વન્સ અપોન અ ટાઈમ - 133 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 133

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 133

‘જેમ અંડરવર્લ્ડ તરફથી હિરોઈનને સાઈન કરવા માટે પ્રોડ્યુસર્સને ધમકી મળતી હતી એ જ રીતે હિરોઈન આડી ફાટે તો તેને પણ ધમકી મળી જાય એવા ઘણા કિસ્સાઓ બૉલીવુડમાં બનવા માંડ્યા હતા. છોટા શકીલના પાળીતા એવા એક ફિલ્મ પ્રોડ્યુસરની ફિલ્મમાં અભિનય કરી રહેલી એક સફળ હિરોઈનને પ્રોડ્યુસરે કહ્યું કે આ સિનમાં તારે ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાનો છે, પણ તે હિરોઈને ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરવાનો ઈન્કાર કર્યો. બહુ રકઝક પછી તેણે કહ્યું કે, હું વન પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને જ આ સીન કરીશ, પણ ફિલ્મનિર્માતા હિરોઈનને ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ જ પહેરાવવા ઈચ્છતો હતો. તેણે ‘ભાઈ’ને ફોન કર્યો. અને એ જ દિવસે હિરોઈન શૂટિંગ પતાવીને ઘરે પહોંચી ત્યારે તેના પર દુબઈથી ફોન આવ્યો કે, “આજે તો તું ઘરે પહોંચી ગઈ છે પણ કાલે ટુ પીસ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને સીન શૂટ નહીં કરાવે તો તારી ખેર નથી. આજ પછી પ્રોડ્યુસરની કોઈ પણ ફરિયાદ આવશે તો તને ઘરમાંથી કપડાં ઉતારીને ઊંચકી જઈશું.”

બૉલીવુડમાં ધાક જમાવવા પાછળ પૈસા કમાવા ઉપરાંત ‘ભાઈલોગ’ એક પ્રકારનો ‘નશો’ અનુભવતા હતા એ પણ મહત્વનું કારણ હતું. દાઉદ ઈબ્રાહિમને બાળપણથી જ હિન્દી ફિલ્મોનો ગાંડો શોખ હતો. દાઉદ હાજી મસ્તાન અને કરીમલાલાની સાથે હતો ત્યારે તેણે હાજી મસ્તાન અને કરીમલાલાને ત્યાં કુર્નિશ બજાવવા આવતા ફિલ્મસ્ટાર્સને જોયા હતા. એટલે બૉલીવુડ પર કબજો જમાવવાની વૃત્તિ-પ્રવૃત્તિ પાછળ એક સાઈકોલૉજિકલ કારણ પણ હતું. દાઉદની જેમ જ છોટા શકીલ અને અબુ સાલેમને પણ બાળપણથી બૉલીવુડનું વળગણ હતું. અબુ સાલેમે તો તેના બે બાળકોનાં નામ પણ હિન્દી ફિલ્મોના હીરો પરથી પાડ્યા હતા. તો વળી છોટા રાજને તેની ‘કરીઅર’ની શરૂઆત ચેમ્બુરમાં હિન્દી ફિલ્મોની ટિકિટના કાળાબજારથી કરી હતી. એટલે બૉલીવુડના ધુરંધરો તેમના પગમાં આળોટતા હોય એ રીતે વર્તે એ સ્થિતિનો એ બધા છૂપો આનંદ પણ લૂંટતા હતા. દાઉદ અને તેના ભાઈઓ તથા ઘણા સાથીદારોએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ ક્રિકેટજગતમાં પણ પગપેસારો કરી દીધો હતો.

દાઉદ અને તેના ભાઈઓને હિન્દી ફિલ્મોની જેમ જ ક્રિકેટ પ્રત્યે પણ જબરું આકર્ષણ હતું. દાઉદે એંસીના દાયકાના મધ્યભાગમાં મુંબઈ છોડીને દુબઈમાં ધામો નાખ્યો એ પછી શારજાહમાં ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે દાઉદ તેના રસાલા સાથે ક્રિકેટ મેચ જોવા જતો અને એ વખતે અનિલ કપૂર અને મંદાકિનીથી માંડીને અનેક ફિલ્મસ્ટાર્સ દાઉદના સાંનિધ્યમાં ક્રિકેટની રમત જોવાનો આનંદ માણતા. શાહજાહમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન દાઉદ ભારતીય ક્રિકેટર્સના ડ્રેસિંગ રૂમમાં જતો અને અનેક ભારતીય ક્રિકેટરોને ભેટસોગાદ પણ આપતો. ધીમે ધીમે દાઉદની દોસ્તી પાકિસ્તાની ક્રિકેટર્સ સાથે પણ થવા માંડી.

નેવુંના દાયકામાં દાઉદે જે રીતે બૉલીવુડમાંથી કમાણી શરૂ કરી એ જ રીતે તેણે ક્રિકેટવર્લ્ડને પણ હોબીને બદલે કમાણીનું સાધન બનાવી નાખ્યું. નેવુંના દાયકાના મધ્યભાગ પછી તો દાઉદ ગેંગની ક્રિકેટ મેચ ફિક્સર્સ અને બુકીઓ સાથેની સાંઠગાંઠ અત્યંત મજબૂત બની ગઈ. વિશ્વભરમાં ગમે ત્યાં ક્રિકેટ મેચ રમાય એના સટ્ટામાંથી અમુક કરોડ રૂપિયાની કમાણી દાઉદ ગેંગને મળવા માંડી.

મંબુઈના ધુરંધર બુકીઓ પૈકી મોટા ભાગના દાઉદના શરણે જતા રહ્યા અને કેટલાક બુકીઓએ છોટા રાજન સાથે હાથ મિલાવી લીધા. તો વળી કેટલાક વધુ પડતા ઉસ્તાદ બુકીઓ દાઉદ અને રાજન બંનેની સાથે સંબંધ રાખવા માંડ્યા.

જો કે અંડરવર્લ્ડ નેક્સસને (સાંઠગાંઠને) કારણે બુકીઓ ક્યારેક કફોડી હાલતમાં મુકાઈ જાય એવી ઘટનાઓ પણ બનવા માંડી. 1999માં શ્રીલંકાના કોલંબો શહેરમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટની ટીમ જીતી જશે, એવી માહિતી મળી એટલે શકીલે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની એ ક્રિકેટ મેચ પર રૂપિયા 20 કરોડ લગાવ્યા. આ રકમની સામે તેને રૂપિયા 75 કરોડ જેટલી રકમ મળશે એવી તેની ગણતરી હતી. એ મેચની શરૂઆત ધારણા પ્રમાણે જ થઈ. શ્રીલંકન ક્રિકેટ ટીમની ચાર વિકેટ ટપોટપ પડી ગઈ અને એ દરમિયાન શ્રીલંકન ટીમ માત્ર 27 રન બનાવી શકી હતી. છોટા શકીલ કરાચીમાં બેઠો બેઠો એ મેચ નિહાળીને મજા માણી રહ્યો હતો. પણ અચાનક શ્રીલંકન ક્રિકેટરો ફોર્મમાં આવી ગયા. તેમણે ન્યૂઝીલેન્ડના બોલરોને ધોઈ નાખ્યા અને શ્રીલંકન ક્રિકેટ ટીમ મેચ જીતી ગઈ. આવું કેમ બન્યું એની માહિતી છોટા શકીલે મેળવી ત્યારે તેને ખબર પડી કે મુંબઈના એક ટોચના બુકીએ કોલંબો ફોન કોલ્સ કર્યા હતા અને શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચનું પરિણામ પલટાવી નાખ્યું હતું.

છોટા શકીલે એ બુકીને પાઠ ભણાવવા માટે પોતાના માણસોને કામે લગાવી દીધા. શકીલના માણસોએ મુંબઈનાં બુકીઓને ફોન કરીને કહી દીધું કે ‘ભાઈએ’ ‘સોદા ફોક’નો આદેશ આપ્યો છે!’

એટલે જે બુકીઓએ ન્યૂઝીલેન્ડની હાર પર અને શ્રીલંકાની જીત પર બુકિંગ લીધું હતું તેમને તો જલસો પડી ગયો. પણ જે બુકીઓએ શ્રીલંકાની હાર પર અને ન્યૂઝીલેન્ડની જીત પર બેટિંગ લીધું હતું તેમણે કમાણી ગુમાવવાનો વારો આવ્યો. કારણ કે ‘સોદા ફોક’ એવા આદેશને કારણે પછી કોઈએ કોઈને પેમેન્ટ કરવાનું રહે નહીં. દાઉદના જમણા હાથ સમા છોટા શકીલના આદેશથી સટ્ટાબજારમાં ખળભળાટ મચી ગયો અને જે બુકીઓને કમાણી ગુમાવવી પડે એમ હતી એ બુકીઓ છોટા શકીલ અને દાઉદના દુશ્મન છોટા રાજનના શરણે ગયાં. છોટા રાજને તેના માણસોને છોટા શકીલના માણસોના આદેશથી વિરુદ્ધ દિશામાં બુકીઓને આદેશ આપવાનો આદેશ આપ્યો! અને રાજનના માણસો મુંબઈના બુકીઓના ફોન ધણધણાવવા માંડ્યા. તેમણે બુકીઓને કહ્યું કે મેચ પર જે સટ્ટો રમાયો છે એ પ્રમાણે પેમેન્ટ થવું જ જોઈએ! બુકીઓની હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ!

છોટા શકીલ અને છોટા રાજનના વિપરીત આદેશ વચ્ચે સેન્ડવિચ સમો બની ગયેલો ટોચનો બુકી છેવટે મુંબઈ પોલીસના શરણે ગયો અને તેણે પોતાને ધમકી મળે છે એવું કહીને પોલીસ રક્ષણ મેળવ્યું. એ બુકીને ખરેખર છોટા શકીલે ધમકી આપી હતી એટલે સતત ત્રણ વર્ષ સુધી તે મુંબઈ પોલીસના સુરક્ષાકવચ હેઠળ રહ્યો.

આવી જ રીતે શાહજાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની એક ક્રિકેટમેચ દરમિયાન દાઉદ પણ એક ટોચના બુકીની ટ્રેપમાં ફસાયો હતો. દાઉદને એવી માહિતી મળી હતી કે મેચ ફિક્સ થઈ ગઈ છે. એના આધારે દાઉદે કરોડો રૂપિયા લગાવ્યા. પણ મેચનું પરિણામ દાઉદની ધારણાથી વિપરીત આવ્યું ત્યારે દાઉદે ‘સોદા ફોક’નો આદેશ જારી કરી દીધો હતો અને મેચનું પરિણામ બદલાવનારા બુકીને ધમકી આપીને દાઉદે તેની પાસેથી રૂપિયા દસ કરોડ ખંડણીપેટે વસૂલ કર્યા હતા.

અંડરવર્લ્ડના ખેરખાંઓના ક્રિકેટ પ્રત્યેના શોખને કારણે બુકીઓએ બે બાજુથી વેતરાવું પડતું હતું. ક્રિકેટ પર સટ્ટો રમનારા ‘ભાઈલોગ’ હારી જાય તો ‘સોદા ફોક’નો આદેશ આપી દેતા અને જીતી જાય તો બુકીઓએ તેમને પૈસા ચૂકવવા પડતા અને લટકામાં ‘પ્રોટેક્શન મની’ એટલે કે ખંડણી ચૂકવવી પડે એ તો અલગ!’

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા

Bharatsinh K. Sindhav

Bharatsinh K. Sindhav 3 વર્ષ પહેલા

vipul

vipul 3 વર્ષ પહેલા

Irfan Mahida

Irfan Mahida 3 વર્ષ પહેલા