I will not come there. books and stories free download online pdf in Gujarati

આવી નહિ શકું.

કેમ કરી આવું ??

તું ચાંદની આ પૂનમ કેરી અને,
હું રહ્યો અમાસનો ખરતો તારો;
તારા અને મારા મિલન તણાં,
સપના આંખો ને ફરી કેમ બતાવું??

તું બગીચા કેરા ગુલાબની પાંખડી,
હું રહ્યો એક અલી મધુવન તણો;
તારા ને મારા અજોડા ની વાતો,
કેમ કરી પ્રણય માટે દિલ સમજાવુ ??

તું રહી રાધિકા એ વૃંદાવન ની,
હું રહ્યો સાવ અભણ ગોવાળીયો;
તારા ને મારા આ પ્રેમ મિલન ની,
કેમ કરી ને એક દુનિયા સજાવું ??

તું રહી એક અલ્લડ મીઠી સરિતા,
ને હું રહ્યો મહેરામણ સાવ ખારો;
તારા એ મીઠા પાણી ને પામવા,
ઉદરને મોટું હું કેમ કરી બનાવું??

તું છે એક સાવ ચંચળ ઝરણું,
હું રહ્યો અજડ ને અક્કડ મેરુ;
મારા આ ઊંચા કંદરાઓ માં,
કેમ કરી તને હું રોકી બતાવું ??

તું છે વન ની નાજૂક હરણી,
ને હું રહ્યો આદમખોર કેસરી;
તારી એ કોમળતા ને પામવા,
કુદરતના નેમ કેમ તોડી બતાવુ??

તારે દ્વાર હું કેમ કરીને આવું ??
આંગણા તારા હું કેમ સજાવું ;
તારા ને મારા આ વર્ષોના અબોલા,
સાંભળ તને હું કેમ કરી બોલાવું ???

જાણું છું હું યે આ પ્રીતની વાતું,
પણ દિલની વ્યથા કેમ જણાવું;
તારા જ નામથી શ્વાસ શ્વશું છું,
"બેનામ" ધબકાર કેમ કરી તને બતાવું??

=×=×= =×=×=×= =×=×=×=×= =×=×=




"આવી નહિ શકું."


હું તારે દ્વાર આમ રોજ આવી નહિ શકું,
ને શમણાં છે પણ રોજ જણાવી નહિ શકું;

બેઠો તો છું હું પણ ફૂલોનાં બગીચામાં,
તું માગે એવું ફૂલ કદાચ હું લાવી નહિ શકું;

પ્રેમ તો તુજથી અઢળક છે મારા આ દિલમાં,
તને ભરબજારમાં સરેઆમ જણાવી નહિ શકું;

રડી તો હું પણ રોજ લઉં છું છાનુંમાનું,
તારી સામે આ આંસુઓ ને વહાવી નહિ શકું;

તું સામે આવીશ ત્યારે થોડું હસીએ લઈશં,
ને બધું દર્દ તારી સામે જણાવી નહિ શકું;

તારી યાદોમાં વિતાવી લઈશ આ જિંદગી,
બસ બીજા કોઈ થી દિલ લગાવી નહિ શકું;

એક સમય એવો પણ આવશે આ પ્રેમમાં,
"બેનામ"ફરી હું તને અપનાવી નહિ શકું.


=×=×=×= =×=×=×= =×=×=×= =×=×=×=
કોણ છું હું?

તું જાણે છે કે હું કોણ છું,
સરગમ નથી પણ સંગીત છું;
તું પૂછે ચડી ને છડેચોક તહીં,
પણ હું તો એક મૌન સંગીત છું.


હું બોલી નહિ શકું શબ્દો થી,
તું ક્યારેક વાંચી લે મૌન થકી;
હું તારા આ જીવનપંથ તણો,
એક અનજાન એવો મુસાફર છું;

તું ક્યારેક તો સાંભળ શાંતચિત્તે,
ક્યારેય ના કહેવાયેલ કિતાબ છું;
તું ક્યારેક બેસી સમીપ મુજથી,
ને હું શાંત દીસતો કોલાહલ છું;


હું વિચારો કેરા વમળમાં છું,
અને શબ્દોની ગડમથલમાં છું;
તું સાંભળે જો ધબકાર મહીં,
હું બીજે નહિ તુજ હ્ર્દયમાં છું.


=×=×=×= =×=×=×= =×=×=×= =×=×=×=

મુજને મળે.


છોડી દઉં હું સ્વર્ગને પણ જો એ બચપણ ફરી મળે,
આળોટવા એ મારી જન્મભૂમિમાં એક મોકો મને મળે;

નથી જોઇતી આ સાહ્યબીઓ જે ફરી ના મને મળે,
ફરી એકવાર જો મારું એ નાનપણ મને પાછું મળે;

અર્પણ દુનિયા ના સર્વ સુખો ભલે ફરી એ ના મળે,
રમવા મારી માં નો એકવાર એ આંચળ મને મળે;

બત્રીસ પકવાનો દુનિયાના મને ભલે ને જમવા ના મળે,
પણ એકવાર મારી માં ના હાથે એક કોળિયો જમવા મળે;

હજારો જન્મો કુરબાન કરી દઉં ભલે અગોચર નો જીવ મળે,
"બેનામ" એકવાર જો એ માતાના ખોળે રમવા ફરી મુજને મળે...

=×=×=×= =×=×=×= =×=×=×=×= =×=×=×=


નમસ્કાર મિત્રો...

તમને મારી આ કૃતિ કેવી લાગી એ અભિપ્રાય જરૂરથી જણાવશો...

આપનો મિત્ર..
✍️ ભાર્ગવ જોષી "બેનામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED