પ્રેમ કે પ્રતિશોધ - 47 Vijay Shihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે પ્રતિશોધ - 47

પ્રેમ કે પ્રતિશોધ-47

(આગળના ભાગમાં જોયું કે અર્જુન પણ ટ્રેકરની મદદથી ફાર્મહાઉસ પર પહોંચે છે. બીજી બાજુ પ્રેમ વિનયને મારવા માટે વિનય સામે ગન તાંકીને ઉભો હતો...)

હવે આગળ....

“ધડામ...." કરતો અવાજ આખા ફાર્મહાઉસમાં ગુંજી ઉઠ્યો.

પણ એ ધડાકો ગોળી ચાલવાનો નહોતો. પણ રૂમનો દરવાજો સ્ટોપર સહિત નીચે પછડાયો હતો. અને દરવાજે ચાર ખાખીધારીઓ હાથમાં ચમકતી રિવોલ્વર લઈને ઉભા હતા. થયું એવું કે બહારથી અર્જુને દરવાજાને સહેજ ધક્કો મારી અને ખોલવાનો પ્રયત્ન કર્યો. એટલે એને અંદાજ આવી ગયો કે અંદરથી સ્ટોપર બંધ કરેલું હશે.. અને બાકીનું કામ રમેશ અને દીનેશે એક સાથે દરવાજાને લાત મારીને કરી દીધું.

રાજેશભાઈ જે-સે થઈ સ્થિતિમાં જ અવાચક બનીને ઊભા હતા. પ્રેમને પણ આમ અણધારી રીતે અર્જુન આવી ચઢશે એવો અનુમાન નહોતો અને એનું પણ અચાનક થયેલા ધડાકાથી ધ્યાન ભંગ થયું અને દરવાજે ઉભેલા ઓફિસરને જોઈ રહ્યો.... બીજી બાજુ વિનયની આંખો બંધ હતી પણ અચાનક થયેલ અવાજથી એક વાર તો એને લાગ્યું કે કામ તમામ! પણ ધડાકા બાદ પણ કંઈ અસર ન થતાં એણે આંખ ખોલી... અને સામે અર્જુનને જોઈને એના પણ જીવમાં જીવ આવ્યો...

થોડીક્ષણો માટે તો રૂમમાં શાંતિ ફરી વળી...પછી અર્જુને હજુ પ્રેમને સ્પષ્ટ જોયો નહોંતો અને આગળ વધતા કહ્યું,“ હેલ્લો, મિસ્ટર વિકાસ...."
અર્જુને જે કહ્યું તે સાંભળીને પ્રેમ પણ વિચારમાં પડી ગયો કે અર્જુનને કેમ ખબર પડી ગઈ. તો બીજી બાજુ અર્જુન એ વાતથી અજાણ હતો કે પોતે જેને વિકાસ ગણે છે એ પ્રેમ જ છે.
વિનય હજી રાજેશભાઈને ઓળખતો નહોતો. પણ વિકાસે જ બધુ કર્યું છે એતો એ જાણી ગયો હતો.
(વિનય તેના કિડનેપરનો ચહેરો જોઈને એ વિકાસ છે. એમ ઓળખી ગયો હતો. એ આગળના ભાગોમાં તમે વાંચી ચુક્યા છો.)

હજી પણ પ્રેમ ઉર્ફે વિકાસ તેની ગન વિનય સામે તાંકી રાખી હતી. એણે પોતાનો બચાવ કરવાનો આખરી ઉપાય યોજતા કહ્યું,“ઓફિસર જરા પણ ભૂલ કરશો, તો વિનયની ખોપડી ખોલી નાખીશ..."
“વિકાસ, બચવાનો કોઈ રસ્તો નથી. તું અહીંથી ક્યાંય નીકળી નથી શકવાનો માટે વિનયને છોડી દે અને સમર્પણ કરી દે..." અર્જુને પણ સામે રિવોલ્વર તાગી રાખી હતી.. અર્જુન બસ એક તકની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે વિકાસની નજર વિનય પરથી હટે...
વિકસે ફરી અર્જુનને ઉદ્દેશીને કહ્યું,“ઓફિસર, કંઈ પણ ચાલાકી કર્યા વગર ગન નીચે મૂકી દો, નહીંતર મને ગોળી ચલાવતાં સંકોચ નહીં થાય..."

અર્જુન એટલું તો જાણતો હતો કે વિકાસ વિનયને મારશે નહીં કારણ કે વિનય જ એકમાત્ર વ્યક્તિ હતો જેને ગન પોઇન્ટ પર રાખીને વિકાસ અહીંથી નીકળી શકે તેમ હતો. અર્જુને જે હાથમાં ગન હતી તે હાથ ઊંચો કરીને કહ્યું,“ok, હું રિવોલ્વર નીચે મુકું છું.."
“એક નહીં, બધા પોત-પોતાની ગન્સ નીચે મૂકી દો...અને રસ્તામાંથી દૂર ખસી જાવ" વિકાસે કહ્યું.
“રમેશ,દીનેશ તમારી ગન્સ નીચે મૂકી દો"અર્જુને રમેશને ઉદ્દેશીને કહ્યું.
રમેશ અર્જુનથી થોડો દૂર રૂમની અંદરની બાજુ ઉભો હતો એટલે જેવો એ ગન નીચે મુકવા ગયો એમાં વિકાસનું ધ્યાન અર્જુન પરથી પળવાર માટે હટ્યું અને અર્જુન જાણે એ જ રાહ જોતો હતો...એમ ઘડીના છઠ્ઠા ભાગમાં બીજી રિવોલ્વર કાઢીને વિનયના હાથનો નિશાનો લગાવીને ટ્રિગર દબાવ્યું. અને એના અચૂક નિશાનને કારણે ગોળી સીધી વિકાસના જે હાથમાં ગન હતી તેની હથેળી પર વાગી...વિકાસના હાથમાંથી ગન નીચે પડી ગઈ અને હાથમાંથી લોહીની ધારા વછૂટી અને તેની પીડાથી કારમી ચીસ નીકળી ગઈ....

હજી વિકાસ કંઈ સમજે એ પહેલાં તો અર્જુન એની લગોલગ પહોંચી ગયો અને કોલર પકડીને પોતાની નજીક ખેંચીને કહ્યું,“વિકાસ તારો ખેલ ખતમ થયો...તારી વધુ પડતી ચલાકી ના કારણે જ તું આજે પકડાય ગયો...અને રાજેશભાઈ તમે પણ બરાબરના ગુનેગાર છો.. ગિરધરે બધું કબૂલી લીધું છે."

રમેશે રાજેશભાઈને હાથકડી પહેરાવી અને દીનેશે વિનયને બંધનમાંથી મુક્ત કર્યો પણ લાંબા સમયથી આ જ અવસ્થામાં રહેવાથી વિનયની સ્થિતિ પણ થોડી ખરાબ હતી. એટલે એને ઊભો થવામાં પણ દીનેશનો ટેકો લેવો પડ્યો અને અર્ધ મૂર્છિત જેવી અવસ્થામાં અર્જુનને ઉદ્દેશીને કહ્યું,“સર, તમને કેમ ખબર પડી કે આ બધું વિકાસે કર્યું છે. અને હા વિકાસ જ પ્રેમ છે."

હવે ચોંકવાનો વારો અર્જુનનો હતો. તે આશ્ચર્યથી ઘડીક રાજેશભાઈ અને વિકાસ સામે જોઈ રહ્યો.
“અચ્છા, તો તમે અમારી પાસે પહેલાથી જ ખોટું બોલી રહ્યા હતા, અને પ્રેમનો એક્સિડન્ટ થયો જ નહોતો બરાબર ને રાજેશભાઈ?"

રાજેશભાઈને ખબર હતી કે હવે ખોટું બોલવાથી કઈ ફાયદો નથી એટલે તેમણે માત્ર હકારમાં માથું હલાવ્યું.
રમેશે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને વિકાસના હાથમાંથી લોહી વહેતું અટકાવવા માટે બાંધી દીધું. અને વિકાસ અને રાજેશભાઈ બંનેને જીપમાં બેસાડયા...

સંજય અને વિનય જીપમાં આગળ બેઠા જ્યારે અર્જુન અને રમેશ વિકાસ અને રાજેશભાઈની સાથે પાછળની સાઈડ બેસીને પોલીસ સ્ટેશન જવા રવાના થયા.....


તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા એટલીવારમાં દાક્તરી સારવાર માટે એક એમ્બ્યુલન્સ પણ આવી ગઈ હતી. વિકાસના હાથની સારવાર કરી, રાજેશભાઈ અને વિકાસ બંનેને લોકઅપમાં ધકેલી અને વિનયનું પણ મેડિકલ ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ રવાના કર્યો.

થોડીવાર બાદ અર્જુન લોકઅપમાં પ્રવેશ્યો. રમેશ પણ સાથે હતો.
અર્જુને બંનેને જોઈને કહ્યું,“તો હવે પ્રથમ અધ્યાયથી શરૂ કરશો કે મારે હજી શારીરિક બળ વાપરવું પડશે...."

વિકાસે અર્જુન સામે જોઈને કહ્યું,“મારો પ્લાન તો પરફેક્ટ હતો. તમને કેમ ખબર પડી...."
“તારી જ ચલાકીના કારણે....ક્યારેક માણસને એમ થાયને કે હું જ સૌથી હોશિયાર છું. ત્યારે નાનકડી ભૂલ કરી બેસે છે અને તે પણ એમ જ કર્યું."અર્જુને સસ્મિત કહ્યું.

“કઈ ભૂલ....મેં તો કોઈ ભૂલ કરી જ નથી.."વિકાસે આશ્ચર્યથી પૂછ્યું.

“થોડા સમય પહેલાં મેં તમને બધાને એક મેસેજ કર્યો હતો. યાદ છે?"
“હાં...પેલો પ્રોફેસરના કારના નંબર જાણવા માટે."
“હા, હવે એમાં બાકી બધા એ સાચા નંબર જ આપ્યા કારણ કે એ લોકો નહોતા જાણતાં કે હું શા માટે માંગુ છું. એક તે જ જાણી જોઈને ખોટા નંબર મોકલ્યા કારણ કે તને ખબર હતી કે પ્રો. આકાશની કારના નંબર એક ટેક્ષીમાં તારા દ્વારા જ વાપરવામાં આવ્યા હતા....એટલે તે જાણી જોઈને ખોટો જવાબ આપ્યો.... એ તારી ભૂલ..."

વિકાસના પગ તળિયેથી જાણે જમીન ખસી ગઈ. કેમકે એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અર્જુન એક મેસેજથી આટલું ઊંડું વિશ્લેષણ કરીને એના સુધી પહોંચી જશે. એ તો આંખો ફાડીને અર્જુન સામે જોઈ રહ્યો.

“હવે એ તો સમજાયું કે તે શા માટે કર્યું, પણ રાજેશભાઈ પ્રેમને વિકાસ બનાવવા પાછળ તો તમારો જ હાથ હતો બરાબરને?"

અત્યાર સુધી શાંત બેસેલા રાજેશભાઈએ કહ્યું,“ હા, પણ હું શું કરું, પ્રેમને જ બદલો લેવો હતો. અને એ રોજ રોજ નશાની લતમાં ઊંડો ઉતરતો જતો હતો. અને હું મારા દીકરાની બરબાદી તો કેમ જોઈ શકું...?"
“હવે તમારો દીકરો બરબાદ નહીં થાય? અને હા જો પ્રેમનું એક્સિડન્ટ થયું ત્યારે પ્રેમ જીવિત હતો તો એક્સિડન્ટ સમયે પોલીસને લાશ મળી એ કોની હતી?"અર્જુનની આંખમાં ગુસ્સો ઉતરી આવ્યો.

(ક્રમશઃ)