વાર્તા: બચાવ લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775
કાર્તિકે કાર ની સ્પીડ ધીમી કરી.રાત્રીનો 12.30 નો સમય અને મૂશળધાર વરસાદ,હાઇવે ઉપરની લાઈટો પણ બંધ અને ખાડા ટેકરા વાળો રસ્તો.રોડ ઉપર એક ફૂટ જેટલું પાણી આવી ગયું હતું.કાર્તિકને લાગ્યું કે હવે કાર ને સાઇડમાં ઊભી કરી દેવી પડશે. તેણે કારને એક ઝાડ નીચે ઊભી રાખી.બહાર તો નીકળી શકાય એમ નહોતું એટલે અંદર બેઠા બેઠા જ હવે શું કરવું તે વિચારી રહ્યો હતો.કદાચ કોઈ મોટી ગાડી નીકળે તો તેને અજવાળે રસ્તો કાપી શકાય એટલે હવે રાહ જોઇને ઊભા રહેવા સિવાય કોઈ આરો નહોતો.અહીં થી ઘરે પહોંચવામાં આશરે દસેક કિલોમીટર નું અંતર કાપવાનું બાકી હતું.
ઓફિસ છૂટવાનો સમય સાત વાગ્યાનો હતો પણ આજે ઉપરાઉપરી મીટીંગો નો દોર ચાલ્યો અને સ્ટાફ સાથે ડીનર નો પ્રોગ્રામ ગોઠવાયો એટલે ઘરે મોડા પહોંચવાનો અંદાજ તો હતો પણ ડીનર સમયે જ વરસાદ તૂટી પડ્યો એટલે આટલું મોડું થયું.ઘરે થી મમ્મીના પણ વારંવાર ફોન આવી રહ્યા હતા.હવે તેને થોડો ડર પણ લાગી રહ્યો હતો.વાહનોની અવરજવર બંધ થઇ ગઈ હતી અને વરસાદ અટકવાનું નામ લેતો નહોતો.ઠંડી લાગી રહી હતી.ચા પીવાની જોરદાર ઈચ્છા હતી.તેને મોટો ડર એ વાતનો હતો કે રસ્તામાં એક કેનાલ આવેછે એ જો ઓવરફલો હશે તો જવાશે કેવી રીતે.એક વિચાર એવો આવ્યો કે ગાડીની બહાર નીકળીને દૂર સુધી નજર તો કરું કદાચ કોઈ રસ્તો નીકળે.તેણે ગાડીમાં ફંફોસીને ટોર્ચ શોધી કાઢી.
કારનો દરવાજો ખોલતાં જ સૂસવાટા મારતો પવન થરથરાવી ગયો.તેણે ટોર્ચ ચાલુ કરી.પલળતાં પલળતાં થોડે સુધી ચાલ્યો.ટોર્ચના અજવાળે તેણે જોયું કે વીસેક ફૂટ ના અંતરે જ કેનાલ હતી.અંધારામાં રસ્તો કાપતાં તેને અંતરનો અંદાજ નહોતો આવ્યો.કેનાલ ઓવરફલો નહોતી એટલે તેને હાશ થઇ.હજુ તે આગળ કંઈ વિચારે ત્યાં તો માની ના શકાય અને ભય થી કંપી જવાય એવું દ્રશ્ય જોયું.બરાબર ખાતરી કરવા તેને નજીક જવું પડ્યું.કેનાલની કિનારી ઉપર એક સ્ત્રી ઊભી રહી હતી.
કાર્તિકે ગભરાતાં ગભરાતાં પૂછ્યું ‘આટલી મોડી રાતે અહીં શું કરોછો?’ ‘ મરવા માટે આવીછું ‘તેણે ધીમા અવાજે કહ્યું.હવે કાર્તિકને પોતાના ભય કરતાં આ સ્ત્રીને બચાવવાની ચિંતા થઇ.’મહેરબાની કરીને નીચે ઉતરીને મારી પાસે આવો.કંઇક રસ્તો નીકળશે.’તેણે સહાનુભુતિ પૂર્વક કહ્યું.પેલી સ્ત્રીને વિશ્વાસ બેઠો હોય એવું લાગ્યું.તે નીચે ઉતરીને કાર્તિક પાસે આવી.તેનો ચહેરો જોઇને કાર્તિકની આંખો મટકું માર્યા વગર જોઈ જ રહી.ઇન્દ્ર ની અપ્સરાઓ વિષે વાર્તાઓ વાંચી હતી પણ અત્યારેતો કોઈ ભૂલી પડેલી અપ્સરા જ સામે ઊભી હતી.વરસાદ હવે થંભી ગયો હતો.રોડ ઉપરથી હવે પાણી પણ ઉતરી ગયું હતું.વાતચીત દરમ્યાન આ અપ્સરાએ વધુ કોઈ વિગત ના આપી.બસ એટલુજ કહ્યું કે મારું કોઈ નથી અને મને જીવવામાં રસ નથી.
કાર્તિકે કહ્યું કે ‘તમને વાંધો ના હોય તો મારું ઘર નજીકમાં છે.ઘરે મમ્મી અને પપ્પા પણ છે.સવારે હું તમે કહેશો ત્યાં મુકી જઈશ.’ જવાબની રાહ જોયા વગર કાર્તિકે તેને ગાડીમાં બેસાડીને ગાડી ઘર તરફ ભગાવી.ઘરે પહોંચ્યા ત્યારે 1.00 વાગ્યો હતો.શાંતાબેને દરવાજો ખોલ્યો અને કાર્તિક સાથે અડધી રાત્રે આ સ્વરૂપવાન કન્યાને જોઇને મનમાં કેટલાએ વિચાર આવી ગયા.કાર્તિકે હસતાં હસતાં ટૂંકમાં બધી વાત કરી.શાંતાબેને આ નમણી અને રૂપાળી નું નામ પૂછ્યું.નામ પણ રૂપને શોભે એવું હતું કામિની.કાર્તિકને થયું કે એતો નામ પૂછવાનું પણ ભૂલી ગયો હતો.
શાંતાબેને તેને ટુવાલ અને નવી સાડી આપી.થોડીવારમાં બધાં સુઈ ગયાં.
કામિની ને મુકવા જવાનું હતું એટલે કાર્તિક સવારે વહેલો તૈયાર થઇ ગયો.પણ શાંતાબેને બહાર આવીને તેને કહ્યું કે કામિની અહીં અઠવાડિયું રોકાશે તારે ઓફિસ જવું હોય તો જા.શાંતાબેનના ચહેરા ઉપર સ્મિત જોઇને કાર્તિકને નવાઇ લાગી.શાંતાબેને વાતચીતમાં જાણી લીધું કે કામિની નું આ દુનિયામાં પોતાનું કહી શકાય એવું કોઈ નથી અને તે ગ્રેજ્યુએટ સુધી ભણેલી પણ છે બીજી કોઈ વિગત આપવાની કામિની એ ના કહી પણ શાંતાબેન ને આનાથી વધારે વિગતની જરૂર પણ નહોતી.કાર્તિકને અત્યાર સુધીમાં ઘણી કન્યાઓ બતાવી પણ કોઈ કન્યા એને પસંદ આવતીજ નહોતી.શાંતાબેન વિચારતાં હતાં કે આ અપ્સરા જેવી કન્યા જો કાર્તિકને પસંદ પડી જાય તો ઘડિયાં લગ્ન કરી દઇએ.
શનિવાર અને રવિવાર કાર્તિકને રજા હતી એટલે શાંતાબેને બંને એ સાથે ફરવા જવું ,મુવી જોવું વિ.પ્રોગ્રામ ગોઠવી દીધા.કામિની પણ ખુશ હોય એવું લાગ્યું.પણ કાર્તિકનું મન હજી કળી શકાયું નહોતું.
કામિની ને આવ્યે અઠવાડિયું થઇ ગયું હતું.શાંતાબેને હવે કાર્તિકને પાસે બેસાડીને પૂછ્યું કે ‘બેટા આજે એક કન્યા જોવા જવાનું છે’ તેના ચહેરા ઉપર અણગમો જોઇને શાંતાબેને સીધું જ પૂછ્યું કે ઘરમાં છે એ કન્યા પસંદ છે?’ એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર કાર્તિકે હા પાડી દીધી.’ કામિની ની શું ઈચ્છા છે બેટા તને શું લાગેછે.’ ‘ એ પણ તૈયાર છે.’કાર્તિકે ખુશી થી કહ્યું.
કાર્તિકના પપ્પા નવનીતલાલ બિઝનેશ ના કામે દસ દિવસથી બહાર હતા તે આજે આવ્યા એટલે બંને ના સાદાઈ થી લગ્ન કરી દીધા.ધામધૂમ થી લગ્ન કરવાની બંને ની ઈચ્છા નહોતી એટલે સાદાઈ થી પતાવ્યું.કામિની કે જે આત્મહત્યા કરવા નીકળી હતી તે કરોડપતિ કુટુંબ ની વહુ બની ગઇ.
આનંદ થી દિવસો પસાર થઇ રહ્યા હતા.કાર્તિક જે શહેરમાં બિઝનેશ કરતો હતો ત્યાં તેમનો એક મોટા એપાર્ટમેન્ટ માં દસમા માળે ૩ બેડ રૂમનો એક ફ્લેટ પણ હતો.
શાંતાબેનને લાગ્યું કે હવે કાર્તિક ગાડી લઈને રોજ અપ ડાઉન કરે એના કરતાં શહેરના ફ્લેટમાં રહેવા જાય તો સારું.બંને એ સંમતિ આપી અને એક શુભ દિવસે બંને શહેરમાં રહેવા ગયા.
સમય પાણીના રેલાની જેમ વહેતો હોય છે.લગ્નના દોઢ વર્ષ પછી કાર્તિક અને કામિની ના ઘરે દીકરાનો જન્મ થયો.સુખનો સરવાળો થયો.આનંદ બેવડાયો. રોજ સવારે કાર્તિક નવ વાગ્યે ટીફીન લઈને ઓફિસ જાય અને સાંજે આઠ વાગ્યે ઘરે આવી જાય.સુખી સંસાર માં સમય ક્યા વીતી જાય એની ખબર જ ના પડે.દીકરો તીર્થ ચાર વર્ષનો થઇ ગયો.
એક દિવસ કાર્તિક અચાનક બપોરે એક વાગ્યે ઘરે આવ્યો.કામિની ને નવાઇ લાગી.ટીફીન પણ ભરેલું જ હતું.આજે તેની ઘરે જમવાની ઈચ્છા થઇ હતી.કામિની ફટાફટ રસોઈ બનાવવા લાગી.
‘તીર્થ ક્યાં ગયો?’ કાર્તિકે પૂછ્યું
‘નીચે ગાર્ડનમાં રમવા’ કામિનીએ કહ્યું.એટલે કાર્તિકે ઊભા થઈને બારી બહાર નજર કરી.કાર્તિકે જોયું કે તીર્થ ગાર્ડનમાં તો દેખાતો નથી.તેને ચિંતા થઇ.દસમા માળેથી નજર તીણી કરીને જોતાં તેણે જોયું કે તીર્થ રમતો રમતો રોડ ઉપર આવી ગયો છે અને રમવામાં મશગુલ છે.અને...અને.. તેણે જોયું કે સામેથી એક ટ્રક આવી રહી છે.ટ્રક ડ્રાઇવર હોર્ન મારવા લાગ્યો પણ તીર્થ એક ધ્યાનથી એની મસ્તીમાં હતો.કાર્તિક નો જીવ અધ્ધર થઇ ગયો.તેણે ચીસ પાડી એટલે કામિની પણ દોડતી આવી તેણે પણ આ દ્રશ્ય જોયું. ટ્રક સ્પીડમાં આવી રહી હતી તીર્થ ટ્રકથી ફક્ત દસ ફૂટ દૂર હતો.ડ્રાઇવર સ્પીડ કંટ્રોલ કરી શકે એમ નહોતો.લીફ્ટમાં નીચે જવાનો કોઈ અર્થ નહોતો.કાર્તિક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.દીકરો નજર સામે મૃત્યુ નાં મુખમાં હોમાઈ રહ્યો હતો.
ત્યાંતો અચાનક કામિનીએ બારીમાં થી તેના બે હાથ બહાર કાઢ્યા અને દસમા માળેથી હાથ લંબાવ્યા અને રોડ ઉપરથી દીકરા ને ઉપાડી લીધો અને ફ્લેટમાં હેમખેમ લાવી દીધો.કાર્તિક તો આંખો ફાડીને આ દ્રશ્ય જોઈ રહ્યો.દીકરાને ભેટી પડ્યો અને એક ચીસ પાડીને બેભાન થઇ ગયો.ચાર કલાકે ભાનમાં આવ્યો ત્યારે તેની ચીસ સાંભળીને ભેગા થઇ ગયેલા પડોશીઓ ના ચહેરા ઉપર હાશ થઇ.પાડોશના એક બહેને કહ્યું કે આજ સવારથી જ કામિનીબહેન મને સાંજે આવતું મોડું થશે એમ કહીને ગયા છે.હજી આવ્યા નથી.
કાર્તિક હજી આઘાતમાં થી બહાર આવ્યો નહોતો.બપોરે કામિનીએ હાથ લંબાવીને દસમા માળેથી દીકરાને ઉચકીને બચાવ્યો એ અકલ્પનીય હતું.દીકરો બચી ગયો હતો પણ આજે બે વર્ષના વ્હાણા વહી ગયા પણ કામિની પાછી આવી નહોતી.અને હવે આવવાની પણ નહોતી.પાંચ વર્ષ પહેલાં ની એ ઘનઘોર અંધારી રાત્રે જ્યાંથી મળી હતી ત્યાં જ કદાચ જતી રહી હતી.