શું બદલાયું ને શું બદલાશે? Purvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શું બદલાયું ને શું બદલાશે?

આભા ઑફિસેથી ઘરે આવતાની સાથે જ ઘરનું દૃશ્ય જોઈ અકળાઈ ગઈ. પર્સ સૉફા પર ફેંકી, રસોડામાં ગઈ. રસોડામાં કુમુદબેન ટેબલ પર ચડી માળીયાના કબાટનાં દરવાજા સાફ કરી રહ્યાં હતાં. "મમ્મી, તમે ક્યારેય કોઈની વાત માનશો ખરા? રાવજી પાસે ઘરની સફાઈ કરાવવાનું નકકી કર્યા પછી પણ તમે આમ ટેબલ પર ચડી કામે લાગી ગયાં? ના કરે નારાયણ ને તમારો પગ લપસી ગયો, તો?" "હવે તારો આ રાવજી ક્યારે આવે ને ક્યારે મારા માળીયા સાફ થાય! રાહ જોવાની મને ના ફાવે. હાથે કામ કરવાનું વધું સહેલું છે. અમે તો આ બધાં કામથી ટેવાઈ ગયાં" કુમુદબેને માળીયાનો દરવાજો સાફ કરતા કહ્યું. આભા આલોક સામે જોઈ થોડાં ગુસ્સામાં બોલી," આ તમને તમારા લેપટૉપમાંથી ફૂરસદ મળે તો જરા મમ્મીને સમજાવશો? દિવાળી એટલે ઘરકામ જ કરવાનું એવું કોણે કહ્યું? માંડ બે-ચાર દિવસની રજા મળતી હોય એમાં પણ...." આલોકે આભાની વાત અધવચ્ચે કાપતા કહ્યું," તું ગુસ્સે ના થઇશ. તું મમ્મીનો સ્વભાવ જાણે છે. તને લાગે છે કે મેં એમને સમજાવવાનો પ્રયત્ન નહીં કર્યો હોય? હવે, એ ના જ સમજે તો આપણે શું કરી શકીએ?"
"લો, કેટલી વાર લાગી કહે મને.... થઈ ગયાં આ માળીયા સાફ.." કુમુદબેન હાથ લૂછતાં લૂછતાં રસોડામાંથી બહાર આવ્યા. "કાલે સવારે મારા અને તમારા રૂમનો વારો." " જરાય નહીં મમ્મી. મારો રૂમ તો હું રાવજી પાસે જ સાફ કરાવીશ. કાલે મારે રવિવારની રજા છે એટલે બધું જ કામ એક દિવસમાં જ પતાવી દઈશ." કહેતા આભા પોતાના રૂમમાં ચાલી ગઈ. કુમુદબેન પણ કોઈ વિચારો કરતાં રસોડામાં જતા રહ્યાં. આલોક આ બધું નિષ્પક્ષ રહી નિહાળી રહ્યો હતો. એ આ બધાં વાર્તાલાપથી ટેવાઈ ગયો હતો. જો આ વાર્તાલાપ ના થાય તો નવાઈ!
રવિવારની સવાર આભા માટે આરામ કરવાની સવાર ગણાતી. રજાના દિવસે થોડું મોડું ઊઠવું એ એક લ્હાવો ગણાતો. પણ....ત્યાં જ કુમુદબેનનો સાદ સંભળાયો,"આભા, ઓ આભા, આ રાવજી આવી ગયો છે." આભાને રાવજીનું આવવું ગમાડવું કે નહીં એ ન સમજાયું. એ અંબોડો વાળતી રૂમની બહાર આવતા રાજીવને જોઈ બોલી, " રાવજી, કેમ છે? સારું થયું તું આવી ગયો. આજે આપણે બધું જ કામ પતાવવાનું છે. તું મારા રૂમના માળીયાનો સામાન નીચે ઉતારતો થા, હું આવું છું. " કુમુદબેન તરત બેઠક રૂમમાં આવી બોલ્યા," કેમ તારો રૂમ પહેલા? મારા રૂમથી શરૂ કર, રાવજી. આમ પણ હજી આભાબેનના રૂમમાં પથારી ખંખેરી બધું અવેરવાનું બાકી છે."
"પણ મમ્મી, તમે તો તમારો રૂમ જાતે કરવાના હતા ને? અને પાછું રાવજીનું કામ તમને ..""હા, હવે હા, એ તો હું એની સાથે ઊભી રહીને કરાવીશ તો એ કામ વ્યવસ્થિત જ કરશે, કેમ રાવજી? કુમુદબેન તરત આભાનું વાકય પૂરું થાય એ પહેલાં બોલ્યા.

રવિવારનો આખો દિવસ કામમાં નીકળી ગયો. આભા અને કુમુદબેનનો દિવસ આવી જ રકઝકથી શરૂ થતો અને પૂરો થતો. બન્નેને પોતાનો કક્કો ખરો કહેવડાવવાની આદત હતી. એમ કરતાં કરતાં દિવાળીના શુભ દિવસો શરૂ થઈ ગયાં. અગિયારસથી આભાએ રજા મૂકી હતી. અગિયારસની સવાર મઠીયા-ચોળાફળીથી પડી. કુમુદબેને ગેસ પર મઠીયા તળવા માટે લોહ્યામાં તેલ મૂકી દીધું હતું. આભાને કમને મઠીયા-ચોળાફળી તળાવવા પડ્યાં. "મમ્મી, તમે પણ નહીં કામનું કામ કાઢી બેસી જાવ છો." " હવે, દિવાળીમાં મઠીયા-ચોળાફળી તળવા એ નકામું કામ કહેવાય? કુમુદબેને અણગમો દાખવતા પ્રશ્ન કર્યો. અમારા સમયમાં સાસુની સામે એક શબ્દ ન બોલાતો. સાસુના પડતાં બોલ અમે ઝીલતાં. આ આજકાલની પેઢી! સાસુને સલાહ આપતી થઈ ગઈ છે." " મમ્મી, તમારો જમાનો જુદી હતો. હવે સમય બદલાય છે. આ દોડ ભાગની જિંદગીમાં આમ સમય બગાડવો ન પોસાય. નોકરી સાથે આ બધું કામ કરવું શક્ય જ નથી. વળી, તૈયાર નાસ્તો ક્યા નથી મળતો? મમ્મી, મહેરબાની કરીને બીજું કાંઈ બનાવવાનો આગ્રહ ન રાખતાં. માંડ બે-ચાર દિવસની રજા મળે છે અને એ પણ રસોડામાં કાઢી નાખવાની?" "તને કષ્ટ થતો હોય તો તું રહેવા દે, હું જાતે બધું કરી લઈશ." નારાજગી દર્શાવતા કુમુદબેન બોલ્યા. "ઘૂઘરાં તો મારા આલોક માટે હું બનાવીશ જ. સવિતાબેન અને રાજૂલાબેન આવવાના છે મદદ કરવા અને સાથે સાથે એમના ઘૂઘરાં પણ થઈ જશે. ઝાઝા હાથ રળિયામણા ." "બોલો, હવે ઘરમાં બધાંને ભેગા કરી શું કરવું છે? આલોક, તમે સમજાવોને મમ્મીને. શા માટે આટલું કામ કાઢવાની જરૂર. આરામ કરે, શાંતિથી પૂજાપાઠ કરે, દેવ દર્શન જાય તો કેવું?" કુમુદબેન થોડાં વધું અકળાઈને બોલ્યાં," હવે મારે તમને બધાંને પૂછીને કોઈને ઘરે બોલાવવાના એમ?આમ પણ ગણ્યાં ગાંઠ્યા સગા છે જે આપણાં ઘરે હવે આવે છે. કોઈ આવે તો તહેવાર જેવું લાગે. તહેવારમાં તો લોકોનાં ઘરો બાળકોની કિલકારીથી કેવાં ગૂંજતાં હોય છે. એવી તો કોઈ આશા હું રાખતી જ નથી. હવે કોઈનું આવવું પણ તમને ખટકવા માંડ્યું છે."
આ સાંભળી આભા થોડી ક્ષણ અવાક્ થઈ ગઈ. એ કાંઈ જ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. આલોક પણ કુમુદબેનના શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એણે આવા શબ્દોની કુમુદબેન પાસેથી કલ્પના જ નહોતી કરી. સ્વસ્થ થઈ આલોકે કહ્યું,"મમ્મી, આ તમે શું બોલો છો? તમે વાત ને આડા પાટે લઈ જાવ છો. આવું બોલવાની જરૂર શી હતી? તમે પરિસ્થિતિ જાણો છો. આ તમે ઘણું ખોટું કર્યું. " "હા, હા, હમેશા હું જ ખોટી હોવ છું. હું કાંઈ પણ કહુ કે તરત તારી વહુને માઠું લાગી જાય છે અને એ.... આટલું બધું સંભળાવી જાય એ તને નથી દેખાતું?" તું ઈચ્છતો હોય તો હું હાથ જોડી એની માફી માંગું? કુમુદબેને એમનો બચાવ કરતા કહ્યું.
આલોક કશું બોલ્યા વગર એના રૂમમાં જતો રહ્યો. એ જાણતો હતો કુમુદબેનના વાતથી આભાનું મન કેટલું દુભાયું હશે. આભા પલંગ પર બેઠી હતી. ખોળામાં મૂકેલું ઓશિકું એનાં આંસુઓથી ભીંજાઈ ગયું હતું. આલોક એની પાસે જઈ બેઠો. "આભા, તું જાણે...." આલોક આગળ કાંઈ બોલે એ પહેલા આભાએ કહ્યું,"આલોક, તારે કશું કહેવાની કે સ્પષ્ટતા કરવાની જરૂર નથી. હું તારી મનોદશા સમજું છું. હું મમ્મીની મનોદશા પણ સમજું છું. મને ખરાબ લાગ્યું છે પણ આ જ વાસ્તવિક્તા છે જેને મેં સ્વીકારી લીધી છે. મને તમારાથી કોઈ ફરીયાદ નથી. હા, મારા ભાગ્યથી જરૂર છે. " એણે આગળ ખચકાતા કહ્યું, " મને...થોડો...સમય એકલા રહેવું છે. રહી શકું?" આલોક પરિસ્થિતિની ગંભીરતા સમજી, આભાના કપાળે એક હળવું ચુંબન કરી રૂમમાંથી બહાર નીકળી ગયો.
સાસુ વહુના મનામણાં-રીસામણાં, બોલા-અબોલા, મહેણાં-ટોણા સાથે બે-ત્રણ દિવસો પસાર થતાં ગયાં. આલોકની હાલત 'સૂડી વચ્ચે સોપારી' જેવી રહેતી.
દિવાળીના દિવસે આભાએ આખા ઘરને સુંદર સજાવ્યું હતું. આભા પોતે લાલ રેશમી સલવાર કૂર્તીમાં ખુબ સુંદર લાગતી હતી. ટી કેન્ડલ્સ અને ફ્લોટર્સથી આખું આંગણું દીપી ઊઠ્યું હતું. એમાં 'મોર્ડન રંગોળી'એ આંગણાની શોભા વધારી દીધી હતી. કુમુદબેન હિંચકે ઝૂલતા ઝૂલતા રૂની વાટ વણી રહ્યાં હતાં. આ બધું જોઈ, આદત મુજબ બોલી ઊઠ્યા, હવે માટીના કોડિયા તો જાણે ભૂલાઈ જ ગયાં છે. આવી રીતે વાટ વણવાની મહેનત કોણ કરે? હું તો કોડિયાથી જ ઘરનાં ખૂણા સજાવીશ. એમ કહી ઘરના દરેક ખૂણે કોડિયા મૂક્યાં. પાછું કહેવાનું રહી ન જાય એમ ઉમેરો કર્યો, આલોક, તને યાદ છે તારા પપ્પા કેવી બારીક રંગોળી બનાવતા? પાંચ- પાંચ કલાક લાગતાં એમને એક રંગોળી બનાવતા. હવે તો 'ઇન્સ્ટંટ રંગોળી' નો જમાનો આવી ગયો છે. આભાએ તીરછી નજર કરી આલોક સામે જોયું. આલોકે ઈશારાથી કાંઈ ન બોલવા કહ્યું. આલોકે હળવાશ લાવવા તરત કહ્યું, " ટી કેન્ડલ્સ હોય કે કોડિયા આજે તો તમે બન્ને એ મળીને આપણું આંગણું ઝગમગાવી દીધું. કેટલું સુંદર લાગે છે. ચાલો, હવે થોડાં ફટાકડા ફોડીશું?"
આભાથી બોલાઈ ગયું, ફટાકડાની જરૂર ખરી? આપણા ઘરમાં તો રોજ તમારી મમ્મીના શબ્દોના તણખાં ઝરતાં જ રહે છે." આલોકે સાંભળ્યું ના સાંભળ્યું કરી આભા ના હાથમાં તારામંડળ આપતા કહ્યું, " ચાલ, બધું ભૂલી, મનભરીને દિવાળી ઊજવી લઈએ."
આભા તારામંડળ લઈ સળગાવવા ગઈ. અચાનક એને પાછળ કાંઈક સળગતું ભાસ્યું. એણે પાછળ ફરી જોયું તો કુમુદબેન એમના બન્ને હાથથી આભાનો સળગતો દુપટ્ટો ઑલવી રહ્યાં હતાં. બાજુમાં મૂકેલા કોડિયાની ઝાળ આભાના દુપટ્ટાને અડી ગઈ હતી. આભાએ તરત દુપટ્ટો દૂર ફેંકી દીધો અને આલોકે પાણી છાંટી ઝાળ ઑલવી દીધી. "આ શું મમ્મી? મને બૂમ પાડી કહેવું હતું." આભાએ કુમુદબેનના હાથ પંપાળતાં ચિંતિત સ્વરે કહ્યું. "અંદર ચાલો તમને દવા લગાવી લઉં " કહેતા કહેતા આભાની આંખોમાં જળહળિયા આવી ગયાં. કુમુદબેન ના ચહેરા પર દાઝયાનું કળતર અને પીડા વર્તાઈ રહ્યાં હતાં .છતાં બોલવાનું ન ચૂક્યા, " તમને કેટલી વાર કહ્યું કે ભારે રેશમી કપડાં પહેરી ફટાકડાં ન ફોડો પણ મારું સાંભળે જ કોણ." " આપો ઠપકો આપો, મળ્યો છે મોકો તમને ..." કુમુદબેનના હાથમાં દવા લગાવતા લગાવતા આભા બોલી.
આલોકે બન્નેનાં ખભે હાથ મૂકી, છાતી સરસા કરતા કહ્યું," તમને ખબર છે , સમય બદલાતો રહ્યો છે ને રહેશે પણ જે કદીયે નહીં બદલાય , સદાકાળ રહેશે, એ છે 'સૂડી વચ્ચે સોપારીની' જેમ થતી મારી કફોડી હાલત, આ સાસુ-વહુની રકઝક અને એ રકઝકમાં છૂપાયેલો પ્રેમ!

પૂર્વી