અર્ધ અસત્ય. - 42 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 42

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૨

પ્રવીણ પીઠડીયા

સુરો સૌથી પહેલાં ભાનમાં આવ્યો હતો. તે દાહોદ બાજુનો મજૂર આદમી હતો. તેનો મિત્ર કાળીયો તેને કામ અર્થે સુરત લઇ આવ્યો હતો અને પછી બંને રઘુભાને ત્યાં ટ્રક ડ્રાઇવરીમાં કામે લાગ્યાં હતા. એ દરમ્યાન કાળીયાથી એક અકસ્માત થયો હતો અને પછી તેમની જીંદગી જહન્નૂમ બની ગઇ હતી.

ભાનમાં આવતાની સાથે જ તે પથારીમાંથી બેઠો થઇ ગયો. કાળીયાની યાદ આવતા તેનાં રૂઆંડા થથરી ગયા હતા અને ગભરાઇને તેણે પોતાની આજૂબાજૂ નજર ઘૂમાવી હતી. આસપાસ અજાણ્યાં માણસોને ભાળીને તે ગભરાઇ ગયો. તેની ઉંડી ઉતરી ગયેલી આંખો ચળક-વળક ફરતી હતી અને તેમાં ગજબનો ડર ભળેલો હતો. અચાનક તે ક્યાં આવી ગયો એની તાજ્જૂબી તેના ચહેર ઉપર સ્પષ્ટ દેખાતી હતી. જોષી તેના પલંગ નજીક સર્યો હતો અને તેના ખભે હાથ મૂકી આંખોથી જ તે સલામત સ્થળે છે એવો સધીયારો આપ્યો હતો.

“તમે કોણ છો, મને અહીં કોણ લાવ્યું?” સુરાએ ગભરાતાં અવાજે પૂછયું. તે એક દોઝખમાં પડયો હતો, ત્યાંથી અહી કેમ કરતાં પહોંચ્યો એનું આશ્વર્ય તેને ઉપજતું હતું.

“તારે ગભરાવાની બીલકુલ જરૂર નથી. રઘુભાની કેદમાંથી હવે તું આઝાદ છો.” જોષી બોલ્યો અને પછી તે કેવી રીતે અહીં પહોંચ્યો એ વિગતવાર જણાવ્યું. સુરો ધડકતા દિલે એ કહાની સાંભળી રહ્યો. એક અજનબી આદમીએ તેને રઘુભાની ચૂંગલમાંથી છોડાવ્યો હતો એનો તેને વિશ્વાસ નહોતો થતો. પણ જ્યારે તેણે જાણ્યું કે તેને છોડાવનાર વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ બંસરી મેડમનો ભાઈ છે ત્યારે આપોઆપ તેની આંખોમાં આસું ઉભરાઇ આવ્યાં હતા. તેના જીગરમાં પોતે જીવીત બચ્યાની રાહત ઉદભવી હતી. બીજી તરફ જોષીને પણ સુરાની હાલત જોઇને સ્પષ્ટ સમજાઇ ગયું હતું કે તેણે બંસરીને ફસાવી નહી હોય. ચોક્કસ એ કામ રઘુભાનું જ હોવું જોઇએ.

“તું પહેલેથી જણાવ કે આખરે તારી સાથે શું થયું હતું અને શું-કામ બંસરીને ફોન કરીને તે કોસંબા બોલાવી હતી? તું એને મદદ કરવા ઈચ્છતો હતો તો પછી રઘુભાનાં હાથમાં તેને ફસાવી શું કામ?” રમણ જોષી સુરાનાં મોઢે જ તેની કેફિયત સાંભળવા માંગતો હતો. એ દરમ્યાન તે જે બોલે એને સબૂત તરીકે ફોનમાં રેકોર્ડ કરી લેવા માંગતો હતો એટલે તેણે પોતાના માણસને ઈશારો કર્યો હતો કે તે પોતાનો ફોન તૈયાર રાખે.

“મેં બંસરી મેડમને નહોતાં ફસાવ્યાં. હું તો એમની મદદ કરવા માંગતો હતો પણ ખબર નહી કેમ, રઘુભાને એની ભનક લાગી ગઇ હતી અને તેમણે મને પકડીને પેલા ખેતર વચ્ચે બનેલા ગેરેજમાં પૂરી દીધો હતો. તેણે મને બહું માર્યો હતો. પછી મારી પાસે બંસરી મેડમને ફોન કરાવ્યો હતો કે તે કોસંબા આવે. હું સખત ગભરાઇ ગયો હતો કારણ કે કાળીયાનું તેઓએ શું કર્યું હતું એ મને ખબર પડી ગઇ હતી એટલે બીકનાં માર્યાં તેમણે જે કહ્યું એ બધું જ મેં કર્યું હતું.” સુરાએ તેની આપવીતી જણાવી અને પછી બાજુની પથારીમાં બેહોશ પડેલાં પેલા આદમી તરફ જોઇને ઈશારો કર્યો. “રઘુભા ગયો ત્યારે આ રાક્ષસને મારી ઉપર જાપ્તો રાખવા મુકીને ગયો હતો. તે મને એટલી બેરહમીથી પીટતો હતો કે તેના હાથનો માર ખાવા કરતાં તો મરી જવું બહેતર લાગતું હતું. મને ખરેખર તાજ્જૂબી થાય છે કે તમારા જેવાં સુંવાળા આદમીએ આ રાક્ષસનો કેવી રીતે સામનો કર્યો હશે!” સુરાને એ બાબતનો વિશ્વાસ નહોતો થતો પરંતુ જોષી કાળીયાની વાત આવતા એકાએક ચોંકયો હતો.

“રઘુભાએ કાળીયા સાથે શું કર્યું હતું?” ધડકતા હદયે તેણે સુરાને પૂછયું. એ સવાલ સાંભળીને સુરાનાં ચહેરા ઉપર આતંકના ભાવ છવાયા. તેના શરીરમાં ભયાનક ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું હોય એમ તે ધ્રૂજી ઉઠયો હતો અને તેની આંખોમાં આપોઆપ આસું ઉભરાઇ આવ્યાં હતા.

“એ મારો પાક્કો દોસ્ત હતો સાહેબ. ટ્રક હંકારવામાં તેણે ગફલત કરી અને તેનાથી અકસ્માત થઇ ગયો હતો. એ પછી ત્યાં એકઠા થયેલા લોકોનાં હાથમાં પકડાઇને મરવાનાં ભયે ટ્રક છોડીને તે ભાગ્યો હતો અને સીધો જ રઘુભા પાસે આવ્યો હતો. રઘુભાએ પહેલા તો એક ઝાપટ તેને ઠોકી હતી અને પછી ગેરેજમાં સંતાઇ જવાનું કહ્યું હતું. એ વખતે હું પણ ત્યાં હાજર હતો. પહેલા તો મને લાગ્યું કે રઘુભા ખરેખર તેને બચાવી લેશે. પરંતુ કાળીયાનાં ગયાં બાદ આને…” થોડું અટકીને તેણે બાજુનાં પલંગ તરફ ઇશારો કર્યો. “તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું ત્યારે જ મારા માતિયા મરી ગયા હતા. હું સમજી ગયો હતો કે હવે કાળીયો ક્યારેય બહારની દુનિયા જોઇ નહી શકે કારણ કે આ માણસ એક રાક્ષસ કરતાં પણ ભયાનક છે. એ પછી રઘુભાએ કોઇકને ફોન કર્યો હતો અને એક્સિડન્ટની વાત જણાવીને બધું સંભાળી લેવા કહ્યું હતું. એ માટે તેણે જે ખર્ચો થાય એ પણ આપવાની તૈયારી દર્શાવી હતી.”

“રઘુભાએ કોને ફોન કર્યો હતો સુરા? અને કાળીયાનું તેણે શું કર્યુ હતું. તે અત્યારે ક્યાં છે એનો જવાબ પણ હજું તેં નથી આપ્યો.” જોષીની ધડકનો તેજીથી ચાલતી હતી. અભયવાળા અકસ્માત કેસનાં એક પછી એક પડળ ઉખળી રહ્યાં હતા અને ધીરે-ધીરે સચ્ચાઇ સપાટીએ ઉભરી રહી હતી. છતાં હજું ઘણું જાણવાનું બાકી હતું.

“રઘુભાએ એ સમયે કોને ફોન કર્યો હતો એ તો મને નથી ખબર કારણ કે એ વાતો ફોન ઉપર થઇ હતી. પરંતુ કાળીયાનું શું થયું એ હું તમને ચોક્કસ જણાવી શકું.” સુરાનાં અવાજમાં એકાએક પલટો આવ્યો હતો. “એ મરી ગયો છે સાહેબ. આ દિલપાએ જ તેને માર્યો છે. હું આ વાત બંસરી મેડમને જણાવવા માંગતો હતો એટલે જ તે દિવસે સાંજે તેમને મળવા બોલાવ્યાં હતા. પરંતુ હું ડરેલો હતો એટલે તેમને સચ્ચાઇ જણાવી શકયો નહોતો અને કાળીયાને શોધવાનું તેમને જ જણાવ્યું હતું. અને હું પણ તેમને મદદ કરીશ એવું કહ્યું હતું. મને એમ હતું કે બંસરી મેડમ એક પત્રકાર છે એટલે તેઓ આપમેળે બધી હકીકતો શોધી લેશે અને મારું નામ તેમાં નહીં આવે. પણ, મારી ગણતરી ઉંધી પડી હતી અને મેડમને ચેતવું એ પહેલા હું ખુદ રઘુભાનાં હાથમાં ફસાઇ ગયો હતો.” સુરો ઘડીક અટક્યો. એકધારું બોલવાથી તેના ચહેરા ઉપર થયેલા ઘાવ ખેંચાતા હતા, જેની અસહ્ય પીડાથી તેની આંખોમાં વારેવારે આંસુઓ ઊભરી આવતા હતા જેને ખાળવાની વ્યર્થ કોશિશ તે કરતો હતો.

તેની વાત સાંભળીને જોષી સન્નાટામાં ચાલ્યો ગયો હતો. કાળીયાનાં મોતનાં સમાચારે તેને ખળભળાવી મૂકયો. અભયનાં કેસનો મુખ્ય વ્યક્તિ મરી ચૂકયો હતો એ હકીકત પચાવતાં તેને થોડો સમય લાગ્યો.

“કાળીયો કેવી રીતે મર્યો હતો સુરા? તેની બોડી ક્યાં દફનાવવામાં આવી છે?” તેણે પૂછયું.

“મેં કહ્યું ને… કે તેને આ દિલપાએ માર્યો છે. રઘુભાએ કાળીયાને ગેરેજમાં મોકલ્યો એની થોડી મિનિટો બાદ આ દિલપો તેની પાછળ ગયો હતો. હું એ બધું લાચાર નજરે જોઇ રહ્યો હતો. તમારું કોઇ ખાસ પ્રિયજન તમારી આંખોની સામે કૂતરાનાં મોતે મરવાનું હોય અને તમે એ જાણતા હોવા છતાં કંઇ કરી શકવા અસમર્થ હોંવ, એથી વધું દુઃખદ બીજું શું હોઇ શકે સાહેબ!” કોઇ અજીબ ટ્રાન્સમાં આવીને સુરો બોલતો હતો. “મારી તમને એક વિંનંતી છે સાહેબ કે, આ દિપલાને પણ તમે એવું જ મોત આપજો. તે માણસ નથી, હેવાન છે હેવાન. મને ખાતરી છે કે તેણે કાળીયાને ભયંકર રીતે રિબાવી-રિબાવીને માર્યો હશે. અરે, એક કાળીયો જ શું કામ… આ માણસે તો એવા કેટલાંય ખૂન કર્યા હશે. તમે એને છોડતા નહી સાહેબ.” સુરાનાં અવાજમાં રીતસરની આજીજી ભળેલી હતી.

“કાળીયાની બોડી ક્યાં છે સુરા?” જોષીએ તેનો સવાલ દોહરાવ્યો.

“એ ગેરેજમાં જ ક્યાંક ખોડો ખોદીને તેને દફનાવી દેવામાં આવ્યો હશે. મને પાક્કી ખાતરી છે કે મારો ભાઇબંધ ત્યાં જ હોવો જોઇએ કારણ કે ગેરેજમાં ગયાં પછી મેં તેને બહાર આવતો ક્યારેય ભાળ્યો જ નથી.” સુરો બોલ્યો.

ખળભળી ઉઠયો જોષી. ઓહ, કેટલી ભયાનક વારદાત. તેને સમજાતું નહોતું કે આ બધું સાંભળીને તે શું રિએકશન આપે! થોડા દિવસો અગાઉ એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ-ત્રણ માણસો માર્યા ગયા હતા. એ સમયે સાવ અનાયાસે અને સંજોગોવશાત તે એ જગ્યાએ હાજર હતો. તેણે એ અકસ્માતનું પૂરા જોશ સાથે રિપોર્ટિંગ પણ કર્યું હતું અને પોલીસખાતા ઉપર તો જાણે રીતસરનો હલ્લો બોલાવી દીધો હતો જેમાં અભય નામનાં એક સબ-ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. એ સમયે તેને પોતાની કામિયાબી ઉપર જબરી ખુશી ઉદભવી હતી પરંતુ અત્યારે જે હકીકતો બહાર આવતી હતી એ સાંભળીને તેનું કાળજું કાંપતું હતું. તેનાં મનમાં એક સવાલ જનમ્યો કે ક્યાંક આ બધું તેના એ રિપોર્ટિંગનાં કારણે તો નથી થયું ને! એ વિચારે તેને પગથી માથા સુધી કંપાવી મૂકયો. પણ ખેર, અત્યારે એ બધું વિચારવાનો સમય નહોતો. તાત્કાલીક કોઇ એકશન લેવાનો સમય હતો. તે વિચારમાં પડયો કે હવે શું કરવું જોઇએ? અચાનક એક નામ તેનાં જહેનમાં ઉભર્યું… રાજસંગ રાઠોડ. યસ્સ, તેને આમાં ઈન્વોલ્વ કરવો જોઇએ. તેનામાં એ ’ગટ્સ’ હતો જે સામાન્ય રીતે કોઇ પોલીસ અફસરમાં તેણે જોયો નહોતો. તેણે ગંભીરતાથી વિચાર્યું કે શું આ યોગ્ય રહેશે? અને પછી ફોન કાઢીને તેણે રાજસંગનો નંબર લગાવ્યો. એક ઇમાનદાર અને કોઇના દબાણમાં આવ્યાં વગર કામ કરે એવા પોલીસ અફસરને આ કેસમાં સાથે લેવો જરૂરી હતો કારણ કે કાળીયાનું ખૂન થયું હતું અને ખૂન કેસમાં તે કોઇ જોખમ લેવા માંગતો ન હતો.

રાજસંગને ફોન લાગ્યો હતો. જોષીએ તેને વિગતવાર સમગ્ર હકીકત બયાન કરી દીધી અને તાત્કાલિક ધોરણે તેને સુરત આવી જવા જણાવ્યું. રાજસંગને તો જાણે લોટરી લાગી હોય એમ તે ઉત્સાહમાં આવી ગયો. તેણે જોષીનો ફોન મૂકયો અને મોટા સાહેબની ઓફિસ ભણી દોટ મૂકી હતી. જોષીનાં ફોનથી રઘુભાનો એક ખાસ ગૂર્ગો તેના હાથમાં આવવાનો જ હતો અને તેના દ્વારા તે રઘુભા સુધી પહોંચી શકવાનો હતો. અને… રઘુભા હાથમાં આવ્યો એટલે સમજો કે કમલ દિક્ષિત તો ઓલમોસ્ટ ફિનિશ થઇ જવાનો હતો. મોટા સાહેબ દેવેન્દ્ર દેસાઈનું અપમાન કરીને તેણે પોતાની જ કબર ખોદી હતી જેમાં આખરી ખીલી રાજસંગ પોતાના હાથે ઠોકવા માંગતો હતો.

(ક્રમશઃ)