Once Upon a Time - 116 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 116

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 116

‘29 મે, 1997ના દિવસે મુંબઈના અંધેરી ઉપનગરની મેટ્રોપોલિટન કોર્ટના કમ્પાઉન્ડમાં દાઉદ ગેંગના ગુંડાઓ બાબાજાન શેખ અને સની શેખે રાજન ગેંગના રમેશ નગાડે ઉપર ચોપરથી હુમલો કર્યો એ સાંજે એક અણધારી ઘટના બની. દાઉદ અને રાજન ગેંગના ગુંડાઓને મુંબઈની જુદી જુદી કોર્ટમાં સુનાવણીમાં હાજરી આપવા માટે લઈ ગયેલી પોલીસ ટીમ્સ તેમને સાંજે જેલમાં પાછા લઈ ગઈ..આ રીતે આર્થર રોડ જેલમાં પ્રવેશતી વખતે દાઉદ ગેંગના એક ગુંડાએ કોર્ટમાં બપોરે બનેલી ઘટના વિશે રાજન ગૅંગ વિશે ગંદી કમેન્ટ કરી અને એ સાથે આર્થર રોડ જેલમાં દાઉદ અને રાજનના ગુંડાઓ વચ્ચે ધિંગાણું શરૂ થઈ ગયું.

દાઉદ-રાજનના ગુંડાઓએ ફ્લાવરપોટથી માંડીને જે હાથ લાગ્યું એને હથિયાર બનાવીને હરીફ ગેંગના ગુંડાઓને મારવા માંડ્યા. એક કોન્સ્ટેબલ પણ ગુંડાઓની ઝપટમાં આવી ગયો. બીજા એક કોન્સ્ટેબલે હવામાં ગોળીબાર કરીને દાઉદ-રાજન ગેંગના ગુંડાઓને કંન્ટ્રોલમાં લેવાની વ્યર્થ કોશિશ કરી. છેવટે ભાયખલા વિસ્તારના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પ્રદીપ સાવંત પોલીસ ફોર્સ સાથે આર્થર રોડ જેલમાં ધસી ગયા ત્યારે સ્થિતિ કાબૂ હેઠળ આવી. પણ ત્યાં સુધીમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને નવ કેદીઓના માથાં, હાથ કે પગ ભાંગી ગયાં હતાં. આર્થર રોડ જેલના પ્રવેશદ્વાર બહાર એ ધમાલ દરમિયાન સંતોષ શેટ્ટી નામનો એક રીઢો ગુંડો તકનો લાભ ઉઠાવીને નાસી છૂટ્યો હતો.

આર્થર રોડ જેલની આ ઘટના પછી મુંબઈ અને થાણેની જેલમાં પણ ગેંગવોરનું મંડાણ થઈ ગયું. 1999માં થાણેની સેન્ટ્રલ જેલમાં દાઉદ-રાજન ગેંગના ગુંડાઓ વચ્ચે ધમાચકડી થયા બાદ બંને ગેંગના ગુંડાઓને અલગ અલગ રાખવાની વ્યવસ્થા કરવી પડી.

કરાચીમાં આઈએસઆઈના સુરક્ષા કવચ હેઠળ આશ્રય લેનારા દાઉદ ઈબ્રાહિમે ભારતમાં મોટે પાયે નકલી નોટો ઘુસાડવાની પ્રવૃત્તિ શરૂ કરી લીધી હતી. દાઉદના નેટવર્કનો ફાયદો ઉઠાવીને આઈએસઆઈ ભારતમાં નકલી ચલણી નોટો ઘુસાડી રહી હતી. 2 જુલાઈ, 1999ના દિવસે મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર રાકેશ મારિયાની સ્પેશિયલ ટીમે મુંબઈના પવઈ વિસ્તારના રાહેજા કોમ્પલેક્સના ‘ટ્વાઈલાઈ’ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના એક ફ્લેટમાં દરોડો પાડીને આઈએસઆઈના પાકિસ્તાની એજન્ટ મહમ્મદ પરવેઝ જાફર ઉર્ફે સોડા સહિત પાંચ યુવાનોની ધરપકડ કરીને કરોડો રૂપિયાની ચલણી નોટો જપ્ત કરી. એ સાથે દાઉદ અને આઈએસઆઈના કારસ્તાનનો પર્દાફાશ થયો’.

***

‘આ દરમિયાન દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ સમો છોટા શકીલ એક વિચિત્ર વિવાદમાં સપડાઈ ગયો. મુંબઈ પોલીસ છોટા શકીલને સાથે સંબંધ ધરાવતી કેટલીક વ્યક્તિઓના ફોન કોલ્સ ટેપ કરતી હતી. એ ટેપિંગ દરમિયાન મુંબઈ પોલીસને છોટા શકીલ વિશે એક અણધારી માહિતી મળી ગઈ.

મુંબઈ પોલીસ છોટા શકીલ સાથે સંપર્કમાં હોય એવી ઘણી વ્યક્તિઓના ફોન કોલ્સ ટેપ કરતી હતી. આવા ફોન કોલ્સની વાતચીતમાંથી મુંબઈ પોલીસને જાણવા મળ્યું કે છોટા શકીલ ઘણા મુસ્લિમ બેકાર યુવાનોની સાથે હિન્દુ બેકાર યુવાનોને પણ દાઉદ ગેંગમાં ખેંચી રહ્યો છે. અહીં સુધી તો વાત જાણે ઠીક હતી પણ હિન્દુ બેકાર યુવાનો છોટા શકીલની આંગળી પકડીને દાઉદ ગેંગમાં જોડાય એ પછી તેઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની પ્રેરણા અપાતી હતી. 11 મે, 1999ના દિવસે મુંબઈ પોલીસે છોટા શકીલ ગેંગના છ ગુંડાઓને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા ત્યારે આ વાતનો પુરાવો મળ્યો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા છ ગુંડાઓમાંથી ત્રણ મુસ્લિમ અને ત્રણ હિન્દુ યુવાન હતા. પણ પોસ્ટમોર્ટમ દરમિયાન ખબર પડી કે છોટા શકીલે ગેંગના એ ત્રણે યુવાનોએ સુન્નત કરાવી હતી એટલે કે એ ગુંડાઓ ધર્મપરિવર્તન કરાવ્યું હતું, એ વાત બહાર આવી એટલે છોટા રાજનની એ વાતને સમર્થન મળ્યું કે છોટા શકીલ અને દાઉદ ઈબ્રાહિમ કોમવાદી છે. છોટા રાજને 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સનો મુદ્દો આગળ ધરીને દાઉદ ઈબ્રાહિમ સાથે છેડો ફાડી નાખ્યો અને પછી તે સમયાંતરે આ વાત કહેતો રહ્યો હતો. વચ્ચે છોટા શકીલે કટ્ટર હિન્દુવાદી પક્ષ શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મેયર મિલિન્દ વૈદ્ય પર પણ હુમલો કરાવ્યો અને શિવસેનાના બે શાખાપ્રમુખની હત્યા કરાવી હતી. આ બધા મુદ્દા ભેગા કરીને છોટા રાજને ફરી વાર એવું નિવેદન કર્યું કે ‘દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારો કોમવાદી અને દેશદ્રોહી છે અને હું એ બધાને ખતમ કરીને જ ચેનનો શ્વાસ લઈશ.’

છોટા રાજન તેના દુશ્મન દાઉદ અને છોટા શકીલને કોમવાદી અને દેશદ્રોહી કહીને ભાંડી રહ્યો હતો ત્યારે બીજી બાજુ દાઉદ અને શકીલ રાજનનો ઘડોલાડવો કરવાની તક શોધી રહ્યા હતા. આ દરમિયાન દાઉદ વિશે એક રોમેન્ટિક સમાચાર ફેલાઈ રહ્યા હતા. પાકિસ્તાનના દૈનિક ‘ડેઈલી ઓબ્ઝર્વર’ માં એવો અહેવાલ પ્રસિદ્ધ થયો કે દાઉદ ઈબ્રાહિમ પ્રેમમાં પડ્યો હતો. (અગાઉ રાજ કપૂરની ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મથી રૂપેરી આલમમાં પ્રવેશેલી હિરોઈન મંદાકિની અને દાઉદ વચ્ચે રોમાન્સ ચાલુ થયો હતો એવી વાત વહેતી થઈ હતી. અને મંદાકિની દુબઈમાં જાહેરમાં દાઉદ સાથે બેઠી હોય એવી તસવીરો પણ અખબારોમાં છપાઈ હતી. મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે ચોંકાવનારી વાતો બહાર આવી. એવી વાત પણ આવી કે મંદાકિનીને દાઉદથી એક પુત્ર પણ થયો હતો એ પછી જોકે મંદાકિની એક બૌદ્ધ ડોક્ટરને પરણી ગઈ. દાઉદ કરાચી ગયો એ પછી તેના વિશે આવી કોઈ રોમેન્ટિક વાત બહાર આવી નહોતી). જુલાઈ, 1999માં દાઉદની દીકરી બિમારીને કારણે મૃત્યુ પામી એ પછી દાઉદને બહુ આઘાત લાગ્યો હતો અને થોડા સમય માટે તેને સ્મશાનવૈરાગ્ય આવી ગયો હતો.

આ દરમિયાન પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા!’

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED