HELLARO Means waves of feelings.... with.. dance books and stories free download online pdf in Gujarati

હેલ્લારો.... ફિલ્મ સમીક્ષા

હેલ્લારો ........ ગુજરાતી ચલચિત્ર..
------------------------------------------------------------------------------

છેલ્લા કેટલાક સમયથી રજુ થતા ગુજરાતી ચલચિત્રોમાં અગાઉના ચલચિત્રોની સરખામણીમાં આમૂલપરિવર્તન દેખાય છે.
ફિલ્મ ના કન્સેપ્ટ, ગીત, સંગીત, અભિનય ને ફિલ્માંકન માં પણ આજના સાંપ્રત સમયને અનુરૂપ અને આંખને ખટકે નહીં એવા ચિત્રો હવે સતત આવી રહ્યા છે. પ્રેક્ષકો પણ આ બાબતે રૂચિ દાખવતા હોઈ, હાલ તો ગુજરાતી ફિલ્મ્સ માટે સોનેરી કાળ છે તેમ કહેવું અતિશયોક્તિ ભર્યુ જણાતું નથી.
ગઈકાલે ફેમીલી સાથે જેની રાહ જોઈ રહ્યા હતા તે "હેલ્લારો" જોઈ.
ખુબજ કાળજીપૂર્વક કંડારેલ બેનમૂન ફિલ્મ છે.
કચ્છ જેવા ઉજ્જડ રણ વિસ્તારમાં ફિલ્માવેલી આ ફિલ્મ કલાની દ્રષ્ટિએ છીપમાં ઝીલાયેલ અમૂલ્ય મોતી જેવી જણાઈ છે.
યુગોથી દુનિયામાં નારી પ્રત્યે ઉપેક્ષા રહી છે. માણસ નારી ને એક કામ કરતા સાધનથી વિશેષ સમજતો નથી. તેના પ્રત્યે માલિકીભાવ રાખી તે ફક્ત ને ફક્ત કામકરવા અને કુળ નો દિપક મેળવવા માટેનું માધ્યમ સમજતો રહ્યો છે. નારી સહજ તેની ઈચ્છાઓ , અપેક્ષાઓ,ને રજૂઆતોને, પોતાના મર્દ હોવાના અહમ્ ની જડત્વ ભરેલી માનસિકતામાં, પગની એડી નીચે કચડાતા કીડી - મંન્કોડાની જેમ કચડતો રહ્યો છે.
આપણા જાણીતા ને લોકપ્રિય કવિશ્રી વિનોદ જોશીએ સ્ત્રીની વ્યથા, મનોવેદના, સંવેદના ને અભિવ્યક્ત કરતા ખુબ અદ્ભૂત કાવ્યો આપ્યા છે. તેમાંથી -
" તુ મિંઢળ જેવો કઠણ, હું નમણી નાડાછડી
તુ શિલાલેખનો પથ્થર, હું જળની બારાખડી"
કચ્છ જેવા સુક્કાભઠ્ઠ પ્રદેશની ૧૯૭૦-૧૯૭૫ ની આસપાસના સમયની વાત હેલ્લારો માં દર્શાવવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી દુકાળ પડવાથી ઢોર ઢાંખર, અનાજ પાણી માટે વરસાદ વરસે તે માટે કુળદેવી 'માં' ને પ્રાર્થના કરતો પુરુષસમાજ 'મા' ને રીઝવવા ઢોલીને બોલાવી રાત્રે ગરબા રમે છે. જ્યારે સ્ત્રીઓને ગરબા ગાવાની સખ્ત મનાઈ, સ્ત્રીઓ એ ભૂખ્યા રહી ઉપવાસ કરવાના , જો સ્ત્રીઓ ગરબા ગાય તો ' માં' રૂઠે ને વરસાદ ના આવે... ઠસાવી દેવામાં આવ્યું છે...
જગતનો ઈતિહાસ ને ભૌગોલિક સ્થિતિને ફંફોસિએ એ તો, સદીઓથી જંગલમાં કે પહાડી વિસ્તારમાં રહેતા આદિવાસીઓ, અન્ય શ્રમજીવી પ્રજા, કે સામાન્ય જન સમુદાય દિવસ દરમિયાન કામ થી થાકી , એકજ પ્રકારના કામની ઘરેડમાંથી બહાર આવવા રોજે રોજ કે સમયાંતરે ઉજવાતા ઉત્સવો માં સ્ત્રીઓ, પુરુષો, કે બન્નેનો સમુહ, ભાતીગળ લોકનૃત્યના મુખ્ય અંગ રહ્યા છે.
દરેક પ્રદેશ ના લોક નૃત્યોની આગવી પરંપરાએ જેતે પ્રદેશની ઓળખની આગવી સુંગંધ... , આગવી ખાસિયત રહી છે.
ગુજરાતની વાત કરીએ તો ગરબા એ ગરવી ગુજરાતણોનું જીવન ઇંધણ છે.એકવાર ભૂખ્યા રહેવાનું પસંદ કરે પણ.....
ગુજરાતી સ્ત્રીઓને ગરબાથી દુર રાખવી એટલે, માછલી ને જળ થી દુર રાખવી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ધણે ઠેકાણે સમાજના ખાસ સમુદાયમાં સ્ત્રી (નારી પાત્ર) નું સ્થાન જે રીતે ગૌણ, હીન કે ઉતરતું ગણવામાં આવે છે, તે રીતે જોતાં પુરુષો ઘરની બહાર ઓસરીમાં, ચોરે ચબુતરે, પાદરે, ખેતરે કે રસ્તામાં ઉભા રહીને પણ પોતાના સગા, મિત્રો, ઓળખીતા પાળખીતા સાથે રોજે રોજ મળીને, વાતચીત, ચર્ચા વિચારણા થી હૈયું હળવું કરી લેતા હોય છે .......
પરંતુ સ્ત્રીઓ? , ઘરની ચાર દિવાલો જેની મર્યાદા હોય, શરીર નું અંગ દેખાય નહીં તે રીતે લાંબો ઘૂમટો તાણવાનો હોય, સહેજ અમથું પણ મોટેથી બોલી ન શકાય, વળી નાની સરખી ભૂલ માં પણ માર પાડવો... સામાન્ય........
આવા વાતાવરણમાં....
સાગમટે ભેગા થતા દિવસોનો ડર, પીડા, ઉદ્વેગ, ચિંતા, ભય,કામ , તો વળી કોઈ અંદર ને અંદર કોરી ખાતી વ્યથાનો ભાર....
દરિયામાં આવતી ઓટમાં તો દરિયો પોતાની અંદર સમાવેલો સઘળો ભાર......
...દર પંદર દિવસના સમયાંતરે, , ભરતીના ઉન્માદની લયબદધ લહેરોમાં(હેલ્લારો) મોજાં રૂપે કિનારે આવી ઉછળી ઉછળી ને, જથ્થાબંધ જળ શિકરોમા વિખેરી નાખે છે....
તે રીતે
ઢોલ ના તાલે...
.. સ્ત્રીઓ પોતાના અસ્તિત્વને ગરબાના લયબદધ હેલ્લારા મા મસ્ત બની , ગરબા ગાતા ગાતા જીવનના દુઃખો, થરકતા તન અને મન ના રોમરોમથી ઝઝકોરી નાખતી હોય છે. તે રીતે ગરબાનો ઉન્માદી હેલ્લરો સ્ત્રીઓના જીવનમાં પ્રાણફૂંકતો શ્ર્વાસ છે.....
ઢોલ નો લયબધ્ધ (ધ્રુબાંગ) ધ્વનિ.... ને.. મનમાં પ્રગટતી ત્થા ત્યાંથી નસનસમાં પસરી તાલ અને લયની સાથે તનના થરકાટ ની જુગલબંદી ગરબારુપે ધરતીના ખોળે ઝિલાતી હોય છે.....
જેમ કવિશ્રી રમેશ પારેખ કહે છે -
એક છોકરી ન હોય ત્યારે
-કેટલાક અરિસાઓ સામટા ગરીબ બની જાય છે.
એજ રીતે -
ઢોલ અને ગરબો... એકમેકના પૂરક છે.
આ ચલચિત્ર માં -
પુરુ્‌ષત્વની કઠોરતા, સ્ત્રીત્વની કરુણા, ત્થા આ પરિસ્થિતિમાં પણ વેદના અને તેની વચ્ચે મનમાં દબાવી રાખેલી લાગણીઓના આનંદને ગોપનીય રીતે અભિવ્યક્ત કરી જીવાતી જિન્દગી, મનમાં ઘર કરી ગયેલી 'માં' ની આસ્થા ની ત્થા બનતી ઘટનાઓ, ને આસ્થા ના સંદર્ભમાં હકીકતની છણાવટ કરતી વેધક રજૂઆત.. ચલચિત્ર સાથે સંકળાયેલા દરેકે સુપેરે નિભાવી છે તેઓ તેના ઢગલાબંધ અભિનંદન ના અધિકારી હોઈ...
ખુબ ખુબ અભિનંદન...
છેલ્લે -
કથા નો અંત જાણે આપણી સંસ્કૃતિને, આપણી જીવનશૈલી ના ઇંઘણને કાયમ માટે, અંધારી રૂઢગર્તા માં ધકેલાવાની પળ જાણે 'માં ' પણ ના ઇચ્છતી હો... તેમ..
અનરાધાર... વર્ષા......સાથે
આનંદની.. હેલી....
ને -
જીવન સાથેજ વણાયેલા ગીત સંગીત, નૃત્ય, તાલ, લય, ને.. સાંપ્રત સમય સાથે અકબંધ રાખતા...રાખતા... જ...
ચલચિત્રનું... સમાપન....થવું..
તે-
હેલ્લારો.. શિર્ષક ના સંદર્ભમાં યથાર્થ છે.
અસ્તુ -
દિનેશ પરમાર 'નજર '
લખ્યા તારીખ :૧૨ :૧૧ :૨૦૧૯
(દેવ દિવાળી)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED