અર્ધ અસત્ય. - 17 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 17

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૭

પ્રવીણ પીઠડીયા

અનંતસિંહની હવેલીએથી આવ્યાં બાદ અભયને ચેન પડતું નહોતું. હજ્જારો સવાલો એકસાથે ઉદભવતા હતા અને એ સવાલોનાં ગૂંચળામાં તે ખુદ ઉલઝી પડયો હતો. એક તરફ પોલીસ ઓફિસર તરીકેની પોતાની કારકિર્દી ઓલરેડી જોખમમાં હતી અને બીજી તરફ તેણે આ સળગતાં રહસ્યનું ડૂંભાણું હાથમાં પકડી લીધું હતું. મગજમાં વિચારોનું ધમાસાણ મચ્યું હતું કે આખરે તે કઈ બાબતને પ્રાધાન્ય આપે? પોતાની નોકરીને કે પછી પૃથ્વીસિંહના કેસને? અનંતને તે નાં કહી શકે તેમ નહોતો કારણ કે એ તેનો લંગોટિયો યાર હતો. ઉપરાંત તેનાથી પણ મહત્વનું કારણ એ હતું કે હવે તેને ખુદને આ કેસમાં દિલચસ્પી ઉદભવી હતી. તેનું ખુરાફાતી પોલીસીયું દિમાગ ક્યારનું ખતરાની ઘંટડીઓ વગાડવા લાગ્યું હતું અને સ્પષ્ટ સંકેતો આપતું હતું કે પૃથ્વીસિંહજીની ગુમશુદગી તો માત્ર એક મોહરું છે, તેની પાછળ અન્ય બીજા ઘણાં ખૌફનાક રહસ્યો છૂપાયેલાં હોઇ શકે. થડકી ઉઠયો અભય. અડધી રાત વિતિ ચૂકી હતી અને બહાર વાતાવરણમાં ઠંડક બરાબરની જામી હતી છતાં તેના કપાળે પરસેવો ઉભરી આવ્યો હતો. તે ઉભો થયો અને પલંગની બાજુમાં ટિપોઈ ઉપર પડેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને ગટગટવી ગયો. ઠંડુ પાણી પેટમાં જતાં થોડી નિરાંત વળી અને મગજ થોડું શાંત પડયું. આવી અસંમજસભરી સ્થિતિમાં જીવવા તે ટેવાયેલો નહોતો. કોઈક તો નિર્ણય લેવો જરૂરી હતો જેથી કમસેકમ રાત્રે નિરાંતે ઊંઘ તો આવી શકે.

ફરીથી તેણે વિચાર આરંભ્યો અને પલંગની ધારે બેસતાં મન મક્કમ કરીને એક ફેંસલો લીધો. સવારે ઉઠીને સૌથી પહેલા પૃથ્વીસિંહજીની હવેલી શોધવા નીકળી પડવું અને પછી ત્યાંથી ભરૂચ હેડ ક્વાટરમાં તપાસ કરવી. જો તેમની ફાઈલ સલામત મળી આવે તો તેનો અભ્યાસ કરવો અને એ સમયે પોલીસ તપાસમાં શું નોંધાયું હતું અને તેનો આખરી નિષ્કર્ષ શું નીકળ્યો હતો એ જાણવું.

મનમાં સર્જાયેલી દુવિધા ખતમ થતા જ તે હળવોફૂલ બની ગયો. આ નિર્ણય અફર હતો. ગમે તે થાય પરંતુ હવે તે પાછી પાની કરવાના મૂડમાં નહોતો. બધા જ વિચારો બાજુ પર મુકીને તેણે પલંગ ઉપર લંબાવી દીધું અને થોડીવારમાં જ તે ઘસઘસાટ ઉંઘવા લાગ્યો હતો. એ સમયે પણ રાજગઢની ધરતી ઉપર મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને હજું યે વરસાદ બંધ થાય એવા કોઈ આસાર નજરે ચડતા નહોતા.

પરંતુ... એક વાતથી તે અજાણ હતો. સુરતમાં તેના કેસની કોઈક પુરજોશમાં તપાસ કરી રહ્યું હતું અને સાંજે જ એમાં જબરજસ્ત સફળતા સાંપડી હતી.

@@@

બરાબર સાતનાં ટકોરે બંસરીની એકટીવા “બ્રિજવાસી” નામનાં એક ખુલ્લા ધાબા જેવા રેસ્ટોરન્ટ નજીક આવીને ઉભી રહી. રઘુભાની સાથે હતો એ સુરા નામનાં શખ્સે તેને અહીં જ આવવાનું કહ્યું હતું. ભારે ઉત્તેજનાથી બંસરીનું હદય ફફડતું હતું અને એક અજીબ પ્રકારનો ડર પણ તેને લાગતો હતો. રઘુભા સાથેની મુલાકાતમાં એક વાત સ્પષ્ટ સાબિત થઇ ચૂકી હતી કે અભય બેગુનાહ હતો. ટ્રક માલિકો પોલીસ ખાતામાં હપ્તા આપતા હતા પરંતુ એ હપ્તા અભય નહીં, બીજુ કોઇ લેતું હતું. મતલબ કે જે અકસ્માત થયો તેમાં ન્યૂઝ ચેનલોએ જે આરોપ અભય ઉપર લગાવ્યો હતો એ સાવ બે-બુનીયાદ સાબિત થાય તેમ હતો. અને રઘુભા જો એકાએક ગુસ્સે ભરાયો ન હોત તો એ ઓફિસરનું નામ પણ જાણવા મળી ગયું હોત. પરંતુ ખેર, એ મોકો ફરી અત્યારે સુરાનાં રૂપમાં આવ્યો હતો.

તેણે “બ્રિજવાસી” તરફ નજર માંડી. તે એક સામાન્ય કક્ષાનું ધાબું હતું. આગળ પતરાવાળો લાંબો શેડ બાંધેલો હતો જેની નીચે થોડા ટેબલો અને ચાર-પાંચ કાથીનાં ખાટલાઓ ગોઠવાયેલા હતા. એ પછી પાકા બાંધકામવાળો મુખ્ય હોલ હતો. એ હોલમાં પણ ટેબલ ખુરશીઓ ગોઠવાયેલા હતા અને તેની એક તરફ રસોડું ધમધમતું હતું જ્યાંથી તળાતા, વઘારાતા, શેકાતા ભોજનની વિચિત્ર પ્રકારની ભેળસેળવાળી સુગંધ આવતી હતી. હોલમાં કાઉન્ટર ઉપર મારવાડી જેવો દેખાતો એક દુબળો-પાતળો શખ્સ બેઠો હતો જે તેના ખભે મુકેલા નેપકીનથી માખીઓ ઉડાડતો હતો. “બ્રિજવાસી”ના પાર્કિંગ એરિયામાં થોડી ટ્રકો અને ટેમ્પાઓ ઉભા હતા એ જોઇને કોઇને પણ ખ્યાલ આવી જાય કે આ હોટલનાં મુખ્ય ઘરાકો આ લોકો જ હશે. બંસરીને આ જગ્યા ઠીક જણાતી નહોતી. એક સાવ અજાણ્યાં શખ્શ ઉપર ભરોસો મુકીને તે અહીં આવી ચડી હતી એ નિર્ણય હવે જોખમ ભરેલો જણાતો હતો. બની શકે કે સુરાએ તેને કોઇ અલગ પ્લાનથી બોલાવી હોય! અજાણી આશંકાઓથી તેનું હદય જોરજોરથી ધડકતું હતું.

“મેડમ, આ તરફ.” કાનની સાવ નજીકથી એક સરસરાહટ ભર્યો અવાજ પસાર થઇ ગયો અને બીકનાં માર્યા તે ઉછળી પડી. તેણે સુરાને પસાર થતો જોયો ન હોત તો ચોક્કસ તેના ગળામાંથી ચીખોનો ધોધ વછૂટયો હોત. સુરો તેની સાવ નજીકથી પસાર થઇને અંધારામાં અંતર્ધાન થઇ ગયો હતો. એ તરફ એક ટ્રક ઉભી હતી. બંસરીને ઘડીક થયું કે તે પાછી ફરી જાય, પરંતુ અહીં સુધી આવ્યા બાદ પાછા પગલા ભરવા એ ગમતી વાત નહોતી કારણ કે આ જ તો સમય હતો પોતાની જાતને સાબિત કરવાનો. આખરે તેણે મન મક્કમ કર્યું. એક ઉંડો શ્વાસ લીધો અને ખભે લટકતા પર્સને મજબુતીથી એક હાથે પકડયું. પોતાની સુરક્ષાની વ્યવસ્થા તે કરીને આવી હતી. પર્સમાં ચીલી સ્પ્રે અને એક નાનકડું પણ ધારદાર ચપ્પુ સાથે લીધું હતું. તેણે અંધકાર તરફ કદમ ભર્યાં.

ઢાબાની છતે લટકતા બલ્બનો આછો પ્રકાશ સુરો જે ટ્રક પાછળ ગયો હતો ત્યાં સુધી આવીને ખતમ થઇ જતો હતો. બંસરી સાવધાની વર્તતી ટ્રક નજીક પહોંચી.

“મેડમ, આ તરફ.” ફરીથી એ જ શબ્દો અને એ જ ફૂસફૂસાતો શ્વર. એ અવાજ ટ્રકની ડ્રાઇવર કેબીનમાંથી આવ્યો હતો. બંસરી અચકાઇ. સુરો કેબિનમાં હતો અને તેને અંદર બોલાવી રહ્યો હતો. તેણે મક્કમતાથી દાંત ભિસ્યા અને ટ્રકની આગળથી ગોળ ફરીને ક્લિનર સાઈડે પહોંચી.

“મેડમ, ગભરાશો નહી. અંદર આવી જાઓ.” સુરાએ હળવેકથી અવાજ ન થાય એ રીતે ક્લિનર સાઈડનો દરવાજો ખોલી નાંખ્યો. કેબિનમાં તે એકલો જ હતો. બંસરીએ પર્સની ઝિપ ખુલ્લી જ રાખી હતી.

“તમે નીચે ન આવી શકો?” સાવ ધીમેથી તેણે સુરાને પૂછયું.

“નહીં, કોઇને ખબર પડે તો બીજા દિવસે મારી લાશ મળે અથવા તો રાતોરાત મને ગુમ કરી દેવામાં આવે. જેમ પેલા કાળીયાને ગુમ કરી દેવામાં આવ્યો છે એમ.” સુરાનું મોઢું તો અંધારામાં બંસરીને દેખાતું નહોતું પરંતુ તેના અવાજમાં રહેલા ભયનો ઓછાયો તે પારખી ગઇ. મતલબ કે એ સાચું બોલી રહ્યો હતો એટલે હવે તેનાથી ગભરાવાનું કોઇ કારણ નહોતું.

“કાળીયો, કોણ કાળીયો!” બંસરીને આશ્વર્ય થયું. આ નામ પહેલા ક્યાંય સાંભળ્યું નહોતું.

“મેડમ પ્લિઝ, પહેલા તમે અંદર આવતા રહો. આ બાજુથી કોઇ પસાર થશે અને તમને મારી સાથે જોઇ લેશે તો આપણાં બન્નેનું આવી બનશે. હું સામેથી બધું જણાવવા તૈયાર છું પછી શેની ફિકર છે! મહેરબાની કરીને કેબિનમાં આવતા રહો.” લગભગ આજીજીભર્યા શ્વરે તે બોલ્યો હતો એટલે વધું વીચાર્યા વગર બંસરી ટ્રકની કેબિનમાં ચડી બેઠી. સુરો ટ્રકનાં એન્જીનની બોડી ઉપર બેઠો હતો. બંસરી ક્લિનર સીટ ઉપર ગોઠવાઈ.

“બોલ, શું કહેવું છે તારે? અને આ કાળીયો કોણ છે, તેને કોણે ગાયબ કર્યો છે?” બંસરીને અપાર જીજ્ઞાસા ઉદભવતી હતી.

“કાળીયો એ ટ્રકનો ડ્રાઇવર છે જેણે પેલો અકસ્માત સર્જયો હતો. તમે પૂંછો એ પહેલા જ જણાવી દઉં કે જ્યારે તમે રઘુભાને મળવા આવ્યાં ત્યારે જ મને શક પડયો હતો કે તમે કોઈ વીમા કંપનીમાંથી આવતા નથી. તમે પોલીસ છો અથવા તો કોઇ પત્રકાર હશો. પોલીસવાળાનાં કોઇ લક્ષણો તમારામાં દેખાતા નહોતા એટલે પાક્કું થઇ ગયું કે તમે એક પત્રકાર જ છો. રઘુભાને આવું બધું ક્યારેય નહી સમજાય કારણ કે એ જાડી બુધ્ધીનો માણસ છે. એક ઘા અને બે કટકા.. એથી વિશેષ તેને કંઇ આવડતું નથી. પરંતુ હું તમને ઓળખી ગયો હતો.”

“તો આ વાત તે રઘુભાને કેમ ન જણાવી?” બંસરીને આશ્વર્ય ઉદભવ્યું.

“કાળીયો મારો દોસ્ત હતો. એક્સિડન્ટ થયા બાદ તે રઘુભા પાસે આવ્યો હતો. રઘુભાએ તેને બહું માર્યો હતો. પછી ખબર નહી તેનું શું કર્યું હશે? એ દિવસ પછી તે ક્યારેય દેખાયો નથી. તેનો ફોન બંધ છે અને પરિવારને તો કશી ખબર જ નથી કે એ ક્યાં હશે. પણ મને ખબર છે કે એની સાથે રઘુભાએ શું કર્યું હશે!”

“શું કર્યું હશે?” બંસરીની ધડકનો લગભગ બંધ થવાની તૈયારીમાં હતી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Tejal

Tejal 2 વર્ષ પહેલા

nikhil

nikhil 2 વર્ષ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

Hiren Patel

Hiren Patel 2 વર્ષ પહેલા

Ankita

Ankita 3 વર્ષ પહેલા