વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 127
‘છોટા શકીલનો દુશ્મન બની ગયેલો, પણ દાઉદ અને દાઉદના ભાઈ અનીસ સાથે સંબંધ ધરાવતો ડૉન અબુ સાલેમ 18 ઓકટોબર, 2001ના દિવસે દુબઈમાં ઈન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો. અબુ સાલેમ દુબઈમાં શકીલ અહમદ આઝમીના નામથી રહેતો હતો. ઈન્ટરપોલ દ્વારા તેને દુબઈની એક હોટેલમાંથી ઝડપી લેવાયો એ વખતે તેની પ્રેમિકા અને હિન્દી ફિલ્મોની હિરોઈન મોનિકા બેદી પણ તેની સાથે હતી. મોનિકા બેદી, ફોઝિયા દાનિશ બેગ નામ ધારણ કરીને, અબુ સાલેમની સાથે પડછાયાની જેમ ફરતી હતી. અબુ સાલેમ જુદાજુદા દેશોમાં થોડો થોડો સમય રહેતો હતો એ રીતે તેણે થોડા સમય દુબઈમાં ગાળવાનું નક્કી કર્યું હતુ પણ તેના ફોન કોલ્સને કારણે તે ઈન્ટરપોલની ઝપટમાં આવી ગયો હતો.
અબુ સાલેમની ધરપકડની માહિતી મળતાંવેંત ભારતીય સત્તાવાળાઓ સક્રિય બની ગયા અને અબુ સાલેમને ભારતના હવાલે કરી દેવા માટે દુબઈના સત્તાવાળાઓને અપીલ કરવામાં આવી. મુંબઈ પોલીસના અધિકારીઓ પણ અબુ સાલેમની ધરપકડથી ઉત્સાહમાં આવી ગયા હતા.
પણ તેનો આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં. અગાઉ અનીસ ઈબ્રાહિમ બહેરીનમાં ઝડપાઈ ગયો હતો ત્યારે દાઉદે તેને જ રીતે વગ વાપરીને છોડાવી લીધો હતો એ જ રીતે તેણે દુબઈમાં પોતાની વગનો ઉપયોગ કરીને અબુ સાલેમને પણ છોડાવી લીધો. અબુ સાલેમને છોટા શકીલ સાથે બાપે માર્યા વેર જેવી દુશ્મની થઈ ગઈ હતી પણ દાઉદ અને અનીસ સાથે તેણે સંબંધ ટકાવી રાખ્યો હતો એટલે દાઉદ તેની વહારે ધાયો હતો.
***
દાઉદ અને તેના શૂટર્સના કમનસીબે અને પોતાના સદ્દનસીબે બચી ગયેલા છોટા રાજને મલેશિયા પહોંચીને દાઉદ પર વળતા હુમલાની તૈયારી શરૂ કરી દીધી. એ સાથે જ તેણે પોતાની ગેંગના ગદ્દારોની તપાસ શરૂ કરી દીધી. છોટા રાજનને ખતમ કરવા માટે જે શૂટર્સ ગયા હતા તેમની સાથે રાજનનો એક વિશ્વાસુ માણસ પણ હતો.
એ માણસ મુંબઈના હોટેલિયર વિનોદ શેટ્ટી હતો. બેંગકોકમાં જે ફ્લેટમાં રોહિત વર્મા અને છોટા રાજન રહેતા હતા એ ફ્લેટમાં દાઉદના શૂટર્સ ધસી આવ્યા ત્યારે તેમની સાથે વિનોદ શેટ્ટી પણ હતો. રાજન પર હુમલો થયો તેના એક કલાક પહેલાં વિનોદ શેટ્ટી રોહિત વર્માના ફ્લેટમાંથી જ છોટા રાજન અને રોહિત વર્મા સાથે ડિનર લઈને બહાર નીકળ્યો હતો. એ વખતે તેણે એવું કહ્યું હતું કે હું એકાદ કલાકમાં પાછો આવું છું પણ તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેની સાથે દાઉદ અને છોટા શકીલના શૂટર્સ હતા!
છોટા રાજનને એ વાતની ખબર નહોતી, પણ રોહિત વર્માની પત્નીએ વિનોદ શેટ્ટીને જોઈ લીધો હતો. તેણે રાજનને કહ્યું હતું કે વિનોદ શેટ્ટી શૂટર્સ સાથે આવ્યો હતો. રોહિત વર્માની પાસેથી વિનોદ શેટ્ટીના કારસ્તાનની ખબર પડી ત્યારે રાજનના રુંવે રુંવે આગ લાગી ગઈ. તેણે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો પછી પહેલું કામ વિનોદ શેટ્ટીના નામનું વોરંટ ઈસ્યુ કરવાનું હાથ ધર્યું હતું. રાજન બચી ગયો એ પછી વિનોદ શેટ્ટી મુંબઈ ભાગી ગયો હતો. રાજને પોતાના શાર્પ શૂટર્સને શિકારી કૂતરાની જેમ વિનોદ શેટ્ટીની પાછળ છોડી મૂક્યા.
બીજી બાજુ રાજનને તેના ખાસ માણસ ગુરુ સાટમ પર પણ કાળ ચડ્યો હતો. રાજનને એવી માહિતી મળી હતી કે તેના પર હુમલો થયો એની પાછળ સાટમ પણ જવાબદાર હતો. રાજન પર હુમલો થયો એ પછી ગુરુ સાટમ અદશ્ય થઈ ગયો હતો.
દાઉદ અને શકીલે સાટમને હાથો બનાવ્યો હતો અને સાટમે વિનોદ શેટ્ટીનો ઉપયોગ કર્યો હતો એ સ્પષ્ટ થઈ ગયું એ સાથે રાજન ગુરુ સાટમનો જાની દુશ્મન બની ગયો હતો. સાટમનું કાટલું કાઢી નાખવા માટે પણ રાજને તેના શૂટર્સને સાબદા કર્યા પણ સાટમ ઉસ્તાદ હતો. રાજન બચી ગયો એવી ખબર પડી એ સાથે તે સગેવગે થઈ ગયો હતો. જો કે આ દરમિયાન વિનોદ શેટ્ટી રાજનના શૂટર્સની ઝપટમાં આવી ગયો. રાજનના શૂટર્સે તેને મુંબઈમાં શોધી કાઢ્યો અને તેના શરીરમાં એક ડઝન ગોળી ધરબી દીધી.
છોટા રાજન ઘવાયેલા વાઘની જેમ રોહિત વર્માની હત્યાનો બદલો લેવા આકાશપાતાળ એક કરવાના મૂડમાં આવી ગયો હતો ત્યારે બીજી બાજુ દાઉદ પણ ‘હાર્યો જુગારી બમણું રમે’ એ રીતે છોટા રાજનને ગમે તે ભોગે, ગમે ત્યાંથી શોધીને ખતમ કરવા ઉતાવળો બન્યો હતો. દાઉદ અને શકીલે કેટલાક પત્રકારોને ફોન પર એવા ઈન્ટરવ્યૂ આપ્યા હતા કે આ વખતે આ રાજન બચી ગયો છે પણ બીજી વાર એ નહીં બચે. અમે તેને પાતાળમાંથી પણ શોધીને ખતમ કરી દઈશું. સામે છોટા રાજને પણ હુંકાર કર્યો કે હું દાઉદ અને શકીલ તથા તેમના સાથીદારોનો સફાયો કરી નાખીશ.
***
દાઉદ અને રાજનની દુશ્મની ચરમસીમાએ પહોંચી હતી ત્યારે મુંબઈમાં દાઉદને આર્થિક ફટકો પડ્યો હતો.
(ક્રમશ:)