વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 132
બે દિવસ પછી અમે ફરીવાર પપ્પુ ટકલાને મળ્યા. વાત જ્યાંથી અધૂરી હતી ત્યાંથી તેણે આગળ માહિતી આપવાનું શરૂ કર્યું: “હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ સહજપણે જ અંડરવર્લ્ડના ‘ભાઈલોગ’ના આદેશનું પાલન કરતા હતાં. અને કોઈ ફિલ્મસ્ટાર કે પ્રોડ્યુસર યા ડિરેક્ટર ‘ભાઈ’ની વાત માને નહીં તો તેમને દુબઈ કે કરાંચીથી ફોન પર ધમકી અપાતી હતી કે “જો બોલ રહા હું ચૂપચાપ સૂન લે ઔર જૈસા બોલા જાય વૈસા કર નહીં તો ઠોક ડાલૂંગા.” પણ આવા કિસ્સાઓ અપવાદરૂપ ગણાવી શકાય. ગુલશનકુમારના ખૂનની ઘટના બની ત્યાં સુધીમાં તો ટોચના કેટલાક સ્ટાર્સ, પ્રોડ્યુસર્સ-ડાયરેક્ટર્સ કઈ હદ સુધી અંડરવર્લ્ડના પાળીતા બની ચૂક્યા હતા કે તેમને ધમકીની જરૂર જ પડતી નહોતી! તેમને ‘આમંત્રણ’ મળે એ સાથે તેઓ ઉત્સાહભેર અંડરવર્લ્ડના ‘ભાઈઓ’ પાસે કુર્નિશ બજાવવા પહોંચી જતા હતા. બૉલીવુડ અને અંડરવર્લ્ડનો સંબંધ કેટલો ગાઢ બની ગયો હતો એની સાબિતી 1993માં એક ફિલ્મના પ્રીમિયર શો વખતે જોવા મળી હતી.
1993માં મુંબઈના વિખ્યાત ‘મેટ્રો’ થિયેટરમાં હિન્દી ફિલ્મ ‘ધ ગેમ’નો પ્રિમિયર શૉ યોજાયો હતો. એ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપવા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા માણસો આવ્યા હતા. ફિલ્મની વાર્તા એવી હતી કે એક ડૉન તેના ખાસ મિત્રની મદદથી પાવરફૂલ બની ગયો હોય છે. અને ડૉનનો ખાસ મિત્ર ડૉનની ગેંગમાં નંબર ટુનું સ્થાન ભોગવતો હોય છે. એ હંમેશા ડૉનનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહે છે અને ડૉન માટે જાનની બાજી લગાવવા પણ તૈયાર થઈ જાય છે. નંબર ટુ તેની આક્રમકતાને કારણે ગેંગમાં અને ગેંગ બહાર પણ લોકપ્રિય થવા લાગે છે, એ ડૉનથી સહન થતું નથી. અને એક દિવસ તે નંબર ટુની હત્યા કરવાનો આદેશ આપી દે છે.
આવા કથાનકવાળી ફિલ્મ બનાવનારા પ્રોડ્યુસરને, પ્રિમિયર શૉ જોવા આવેલા, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આમંત્રિતો અભિનંદન આપી રહ્યા હતા. પણ એ જ વખતે મેટ્રો થિયેટરમાં મુંબઈ પોલીસની એક ટીમ પ્રવેશી. પોલીસ ટીમે ફિલ્મના પ્રોડ્યુસરને ઊંચકીને વાહનમાં નાખ્યો. પ્રિમિયર શૉમાં જ પ્રોડ્યુસરની ધરપકડથી ખળભળાટ મચી ગયો. પાછળથી રહસ્યસ્ફોટ થયો કે ‘ધ ગેમ’ ફિલ્મનો પ્રોડ્યુસર રમેશ ઉર્ફે ગુંગા છોટા રાજનનો ખાસ દોસ્ત હતો!’
‘એ સમય દરમિયાન ભાઈલોગ’ સાથે દોસ્તી રાખવામાં ઘણી હિરોઈનો પણ પાછળ પડતી નહોતી. ટોચની એક હિરોઈન પાસેથી ખંડણી ઉઘરાવવા માટે કેટલાક ગુંડાઓએ યોજના બનાવી હતી. ટપોરીઓએ અબુ સાલેમનું નામ આપીને એ હિરોઈનને ફોન પર ધમકાવી અને 25 લાખ રૂપિયા ખંડણી તરીકે માગ્યા ત્યારે હિરોઈને તેમને જોરદાર ગાળો ચોપડાવીને કહ્યું કે “હમણાં ને હમણાં અબુ સાલેમ સાથે મારી વાત કરાવ!” એ હિરોઈન આવું હિંમતપૂર્વક કહી શકે એનો અર્થ શું થાય એ સમજી ગયેલા ગુંડાઓ ડરી ગયા હતા અને તે હિરોઈનને પડતી મૂકીને નવા શિકાર શોધવાની વેતરણમાં પડી ગયા હતા!
બૉલીવુડમાં નસીબ અજમાવવા આવ્યા હોય પણ ક્યાંય પગ મૂકવાની ય જગ્યા ન મળે ત્યારે ઘણા સ્ટ્રગલર્સ અંડરવર્લ્ડમા ‘હીરો’ બનીને બોલીવૂડના સ્ટાર્સને નિશાન બનાવે એવા કિસ્સાઓ પણ 1995ના વર્ષથી બનવા લાગ્યા હતા. અબુ સાલેમે એક વાર મનીષા કોઈરાલાનું અપહરણ કરીને પૈસા પડાવવાની યોજના ઘડી હતી. અબુ સાલેમના બે ગુંડાઓ મનીષા કોઈરાલાના ઘરમાં ઘૂસી ગયા હતા. મનીષા એ વખતે દિલ્હી ગઈ હતી એટલે સાલેમના ગુંડાઓ મનીષાના ઘરના સભ્યોને ધમકાવીને રવાના થઈ ગયા હતા. પાછળથી એ બંને ગુંડા બ્રહ્મદત્ત અને જસપાલસિંઘ મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા ત્યારે પોલીસને ખબર પડી કે એ બંને અનુક્રમે જમ્મુ અને પંજાબમાંથી બૉલીવુડમાં હીરો બનવાના ખ્વાબ સાથે મુ્ંબઈ આવ્યા હતા. પણ બૉલીવુડમાં તેમનો ગજ વાગ્યો નહીં અને અસ્તિત્વ ટકાવવાની મથામણ દરમિયાન તેમનો પનારો અબુ સાલેમના એક માણસ સાથે પડી ગયો અને તેઓ સાલેમ ગેંગમાં જોડાઈને અંડરવર્લ્ડ ‘હીરો’ બની ગયા હતા.
આવું જ બબલુ શ્રીવાસ્તવની પ્રેમિકા અર્ચના શર્માના કિસ્સામાં પણ બન્યું હતું. અર્ચના શર્મા હિરોઈન બનવા માટે ઉજ્જૈનથી મુંબઈ આવી હતી. મુંબઈમાં તેણે એક ફોટોગ્રાફર પાસે ફોટો સેશન કરાવીને પોતાનો પોર્ટફોલિયો પણ બનાવડાવ્યો હતો. પણ અર્ચના શર્મા હિરોઈન બનવાને બદલે સોફિસ્ટિકેટેડ કોલગર્લ બની ગઈ. અનેક પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સનું મનોરંજન કર્યા પછી તેને ફિલ્મમાં અભિનય કરવાની તક ન મળી એટલે તે એક વેપારી સાથે રહેવા માંડી અને એ વેપારીએ પણ તેને છોડી દીધી એ પછી તે અંડરવર્લ્ડ સાથે સંપર્કમાં આવી અને ટૂંક સમયમાં અંડરવર્લ્ડની સ્ટાર બની ગઈ. અર્ચના શર્માએ બૉલીવુડમાંથી કોને-કોને ખંખેરી શકાય એવી ઘણી માહિતી અંડરવર્લ્ડને આપીને પોતાના જાતીય શોષણનો બદલો લીધાનો સંતોષ મેળવ્યો હતો.
અર્ચના શર્માની જેમ જ મોનિકા બેદી પણ હિરોઈન બનવાની લાલચમાં અંડરવર્લ્ડનો એક હિસ્સો બની ગઈ હતી. મોનિકા બેદી તો અબુ સાલેમની પ્રેમિકા તરીકે જાહેર થઈ ગઈ હતી, પણ બીજી ઘણી હિરોઈનો ફિલ્મમાં રોલ મેળવવા માટે અંડરવર્લ્ડનો ઉપયોગ ‘ગિવ એન્ડ ટેક’ ફોર્મ્યુલા અજમાવીને કરતી હતી. અંડરવર્લ્ડનો કોઈ ખેરખાં કોઈ ફિલ્મ પ્રોડ્યુસરને ફોન કરીને કહે કે “તારી ફિલ્મમાં ફલાણી હિરોઈનને સાઈન કરવાની છે.” એટલે તે હિરોઈનને રોલ મળી જાય. એક જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરે આવો આદેશ માનવાની ના પાડી હતી ત્યારે બીજા દિવસે તેની કારની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. તે પ્રોડ્યુસરના ડ્રાઈવરને કાર દીવાલ સાથે અથડાવીને જેમ તેમ ભીષણ અકસ્માત થતાં બચાવ્યો એ પછી થોડીવારમાં પ્રોડ્યુસરના સેલ્યુલર ફોનની ઘંટડી વાગી અને સામા છેડેથી કહેવાયું કે “આ વખતે તો માત્ર કારને બ્રેક ફેઈલ થઈ છે. ચોવીસ કલાકમાં પેલી હિરોઈનને સાઈન નહીં કરે તો તારી કારમાં બૉમ્બ મૂકીને તને કાર સાથે આખો ને આખો ઊડાવી દઈશું!” કહેવાની જરૂર નથી કે બીજા જ દિવસે એ ફિલ્મ પ્રોડ્યુસરે ‘ભાઈલોગ’ની માનીતી હિરોઈન સાઈન કરી લીધી હતી!’
(ક્રમશ:)