વન્સ અપોન અ ટાઈમ - 111 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 111

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 111

કલકત્તાના એક જાણીતા ઉદ્યોગપતિનું અપહરણ કરવા માટે આવેલા બબલુ શ્રીવાસ્તવ ગેંગના ગુંડાઓને વચ્ચે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એમને આંતર્યા. અને કલકત્તામાં ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અને બબલુ શ્રીવાસ્તવ ગૅંગના ગુંડાઓ વચ્ચે કોઈ ફિલ્મના સિનને ટક્કર મારે રીતે સામસામે ફાયરિંગ ચાલ્યું. ઉત્તર પ્રદેશની પોલીસ ટીમે બબલુ ગૅન્ગના ગુંડાઓનો એક કિલોમીટર સુધી પીછો કરીને ચાર ગુંડાનો ખાતમો બોલાવી દીધો. જોકે બબલુની પ્રેમિકા અર્ચના નાસી છૂટી પણ, બબલુ ગેંગના બે ગુંડા જખમી હાલમાં પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. એમની પાસેથી મળેલી માહિતીના આધારે ઉત્તરપ્રદેશ પોલીસે અલ્હાબાદની નૈની જેલમાં બબલુ શ્રીવાસ્તવની કોટડીમાં રેડ પાડી ત્યારે બબલુ પાસેથી મોબાઈલ ફોનમાં ઉપયોગમાં લેવાતા 26 સીમ કાર્ડ મળી આવ્યા. બબલુની ધરપકડથી એની ગેંગની પ્રવૃત્તિને થોડો સમય બ્રેક લાગી ગઈ.’

***

એ દિવસે પોલીસ ઓફિસર ફ્રેન્ડને અર્જન્ટ કોલ આવ્યો એટલે તેમણે પોલીસ હેડક્વાર્ટર પહોંચવા નીકળવું પડ્યું. તેમને પોલીસ કમિશનરે કશુંક કામ સોંપ્યું એટલે તેમને થોડા દિવસો માટે બહારગામ જવાનું થયું એટલે તેમણે અમને કોલ કરીને કહ્યું કે હું પાછો આવીશ ત્યારે મળીશું.

આ દરમિયાન પપ્પુ ટકલાનો તો કોઈ પત્તો જ નહોતો. પણ એકાદ સપ્તાહ ગાયબ રહ્યા પછી એક દિવસ વહેલી સવારે અચાનક પપ્પુ ટકલાનો સામેથી કોલ આવ્યો. તેણે કહ્યું, ‘સોરી બોસ, તમે મોડા ઊઠવાવાળા છો, પણ ઘણા દિવસથી રહી જતું હતું એટલે આજે તો ઊઠીને પહેલું કામ તમને કોલ કરવાનું જ નક્કી રાખ્યું હતું. તમને સમય હોય તો આજે તમે કહો ત્યારે મળીએ.’

અને અમે એ રાતે ઑફિસથી નીકળીને પપ્પુ ટકલાને મળવાનું નક્કી કર્યું.

એ રાતે પપ્પુ ટકલા સાથે કોઈ હોટેલમાં મળવાનું હતુ પણ આશ્વર્યજનક રીતે તે નવી નક્કોર બીએમડબલ્યુ સેવન સિરિઝ કાર લઈને અમને સાંજે ઑફિસે લેવા આવી ચડ્યો! પણ પોલીસ ઑફિસર ફ્રેન્ડની સલાહ અમને યાદ હતી કે પપ્પુ ટકલા સાથે બહાર ક્યાંય ન જતા, એને કોઈ સલામત સ્થળે જ મળજો. એટલે અમે તેને કહ્યું કે, ‘અમને આજે થોડું મોડું થશે એટલે આપણે મોડેથી મળીએ.’

પપ્પુ કટલાએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં, તમે કામ પતાવીને સીધા ફાઈવસ્ટાર હોટેલ સી પ્રિન્સમાં આવજો.’

અમે પોલીસ ઑફિસર ફ્રેન્ડને પપ્પુ ટકલાના કોલ વિશે વાત કરી. પોલીસ ઑફિસર ફ્રેન્ડે અમને કહ્યું હતું કે હવે હું પપ્પુ ટકલાને મળવા નહીં આવું, પણ તેમણે આશ્ચર્યજનક રીતે કહ્યું કે હું આજે રાતે ફ્રી છું એટલે તમારી સાથે આવીશ. એટલે એમની સાથે અમે રાઅતે પપ્પુ ટકલાને મળવા ફાઈવસ્ટાર હોટેલમાં પહોંચ્યા.

પપ્પુ ટકલાનો ડ્રિન્કનો દોર ચાલુ જ હતો. તેણે વાત શરૂ કરી ત્યારે પોલીસ ઑફિસર ફ્રેન્ડ ઝીણવટપૂર્વક તેના ચહેરાના હાવભાવનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

પપ્પુ ટકલાએ એઝ યુઝવલ બ્લેક લેબલનો લાર્જ પેગ હાથમાં લઈને ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવી પછી પૂછ્યું કે ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’

અમે તેને કહ્યું કે તમારી ગેરહાજરીમાં પોલીસ ઑફિસર ફ્રેન્ડે અમને આટલી વાત કરી હતી. એ સાથે પપ્પુ ટકલાએ વાતનો દોર હાથ લઈ લીધો અને વાત આગળ ધપાવી: ‘બબલુ શ્રીવાસ્તવ ગેંગ પર ઉત્તરપ્રદેશ પોલીસની તવાઈ આવી એથી દાઉદ ઈબ્રાહિમને આનંદ થવો જોઈતો હતો, પણ દુશ્મન ગેંગની પડતીનો હરખ એ મનાવી શકે એમ નહોતો, કારણ કે એ દરમિયાન જ દાઉદને એક મોટો અને અકલ્પ્ય ફટકો પડ્યો હતો. દાઉદના મજબૂત રાજકીય આધારસ્તંભ સમા રોમેશ શર્માને દિલ્હી પોલીસ પકડી પાડ્યો હતો.

21 ઓકટોબર, 1998ના દિવસે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વ્હાઈટ કોલર માફિયા રોમેશ શર્માના ફાર્મ હાઉસમાં જઈને પુષ્પક એવિયેશન કંપનીનું થ્રી-સીટર હેલિકોપ્ટર જપ્ત કર્યું. રોમેશ શર્મા 1996માં ફૂલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો ત્યારે ચૂંટણી પ્રચાર માટે તેણે પુષ્પક એવિયેશન કંપની પાસેથી એ હેલિકોપ્ટર ભાડે લીધું હતુ. પુષ્પક એવિયેશિયન ડાયરેક્ટર એચ. સુરેશ રાવે એ હેલિકોપ્ટર પાછું માગ્યું ત્યારે રોમેશ શર્માએ પોત પ્રકાશ્યું અને સુરેશ રાવને ધમકી આપી કે હવે પછી હેલિકોપ્ટર પાછું માગવાની ભૂલ કરીશ તો તારે જીવ ગુમાવવો પડશે.

એ પછી સુરેશ રાવને દુબઈથી છોટા શકીલ સહિત અનેક ‘ભાઈઓ’એ ફોન પર ધમકાવ્યા હતા. પણ સુરેશ રાવ હિંમત કરીને રોમેશ શર્મા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. છેવટે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે રોમેશ શર્માના ફાર્મ હાઉસમાં જઈને હેલિકોપ્ટર જપ્ત કર્યું હતું. જોકે રોમેશ શર્મા જેવી ‘પહોંચેલી માયા’ ને બોચીએથી પકડવા અગાઉ દિલ્હી પોલીસે પૂરતી તૈયારી કરી હતી. દિલ્હી પોલીસની નજર ઘણા સમયથી રોમેશ શર્મા પર હતી પણ તેની રાજકીય વગને કારણે તેની સામે કાનૂની પગલાં લેતાં અગાઉ દિલ્હી પોલીસે હજાર વાર વિચારવું પડે એમ હતું.

રોમેશ શર્માના ફોન દિલ્હી પોલીસ રેકર્ડ કરતી હતી. રોમેશ શર્માએ મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ પછી એ કેસના ઘણા આરોપીઓ તથા દાઉદ ઈબ્રાહિમની બહેન અને માતાને દિલ્હીમાં પોતાના નિવાસસ્થાનમાં આશરો આપ્યો હતો એવી માહિતી પણ પોલીસને મળી હતી.’

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Santosh Solanki

Santosh Solanki 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા

Mayur

Mayur 3 વર્ષ પહેલા

ગૌતમકુમારનટવરભાઇ કોઠારી