મૃત્યુ પછીનું જીવન - ૧૩ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૧૩

મૃત્યુ પછીનું જીવન—૧૩

“ પણ મારા ઘરમાં મારી સામે મારા જ ફેમિલી સામે કંઈ ખોટું થઇ રહ્યું છે અને હું કંઈ ન કરું ?

“ તારા શબ્દોને સુધાર , રાઘવ . કંઈ જ ન કરું , એમ નહી બોલ .તું કંઈ જ નહીં કરી શકે. તું સમજ આ સત્યને ! તારા શરીરને બાંધીને સ્મશાન લઈ જવામાં આવ્યું , તું કંઈ કરી શક્યો ? તારા શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો , તું કંઈ કરી શક્યો ? હવે તું એક જ કામ કરી શકે છે, તું અમારી સાથે આવીને તારો પોતાનો ઉદ્ધાર કરી શકે છે . હવે તું કર્મો અને જવાબદારીની માયામાંથી મુક્ત થા . ”

“ પણ મારે જોવું છે , જાણવું છે ; ઘરમાં કયું રહસ્ય ફરી રહ્યું છે ! મારી પાછળ અહીં શું રંધાઈ રહ્યું છે . પ્લીઝ તમે મને થોડો સમય આપો , અને મારા કુટુંબને બચાવવાનો કોઈ રસ્તો પણ બતાવો .”

“ જો રાઘવ, ડેસ્ટીની રચવાનું અને બદલવાનું કામ અમારું નથી. જો આ સમસ્યાનો સામનો કરવાની તારા કુટુંબની ડેસ્ટીની હશે , તો એમ જ થશે. એ લોકો પણ એનો સામનો કરીને એનાથી આગળ વધશે , જેમ તું તારી જીંદગીમાં આગળ વધ્યો . જીવનમાં જે કંઈ સમસ્યા આવે છે , એ મનુષ્યને આગળ વધારવા માટે જ આવે છે , નહી કે એને તોડવા માટે... ”

“ તમે ગમે તે કહો , પણ આટલી મોટી ઘટનાને નજરઅંદાજ કરીને હું તમારી સાથે નહીં આવી શકું .અને મને ખબર છે ,તમે મને કોઈ ને કોઈ રસ્તો જરૂરથી બતાવશો . જ્યાં માણસોની માણસાઈ ઓછી પડે છે, ત્યાં દેવો જ ફરિસ્તા બનીને આવે છે અને ઉગારે છે, હવે તમારા સિવાય કોઈ આશા નથી બચી ...’’

રાઘવની વિનંતીમાં છલકાતાં દર્દને પિછાણી દેવદૂતો બોલ્યાં,

“ ઠીક છે, તારા સારા કર્મોને લીધે અમે તને એક રસ્તો બતાવીએ છીએ અને આ કામ પૂરું કરવાં ૫ દિવસનો સમય પણ આપીએ છીએ . અમે ચાહીએ , તો તને બળજબરીથી લઇ જઈ શકીએ ,પણ એમાં તું સ્પીરીટ વર્લ્ડમાં તારો આગળનો માર્ગ યોગ્ય રીતે નક્કી નહીં કરી શકે . ત્યાં સુધી અમે બીજો એક કેસ પતાવવા જઈએ છીએ .પણ એ પછી અમે તને આ ધરતી પર જ એવી જગ્યાએ લઈ જઈશું , જ્યાં તને ઘણાં એવાં સત્યો જોવાં મળશે જે લૌકિક દુનિયાથી પરે છે. ”

આટલું બોલી દેવદૂતો ગાયબ થઇ ગયાં.

રાઘવ વિચારતો રહ્યો, આ ધરતી પર મને એવી તે કઈ જગ્યાએ લઈ જશે , જ્યાં એવાં સત્યો જોવાં મળશે , જે લૌકિક દુનિયાથી પરે હોય ..! રાઘવને થોડો ડર લાગ્યો, તો થોડું આશ્ચર્ય થયું !

હજું કેટલાં ય સત્ય જોવાનાં બાકી છે ,કોણ જાણે ...પણ એટલું નક્કી છે કે હવે મારી પાસે હવે ૫ દિવસ છે , માત્ર ૫ દિવસ , જેમાં મારે આ ઘરમાં ફરતાં ભેદને શોધવાનો છે , મારા ખૂનીને શોધવાનો છે અને મારાં કુટુંબને સુરક્ષિત કરીને આગળની મુસાફરી પર નીકળવાનું છે . સમય ખુબ ઓછો છે અને કામ ઘણું વઘારે . અહી નથી મારો મેનપાવર કામ લાગવાનો કે નથી મની પાવર ! અને છતાં મારે આ કામ કરવાનું છે, મારાં કુટુંબ માટે ! અને મારી પાસે બીજું કશુંય નથી પણ વીલ પાવર છે , મારુ મનોબળ છે , સંકલ્પ શક્તિ છે ; જે શક્તિથી હું શૂન્યમાંથી સર્જન કરી શક્યો !’

એટલામાં રાઘવને ફરી એ ધાબળાવાળો માણસ યાદ આવ્યો અને રાઘવ એને શોધવાં સતર્ક થઇ ગયો. પણ અફસોસ હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો. દેવદૂતોએ એને પકડ્યો , એટલામાં એ ગાયબ થઇ ગયો. હવે ક્યાં શોધું એને ? રાઘવને યાદ આવ્યું , એ ઉપરનાં બેડરુમો તરફ ભાગ્યો હતો . એ ઉપર ગયો , દાદર પરથી ચઢીને નહીં , ઉડીને ..!

ઉપર મોટી લોબી હતી. વચ્ચેનો ભાગ ખાલી હતો. ત્યાં એક મોટો કઠેડો હતો ,જ્યાંથી આખો હોલ દેખાતો હતો . લોબીના બેય બાજુનાં અંતમાં બંને ખુણે સામસામે બે મોટાં બેડરૂમ હતાં. એક તરફ એનો વિશાળ બેડરુમ અને સામે ગેસ્ટ રુમ . સામેની બાજુ સામસામે અંશ અને સમીરના બેડરૂમ. રાઘવ સીધો અંશના રૂમમાં ગયો .બધાય ઘસઘસાટ ઊંઘતાં હતાં.કોઈ હલચલ નહોતી. તરત એ સામે મોટાં દીકરા સમીરનાં રૂમમાં ગયો.

ત્યાં એક નાના પલંગ પર સુતેલી ગુડિયાને જોઇને રાઘવ ખુબ લાગણીશીલ થઇ ગયો. બુરાઈ, કલેશ અને કાવાદાવાથી પરે અને વ્હાલથી છલકાતી આ ગુડિયા રાઘવની ખુબ લાડકી હતી. હજુ કાલે જ તો એને ખોળામાં બેસાડી જમ્યા હતા સાથે , પણ જાણે એવું કેમ લાગતું હતું કે દિવસો થઇ ગયાં ...રાઘવ એની પાસે જ જતો હતો ને ફરી એ ફરી એ ધાબળાવાળો માણસ યાદ આવ્યો. રાઘવ લાગણીઓ પર સંયમ જાળવી ભાગ્યો બીજા રૂમમાં...

એનાં રૂમમાં ઘસઘસાટ ઊંઘતી ગોમતીને જોઇને રાઘવ વિચારતો થઇ ગયો. આ એ જ ગોમતી છે ; જે હું આવું ત્યાં સુધી ઊંઘતી નહીં...જે મારા માટે કંઈ કેટલાય વ્રતો કરતી ...! મને સૌથી વધુ ફિકર તો આ ગવાર ગોમતીની હતી , જે મારી પાછળ ઘેલી હતી. મને એમ થતું કે એ મારા વિના કેવી રીતે જીવશે અને જુઓ એ તો અહીં નસકોરાંથી ઘર ગજાવી રહી છે. જનારની પાછળ માણસ ક્યાં સુધી શોક કરવાનો? આખરે તો માણસ ઊંઘ, આહાર અને આળસનો ગુલામ રહેવાનો...ફરી એને ૫ દિવસનો સમય યાદ આવતાં ,લાગણીઓથી પરે થઈને રાઘવ એનાં મિશન તરફ આગળ વધ્યો.

-અમીષા રાવલ

.......................................................................................................

શું રાઘવ એનાં ઘરનાં ભેદીને પકડી શકશે ખરો ? શું એ ભેદી ઘરનો જ માણસ નીકળશે કે એનો કોઈ જૂનો દુશ્મન? શરીર વિના રીતે આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવશે , જયારે એ કશું જ કામ કરવા કબીલ રહ્યો જ નથી ? આ બધાં સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો, આગળનાં એપિસોડ અને તમારાં રેટીંગ આપતાં રહો , આપ સૌ વાચક મિત્રોના મેસેજ બોક્ષમાં આવતાં રીવ્યુથી નવલકથા વિશેનાં આપનાં અભિપ્રાયો મળતાં રહે છે , આભાર ..

-અમીષા રાવલ