OUT OF LOVE : રીવ્યુ JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

OUT OF LOVE : રીવ્યુ

અપના બના કર અપનાયા નહિ : Out Of Love

કોણ કયારે કોને ચાહવા લાગે એ કોઈને ખબર હોતી નથી. અને ચાહનાર ખુદને પણ એ ખબર હોતી નથી. અને એમાં પણ લગ્ન પછી ઘરની ખીચડી છોડી બહારની બ્રેડ વધુ ભાવવા લાગે ત્યારે ખાનાર ખુદને ખબર નથી હોતી કે આ બ્રેડ કેટલો અપચો કરાવશે. પછી ઘરની ખીચડી પણ નહીં મળે. એટલે કે વાત છે લગ્ન પછી શરૂ થતાં અફેરની, આકર્ષણની…

હોટસ્ટાર સ્પેશ્યલ પર રિલીઝ થયેલી વેબસિરિઝ “OUT OF LOVE” ગઈ કાલે જ પૂરી કરી. પાંચ એપિસોડની આ સ્ટોરી વજનદાર છે. ઘર ઘરની કહાની ઊપસાવતી આ સિરીઝ સત્યતાને દેખાડવામાં ઘણાં અંશે સાચી સાબિત થાય છે. આમ તો આ સ્ટોરી દત્તક લીધેલી છે. 2015માં BBC ONE પર અંગ્રેજી વેબસિરિઝ “DOCTOR FOSTER” આવેલી, એ સિરીઝે ઘણાં એવોર્ડ્ઝ જીતેલા. એ જ સ્ટોરીનો સહારો લઈને તિગ્માંશુ ધુલિયા અને ઐજાઝ ખાને આ સિરીઝ બનાવી છે.

લોકેશન છે કુન્નુર. મીરા, આકર્શ અને એમનો પુત્ર અભી. તેઓ એક આઈડલ લાઈફ જીવી રહ્યા હોય છે. મીરા ડોકટર હોય છે અને આકર્શ બિઝનેસમેન. એક દિવસ અચાનક આકર્શના કોર્ટ પર એક છોકરીનો વાળ મળે છે અને એ વાળ મીરાનો નથી હોતો. ગમે તેવો ગાઢ પ્રેમ કેમ ન હોય એક શંકાસ્પદ વિચાર પ્રેમને ગુનેગાર બનાવી દે છે. પછી તો મીરા લાગી જાય છે હકીકત શોધવામાં. શંકા જયારે સાચી પડે ત્યારે મીરા ભાંગી જાય છે પરંતુ ધડાકે એ આકર્શને કહેતી નથી કારણ કે એ લગ્ન જીવન તોડવા ન માંગતી હોય. પરંતુ એમની જે સહનશક્તિ બતાવી છે એ ખરેખર સત્ય છે.

લોકો કહેતાં ફરે કે, આજકાલ લગ્ન તરત તૂટી જાય છે આ જનરેશનમાં સહનશક્તિ નથી. પરંતુ હકીકત એ છે કે આ જનરેશનને ખોટું સહન નથી. અને એ સહન કરી આખું જીવન મૂંગા રહી જીવતું રહેવું એને સહનશક્તિ નહીં પરંતુ મુર્ખામી કહેવાય. કોઈનો પતિ બહાર રાસલીલા રમતો હોય અને પત્નીએ સહન કરી લે એવું તો કેમ શક્ય બને. અથવા કોઈની પત્ની બહાર લીલા કરતી હોય તો પતિ કઈ રીતે સહન કરે? અને એમાં બિચારા છોકરાનો શું વાંક. પહેલાંના લોકો લગ્નજીવન ટકાવવા પ્રેમ નહિ પણ દીકરો વહેલો પેદા કરતાં. જેથી બંને બંધાયેલા રહે. આ વાર્તામાં પણ એ વાત સારી રીતે બતાવવામાં આવી છે.

40 વર્ષનો આકર્શ એક 22 વર્ષની છોકરીના પ્રેમમાં હોય છે. પરંતુ મીરા શાંત રહી થોડું જતું કરી પોતાની રીતે પરિસ્થિતિ સાથે ડીલ કરતી રહે છે. આપણે અહીં સત્યને જ ગુનેગાર સાબિત કરવામાં બધા લાગી જાય છે. બધા પાત્રોને સારી રીતે એકબીજા સાથે જોડ્યા છે. અને વાર્તાની ગૂંથણી મજા આવે એવી કરી છે. આવી વાર્તા આપણી આસપાસ જોવા મળતી જ હોય છે. અત્યારે મોબાઇલયુગમાં અફેર એ સામાન્ય આદત બની ગઈ છે. ઘરમાં પત્ની સામે ખોટો પ્રેમ અને બહાર ગર્લફ્રેન્ડ જોડે નવો પ્રેમ સાવ સામાન્ય બાબત બની ગઈ છે.

પત્ની બાજુમાં હોય, સાંજે જમીને સાથે મળતાં હોય ત્યારે પણ જે મોબાઈલમાં ઘૂસ્યા રહે એમનું લગ્નજીવન ખરેખર હિલોળા મારતું હોય છે. એમાં પણ ડીલીટ કરેલી ચેટ અને પત્ની કે પતિથી મોબાઇલ દૂર રાખવાની તરકીબો લગ્નજીવનને કોર્ટમાં પહોંચાડે છે. મીરા ઘણું સહન કરી અંતે કહે છે કે, “તે જે છેલ્લા બે વર્ષમાં ગુમાવ્યું ને એ બધી મારી કમાણી હતી… છેલ્લા બે વર્ષથી મારી કમાણી પર ઘર ચાલતું હતું….” આ સ્ટોરીમાંથી એ શીખ મળે છે કે પત્નીને પોતાના પતિની આવક-જાવકની ખબર રાખવી જોઈએ. પોતા માટે અને ઘર માટે પણ.

મીરા જયારે આકર્શને પૂછે છે કે, “તું સાચે કોઈ સાથે રિલેશનમાં છો???” અને સામેથી જ્યારે “ના” જવાબ મળે છે ત્યારે મીરા એક ડાયલોગ કહે છે કે, “તુમને કિસી ઔર કો ચાહા ઉસસે મુઝે ગમ નહીં, લેકિન તુને મુઝસે જૂઠ બોલા…યે બાત સે નારાઝ હુ મે….” લગ્નજીવનમાં ખોટું બોલવું એ જ સૌથી મોટી ભૂલ હોય છે. પછી મીરા જે રીતે આકર્શને હેન્ડલ કરે છે એ જોવા જેવું છે. સ્ટોરી ઘણું શીખવીને જશે એમાં પણ મેરિડ હશો તો વધુ સમજાશે બધું… જરૂરી નથી કે આપણી સાથે આવું બને પરંતુ સાવધાન રહેવામાં પ્રેમની સુરક્ષા છે.

સિરીઝ સારી છે. વાર્તા બંને બાજુ લાગું પડે પતિ અને પત્ની… વર્તમાન સમયમાં ચાલતી લગ્નજીવનની સમસ્યાને આબેહૂબ વર્ણવવાનો પ્રયાસ કર્યો છે. અને આજના સમયની સમસ્યા પણ એજ છે , “પતિ પત્ની ઔર વો…”

મને ગમી કદાચ તમને પણ ગમશે… અંતે મને ગમેલો એક ડાયલોગ..

“લોગ આદતે દબા દેતે હૈ… છોડ નહીં પાતે….”

– જયદેવ પુરોહિત


Www.jaydevpurohit.com