રિવ્યુ – પતિ પત્ની ઔર વો
સામાન્યતઃ કોઇપણ પ્રકારની રીમેક અથવાતો રીમીક્સનો અંગતપણે વિરોધી રહ્યો છું. પરંતુ જો કોઈ ફિલ્મ અલગ રીતે ફરીથી બનાવવામાં આવે એટલેકે તેની રીમેક બને તો એ પ્રકારની ફિલ્મના વખાણ કરવાથી પણ હું ચૂકતો નથી. પતિ પત્ની ઔર વોહ એ પણ ૧૯૭૮માં આ જ નામે બનેલી ફિલ્મની રીમેક છે.
લગ્નજીવનની શિખામણ હાસ્યના ફુવારાઓમાં નવડાવીને આપતી ફિલ્મ
કલાકારો: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, અપારશક્તિ ખુરાના અને સન્ની સિંગ
નિર્માતાઓ: ભૂષણ કુમાર, ક્રિશ્ન કુમાર, રેનુ રવિ ચોપરા અને જુનો ચોપરા
નિર્દેશક: મુદસ્સર અઝીઝ
રન ટાઈમ: ૧૨૮ મિનીટ્સ
કથાનક
ઉત્તર પ્રદેશના નાનકડા શહેર કાનપુરની આ વાત છે. આ શહેરમાં PWD વિભાગમાં અભિનવ ‘ચિન્ટુ’ ત્યાગી (કાર્તિક આર્યન) મોટો એન્જીનીયર છે. અભિનવ અહીં પોતાની પત્ની વેદિકા ત્યાગી (ભૂમિ પેડનેકર) સાથે રહે છે અને બંનેનું લગ્નજીવન સુખી કહી શકાય એવું છે. જો કે લગ્નના ત્રણ વર્ષ પછી અભિનવને એવું લાગે છે કે જીવનમાં કોઈ મજા નથી અને તે વેદિકાની ઈચ્છાઓને પૂરી કરવામાં જ દબાણ અનુભવી રહ્યો છે.
આ જ સમયે અભિનવનો બોસ તેની કોઈ સંબંધી તપસ્યા સિંગને (અનન્યા પાંડે) કાનપુરમાં તેનો બિઝનેસ શરુ કરવા માટે કોઈ સારો પ્લોટ શોધી આપવાનું કહે છે. તપસ્યા સાથે અભિનવ દરરોજ આખા શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફરીને પ્લોટ પસંદ કરવા ફરે છે. ધીમેધીમે અભિનવ અને તપસ્યાને એકબીજાની પસંદ નાપસંદ ખબર પડવા લાગે છે. એક સમય એવો આવે છે જ્યારે તપસ્યાને ખબર પડે છે કે અભિનવ તો પરણેલો છે.
ત્યારબાદ તપસ્યા અભિનવને ઇગ્નોર કરવા લાગે છે, પરંતુ અભિનવને આ પસંદ નથી આવતું કારણકે તે તપસ્યાની કંપની ગુમાવવા માંગતો નથી. આથી તે તપસ્યા સામે પોતાની પત્ની વિષે એક જુઠ્ઠાણું કહે છે. અભિનવને આ જુઠ્ઠાણું બોલતી વખતે એની ખબર નથી હોતી કે એક દિવસ આ જ જુઠ્ઠાણું તેને ન ઘરનો કે ન ઘાટનો કરી દેશે...
રિવ્યુ
જેમ આપણે શરૂઆતમાં વાત કરી એમ જ્યારે કોઈ ફિલ્મની રીમેક બની હોય અને એ પણ કલ્ટ ક્લાસિક ફિલ્મની ત્યારે તેને બનાવવા માટે ખૂબ કાળજી લેવી પડતી હોય છે જેથી એ ક્લાસિક ફિલ્મનું અપમાન ન થાય. પરંતુ પતિ, પત્ની અને વોહમાં જૂની ફિલ્મનું મૂળ તત્વ જાળવી રાખવામાં આવ્યું છે પરંતુ વાર્તા સાવ નવી અને આજના જમાનાને લાયક હોય એવી બનાવવામાં આવી છે આથી તે જૂની ફિલ્મ જોનારને પણ ફ્રેશ લાગે છે.
આજકાલ ભારતના નાના શહેરો પર ધ્યાન રાખીને ફિલ્મો બનાવવામાં આવે છે જેથી આ શહેરોની રહેણીકરણી વિષે પણ બાકીના દેશવાસીઓને પણ ખબર પડે. અહીં કાનપુર અને લખનૌની વાત કરવામાં આવી છે અને મોટેભાગે ફિલ્મ કાનપુરમાં જ શૂટ થઇ છે એટલે કાનપુરની મુલાકાત પણ લેવાઈ જાય છે. પરંતુ કાનપુરનું મહત્ત્વ આ ફિલ્મમાં એટલા માટે પણ વધુ છે કારણકે ફિલ્મની વાર્તાને બળ આપવા માટે અહીં કાનપુર અને દિલ્હી વચ્ચે એટલેકે નાના અને મોટા શહેર વચ્ચે રહેલો ભેદ લોકો કેવી રીતે જુએ છે અને મોટા શહેરો વિષે કેવા સ્વપ્નાઓ જોવે છે તેવો અન્ડર કરંટ પણ જોવા મળે છે.
પતિ, પત્ની ઔર વોહનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ છે કે જૂની ફિલ્મની જેમ જ અહીં પણ કોઈ મોટું લેક્ચર આપ્યા વગર પતિ, પત્ની અને વોહનો સંદેશ હસતાં હસાવતાં આપી દેવામાં આવ્યો છે. ફિલ્મમાં હાસ્ય સતત ચાલુ રહે છે અને અંતભાગમાં જ થોડા લાગણીશીલ દ્રશ્યો પણ જોવા મળે છે. વળી માત્ર બે કલાક આઠ મિનીટની જ ફિલ્મ હોવાથી કોઇપણ સમયે ફિલ્મ ખેંચાઈ રહી હોય એવું નથી લાગતું.
અપારશક્તિ ખુરાના જે અહીં કાર્તિક આર્યનનો મિત્ર બન્યો છે તેને કદાચ તેની કેરિયરની શ્રેષ્ઠ અદાકારી કરી બતાવી છે. ફહીમ રિઝવી તરીકે અપારશક્તિ કાર્તિકનો સાચો મિત્ર બની રહે છે જે તેને સમય આવે મદદ પણ કરે છે, તેની મશ્કરી પણ કરે છે, તેને વઢે પણ છે અને સાચી સલાહ પણ આપે છે. અને હા આ ફિલ્મમાં તે ઘણા દ્રશ્યોમાં આયુષ્માન ખુરાના જેવો લાગે તો નવાઈ ન પામતા.
અપારશક્તિ બાદ વાત કરીએ અનન્યા પાંડેની જે આમ તો અત્યંત નાની ઉંમરની યુવતીનો રોલ કરે છે પરંતુ અહીં તેણે મેચ્યોરીટી પણ દેખાડવાની આવી છે જેને તે બરોબર નિભાવે છે એટલુંજ નહીં આટલો તોફાની કાર્તિક આર્યન તેની સાથે હોય તો પણ અનન્યા શાંત વહેતા જળ જેવી મેચ્યોર છોકરી તરીકે પોતાને ઉભારવામાં સફળ રહે છે.
ફિલ્મની હિરોઈન એટલેકે ભૂમિ પેડનેકર અલગ અલગ ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી છે, વળી આજકાલ તેની ઘણીબધી ફિલ્મો પણ એકસાથે આવી રહી છે. તેમ છતાં તે આ ફિલ્મમાં વેદિકા ત્યાગી તરીકે અલગ દેખાડી શકી છે. બિન્ધાસ્ત પત્ની અને સમય આવે પોતાના જ ક્લાસના ટીનેજર વિદ્યાર્થીને સાનમાં સમજાવી શકતી સ્ત્રી તરીકે ભૂમિ પેડનેકર જામે છે.
કાર્તિક આર્યનને આજના સમયના સહુથી ટેલેન્ટેડ અદાકારોમાંથી એક છે જેમાં અપારશક્તિના ભાઈ આયુષ્માન ખુરાનાને પણ ગણી લેવો જોઈએ. કાર્તિક આર્યનનો ચહેરો જ એક તોફાની છોકરાનો છે જે અહીં એક પરિણીત પુરુષ તરીકે પણ તેને કામે આવી ગયો છે. પરંતુ ફિલ્મના અંતભાગમાં ભાવનાત્મક દ્રશ્યોમાં પણ કાર્તિક જામે છે, જે કદાચ તેના માટે નવું છે. કાર્તિક આર્યનને તેની અત્યારસુધીની મોટાભાગની ફિલ્મોમાં લાંબા સંવાદ એકલા બોલવાનો આવ્યો છે અને અહીં પણ તે અપારશક્તિ ખુરાના સામે મધ્યમવર્ગીય પરણિત પુરુષની સમસ્યા પર એક લાંબો ડાયલોગ બોલે છે જેને સાંભળવાની પણ મજા આવે છે.
તો, પતિ, પત્ની ઔર વોહ હસાવતાં હસાવતાં એક સુંદર સામાજીક અને કૌટુંબિક સંદેશ આપી જતી ફિલ્મ છે જે દરેક પરણેલા પુરુષ અને સ્ત્રીએ જોવી જ જોઈએ.
૬ ડિસેમ્બર ૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ