Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 10 - પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?

10. પ્રાઈમ પાસ કે ટાઈમ પાસ?
ઓક્ટોબર 1999. અગાઉ મેં વાત કરી તેમ હાથે બેંકોના ખાનામાં ફેંકી ચેકો સૉર્ટ કરવાની જગ્યાએ મશીન જે તે ચેક કઈ બેંકના ગ્રાહકે લખ્યો છે તે વાંચી સૉર્ટ કરે તેવી માઇકર એટલે કે MICR ક્લિયરિંગ મારી બેંક દ્વારા શરૂ થવાનું હતું અને હું તેની ઓપનિંગ ટીમમાં હતો.
એ સૉર્ટિંગ મશીનો એટલે? 20 ફૂટના રૂમના એકથી બીજા છેડે જાય એટલાં લાંબાં, આપણી કમર જેટલા ઊંચે સ્ટેન્ડ પર ગોઠવી આપણા માથા જેટલી હાઈટ થાય એટલાં ઊંચાં. એ કમરથી માથા જેટલી લગભગ હાઈટ ચેકોની થપ્પીથી ભરાઈ જાય એટલે એ ખાનામાં લાલ લાઈટ થઈ મશીન થોભે એટલે ચેકો ઉતારી ટ્રે માં મુકવાના. ક્રિયા ઘણી ટેક્નિકલ હતી. જો અમુક થી અમુક બેંક અને અમૂકથી અમુક ખાતા ટાઈપ હોય તો અમુક ખાનું એવા લોજીકથી 33 ખાનાં ડિઝાઇન કરવામાં આવેલાં.
બહુ ટેકનિકલ ડિટેઇલમાં નહીં ઉતરું. એ ચેકો એક જગ્યાએ મૂકી મશીન ચાલુ કરો એટલે એરપોર્ટ પર કનવેયર બેલ્ટ હોય છે તેવા બેલ્ટ દ્વારા આગળના નિશ્ચિત ખાના તરફ ગતિ કરે. નિર્ધારિત મહત્તમ સ્પીડ એ જુના સોર્ટરમાં પણ કેટલી, ખબર છે? 800 ચેક પ્રતિ મિનિટ! ઘંટીમાં લોટ દળાઈને પડતો હોય તેમ ખાનાઓમાં ચેક પડે. એ તો મશીન બરાબર કામ કરતાં થયાં પછી.
શરૂઆતમાં તો મશીનો માણસોને ન ગાંઠે, માણસો મશીનને. અને એ બન્નેને ન ગાંઠે કોમ્પ્યુટરો. એનો ડેટા જ્યાં લાઈવ સ્ટોર થતો હોય તે સર્વરની રેમ કે એક સાથે ડેટા કેપ્ચર કરવાની કેપેસિટી આજના આપણા મોબાઈલ કરતાં પણ ઓછી.
ચેકને આગળ જવા અમુક જ જાડાઈનો સ્લોટ જોઈએ. જો પાતળો ચેક હોય તો આ સ્પીડે ડૂચો વળી જાય અને એ ડૂચો પાછળ આવતા ચેકોને પણ રોકે. જો સ્લોટથી જાડો ચેક આવી જાય તો તે આગળ જવાનું નામ જ ન લે. એ વખતે દરેક બેંકોના ચેક અલગ અલગ જાડાઈના હતા. અને વળી કરંટ ખાતાના મોટા, સેવિંગ્સના તો આપણી અર્ધી હથેળી જેવડા બચુકડા. જાડાઈ અલગ અલગ આવવા લાગી. એક, અમે સરદાર બુદ્ધિ કહી હસતા હતા તે બેંક ઓફ પંજાબે કંકોતરીથી પણ જાડા પૂંઠાના ચેક ટેસ્ટિંગ માટે મોકલ્યા. કહે મશીનમાં ફસાય નહીં એટલે. તો અમુક કો-ઓપરેટિવ બેંકોના ચેક તો બસની ટિકિટ કે હાઉસી રમવાની સ્લીપ જેટલા પાતળા, મશીનમાં આગળ તો શું, શરૂના વ્હીલમાં જ ન ફરે. આ બધા શંભુમેળા વચ્ચે ટેસ્ટિંગ. વળી મશીન સહેજ સ્હેજમાં અટકે. કોઈ ચેક પાછળ સ્ટેપ્લર પિન રહી ગઈ હોય તો બીજા ચેકોનો ખુરદો. સદભાગ્યે મિનિટના 800 ચેકની ઇમેજ લઈ શકે તેવો કેમેરા પણ અતિ ઝડપે તેની લીલી માંજરી આંખો અમને માર્યા કરતો.
મશીન થોડું ચાલે કે જામ. એના એન્જીનિયરો અમારી સાથે જ બેસતા, એ વળી જામ સરખો કરે, કોઈ વેક્યુમકલીનરથી ડસ્ટ સાફ કરે અને વળી થોડા ચાલે ત્યાં સર્વરમાં ડેટા ઓવરફ્લો.
આવી જ એક સાંજે (અમારી રાતની ડ્યુટી હતી તે આગળના પ્રકરણમાં કહ્યું છે.) સેન્ટર ઇન્ચાર્જ સાહેબે 'આજે તો ગમે તેટલા વાગે, અમુક બેંકોનો ટેસ્ટ રન કરવો જ પડશે' કહી ટીમને બેસ્ટલક (એ વખતે કહેવું પડે તેમ હતું!) કહી સોર્ટર રૂમમાં મોકલી. ત્રણ સોર્ટર પૈકી બે ચલાવવાના હતાં. આપણી BRTS ના દરવાજા જેવો વેક્યુમથી ગેઇટ ક્લોઝ થયો. સ્ટીલની ટ્રે ઓ માં ખીચોખીચ ભરેલા ચેકો તેમને હલાવી સરખા કરતા જોગર મશીનમાં નંખાયા. કાન ફાડી નાખે તેવી મોટી ઘરઘરાટી સાથે સોર્ટરો ચાલ્યાં. એકાદ મુઠી એટલે કે 200 જેવા ચેક મશીનમાં આગળ વધે અને વળી કોઈ પિન, કોઈ જાડો પાતળો વિલન ચેક કામ થંભાવે. વળી વારંવાર સર્વરનું રિસાવું અને ડેટા ટેપડ્રાઇવમાં લઈ એન્જીનિયરો તેને 'અછો વાના' કરી લાડ લડાવે, ક્યારેક બેલ્ટ પાસે મશીનને 'ચલ મેરે પ્યારે' કરતાં ત્યાં ઉભેલો અધિકારી થાબડે.. બસ આમ જ ચાલતું રહ્યું. આ બીરબલની ખીચડી ક્યારે રંધાય? ટેસ્ટ પણ viable સંખ્યાના ચેકો લઈને જ થઈ શકે. એટલે આ રીતે તો ટેસ્ટ રન પૂરો થશે કે કેમ તે પણ સવાલ હતો. પણ 'કરેંગે નહીં તો મરૅગે' અમારે માટે હતું.
આવી ઘરઘરાટી અને ટેંશન વચ્ચે અમે સોર્ટરરૂમમાં ડ્યુટી પરના ચાર ઓફિસરો અંદરો અંદર જોકસ કર્યા કરતા. ક્યારેક દ્વિઅર્થી પણ. બહાર વર્ક સ્ટેશન કહેવાતી મોટી બંધ કેબિનમાં પેલી ટેક્નિકલ પ્રક્રિયાઓ ઓફિસરો સાથે મળી એમ જ હળવા વાતાવરણમાં પણ આજના ટેંશન હેઠળ કરી રહ્યા હતા.
અંદર અવાજથી કાનમાં ધાક, વારંવાર કેડ વાળવાથી દુઃખતી પીઠ અને સતત ઉભીને, ચેક પાછળ દોડીને થાકતા પગ, ઓફિસર ત્યારે તો 'હે ભગવાન' કહેતો. પણ સહુનો સ્પિરિટ 'હમ હોગે કામયાબ'નો હતો.
અંદર જતાં મારા સહયોગી અધિકારી એસકે એ સાચે જ 'જય જીનેન્દ્ર' કહી આકાશ સામે હાથ જોડેલા. આજ રોજ ફત્તેહ માટે
બહાર એ ઇન્ચાર્જ ચીફ મેનેજર ઊંચા જીવે આમથી તેમ આંટા માર્યે રાખે. રમુજી સાથી એસકે એ મઝાક કરી, 'બાબો આવશે કે બેબી' ની ચિંતા માં પણ આટલા આંટા નહીં માર્યા હોય!.
સ્લોટ કેટલો પહોળો (એ મિલિમિટર માં હોય) રાખવો તે એન્જીનિયરોને સમજવાનું હતું. અમેરિકન સ્ટાન્ડર્ડ મુજબ બનેલ મશીનોમાં આ ગેપ બનાવનારને આપણા ઇન્ડિયન ચેકો ભેજાગેપ સાબિત કરતા હતા.
ચેકો સીધા એમ બેંક, બ્રાન્ચ અને ખાતાની ટાઈપ મુજબ સૉર્ટ ન થાય. પહેલાં તે બધા ચલાવી ડેટા લેવો પડે અને પછી તેને ઇમેજ જોઈ સુધારવો પડે, બેંકો લેનાર અને આપનાર બેલેંસ કરવી પડે અને એવી ખૂબ લાંબી પ્રક્રિયા થાય. તેમાં આ ચેક ચલાવવાની શરૂની પ્રક્રિયાને 'પ્રાઈમ પાસ' નામ આપેલું.
નહીંનહીં તો પચીસ હજાર ચેકો ચાર કલાકમાં ચલાવવાના હતા. (પછી તો અમે કોઈ દિવસે સાડા પાંચ લાખ ચેક લગભગ એથી થોડા વધુ સમયમાં ચલાવેલા.)
આખરે ત્રણેક કલાક બાદ મશીનો ગરમ અને સર્વર 'ઠંડુ' (એટલે કે ડેટા ઓવરફ્લો) થતાં થોડી વાર અમે બહાર નીકળ્યા. એ વેક્યુમ-ક્લોઝડ ગેઇટવાળા રૂમની જ બહાર.
વળી કોઈએ જોક કરી, 'બહારથી ઝા સાહેબ અંદરથી ચા સાહેબને બોલાવે.' તે વખતે કોઈ ક્લાર્ક કે પટાવાળો અમારી ટીમમાં ન હતો. એક અધિકારી જ સામે રસ્તો ક્રોસ કરી ચા કહેવા જતો. એસકેએ એ 'ચા સાહેબ' એટલે કે ચા કહેવા જનાર સાહેબની ડ્યુટી હસતે મુખે સ્વીકારેલી. તેઓ અને અમે બીજા ત્રણ સાથીઓ ભર એસીમાંથી પરસેવો લૂછતા બહાર આવ્યા.
આતુર જીવે ફરતા સાહેબે પૂછ્યું, 'એસ કે, પ્રાઈમ પાસ હો ગયા?'
રમુજી ઓફિસર એસ કે એ જવાબ આપ્યો 'સર, ટાઈમ પાસ હો ગયા!'
(જો કે તે 'ટાઈમ પાસ'એ અમારા દિલના ધડકારા વધારી દીધા હતા. ચાર ને બદલે આઠેક કલાકે એ પ્રાઈમ પાસ કે 'ટાઈમ પાસ' કહો તો તેમ, કાર્ય પૂરું કરી કુલ બારેક નોનસ્ટોપ કલાકે અમે ચેકો બેંકો માટે ગોઠવી ઘેર ગયેલા ત્યારે કચરાવાળીઓ રસ્તે કાગળો વીણવા નીકળી ચુકેલી અને તેની પીઠના કોથળામાં ભરેલ ડુચાઓ જોઈ અમને ચેકો આંખ સામે આવતા હતા.)
આ હતો અમારો તે ટેસ્ટરન ના દિવસનો 'પ્રાઈમ પાસ' કે 'ટાઈમ પાસ'.
(અહીં ઉલ્લેખ થયો છે તે અધિકારી સારું એવું લીગલ બ્રેઇન હતા અને ઘણી ઊંચી પોસ્ટ પરથી નિવૃત્ત થયા છે. ખૂબ રમુજી સ્વભાવ.)