વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 124
‘જખ્મી થયેલો છોટા રાજન રોહિત વર્માના ફ્લૅટમાં પહોંચ્યો. ત્યાં તેણે રોહિત વર્માનો મૃતદેહ જોયો અને તેની બેશુદ્ઘ બનેલી પત્ની સંગીતા વર્માને જોઈ. ભય, આઘાત, રોષ અને ખુન્નસની મિશ્ર લાગણીથી તે વિચલિત થઈ ગયો હતો. એમ છતાં તે પોતાના દિમાગને શાંત કરવાની કોશિશ સાથે તેણે જે બેડરૂમમાંથી તેણે કૂદકો માર્યો હતો એ બેડરૂમમાં તે પહોંચ્યો. તેણે ફોન હાથમાં લઈને સૌ પ્રથમ ગુરુ સાટમને ફોન કર્યો. એ પછી તેણે તેના બીજા બે ખાસ સાથીદારોના ફોન નંબર ડાયલ કર્યા અને છેલ્લે થાઈ પોલીસને ફોન કર્યો.
આ દરમિયાન કોઈ રહેવાસીએ એમ્બ્યુલન્સ મગાવી લીધી હતી. થોડી વારમાં જ પોલીસનાઅ વાહનો અને એમ્બ્યુલન્સ આવી પહોંચ્યાં. રાજનને અને રોહિત વર્માની પત્નીને બેંગકોકની સમિતિવેજ હોસ્પિટલમાં લઈ જવાયા. રોહિત વર્માની પત્નીને ખાસ ઈજા પહોંચી ન હતી, પણ તે આઘાતથી બેહોશ થઈ ગઈ હતી. જો કે છોટા રાજનની હાલત ગંભીર હતી. જો કે ડોક્ટરોએ તેને બચાવી લીધો.
***
“બચ ગયા સાલા...”
હતાશા અને ઝનૂનની મિશ્ર લાગણી અનુભવી રહેલા દાઉદે જમણા હાથની મુઠ્ઠી વાળીને ડાબા હાથની હથેળી ઉપર જોરથી પછાડતા કહ્યું. તે ભયંકર હદે અપસેટ થઈ ગયો હતો. આજે કોઈ પણ હિસાબે રાજન ખતમ થઈ જશે એવી બાંયધરી શકીલે તેને આપી હતી. પણ શૂટર્સ રાજનને મારી ન શક્યા એટલે દાઉદ ગિન્નાઈ ગયો હતો.
અગાઉ સિંગાપુર અને દુબઈમાં રાજનને મારી નાખવાની કોશિશ નિષ્ફળ સાબિત થઈ ત્યારે દાઉદ આટલો અપસેટ નહોતો થયો પણ આ વખતે પાકે પાયે બધી તૈયારીઓ કર્યા પછી પણ રાજન બચી ગયો એટલે દાઉદના દિમાગનો પારો સત્તરમા આસમાને પહોંચી ગયો હતો. તેણે શકીલને પણ બે-ચાર ચોપડાવી દીધી હતી. દાઉદે શકીલ દ્વારા શૂટર્સને આદેશ આપ્યો હતો કે શક્ય હોય તો રાજનને પકડીને કોઈ પણ રીતે કરાચી લાવવો અને નહીંતર પતાવી દેવો. રાજનને રીબાવીરીબાવીને મારવાની તેની ખ્વાહીશ હતી. પણ ન તો રાજન તેના હાથમાં આવ્યો કે ન શૂટર્સ તેને મારી શક્યા. દાઉદે ફરી એક વાર ગંદી ગાળ બોલીને જમણા હાથની મુઠ્ઠી હાથની હથેળી ઉપર પછાડી.
***
બેંગકોકના થંગલૂર પોલીસ સ્ટેશનના સુપ્રિન્ટેડેન્ટ કર્નલ મંથન અપાઈવોંગ્સ દાઉદ ગેંગના શૂટર્સ મોહમ્મદ સલીમ અને શેરખાનની પૂછપરછ કરી રહ્યા હતા. રોહિત વર્માની હત્યા અને છોટા રાજનની હત્યાના પ્રયાસથી થાઈલેન્ડની પોલીસ ચોંકી ઊઠી હતી. દાઉદના શૂટર્સે કુલ 100 ગોળી છોડી હતી. એના પરથી તેમના ઝનૂનનો ખ્યાલ આવી શક્યો હતો. રાજન પર હુમલો કર્યા પછી ગણતરીના કલાકોમાં દાઉદના ચાર શૂટર્સ સિંગાપોર એરલાઈન્સના પ્લેનમાં મલેશિયા ભાગી ગયા હતા, પણ 33 વર્ષીય મોહમ્મદ સલીમ અને 36 વર્ષીય શેરખાન બેંગકોકના બેંગ રાક વિસ્તારના રોબિન્સન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ઝડપાઈ ગયા હતા. બેંગકોક પોલીસે અન્ય બે શૂટર્સને પણ લીધા હતા. મોહમ્મદ યુસુફ નામનો 45 વર્ષીય શૂટર સુકુમવિત સોઈ વિસ્તારની પાંચ નંબરની સ્ટ્રીટમાંથી પોલીસના હાથમાં ઝડપાઈ ગયો અને ઈન્ટેમારા સોઈ વિસ્તારના એક ફ્લેટમાંથી રફીક અરુંકિત ઉર્ફે ચવલિટ નામના થાઈલેન્ડવાસી શૂટરને પણ પોલીસે પકડી પાડ્યો.
બેંગકોકના થંગલૂર પોલીસ સ્ટેશનના સુપ્રિન્ટેડન્ટે શૂટર્સની પૂછપરછ શરૂ કરી ત્યારે તેમને છોટા રાજન અને દાઉદ વચ્ચે કેવી દુશ્મની છે એનો ખ્યાલ આવ્યો. દાઉદના શૂટર મોહમ્મદ સલીમ અને શેરખાને બેંગકોક પોલીસને કહ્યું કે છોટા રાજન અત્યાર સુધીમાં આઠ વાર ‘દાઉદભાઈ’ની હત્યાની કોશિશ કરી ચૂક્યો છે. થાઈલેન્ડમાં પણ રાજન-દાઉદ ગેંગ વચ્ચે તણખા ઝરતા રહે છે એવું તેણે કિસ્સાઓ સાથે કહ્યું. ડિસેમ્બર, 1999માં દાઉદ ગેંગના બનાવટી અમેરિકન ડોલર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ ઈન્ટરપોલ અને અમેરિકન એજન્સીએ સાથે મળીને કર્યો હતો અને એ સાથે જ દાઉદના બે ‘પહોંચેલા’ એજન્ટ્સની થાઈ પોલીસે ધરપકડ કરી હતી. એ પછી રાજનના માણસોએ દાઉદના એક ગુંડાને થાઈ પોલીસની જાળમાં ફસાવી દીધો હતો એને પોલીસ સાથે અથડામણમાં એ માર્યો ગયો હતો.
થંગલૂર પોલીસ સ્ટેશનના સુપ્રિન્ટેડન્ટ કર્નલ મંથન દાઉદના શૂટર્સની પૂછપરછ કરતા ગયા તેમ તેમ તેમની આંખો આશ્વર્યથી પહોળી થતી ગઈ.’
***
“આટલું જોખમ ઉઠાવીને તમે રોહિત વર્માના ઘરમાં ઘૂસી જઈને શા માટે હુમલો કર્યો?” બેંગકોકના થંગલૂર પોલીસ સ્ટેશનના સુપ્રિન્ટેડન્ટ કર્નલ મંથન અપાઈવોંગ્સ દાઉદ-શકીલના શૂટર્સને પૂછી રહ્યા હતા.
“દાઉદભાઈનો આદેશ હતો કે છોટા રાજન પર હુમલો કરો ત્યારે કોઈ પણ થાઈ નાગરિકને (થાઈલેન્ડના નાગરિકને) ઈજા થવી જોઈએ નહીં એટલે અમે રોહિત વર્માના ઘરમાં ઘૂસીને હુમલો કરવાનો નિર્ણય લીધો હતો.” મોહમ્મદ સલીમે જવાબ આપ્યો.
“આ હુમલાનું આયોજન તમે કઈ રીતે કર્યું?”
“અમે બેંગકોક આવીને પહેલા તો રોહિત વર્માને શોધી કાઢ્યો. પછી તેની ગતિવિધિ પર નજર રાખી અને ત્રાટકવાનું નક્કી કર્યું. અગાઉ દાઉદભાઈએ રોહિત વર્માને લલચાવીને રાજનનો ઘડોલાડવો કરવાનો સોદો કર્યો હતો. અને એ સોદાના ભાગરૂપે દાઉદભાઈએ તેને છોટા રાજન ગેંગનો બોસ બનાવવાની ઓફર કરી હતી.” દાઉદ-શકીલના બીજા શૂટર શેરખાને જવાબ આપ્યો.
“તો પછી તમે શા માટે રોહિત વર્માને મારી નાખ્યો?” પોલીસ સુપ્રિન્ટેડેન્ટે સવાલ પૂછ્યો.
“કારણ કે તેણે દાઉદભાઈ સાથે ડબલક્રોસની ગેમ અજમાવી હતી.” શેર ખાન અને મોહમ્મદ સલીમ એક સાથે બોલી ઉઠ્યા.
જો કે મોહમ્મદ સલીમ અને શેર ખાન તથા બીજા શૂટર્સ પઢાવેલા પોપટની જેમ બોલવા માંડ્યા એ પહેલાં બેંગકોક પોલીસે તેમના પર થર્ડ ડિગ્રી અજમાવવી પડી હતી. બેંગકોક પોલીસ કરાચી અને મુંબઈથી આવેલા એ ‘મહેમાનો’ની ‘સરભરા’ કર્યા બાદ પૂછપરછ આદરી ત્યારે પણ તેમનું રાજન પ્રત્યેનું ઝનૂન ઓછુ થયું નહોતું. બેંગકોક પોલીસ અધિકારીઓએ તેમને પૂછ્યું કે છોટા રાજન પર હુમલો કરવા માટે તમને કેટલા રૂપિયા અપાયા હતા ત્યારે તેમણે જે જવાબ આપ્યો એ સાંભળીને પોલીસ અધિકારીઓ પણ અચંબો પામી ગયા!’
(ક્રમશ:)