ભાગવાની કોશિશ કરે તો ગમે ત્યાંથી તેને પકડી શકાય. તેઓ ચારેય એકદમ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં હતા. તેમનાં દિલ જોર જોરથી ધડકી રહ્યાં હતા. તેઓ ચાર જણાં હતા અને રઘુભા એકલો હતો છતાં સાવધાની રાખવી જરૂરી હતી કારણ કે તે એક ખતરનાક વ્યકતિ હતો. તેને કોઇ નીતી નિયમો લાગું પડતાં નહોતા જ્યારે એ લોકોએ જો કંઇપણ ઉંધું-ચત્તું થયું તો ડિપાર્ટમેન્ટને જવાબ દેવો પડવાનો હતો.

રાજસંગ ફ્લેટનાં દરવાજાની એકદમ નજીક પહોંચ્યો અને તેણે બારણાને સહેજે અવાજ ન થાય એ રીતે ધક્કો માર્યો. બારણું અંદરથી બંધ હતું. એનો મતલબ કે રઘુભા અત્યારે અંદર જ હોવો જોઇએ. તેણે ડોક ફેરવીને દેસાઇ તરફ જોયું અને ઈશારાથી જ સચેત રહેવા જણાવ્યું. દરવાજાને બહારથી કોઇ આગળિયો નહોતો અને તેઓ દરવાજો ખટખટાવીને અંદર જઇ શકે તેમ નહોતો. તેની પાસે ડાયરેક્ટ હુમલો કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. રાજસંગે દાંત ભિસ્યાં અને છાતીમાં એક ઉંડો શ્વાસ ભર્યો. મનોમન તેણે દરવાજો તોડવાનો નિર્ણય લીધો અને બે ડગલાં તે પાછો હટયો. અને પછી જોશભેર તે દરવાજા તરફ દોડયો.

(ક્રમશઃ)