અર્ધ અસત્ય.
પ્રકરણ-૪૦
પ્રવીણ પીઠડીયા
વૈદેહીસિંહ કોઇ ઘાયલ વાઘણની જેમ પોતાના દિવાનખંડમાં આટાં મારતાં હતા. અનંત ગાયબ હતો અને અભય નામનો યુવાન તેને શોધતો હવેલી સુધી પહોંચી ગયો હતો છતાં તેમને એ વિશે સહેજે અણસાર સુધ્ધા આવ્યો નહોતો એ બાબતનો મલાલ તેમને કોતરી ખાતો હતો. તેમણે દેવા સામું જોયું. એ નજરમાં ક્રોધની જ્વાળાઓ ધધકતી હતી.
“મેં તને કહ્યું હતું કે એનું ધ્યાન રાખજે. તારાથી એટલું કામ ન થયું? બેઠા-બેઠા ખાલી વજન વધાર્યે રાખવું છે બસ, સાવ હરામનાં હાડકાં થઇ ગયા છે તારાં.” તેમણે દેવાને બેફામ સંભળાવાનું શરૂ કરી દીધું હતું.
“પણ માલકિન હું…” દેવો પોતાના બચાવમાં કંઇક બોલવા ગયો તો વૈદેહીસિંહે તેની વાત અડધેથી જ કાપી નાંખી.
“શું હું? સાવ ડઠ્ઠર જેવો થઇ ગયો છે. જા, હવે પત્તો લગાવ કે એ ક્યાં છે.” તેમણે હુકમ આપ્યો એટલે દેવો સડસડાટ હવેલીની બહાર નિકળી ગયો.
દેવો તો ગયો છતાં ધણો લાંબો સમય તેઓ દિવાનખંડમાં ચહલ કદમી કરતા રહ્યાં હતા. આજે વર્ષો બાદ ફરીથી એકવાર તેમના જીગરમાં તોફાન ઉમડયું હતું અને કશુંક ભયાનક થશે એવી આશંકાઓથી તેઓ ફફડી ઉઠયાં હતા. શું ફરીથી એ સીલસીલો શરૂ થશે? વૈદેહીસિંહ ધ્રૂજી ઉઠયાં. તેમનો રૂપાળો દેહ એ વિચારમાત્રથી કાંપી ઉઠયો હતો. તેમણે બન્ને હાથોની હથેળીઓ વડે પોતાની આંખો બંધ કરી અને પછી સોફા ઉપર ફસડાઇ પડયાં હતા.
અભય અનંતને શોધતો વૈદેહીસિંહની હવેલીએ આવ્યો હતો એ પછી તરત આ સીન ભજવાયો હતો જેની કોઇને ખબર નહોતી.
@@@
સવારે ઉઠયો ત્યારે અભયનું માથું ચકરાતું હતું. ગઇરાત્રે વેઠેલા ઉજાગરાને કારણે તેની આંખો ભારે લાગતી હતી અને સમસ્ત શરીરમાં ભયાનક સૂસ્તી ભરાઇ હતી. તે પથારીમાંથી પરાણે ઉભો થતો હોય એમ ઉઠયો હતો અને બાથરૂમમાં ઘૂસી ગયો હતો. અનંતની હજું સુધી કોઇ ભાળ મળી નહોતી. તેણે ગઇરાત્રે પૃથ્વીસિંહજીની હવેલીની પાછળ આવેલું અડધું જંગલ ખૂંદી નાખ્યું હતું અને જ્યાં-જ્યાં તેના હોવાની શક્યતાઓ હતી એ તમામ સ્થળોએ તપાસ કરી લીધી હતી પરંતુ અનંત ક્યાંય નહોતો. તો શું તેને જમીન ગળી ગઇ હતી કે આસમાન ખાઇ ગયું હતું? અભયને લાગતું હતું કે કોકડું ઓર ગહેરાઈ રહ્યું છે. જલદી જ તેણે કંઇક કરવું પડશે નહિતર અનંત પણ તેનાં દાદાની માફક હંમેશાની માફક ગાયબ થઇ જશે. એ વિચાર માત્રથી તેના કસાયેલા બદનમાં કપકપી પસાર થઇ ગઇ અને મનમાં જ એક ગાંઠ બાધી લીધી કે આજે ગમે તે થાય, તે અનંતને શોધીને જ રહેશે. એક મક્કમ નિર્ધાર સાથે ઝડપથી પ્રાતઃકર્મ પતાવીને તે ઘરની બહાર નિકળી ગયો હતો.
બરાબર એ સમયે જ બંસરી સુરતથી રાજગઢ જવા રવાનાં થઇ હતી.
@@@
સવાર થતાં જ રમણ જોષીએ પોતાના તમામ સોર્સ કામે લગાડયાં હતા અને રઘુભાની શોધખોળ આરંભી હતી. પોતાના સૌથી પ્રિય અને સૌથી અંગત મિત્રની વિરુધ્ધ સબૂત એકઠાં કરવા તેનું મન માનતું તો નહોતું પરંતુ હવે એ કર્યા વગર ચાલે એમ પણ નહોતું. કમલે બંસરીને ફસાવાની કોશિશ કરી હતી એટલે કોઇ કાળે તે એને બક્ષી શકે તેમ નહોતો. તેણે એક તરફ મિત્રની મદદ કરવાનું નાટક કર્યું હતું અને બીજી તરફ એ જ મિત્રનો દ્રોહ કર્યો હતો એટલે તેને ઉઘાડો પાડવો જરૂરી હતો જેથી બીજા સાથે તે એવું ન કરી શકે.
રઘુભા, સુરો કે કાળીયો… આ ત્રણમાંથી એક પણ વ્યક્તિ જો હાથ લાગી જાય તો ચોક્કસ કમલ દિક્ષિતનો ભાંડો ફૂટી જાય એ નિર્વિવાદિત સત્ય હતું. જો કે તેમાં રઘુભા જ સૌથી અગત્યનો હતો કારણ કે એ જાણતો હતો કે તેની દિક્ષિત સાથે શું સાંઠગાંઠ છે અને અકસ્માત કેસમાં અભયને શું કામ સંડોવવામાં આવ્યો હતો? એટલે જ તેણે રઘુભાથી શરૂઆત કરી હતી. તેની પાસે જેટલા પણ સોર્સ અવેલેબલ હતા એ તમામને તેણે રઘુભા કઇ બખોલમાં છૂપાઇને બેઠો છે એ જાણવાં કામે લગાવ્યાં હતા. અને તે પોતે સુરા અને કાળીયા પાછળ લાગ્યો હતો. એ બન્ને માણસો રઘુભાને ત્યાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતાં હતા એટલે રમણ જોષીને ખાતરી હતી કે કોઇક તો એવું હશે જેણે એ લોકોને જોયા હશે. અને એ માટે તેણે રઘુભાની બેઠકે જવાનું નક્કી કર્યું હતું.
તેની પાસે હોન્ડા બાઇક હતું. બાઇક ઉપર સવાર થઇને તે નિકળી પડયો. સુરતની બહાર જતાં હાઇવેના રસ્તે, કામરેજ ચોકડી પહોંચો એ પહેલા, રોડ વચ્ચે સુરત પોલીસનું ચેક પોસ્ટ હતું. એ ચેકપોસ્ટથી જસ્ટ થોડે દૂર એક ખેતર જેવા ખૂલ્લા મેદાનમાં રઘુભાની કાયમી બેઠક રહેતી એનો તેને ખ્યાલ હતો. તેણે હોન્ડાને એ દિશામાં હંકાર્યું હતું અને થોડીવારમાં એ મેદાન નજીક પહોંચીને તેણે રોડનાં કાંઠે બાઇક પાર્ક કર્યું હતું. દૂરથી જ સામે દેખાતા મેદાનની ખૂલ્લી જગ્યાને તેણે ધ્યાનથી જોઇ. એ ખેતર વચ્ચે પતરાનો એક વિશાળ શેડ હતો અને શેડની સામે એક ઘેઘૂર ઝાડ ઉભું હતું. સવારનાં કૂમળાં તડકામાં મેદાન ખાલીખમ દેખાતું હતું. કદાચ રઘુભાએ પોતાના તમામ માણસોને થોડો સમય પુરતા ગાયબ થઇ જવાનું કહ્યું હશે. રમણ જોષીએ પોતાની આસપાસ નજર ફેરવી. રોડનાં કિનારે સંખ્યાબંધ ટ્રકોનો થડકલો લાગી ચૂકયો હતો. અભય વાળો કિસ્સો બન્યો એ પછી લોકલ પોલીસ માથે જબરી તવાઈ આવી હતી એટલે આ ટ્રકોને પ્રતિબંધીત સમયમાં શહેરમાં એન્ટ્રી ન અપાય એ નિયમનું સખ્તાઇથી પાલન થઇ રહ્યું હોય એવું તેને લાગ્યું.
તે નજદીક ઉભેલા એક ટ્રક પાસે પહોંચ્યો. ટ્રકનો એક તરફનો દરવાજો ખુલ્લો રાખીને અંદર એક શખ્શ સૂતો હતો.
“એ ભાઇ, તને ખબર છે આ રઘુભા ક્યાં મળશે?” રમણ જોષીએ પેલાનો બહાર લબડતો હાથ પકડીને ઢંઢોળતા સીધું જ પૂછી લીધું. પેલો ઝબકીને જાગ્યો અને તેણે રમણ જોષીના ચહેરા સામું હેરાનીથી જોયું. “આ સામે દેખાયને, એ ખેતર તરફ હમણાં જ તેનો એક માણસ ગયો છે. જાવ એને પુંછો. મને સૂવા દો ભાઇ.” ભયાનક કંટાળાભર્યા સ્વરે એ બોલ્યો અને પછી પડખું ફરીને ફરીથી ઘોરવા લાગ્યો.
પણ રમણ જોષીને તો જાણે જેકપોટ લાગ્યો હોય એમ તે ખેતર તરફ દોડયો. રઘુભાનો કોઇ માણસ હજું અહી હોય એ વાત જ અચરજ ભરી હતી. તેને એમ હતું કે રઘુભાએ તેનાં તમામ માણસોને અંડર ગ્રાઉન્ડ કરી દીધા હશે. પરંતુ એક માણસ અહી હતો, અને એટલે જ તે દોડયો હતો. એ માણસ હાથમાં આવવો જરૂરી હતો. તે સીધો જ ખેતર વચાળે ગેરેજ જેવા દેખાતાં પતરા મઢેલાં શેડનાં દરવાજે આવીને ઉભો રહ્યો. પછી સાવધાનીથી દરવાજાને થોડો ધક્કો મારી ખાતરી કરી કે દરવાજો ખુલ્લો છે કે નહી? દરવાજો અંદરથી બંધ હતો મતલબ પેલો માણસ સાચું બોલતો હતો. હવે સમસ્યા એ થઇ કે જો દરવાજો ખખડાવે તો અંદર હતો એ વ્યક્તિ સતર્ક બની જાય. તો શું કરવું જોઇએ? ઘડીક વિચાર્યું અને પછી શેડની જમણી તરફ સાવધાનીથી આગળ ચાલ્યો. કદાચ એ તરફ બીજો કોઇ દરવાજો કે બારી જેવું હોય તો અંદર પ્રવેશી શકાય એવી ગણતરી હતી. અને એક જગ્યાં તેને દેખાઇ જ્યાંથી તે અંદર પ્રવેશી શકે. ત્યાં પાણીનો એક ટાંકો હતો અને નહાવા માટેની ચોકડી બનેલી હતી. શેડમાંથી સીધા ચોકડીમાં આવવાં પતરાને થોડું વાળીને તેમાં જગ્યા કરાઇ હતી. રમણ જોષી સાવધાનીથી એ પતરાની વચ્ચેની જગ્યામાંથી નીચો નમીને અંદર ઘૂસ્યો. ખરેખર એ ગેરેજ જ હતું. તેમાં વાહન રિપેરીંગને લગતો શસ્ત્ર-સરંજામ ભર્યો હતો. શેડની બરાબર વચ્ચે એક ટ્રક ઉભો હતો. કદાચ તેને રિપેરીંગ અર્થે અહી લાવવામાં આવ્યો હોવો જોઇએ. રમણ જોષીએ ચારેકોર નજર ઘૂમાવી. અને… અચાનક તેની આંખોમાં ચમક ઉદભવી. વિશાળ પતરાનાં શેડ નીચે એક ખૂણામાં, સામેની દીવાલ પાસે એક ખુરશી પડી હતી અને એ ખુરશી ઉપર એક શખ્શ બંધાયેલી હાલતમાં નજરે ચડતો હતો. રમણ જોષીની ધડકનોમાં એકાએક તેજી ભળી હતી અને લગભગ દોડતો હોય એવી ઝડપી ચાલે તે એની નજીક પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે ખુરશી ઉપર માથું ઢાળીને બેઠેલા શખ્શનો ચહેરો ઉંચો કર્યો, એ સાથે જ તેના ગળામાંથી એક ચીખ નિકળતા-નીકળતા રહી ગઇ. જાણે તેના પગને કોઇએ ધક્કો માર્યો હોય, કે પછી એ દ્રશ્ય તેનાથી જોવાયું ન હોય એમ બે ડગલાં આપોઆપ તે પાછળ ખસી ગયો.
અને.. બરાબર એ સમયે જ તેની પીઠ પાછળ કશોક સળવળાટ સંભળાયો. જાણે કોઇક તેની પાછળ આવીને ઉભું રહ્યું હોય એમ લાગ્યું. તે એકાએક જ પાછળ તરફ ફર્યો અને તેની આંખો વિસ્ફારીત બની.
(ક્રમશઃ)