આજે સૂરજ અને નિશાના 'અબોલા' ને મહીનાઓ વીતી ગયાં. શાળા અને કૉલેજ કાળમાં એકમેકની તાકાત બની પડખે ઊભાં રહેતાં આ બન્ને મિત્રોની મૈત્રી લોકો માટે આદર્શ ઉદાહરણ હતું. શિક્ષણકાળ પશ્ચયાત બન્ને મિત્રો પોતપોતાના જીવન ઘડતરમાં અને ત્યાર બાદ ગૃહસ્થીમાં એવાં ખૂંપી ગયાં કે થોડાં વર્ષો એકમેકના સંપર્કમાં ઓછું રહી શક્યાં. બન્ને અલગ શહેરમાં સ્થાયી થઈ ગયાં હતાં. પણ હા, સમય અને અનુકૂળતા મળતાં ફૉન ઉપર એકબીજાના ખબરઅંતર પૂછી લેતાં. બન્ને પોતાની ગૃહસ્થીમાં સુખી અને ખુશ હતાં. બન્નેને નસીબજોગે સારા અને સમજુ જીવનસાથી મળ્યાં હતાં.
હવે આ 'સોશિયલ મીડિયા 'ના કારણે સૂરજ અને નિશા અન્યોની જેમ 'વૉટ્સએપ' અને ' ફેસબૂક' થકી વધું સંપર્કમાં આવી ગયાં. જૂનાં દિવસો જાણે પાછા આવી ગયાં ! એ જ મસ્તી-મજાક, થોડાં ઝઘડાં, થોડી ગપશપ, ક્યારેક પંચાત તો ક્યારેક એકમેક પાસે હૃદય ઠાલવી થોડી હળવાશ.! જીવનની નાનામાં નાની બીના પણ બન્ને એકબીજાને જણાવ્યા વગર હવે રહી ન શકતાં. આટલાં વર્ષોનું સાટું વાળી રહ્યાં હોય એમ લાગતું. મન થાય ત્યારે 'વિડીઓ કૉલ' કરી સહકુટુંબ વાતો કરવા બેસી જતાં. બસ, રૂબરૂ મળવું જાણે આંગળીના 'ક્લિક' જેટલું છેટું હતું.
નિશા 'સોશિયલ મીડિયા ' પર ઘણી સક્રિય રહેતી. રોજ 'ડી.પી.' બદલવાં, 'સ્ટેટસ અપડેટ' કરવાં અને જાતજાત નાં સુવિચાર મોકલવામાં એ પારંગત હતી. સૂરજને કોણ જાણે કેમ પણ આ બધાંમાં ઝાઝો રસ નહીં અને એમાં બહું ટપ્પો પણ ન પડતો. એ ઘણીવાર નિશાની 'સોશિયલ મીડિયા ' પરની વ્યસ્તતાની મશ્કરી પણ કરતો.
પણ...
થોડા સમયથી આ બધું ક્યાંક ખોવાઈ ગયું લાગતું હતું. એમની મૈત્રી કોઈ ગેરસમજમાં અટવાઈ ગઈ જણાતી હતી. જાણે અહમ્ અને જીદ્દમાં ક્યાંક જકડાઈ અને ગુંગળાઇ ગઈ હતી!
"સૂરજ, તને ભાન છે, તું આ શું કરી રહ્યો છે?" અકળાઈને અક્ષરે પૂછ્યું.
"કેમ? શું થયું?" સૂરજે વળતો પ્રશ્ન કર્યો.
"હવે અજાણ બન મા. તારી આ જીદ્દ અને અહમને કારણે તેં નિશાને તારાથી કેટલી દૂર કરી દીધી છે એ તું સારી રીતે જાણે છે. તમારા બન્ને વચ્ચે શું થયું એ તમે બન્નેમાંથી કોઈ પણ જણાવતાં નથી. ઠીક છે..સમજી શકું, પણ કોઈ પણ મતભેદ આટલી હદ સુધી મન ભેદ ઊભું કરે એ માનવામાં નથી આવતું અને યોગ્ય પણ નથી લાગતું.
"હા, તો? તું જેને મારો અહમ કહે છે એ મારું સ્વમાન છે. મિત્ર હોય એટલે એણે જે મનમાં આવે એવાં મારા પર આક્ષેપો કરવાના? ફાવે તેમ કોઈ પણ મલાજો જાળવ્યા વગર બોલવાનું? "સ્ટેટસ અપડેટ" કરીને ન કહેવાનું અને ન લખવાનું બધું લખી નાખવાનું?"
"સૂરજ, તું પણ તો એને ઘણીવાર કેટલું બધું કહી જાય છે. અને વળી તમારા બન્ને વચ્ચે આ માન-અપમાન, સ્વમાન, મર્યાદા-તમીઝની વાત ક્યારથી? હે! કહે તો!"
"અક્ષર, જો દોસ્ત ! તું નિશાની વકિલાત કરવા આવ્યો હોય તો રહેવા દેજે."
"ઑ. કે. પણ એ તો પૂછી શકુને કે શું તેં નિશાનું 'વૉટ્સએપ' અકાઉન્ટ બ્લૉક કરી દીધું છે.?"
"કેમ? એણે પૂછાવ્યું છે? એને ખબર નથી? મેં નિશાનું સ્ટેટસ 'મ્યુટ' કરી હવે એનું અકાઉન્ટ 'બ્લૉક ' કરી દીધું છે. અરે..હા. એને ફેસબૂક પર પણ 'અનફ્રેન્ડ' કરી દીધી છે. બીજું કાંઈ?" સૂરજે ભારપૂર્વક કહ્યું.
"ના..દોસ્ત! હવે કશું નહીં...બસ એટલું જ કહી રજા લઈશ કે તને તારા આ વર્તનથી આગળ જઈ પસ્તાવો ન થાય એનું ધ્યાન રાખજે. બાકી, તારી મરજી. તું ઘણો સમજદાર છે." કહી અક્ષર ત્યાંથી નીકળી ગયો.
સૂરજને એની પત્ની એશાએ ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સૂરજનો અહમ્ અને જીદ્દ એની સમજશક્તિ પર હાવી થઈ ગયાં હતાં. નિશાના પતિ ભાવિનને આ બાબતમાં વચ્ચે પડવાનું યોગ્ય ન લાગ્યું. એનું માનવું હતું કે આ બે મિત્રોની અંગત બાબત હતી માટે એમને જાતે જ ફોડી લેવાં દેવું જોઈએ.
એશા અને બાળકો વેકેશનમાં નાનીના ઘરે ગયાં હતાં. સૂરજ ઘરમાં એકલો હતો. એ અક્ષરના ગયા પછી
મોબાઈલ બેડ પર ફેંકી આડો પડ્યો. એ નિશાને 'મીસ' કરતો હતો..એની યાદ પણ આવતી હતી...પણ વાત હવે વટ પર ગઈ હતી. જોકે, નિશાનો વાંક તો હશે પણ એણે અનેકવાર સૂરજને 'સૉરી' કહેતા મેસેજ કર્યાં હતાં. સૂરજે ચીડ અને ટણીમાં નિશાનું અકાઉન્ટ જ બ્લૉક કરી દીધું હતું.
પથારીમાં પડ્યો પડ્યો સૂરજે મોબાઈલમાં 'વૉટ્સએપ' ખોલી નિશાનો ઝાંખો દેખાતો 'ડી. પી.' જોયો અને બોલ્યો," સો નિશા, સ્ટે બ્લૉક્ડ, સ્ટે મ્યુટેડ..વી નીડ અ બ્રેક. તને મારી અગત્યતા હવે સમજાશે. મારી મિત્રતાની કિંમત હવે સમજાશે."
પછી સૂરજની આંખ લાગી ગઈ.
અક્ષર સાથે વાત કર્યા પછી નિશા ઘણી ગુસ્સામાં હતી. એ ગુસ્સામાં ને ગુસ્સામાં ગાડી લઇને ઘરેથી નીકળી.
"સૂરજ, શું સમજે છે કે એ મને આમ ટાળશે અને 'બ્લૉક' કરી દેશે એટલે અમારી દોસ્તી ખતમ? હું કાંઈ બોલતી નથી એટલે એણે વાતનું વતેસર કરી નાખ્યું. ઠીક છે, હશે મારો વાંક થોડાં અંશે વધારે પણ એનો અર્થ એ કે આટલાં વર્ષોની મિત્રતાને એક ઝાટકે ખતમ કરી નાખવાની? આજે તો રૂબરૂ મળી વાતનો નિકાલ લાવી જ દેવો છે." નિશા ફૂલ સ્પીડે ગાડી ચલાવતા અંતરનો બળાપો ઠાલવી રહી હતી. સૂરજને મળીને શું શું કહેવું હતું એ વિચારોમાં ખોવાયેલી નિશા સ્પીડનું ભાન ભૂલી અને કંટ્રોલ ખોઈ બેઠી અને સામેથી આવતી ટ્રકમાં જઈ અથડાઈ. આ ગોઝારા અકસ્માતમાં નિશાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું. મોબાઈલ પર આ સમાચાર મળતાની સાથે જ સૂરજ ધ્રુજી ઉઠ્યો. એનાં હાથ મોબાઈલ પકડતા કાંપતા હતાં , જીભ થોથવાવા લાગી...આંખો નિસ્તેજ અને શરીર ફીક્કું થઈ ગયું. એણે કાંપતા હાથે મોબાઈલમાં નિશાનો અકાઉન્ટ 'અનબ્લૉક' કર્યો. એનું સ્ટેટસ 'અનમ્યુટ' કર્યું. એને નિશાનો હસતો ચહેરો દેખાયો !
પણ....
નિશાની છબી હવે એનાં 'ડી. પી.'ની ફ્રેમમાં 'બ્લૉક્ડ' હતી અને નિશા હંમેશ માટે મૌનમાં પોઢી ગઈ હતી.
'બ્લૉક્ડ એન્ડ મ્યુટેડ' ફૉરએવર...
અને પછી...
સૂરજના એ હૃદયફાટ આક્રંદે રાતની નિરવ શાંતિ હચમચાવી અને ચીરી નાખી હતી.
ડોરબેલ રણકી રહ્યો હતો. સૂરજ અચાનક ઝબકીને જાગી ગયો....એક ભયંકર સપનામાંથી ! એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. શરીર ઠંડું પડી ગયું હતું. એણે મોબાઈલ હાથમાં લીધો અને પહેલા નિશાનો અકાઉન્ટ 'અનબ્લૉક' કર્યો. એનું સ્ટેટસ 'અનમ્યુટ' કર્યું. એને રાહત થઈ. પછી એણે તરત નિશાને ફૉન કર્યો. પણ નિશાએ ફૉન કાપ્યો. એક વાર નહીં અનેક વાર કાપ્યો. ડોરબેલ રણકતો રહ્યો પણ સૂરજનું ધ્યાન એમાં હતું જ નહીં. એણે નિશાને મેસેજ કર્યો, " એય, નિશા...તારા આ પાગલ મિત્રને માફ નહીં કરે? પ્લીઝ, વાત કરને યાર... સૉરી કહેવું છે... તારે જે સજા આપવી હોય એ આપજે પણ એકવાર વાત કર..." એણે ફરી નિશાને ફૉન કર્યો. સામેથી જવાબ આવ્યો, "દરવાજો ખોલીશ ત્યારે વાત થશે ને!" સૂરજ એકદમ અવાક્ થઈ ગયો. એને હવે ડોરબેલ સંભળાયો. એણે જેવો દરવાજો ખોલ્યો કે સામે નિશા ઊભી હતી. બસ, પછી એ 'ક્ષણ' સમયની ફ્રેમમાં 'બ્લૉક્ડ એન્ડ મ્યુટેડ' રહી ગઈ! બન્ને મિત્રોના આસું એકમેકને એ નાજુક ક્ષણની હૃદયસ્પર્શી અનુભૂતિ કરાવી ગયાં !