પાનીપત - રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાનીપત - રિવ્યુ

ઈતિહાસ વાંચવો ઘણા માટે કંટાળાજનક હોય છે. ઈતિહાસને જો રસપ્રદ બનાવવો હોય તો તેમાં કેટલીક છૂટછાટ લેવી પડતી હોય છે પરંતુ જો ઈતિહાસ સાથે છૂટછાટ લેવામાં આવે તો તે ઈતિહાસ ગણાતો નથી. આથી ઐતિહાસિક ઘટના પર નવલકથા લખવી કે પછી ફિલ્મ બનાવવી એ અત્યંત અઘરું કામ હોય છે, કારણકે તેના દ્વારા લેખક અને નિર્દેશકે વાચક કે દર્શકને મજા પણ કરાવવાની હોય છે અને સાથે સાથે ઈતિહાસને પણ અન્યાય ન થાય તેનું ધ્યાન પણ રાખવાનું હોય છે.

યુદ્ધસ્ય કથા કાયમ રમ્યા ન હોઈ શકે...

મુખ્ય કલાકારો: સંજય દત્ત, અર્જુન કપૂર, ક્રિતી સેનન, મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, મંત્રા, અભિષેક નિગમ, કુનાલ કપૂર અને ઝીનત અમાન

નિર્માતાઓ: સુનિતા ગોવારીકર અને રોહિત શેલતકર

નિર્દેશક: આશુતોષ ગોવારીકર

રન ટાઈમ: ૧૭૪ મિનીટ

કથાનક

છત્રપતિ શિવાજી મહારાજ તેમજ બાજીરાવ પેશ્વાના અવસાન પછી પણ છેક ઉત્તર સુધી મરાઠા સામ્રાજ્યની ધાક હતી, પરંતુ તેમની પાસે હજી સુધી હૈદરાબાદ ન હતું. આથી બાલાજી બાજીરાવ (મોહનીશ બહલ) ના આદેશથી સદાશિવ રાવ ભાઉ (અર્જુન કપૂર) અને તેમના સાથીઓ હૈદરાબાદના કિલ્લાને ઘેરી લે છે અને તેના પર ફતેહ હાંસલ કરે છે.

આમ હવે મરાઠાઓ પાસે મોટાભાગના ભારતનું શાસન હતું અને વિવિધ રાજ્યોના રાજા તેમને આવકના ચોથા ભાગની ખંડણી પણ આપતા. તેમ છતાં મરાઠાઓનો ખજાનો લગભગ ખાલી થવાને આરે આવ્યો હતો. આથી મરાઠાઓએ દિલ્હીનો સુલતાન આલમગીર બીજો (એસ એમ ઝહિર) જેણે ખંડણી આપવાનો ઇનકાર કરી દીધો હતો તેને અને તેના જેવા અન્ય શાસકોને કડક સંદેશ મોકલવાનું નક્કી કર્યું. પરંતુ અહીં આલમગીર બીજાનો જ ખાસ વિશ્વાસુ નજીબ ઉદ્દ દૌલા (મંત્રા) એ તેને જ ઉથલાવી નાખવાની યોજના બનાવી લીધી હતી.

આ યોજના હેઠળ ફક્ત દિલ્હીનું ગાજર દેખાડીને અફઘાનિસ્તાનના સુલતાન અહમદ શાહ અબ્દાલીને (સંજય દત્ત) મરાઠા રાજ્યને હસ્તગત કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ તરફ અબ્દાલીનો ખજાનો પણ ખાલી થઇ રહ્યો હતો આથી તેને પણ આ જરૂરી લાગ્યું પરંતુ તેના જ સાથીઓ તેના વિરુદ્ધ વારંવાર બળવો પોકારવાની પરિસ્થિતિ ઉભી કરી રહ્યા હતા આથી તે એમ હિન્દુસ્તાન પર હુમલો કરી શકવાની સ્થિતિમાં ન હતો. તેમ છતાં અબ્દાલી નજીબ ઉદ્દ દૌલાની વાતમાં આવી જઈને મરાઠાઓ પર હુમલો કરવાનું નક્કી કરે છે.

આ ખબર બાલાજી બાજીરાવને પડતા જ તે સદાશિવ રાવ ભાઉને અબ્દાલીને રોકવા માટે ઉત્તર તરફ કૂચ કરવાનો આદેશ આપે છે. સદાશિવ સાથે તેની પત્ની પાર્વતી (ક્રિતી સેનન) પણ આવે છે. રસ્તામાં સદાશિવ અન્ય રાજાઓને મનાવતો મનાવતો પોતાની સેના મોટી કરતો જાય છે, પરંતુ તેમ છતાં અબ્દાલીની સેના મરાઠા સેના કરતા દોઢી રહી જાય છે. છેવટે વિવિધ રણનીતિઓ તૈયાર કરતા અને તેને બદલતા બદલતા મરાઠાઓ અને અફઘાનો પાનીપતના મેદાન પર સામસામે આવી જાય છે અને ત્યારબાદ તેમની વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે.

રિવ્યુ

ઈતિહાસને જો રસપ્રદ બનાવીને દર્શકો સામે રજુ કરવો હોય તો થોડું મીઠું-મરચું અને ગળપણ ઉમેરવું પડે. પરંતુ જો આ મીઠું-મરચું અને ગળપણ ખૂબ ઓછું નાખવામાં આવે તો રસોઈની જે હાલત થાય એવી હાલત થઇ છે પાનીપતની. આશુતોષ ગોવારીકર પોતાનો સોનેરી સ્પર્શ ખોઈ બેઠા છે એ તો મોહેંજો દડો જોઇને જ ખબર પડી ગઈ હતી, પરંતુ આ ફિલ્મમાં તો તેમણે જાતે ફિલ્મ સાથે કે તેના પોત સાથે બિલકુલ સંપર્ક જ ન સાધ્યો હોય એવું લાગી રહ્યું છે.

બસ એક વાર્તા છે તેને એની મેળે આગળ વધવા દે છે. ન કોઈ ટ્વિસ્ટ ન કોઈ રસપ્રદ ઉમેરો. માત્ર ભવ્યતાના આધારે ફિલ્મો ન ચાલે તે સંજય લીલા ભણસાલી કદાચ જાણી ગયા છે પરંતુ આશુતોષ ગોવારીકર હજી સુધી તો નથી સમજ્યા એવું સ્પષ્ટ દેખાય છે. ફિલ્મ જો પાનીપતના યુદ્ધ પર હતી તો એ યુદ્ધને વધુ સમય આપવા જેવો હતો.

પરંતુ અહીં છેક છેલ્લે અડધો કલાક યુદ્ધ દેખાડવામાં આવ્યું છે અને એ પણ એવા સમયે જ્યારે દર્શકને એવું લાગે કે હવે યુદ્ધ થાય કે ન થાય મને કોઈ ફરક પડતો નથી. યુદ્ધ પર બનેલી ફિલ્મો ખરેખર તો દર્શકમાં જોમ ચડાવી દે એવી હોવી જરૂરી છે. પરંતુ અહીં અબ્દાલી કહો કે સદાશિવ રાવ ભાઉ કોઈને જોઇને કે સાંભળીને દર્શક નિસ્પૃહ બનીને પોતાની સીટ પર બેસી રહે છે.

ન તો અબ્દાલીને જોઇને તેને ડર લાગે છે કે ન તો સદાશિવ રાવને જોઇને તેનું સમર્થન કરવાની લાગણી થાય છે. અબ્દાલી જો ક્રૂર શાસક હતો તો માત્ર એક જ સીનમાં તેની ક્રુરતા દેખાડીને તમે કેવી રીતે બાકીની ફિલ્મમાં તેને મોટેભાગે નિસહાય દેખાડી શકો? ફિલ્મનો સહુથી મોટો ડ્રોબેક અર્જુન કપૂરને સદાશિવ રાવ ભાઉ જેવા શૂરવીર યોદ્ધાનો રોલ આપવો છે. અર્જુન કપૂર ન તો સરખી એક્ટિંગ કરી શકે છે કે ન તો સ્ટંટ કે પછી ડાયલોગ ડિલીવરી.

સાચું કહીએ તો છેલ્લે સદાશિવ રાવ ભાઉની શહાદત સમયે અબ્દાલી પર કોઈ ગુસ્સો આવે છે કે સદાશિવ પર કોઈ લાગણી ઉભી થાય છે. આ ફિલ્મમાં સંજય દત્ત ખૂબ થાકેલો લાગે છે એને અબ્દાલી તરીકે રજુ કરવો એવી સહુથી મોટી ભૂલ આશુતોષ ગોવારીકરથી થઇ ગઈ છે. હા, ક્રિતી સેનન જેટલો સમય સ્ક્રિન પર હોય છે ત્યારે થોડી ફ્રેશનેસ જરૂર લાગે છે પરંતુ ત્યારબાદ ફરીથી એનું એ જ અંધારું ઘોર.

ફિલ્મ જ્યારે આટલી બધી નબળી હોય અને ઉપરાંત લાંબી હોય ત્યારે ઝીનત અમાનનો કેમિયો પણ કોઈ જ કામમાં નથી આવતો. કુનાલ કપૂરને કદાચ આગલી પેઢી ઓળખતી હશે પરંતુ આજની પેઢીએ કદાચ તેનું નામ પણ નહીં સાંભળ્યું હોય અને કદાચ તેમને આશ્ચર્ય પણ થશે કે કુનાલ કપૂર એ શશી કપૂરનો પુત્ર છે, તેને શુજા ઉદ્દ દૌલાનો રોલ આપીને અમુક સીનમાં દેખાડીને તેનો પણ પૂર્ણ બગાડ ડાયરેક્ટરે કાર્યો છે.

ઓલ ઇન ઓલ, પાનીપત તેના ટ્રેલરની જેમ જ નિરાશ કરતી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા અને ટ્રીટમેન્ટ તો નબળી છે જ પરંતુ લગભગ ત્રણ કલાકની લંબાઈ પણ તેના માઈનસ પોઈન્ટ્સમાંથી એક છે.

૮ નવેમ્બર ૨૦૧૯, રવિવાર

અમદાવાદ