વન્સ અપોન અ ટાઈમ - 129 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 129

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 129

પપ્પુ ટકલાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવતા કહ્યું, “હવે હું એક ફિલ્મ પ્રોડ્યુસરની વાત કહીશ. એની સ્ટોરી પરથી મસાલેદાર હિન્દી ફિલ્મ બની શકે એમ છે.” ફાઈવફાઈવફાઈવનો ઊંડો કસ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડ્યા પછી તેણે વાત આગળ ધપાવી, “12 ડિસેમ્બર, 2002ની બપોરના 12 વાગે મુંબઈ ઉપનગર અંધેરીના સાત બંગલો વિસ્તારના સમીર એપાર્ટમેન્ટમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સમીર એપાર્ટમેન્ટમાં ફિલ્મ પ્રોડ્યુસર નસીમ હસન રિઝવીની ઓફિસમાં પ્રવેશી. હતપ્રભ બની ગયેલા નસીમ રિઝવીને એક પોલીસ ઑફિસરે ક્હ્યું, યુ આર. અન્ડર અરેસ્ટ.”

સલમાન ખાન અને રાની મુખર્જી જેવા સ્ટાર્સને લઈને ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ બનાવી રહેલા નસીમ રિઝવીની ધરપકડના સમાચાર ફેલાઈ ગયા. રિઝવીની ધરપકડ થઈ એથી પણ વધુ હોટ ન્યૂઝ એ હતા કે છોટા શકીલ સાથે મળીને બોલીવૂડમાં ભાઈગીરી કરવાની તથા બોલીવૂડના ખેંરખાઓની હત્યાના ષડ્યંત્ર ઘડવાના આરોપ હેઠળ રિઝવીની ધરપકડ મુંબઈના કમિશનર ઓફ પોલીસ એમ.એન. સિંહ અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) ડી. શિવાનંદના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

રિઝવાની ધરપકડ કરતા અગાઉ મુંબઈ પોલીસે પાકી માહિતી મેળવી લીધી હતી. નસીમ રિઝવીની સલમાન, રાની મુખર્જી સ્ટાર ફિલ્મ ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ 22 ડિસેમ્બર, 2002ના દિવસે રિલીઝ થવાની હતી એના એક અઠવાડિયા પહેલાં જ મુંબઈ પોલીસે રિઝવીને લોકઅપમાં ધકેલી દીધો હતો. રિઝવીની ધરપકડથી બૉલીવુડ અંડરવર્લ્ડ નેક્સસ (અંડરવર્લ્ડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેની સાંઠગાંઠ)નો પુરાવો બહાર આવ્યો.

સલમાન અને રાની જેવા ટોચના સ્ટાર્સ હોવા છતાં રિઝવીએ જે ઝડપથી ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ પૂરી કરી હતી, એથી બૉલીવુડના ભલભલા મહારથીઓ મોંમાં આંગળા નાખી ગયા હતા. રિઝવીની ફિલ્મને દાઉદ અને છોટા શકીલના આશીર્વાદ મળ્યા હોવાની વાત બૉલીવુડમાં ફેલાઈ હતી. મુંબઈ પોલીસ સુધી પણ આ વાત પહોંચી હતી. એટલે પોલીસે રિઝવી પર વોચ ગોઠવી હતી. મુંબઈ પોલીસે નસીમ રિઝવીના ફોન કોલ્સ ટેપ કરીને તેના છોટા શકીલ સાથેના સંબંધના પુરાવા મેળવ્યા હતા. રિઝવી લગભગ દરરોજ છોટા શકીલને ફોન કરતો હતો. પોલીસે દાવો કર્યો હતો કે “ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મના નિર્માણમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે તો રિઝવી છોટા શકીલની મદદ લઈને પ્રોબ્લેમ સોલ્વ કરી લેતો હતો. સલમાન અને રાનીની તારીખો મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ ત્યારે નસીમ રિઝવીએ શકીલની મદદ માગી. એ પછી ચમત્કારિક રીતે સલમાન અને રાનીએ ડાહ્યાડમરા બાળકોની જેમ રિઝવીની ફિલ્મ માટે સળંગ તારીખો ફાળવી દીધી હતી. રિઝવીએ ફિલ્મ સ્ટાર્સની જેમ જ પ્લેબેક સિંગર અને સંગીતકારની ઝડપી સેવા પણ આ જ રીતે (શકીલ દ્વારા ધમકી અપાવીને) મેળવી લીધી. રિઝવીની ફિલ્મ પૂરી થઈ ગઈ એ પછી પણ છોટા શકીલનો રોલ પૂરો થયો નહોતો. ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ ફિલ્મ રીલીઝ થાય એ વખતે બીજા કોઈ પણ પ્રોડ્યુસર ફિલ્મ રિલીઝ ન કરે એ માટે રિઝવીએ શકીલને કહ્યું હતું. અને શકીલે કેટલાક ફિલ્મ પ્રોડ્યુસર્સને ધમકાવીને તેમની ફિલ્મો મોડી રિલીઝ કરવાની ફરજ પાડી હતી. શકીલે અજય દેવગણના પર્સનલ આસિસ્ટન્ટને ફોન કરીન દેવગણની ફિલ્મ પણ મોડી રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો.’

આવા બધા જડબેસલાક પુરાવા એકઠા કરીને મુંબઈ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર નસીમ રિઝવીની ધરપકડ કરી હતી. છોટા શકીલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા ધુરંધરોને નિશાન બનાવીને તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાની અથવા તો તેમની હત્યા કરાવવાની વેતરણમાં પડ્યો હતો. એ માટે શકીલે રિઝવીની મદદ લીધી હતી. પણ મુંબઈ પોલીસે રિઝવીની ધરપકડ કરીને છોટા શકીલનો ખેલ બગાડી નાખ્યો હતો.’

***

‘મુંબઈ પોલીસે છોટા શકીલના પ્યાદાની ધરપકડ કરી એથી શકીલને અને દાઉદને આંચકો લાગ્યો હતો. પણ અબુ સાલેમ આનંદમાં આવી ગયો હતો. એક તબક્કે સાલેમે બૉલીવુડમાં દાઉદના નામથી પણ વધુ ખોફ જમાવ્યો હતો. અને બૉલીવુડના બીકણ સસલાં જેવા ફિલ્મ સ્ટાર્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ફાયનાન્સર્સ પાસેથી ખંડણી ઉઘરાવીને તેણે ધૂમ કમાણી કરી હતી. એમાંય ઓડિયોકિંગ ગુલશનકુમારની હત્યા પછી તો બોલીવૂડમાં સાલેમના નામનો ખોફ ફેલાઈ ગયો હતો. પણ સાલેમની પ્રગતિ સહન ન કરી શકેલા શકીલે દાઉદના કાન ભંભેર્યા હતા. શકીલે દાઉદને કહ્યું હતું કે ગુલશનકુમારની હત્યા કરાવીને અબુ સાલેમે આપણા માણસો માટે જોખમ ઊભું કરાવી દીધું છે.

હકીકતમાં શકીલને દુખતુ હતું પેટમા અને એ કૂટતો હતો માથું. અબુ સાલેમનું વર્ચસ જે રીતે અને જ ઝડપથી બૉલીવુડમાં વધી રહ્યું હતું એ જોઈને શકીલને તકલીફ થઈ રહી હતી. શકીલ અને સાલેમ વચ્ચે દુશ્મનીના બીજ રોપાયાં હતા એમાં બોલીવુડ પર વર્ચસનો મુદ્દો પણ મહત્વનો હતો. શકીલને પણ બૉલીવુડ પર કબજો જમાવવો હતો. શકીલે ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ દુગ્ગલની હત્યા કરાવી ત્યારે અબુ સાલેમ શકીલ પર ભારે રોષે ભરાયો હતો અને તેણે દાઉદને કહ્યું હતું કે શકીલ મારી ટેરિટરીમાં (બૉલીવુડમાં) માથું મારે છે એ બરાબર નથી. એ પછી તો શકીલ અને સાલેમ વચ્ચે અવારનવાર ઝઘડા થવા માંડ્યા હતા અને છેવટે અબુ સાલેમે 1998ના અંતમા દાઉદથી અલગ થઈને પોતાનો અલગ ‘કારોબાર’ શરૂ કર્યો હતો.

અબુ સાલેમ દાઉદથી છૂટો થઈ ગયો એટલે છોટા શકીલને મોકળું મેદાન મળી ગયું હતું અને તેણે બૉલીવુડમાં પોતાનું વર્ચસ જમાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. શકીલ અને સાલેમની વચ્ચે બૉલીવુડ ભીંસવા લાગ્યું હતું. દાઉદ-શકીલ અને સાલેમની નજર બૉલીવુડ પર હતી એની પાછળ માત્ર ખંડણી ઉઘરાણી જ કારણભૂત નહોતી. બૉલીવુડમાંથી પૈસા કમાવાના અનેક રસ્તાઓ અંડરવર્લ્ડના ખેપાનીઓએ શોધી કાઢ્યા હતા.

ફિલ્મ પ્રોડ્યુસર નસીમ હસન રિઝવીની ધકપકડ પછી તેની પૂછપરછ દરમિયાન મુંબઈ પોલીસને બૉલીવુડ અંડરવર્લ્ડ નેક્સસ વિશે ઘણી ચોંકાવનારી માહિતી મળી. 28 ઓકટોબર, 2000થી 30 નવેમ્બર, 2000 દરમિયાન નસીમ રિઝવીએ છોટા શકીલ સાથે ફોન પર જે વાતો કરી હતી એ તમામ વાતો મુંબઈ પોલીસે ટેપ કરી લીધી હતી. પોલીસે પ્રોડ્યુસર રિઝવીને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (એમસીઓસીએ) માટેની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો ત્યારે કોર્ટે રિઝવીને 27 ડિસેમ્બર, 2000 સુધી રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો.

મુંબઈ પોલીસે રિઝવીની પૂછપરછ શરૂ કરી એ પહેલાં તેને છોટા શકીલ અને તેની વચ્ચે ફોન પર મળેલી વાતોની ટેપ સંભળાવી. શકીલ અને રિઝવી વચ્ચે ફોન પર થયેલી વાતો આંતરવામાં આવી હતી. એમા ટકલા ચીકના અને હકલા જેવા કોડવર્ડનો ઉપયોગ થયો હતો. 28 ઓકટોબર, 2000ના દિવસે રિઝવીએ શકીલ સાથે મોબાઈલ ફોનથી વાત કરી હતી. એમાં રિઝવીએ શકીલને કહ્યું હતું કે, “ચિકના અપની ફિલ્મ સાઈન કરને કો ના બોલ રહા હૈ.” એ વખતે શકીલે રિઝવીને કહ્યું હતું કે, “ચિકના કો બોલ દે કિ વો ફિલ્મ સાઈન કરને કો ના બોલેગા તો ઉનકી જિંદગી ખતરેમેં આ જાયેગી. ઓર ટકલા ભી નહીં સમજે તો ઉનકો ભી મારને કી થ્રેટ દે દો.”

રિઝવીની ધરપકડ પછી પોલીસને ખબર પડી કે શકીલ અને રિઝવી કોના માટે ટકલા કોડવર્ડ વાપરતા હતા! પોલીસે એ વાત જાહેર કરી ત્યારે ફરી એક વાર બૉલીવુડમાં ખળભળાટ મચી ગયો.’

(ક્રમશ:)