અર્ધ અસત્ય. - 33 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 33

અર્ધ અસત્ય.

પ્રકરણ-૩૩

પ્રવીણ પીઠડીયા

અભય હવે કોઇ નવાં ઝમેલામાં પડવા માંગતો નહોતો. તેને આ યુવતી ભેજાગેપ લાગતી હતી અથવા તો વધું પડતી ચાલાક જણાતી હતી. રઘુભા જેવા ડઠ્ઠર આદમીને તે ઓળખતી હતી અને પત્રકાર રમણ જોષી તેનો ભાઇ હોય એ થોડી અવિશ્વસનિય બાબત હતી. વળી તે અહીં એ કહેવા આવી હતી કે રઘુભાનાં બે માણસો ગાયબ છે અને એ બાબતે તેના ભાઇને મળે. એ ભાઇ જેણે તેને ગૂનેગાર સાબિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ થોડું વધું પડતું હતું.

“ત્યારે સમય અને સંજોગો અલગ હતા અભય. એ સમયે જે યોગ્ય લાગ્યું, ભાઇએ એ કર્યું હતું. એમાં તને ગુનેગાર સાબિત કરવાનો તેમનો કોઇ આશય હોઇ જ ન શકે કારણ કે અકસ્માત થયો ત્યારે તેને થોડી ખબર હતી કે એ એરિયો તારા અંડરમાં આવે છે! અત્યારે હું એટલું કહી શકું છું કે એકવાર તું ભાઇને રૂબરૂ મળી જો એટલે તારા મનમાં જે ડાઉટ છે એ ક્લિયર થઇ જશે.” બંસરી અભયને સમજાવતી હોય એમ બોલી. અભય વિચારમાં પડયો. આખરે રમણ જોષીને મળવામાં કોઇ વાંધો નહોતો. એ બહાને તે પોતાના મનની ભડાશ પણ કાઢી શકશે. તે તૈયાર થયો અને બધાં સ્ટોરરૂમમાંથી બહાર નિકળીને પોલીસ સ્ટેશનનાં પ્રાંગણમાં આવ્યાં.

અભયે દૂરથી જ રમણ જોષીને એસીપી કમલ દિક્ષિતની કાર પાસે ઉભેલો જોયો. તે અત્યારે કમલ દિક્ષિતની નજરોએ ચડવા માંગતો નહોતો. ખબર નહીં કેમ પણ એ માણસની પહેલેથી જ તેને એલર્જી હતી. તે સ્ટેશનના ગેટ પાસે જ થોભ્યો અને રમણ જોષીને બહાર બોલાવવાનું બંસરીને જણાવ્યું. એ દરમ્યાન કિરણ પટેલ ત્યાંથી ચાલતો થયો હતો. તેને અભયનો મામલો રસપ્રદ લાગતો હતો પરંતુ આજે તે એક અગત્યનાં કેસમાં બિઝી રહેવાનો હતો એટલે અભયની રજા લઇને તે નિકળી ગયો હતો. બંસરી તેના ભાઇને બોલાવી લાવી.

“હેલ્લો ઓફિસર.” રમણ જોષીએ નજીક આવીને અભય તરફ હાથ લંબાવ્યો.

“ઓફિસર તમે રહેવા ક્યાં દિધો છે! એવી ફોર્માલિટિની જરૂર નથી. ખાલી અભય કહેશો તો પણ ચાલશે. તમારા પત્રકારોનું પણ ખરું છે નહીં, પહેલાં કોઇપણ ઘટનાને વગર વિચાર્યે ચગાવી દેવાની અને પછી તેનું પોસ્ટમાર્ટમ કરતા રહેવાનું.” અભયના મનની કડવાહટ એકાએક જ તેની જબાન પર ઉભરી આવી હતી. ન ચાહવા છતાં તેનો અણગમો સ્પષ્ટ રીતે છતો થયો હતો. રમણ જોષીએ ધ્યાનથી અભયને નિરખ્યો અને પછી એક હળવી મુસ્કાન તેના ચહેરા ઉપર ઉદભવી. તેનો હાથ લંબાયેલો હતો છતાં અભયે તેની સાથે હાથ મેળવ્યો નહોતો એની ભોંઠપને તે ગળી ગયો.

“અભય, આવાં શબ્દો સાથે અમારે રોજ પનારો પડતો હોય છે. શું કરીએ, નોકરી જ એવી છે કે બધું સહન કરવું પડે છે. પણ બહું જલ્દી તારા કેસની સચ્ચાઈ દુનિયા સમક્ષ આવી જશે. એ સમયે હું તારા મોઢે મારી પ્રસંશા સાંભળવાનું જરૂર પસંદ કરીશ.” રમણ જોષીનાં અવાજમાં સહેજે કટાક્ષ નહોતો. તે દિલથી બોલી રહ્યો હતો.

“મારી સચ્ચાઈની વાત છોડો મિ.રમણ જોષી. હું ખુદને ભલી ભાંતિ જાણું છું એટલું જ કાફી છે મારાં માટે. તમારા સર્ટિફિકેટની મને કોઇ જરૂર નથી.”

“નહીં અભય, તું ખોટું સમજે છે. બંસરીએ કદાચ તને જણાવ્યું નથી લાગતું એટલે તું આમ બોલે છે. આ મારી બહેન બંસરીને તો તું મળી જ ચૂકયો છે. તેણે પોતાના જીવનું જોખમ ખેડીને તારાં કેસની સચ્ચાઈનો તાગ મેળવ્યો છે એ તું નથી જાણતો. તને શું લાગે છે, અમે આટલી વહેલી સવારે અહીં ભરૂચમાં શું કરી રહ્યા છીએ? એ પણ સુરતનાં એસીપી કમલ દિક્ષિતની સાથે? કોઇ આઈડિયા છે તને?”

“મને શું ખબર, હશે કોઇ મેટર.” અભયે ખભા ઉલાળ્યાં પરંતુ તેના કાન સરવા થયા હતાં. આ પ્રશ્ન તો તેને પણ ઉદભવ્યો હતો અને તેનો જવાબ જાણવાની ઉત્કંષ્ઠા પણ હતી.

“કોઇની નહીં, તારી જ મેટર છે. લાગે છે કે તને પહેલાથી સમગ્ર હકીકત જણાવવી પડશે. તો સાંભળ.” રમણ જોષી બોલ્યો અને પછી તેણે સૌ પ્રથમ અકસ્માત જોયો ત્યારથી લઇને બંસરીના અપહરણ અને છૂટકારા સુધીની આખી કહાની કહી સંભળાવી. અભય દિગ્મૃઢ બનીને સાંભળી રહ્યો. તેને વિશ્વાસ નહોતો થતો કે રમણ જોષી જે કહે છે એ સત્ય છે કે કોઇ છલ! તે અવિશ્વાસભરી નજરે ઘડીક બંસરીની સામું તો ઘડીક રમણ જોષીને જોઇ રહ્યો. એક અજનબી વ્યક્તિ માટે રમણ જોષીએ તેની બહેનને ખતરામાં મૂકી હતી એ કોઇ નાનીસૂની વાત નહોતી. બંસરીને છોડાવામાં જો સહેજપણ મોડું થયું હોત તો રઘુભા તેની શું હાલત કરત એ વિચારતા જ અભયના રૂઆડાં કાંપતા હતા. તેણે આભારવશ નજરે બંસરી સામું જોયું. અચાનક તેને પોતાની ઉપર શરમ ઉપજી. અત્યાર સુધીમાં કેટલીય વખત તેણે બંસરી અને રમણ જોષી ઉપર શક કર્યો હતો. હવે તેને ખ્યાલ આવતો હતો કે ભરૂચ પોલીસ સ્ટેશનની અંદર તેને જોતાં જ બંસરી કેમ ભેટી પડી હતી. એ સમયે બંસરીની હાલત કેવી હશે એની કલ્પના તે કરી શકતો હતો. અભયને પોતાની ભૂલ સમજાઇ હતી અને આ વખતે તેણે સામેથી રમણ જોષી તરફ હાથ લંબાવ્યો. રમણ જોષીનો ચહેરો મલકી ઉઠયો. તેણે ભારે ઉમળકાથી હસ્ત-ધનૂન કર્યું.

“મને સમજાતું નથી કે હું તમારો આભાર કેવી રીતે માનું? મને ખુદને અત્યારે શર્મિંદગી ઉદભવે છે કે મેં તમને લોકોને ગલત ધાર્યા હતા.” અભયના અવાજમાં ખરેખર વસવસો છલકાતો હતો.

“એમાં આભાર માનવાનો ન હોય અભય. અકસ્માત સમયે તારી તરફ આંગળી ચિંધીને મેં એક ભૂલ કરી હતી. એ ભૂલને સુધારવી જરૂરી હતી. તારી જેમ હું પણ મારાં પ્રોફેશનમાં ઇમાનદાર રહું છું જેથી જીંદગીમાં ક્યારેય અફસોસ ન ઉદભવે. પણ ખેર, છોડ એ બધી વાતો. તું અહીં શું કરે છે એ જણાવ. તને અહીં જોઇને ખરેખર હું સરપ્રાઇઝ પામ્યો છું.”

“હું એક પર્સનલ કામ માટે આવ્યો છું. ઓલમોસ્ટ તે ખતમ થઇ ગયું છે એટલે પાછા રાજગઢ ચાલ્યો જઇશ.” અભય બોલ્યો. રમણ જોષીને નવાઇ ઉપજી. અભયે હજું સુધી રઘુભા વિશે એકપણ સવાલ કર્યો ન હતો.

“તું બેગુનાહ સાબિત થવાનો છે એનો આનંદ નથી થતો તને?” તેણે પૂછયું.

“હું મારી નજરોમાં તો બેગુનાહ જ હતો. દુનિયા હવે જાણશે કે અભય ભારદ્વાજનો એ અકસ્માત કેસમાં કોઇ હાથ નહોતો, કે નહોતી તેણે કોઇ રુશ્વત લીધી. બસ, એથી વિશેષ બીજું શું કહું?” અભય પોતે પણ ખરેખર સમજી નહોતો શકતો કે તેને ખુશી કેમ નહોતી ઉપજતી! શું તે થાકી ગયો હતો કે પછી તેનું મન બીજી કોઇ બાબતમાં ઉલઝેલું હતું?

“અસલી ગુનેહગાર કોણ છે એ તારે નથી જાણવું? મને નવાઇ લાગે છે કે તું આટલો હતોત્સાહ કેમ દેખાય છે? તારી બેગુનાહીનાં સબુત તારી સામે છે છતાં તને કંઇ થતું નથી? તારી જગ્યાએ બીજું કોઇ હોત તો આ સમાચાર સાંભળીને નાચવાં લાગ્યો હોત.” રમણ જોષીએ પોતાનું આશ્વર્ય ઉછાળ્યું હતું.

“હું પણ એવું કરીશ. પરંતુ ત્યારે જ્યારે મારું સસ્પેન્શન પાછું ખેંચાય અને અસલી ગુનેહગાર જેલના સળિયાની પાછળ હોય. ત્યાં સુધી તમે બન્ને ભાઇ-બહેન રઘુભાને શોધો અને તેની પાસેથી સચ્ચાઇ ઉગલાવો. તમે જે રીતે મારાં કેસનું રિ-ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છો એ જોતાં મને લાગતું નથી કે મારે આમાં પડવું જોઇએ.” અભય બોલ્યો. તેને ખરેખર આ ભાઇ-બહેન પ્રત્યે માન ઉપજ્યું હતું. તેણે બંસરી સામું જોયું. એ નાનકડી છોકરીએ એક જ રાતમાં દોઝખની સફર ખેડી હતી. એ કોઇ સામાન્ય વાત નહોતી. તેણે પોતાની જાતનો દાવ લગાવ્યો હતો. જો કંઇ ઉંચ-નીચ થઇ હોત તો તે અત્યારે જીવિત બચી ન હોત એ પણ હકીકત હતી. અને… જ્યારે કોઇ તમારા માટે પોતાનું જીવન જોખમમાં મૂકતાં પણ અચકાતું ન હોય ત્યારે તમારે તેના ઉપર સંપૂર્ણ ભરોસો કરવો જોઇએ એટલી સમજ તો અભયમાં હતી જ. “મને વિશ્વાસ છે કે તમે મારો કેસ સોલ્વ કરીને જ જંપશો. અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં અવરોધો ન નાંખવા જોઇએ. ખરું કે નહી?” અભયે તેમને જ પૂછયું.

હવે રમણ જોષી શું બોલે? તેને એમ હતું કે અભય તેની વાત સાંભળીને ઉત્સાહિત થઇ ઉઠશે અને તેની સાથે જોડાશે. પરંતુ અભયે તો તેની ઉપર જ બધું છોડયું હતું. તે વિચારમાં પડયો. અભયની વાત પણ ખોટી તો નહોતી જ. જો તે મળ્યો જ ન હોત તો શું તેણે તપાસ બંધ કરી દીધી હોત? બીલકુલ નહી. તેણે અભયના કેસનો અંત ન આવે ત્યાં સુધી તપાસ ચાલું રાખવાનો નિર્ધાર કર્યો જ હતો. તો હવે અભય તેમાં જોડાય કે ન જોડાય, એનાથી તેને કંઇ ફરક પડવો જોઇએ નહી. અને હવે તો રઘુભા તેનો અંગત દુશ્મન બની ગયો હતો. બંસરી ઉપર હાથ નાંખીને તેણે ભયાનક ભૂલ કરી હતી એની સજા તો તેને મળવી જ જોઇએ ને! રમણ જોષીએ દાંત ભિસ્યાં અને અભયની વાત મંજૂર રાખી.

પરંતુ… બંસરીનાં મનમાં કંઇક અલગ જ ગડમથલ ચાલતી હતી. અભય કેમ ખુદ પોતાના કેસમાંથી જ છટકી રહ્યો છે એ તેની સમજમાં ઉતરતું નહોતું. આવું માણસ ત્યારે જ કરી શકે જ્યારે એથી પણ અગત્યનું કશુંક હોય. શું હોઇ શકે એ? તેને અભયની હકીકત જાણવાનું મન થયું અને તેનો પીછો કરવાનું વિચાર્યું.

(ક્રમશઃ)