સપનું Purvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનું

ધરા વરંડામાં બેઠી હતી. સવારની ચ્હા પીતા પીતા ન્યુઝપેપર વાંચી રહી હતી.
આખું ન્યુઝપેપર પેલા નરાધમોએ આચરેલા કૃત્ય અને એની ભોગ બનેલી નિર્દોષ સગીરાના સમાચારની વિગતોથી ભરેલું હતું. ધરાની મનોદશા એ દરેક સ્ત્રી જેવી હતી જે આજે આ કહેવાતા સભ્ય અને સંવેદનશીલ સમાજમાં પોતાને લાચાર અને બેબસ અનુભવી રહી હતી. એ નરાધમો પ્રત્યેનો આક્રોશ, ઘૃણા , તિરસ્કારની સાથે સાથે એ સગીરા અને એના પરિવારજન પ્રત્યેની સહાનુભૂતિની લાગણીથી એનું મન વિચલીત હતું. એણે ગુસ્સામાં પેપર વાળી ટેબલ પર મુક્યું.

એટલાંમાં એની નજર બહાર બગીચામાં પડી. એનો માળી આજે રજાનો દિવસ હોવાથી એનાં દીકરા અને દીકરીને સાથે લાવ્યો હતો. બન્ને બાળકો બગીચામાં રમી રહ્યાં હતાં કે અચાનક બન્ને વચ્ચે કાંઈક વાંકુ પડ્યું ને પેલા મોટા ભાઈએ એની નાની બહેનને ધક્કો માર્યો. પેલાનો ધક્કો મારવો અને ધરાની નજર એ તરફ જવી! ધરા એકદમ ગુસ્સામાં ઊભી થઈ એ બાળકો પાસે ગઈ. એણે જોરથી પેલાં છોકરાને ઠપકો આપ્યો અને જાણે અજાણે એનો અંદરનો ગુસ્સો એની ઉપર ઠાલવી દીધો. પણ પછી તરત ધરાને એની ભૂલ સમજાઈ. એ પોતે જાણતી હતી કે એણે જરૂર કરતા વધારે જ રીએક્ટ કરી નાખ્યું હતું.

એણે વાત વાળવા બન્ને બાળકોને અંદર બોલાવી બિસ્કીટ અને ચૉકલેટ આપ્યા અને પાછા રમવા મોકલી દીધાં.

"આ તો એક નાની બાબત હતી પણ આગળ જઈ આજ એક મોટું સ્વરૂપ લે છે જો એને પહેલેથી જ રોકવામાં ના આવે તો! સ્ત્રીઓ ને શારીરિક બળ ના જોર પર દબાવી રાખી એમનું શોષણ કરવાના કુસંસ્કારના બીજ આવી રીતે છોકરાઓમાં રોપાય છે. સ્ત્રીઓ પર થતાં અત્યાચાર અને જુલમનું મુખ્ય કારણ એ જ છે કે આપણાં સમાજમાં બાળપણથી છોકરાઓ વધું પડતી છૂટ ભોગવે છે અને દીકરીઓ જકડાઈ રહે છે મર્યાદા, સંયમ, આમન્યા, સભ્યતાની બેડીઓમાં !" એ વિચાર કરતી પાછી વરંડામાં આવી બેઠી ને એનું ધ્યાન ઠંડી થતી ચ્હા ઉપર ગયું. એણે ચ્હાનો કપ હાથમાં લીધો અને એણે કપ મોઢે માંડ્યો જ હતો કે પાછળથી એની નાની દીકરી ઇશાએ આવી મમ્મીના ગળે હાથ વીંટાળીને ધરાને મોર્નિંગ કીસ આપતા કહ્યું, "ગૂડ મોર્નિંગ મમ્મા". ધરાએ તરત કપ બાજુ પર મુકી એનો હાથ પકડી પોતાના ખોળામાં બેસાડતા કહ્યું, "વેરી ગૂડ મોર્નિંગ બચ્ચા" અને એના ગાલ પર મીઠું ચુંબન કર્યું. મા-દીકરી એકમેકને વ્હાલ કરતા રહ્યાં. ઈશા ધરાની છાતી પર માથું મુકી સુતી હતી. ધરા એનાં માથે હાથ ફેરવતી હતી. ઈશા એકદમથી ધરાની સામે જોઈ બોલી," મમ્મા, યુ નૉ...આજે મને એક સપનું આવ્યું. તમે બધાં મને ડરપોક કહો છો ને... બટ.. આજે મને અંધારાથી જરાય ડર ના લાગ્યો" ધરાએ એની વાતમાં રસ બતાવતા કહ્યું, "એમ? શું વાત કરે છે? અરે વાહ! મારી દીકરી નીડર થઈ ગઈ..." ઈશા તરત બાલી પડી, " હા, પણ સપનામાં". ધરા એની નિર્દોષતા જોઈ હસી પડી. એ બોલી, "સપનું તો હમેશા સાચું પડે." "યા...આઈ નૉ.. સવારનું સપનું હમેશા સાચું પડે...હે...ને...મમ્મા?" ધરાએ માથું હલાવી કહ્યું, "પણ...તારું સપનું તો કહે મને?"
ઈશા હરખભેર ધરાના ખોળામાંથી ઊભી થઈ સામેની ખુરશી પર જઈ પલાઠી વાળી બેસી ગઈ. ધરાએ ખુરશી પોતાની તરફ નજીક કરી એનો હાથ પકડી પુછ્યું, "હા...શું હતું તારું સપનું?"
"મમ્મા, મને હમણા સવારે જ એવું સપનું આવ્યું કે આપણે બધાં બહાર ફરવા ગયાં હતાં અને હું ખોવાઈ ગઈ ! આખી રાત મેં તમને શોધવામાં કાઢી અને તમને શોધી પણ લીધાં...બોલો... હું અંધારાથી બિલકુલ ડર્યા વગર એકલી આખી રાત રસ્તાઓ પર તમને શોધતી રહી. મને કાંઈ જ ના થયું. મને કોઈનો જ ડર ન હતો."

આ સાંભળતા જ ધરાએ ઈશાને બાથમાં ભરી લીધી... અને આખું વાતાવરણ નિશબ્દતામાં થીજી ગયું!