વન્સ અપોન અ ટાઈમ - 108 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સત્ય...??

    ️ નમો ભગવતે વાસુદેવાય નમઃ ️આજ બપોરથી શરૂ થઈને કાલ બપોર સુધી...

  • રામ જન્મભૂમિ, અયોધ્યા

    શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યાઅમે  મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી...

  • ખજાનો - 31

    " ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ ર...

  • તલાશ 3 - ભાગ 11

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-109

    પ્રેમ સમાધિ પ્રકરણ-109 મધુ એની નીચતાંના છેક નીચલાં સ્તરે પહો...

શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 108

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 108

‘મુંબઈ પોલીસના ઑફિસર્સે જેને ત્રણ વર્ષ પહેલાં બેંગલોરમાંથી પકડી પાડ્યો હતો એ, દાઉદ ગેંગનો, શૂટર ફિરોઝ કોંકણી મુબંઈના પડોશી શહેર થાણેની સેન્ટ્રલ જેલમાં પુરાયેલો હતો. 14 હત્યા સહિત બળાત્કાર અને મુંબઈમાં રમખાણો ભડકાવવાના અનેક આરોપ એની સામે હતા. આવા ખુંખાર ગુંડા ફિરોઝ કોંકાણીએ મુંબઈની સેશન્સ કોર્ટમાં ગવળી ગેંગના એક ગુંડા ઉપર અસ્ત્રાથી હુમલો કર્યો હતો. એ ઘટના પછી ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

ફિરોઝ કોંકણી પાસે કોર્ટમાં અસ્ત્રો ક્યાંથી આવ્યો એવા સવાલનો જવાબ પોલીસ કર્મચારીઓ આપી શક્યા નહોતા. પણ એ ઘટનાને ઝાંખી પાડી દે એવી ઘટના 6 મે, 1998ના દિવસે મુંબઈમાં બની. ફિરોઝ કોંકણીએ થાણેની સેન્ટ્રલ જેલમાં પોતે બિમાર પડી ગયો હોય એવો ઢોંગ કર્યો. અને થાણે પોલીસની એક ટીમ હોંશે-હોંશે એને સારવાર માટે મુંબઈ કુખ્યાત સર જે.જે. હોસ્પિટલમાં લઈ ગઈ. થાણે સેન્ટ્રલ જેલના જેલરે ‘ઉદારતાપૂર્વક’ કોંકણીને સારવાર માટે જે.જે.હોસ્પિટલમાં જવાની પરવાનગી આપી હતી.

થાણે પોલીસની ટીમ કોંકણીને સર.જે.જે.માર્ગ હોસ્પિટલમાં લઈ આવી એ વખતે કોંકણીએ કહ્યું કે મારે ટોઈલેટમાં જવું છે. કોંકણી ટોઈલેટમાં જઈને પાછો આવ્યો પણ એ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ઉભેલી પોલીસ વાનમાં ચડે એ પહેલાં બે યામાહા મોટરસાયકલ ઉપર ધસી આવેલા યુવાનોએ ઈમ્પોર્ટેડ રિવોલ્વરથી ફિરોઝ કોંકણી સાથેની પોલીસ ટીમ તરફ ગોળીબાર શરૂ કર્યો. એ ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ પી.ડી. કર્ડીલેને પેટમાં અને જમણા હાથમાં ગોળી વાગી. કર્ડીલે પાસે સ્ટેનગન હતી, પણ એને સ્ટેનગન ચલાવવાનો મોકો ન મળ્યો. એ ઘટના બની ત્યારે કોંકણીને હોસ્પિટલમાં લઈ ગયેલી પોલીસ ટીમનું નેત્રુત્વ કરનારો સબ ઈન્સ્પેક્ટર હોસ્પિટલમાં હતો. તે બહાર આવે એ પહેલાં ફિરોઝ કોંકણી એક યામાહા મોટરસાયકલની પાછળની સીટ ઉપર બેસીને નાસી છૂટ્યો. ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળા મારવાની સ્ટાઈલ મુજબ પોલીસે મુંબઈમાં આવવા-જવાનાં તમામ ચેકનાકા પર નાકાબંધી કરી દીધી, પણ ફિરોઝ કોંકણી પોલીસને થાપ આવીને મુંબઈથી નાસી છૂટ્યો હતો.

ફિરોઝ કોંકણી પોલીસના કબજામાંથી નાસી છૂટ્યો. એથી છોટા શકીલ અને દાઉદ ઈબ્રાહિમને નવું બળ મળ્યું હતું. ફિરોઝ કોંકણી ઘાતકી શાર્પશૂટર હતો. અને એનું મનોબળ અત્યંત મક્કમ હતું. પોલીસ કોઈપણ પ્રકારની થર્ડ ડિગ્રી અજમાવીને પણ એની પાસેથી માહિતી ઓકાવી શકતી નહોતી. બાકી ભલભલા ગુંડાઓ પોલીસની થર્ડ ડિગ્રીનો ભોગ બન્યા પછી નરમ ઘેંસ જેવા બની જતા હોય છે.’

‘તમારે વાચકોને થર્ડ ડિગ્રી વિશે ખાસ માહિતી આપવી જોઈએ,’ પપ્પુ ટકલાએ અમને સૂચન કરતાં કહ્યું. પછી ફાઈવફાઈવફાઈવનો એક ઊંડો કશ ખેંચીને વર્તુળાકારે ધુમાડો છોડ્યા પછી અમારો પ્રતિસાદ જાણવાની રાહ જોયા વિના જ એણે થર્ડ ડિગ્રી વિશે માહિતી આપવાની શરૂઆત કરી દીધી: ‘તમે ઘણી હિન્દી ફિલ્મોમાં જોયું હશે કે એક કોટડીમાં ગુનેગારને ખુરશી સાથે બાંધીને એની ઉપર એક ઈલેક્ટ્રીક બલ્બ લટકાવીને એને મારતાં-મારતાં પોલીસ ઑફિસર્સ એની પાસેથી માહિતી ઓકાવવાની કોશિશ કરતા હોય છે. છેલ્લાં થોડા વર્ષોથી માનવહક્ક કાર્યકર્તાઓ પોલીસની થર્ડ ડિગ્રી સામે અવાજ ઉઠાવતા થયા એ પછી તો પોલીસ ઑફિસર્સે ગુનેગારને કૂણા પાડવા માટે ચિત્રવિચિત્ર રસ્તાઓ શોધી કાઢ્યા છે. ગુંડાઓને શારીરિક ત્રાસ અપાય તો તેઓ પોતાના એડવોકેટ દ્વારા કોર્ટમાં ધા પણ નાખતા હોવાથી ઘણા પોલીસ ઑફિસર્સ આરોપીઓને સતત ઊભા રાખીને દિવસો સુધી સૂવા ન દઈને એમનું મનોબળ તોડી નાખે છે. જો કે બધા પોલીસ ઑફિસર્સ આવી પદ્ધતિ અમલમાં મૂકતા નથી. હજી પણ મોટા ભાગના પોલીસ ઑફિસર માને છે કે લાતો કે બૂત બાતોં સે નહીં માનતે, પણ ગુનેગારના શરીર પર ઈજાના નિશાન દેખાય તો કોર્ટનો ઠપકો સાંભળવો પડે એટલે પોલીસ ઑફિસર્સ હવે ‘સત્યશોધક’ પટ્ટાનો ઉપયોગ કરતા થયા છે. સાદા ચામડાના પટ્ટાથી કે લાકડીથી ગુનેગારને ફટકારવામાં આવે તો ગુનેગારના શરીર ઉપર સોળ ઉપસી જાય અને ઘણી વખત લોહી જામી જાય એટલે લાકડી અને ચામડાનાં પટ્ટાને બદલે સત્યશોધક પટ્ટાનો ઉપયોગ શરૂ થયો છે. પોલીસ ઑફિસરો અનાજ દળવાની ચક્કીમાં વપરાતા પટ્ટાનો ટુકડો લઈને એની એક બાજુએ હેન્ડલ ફીટ કરી દે અને બીજી બાજુ ખુલ્લી બાજુથી ગુનેગારને ફટકારે. એથી એને ભયંકર પીડા થાય, પરંતુ એક પણ નિશાન એના શરીર ઉપર રહે નહીં.

વર્ષો અગાઉ ઘણા પોલીસ ઑફિસર્સ ગુંડાઓ પાસેથી ગુનાની માહિતી કઢાવવા માટે ગુંડાઓને પેટ્રોલનું ઈન્જેક્શન આપતા હતા. ઘણાં સ્મગલર્સ પર આવો પ્રયોગ કરવામાં આવ્યો છે. પેટ્રોલનું ઈન્જેક્શન અપાય એટલે આરોપીને કાળી બળતરા થાય અને એ ચીસો પાડવા માંડે. એ ભાંગી પડે અને મોઢું ખોલી નાખે. તો વળી ઘણા પોલીસ ઑફિસર્સ ગુંડાઓના ગુપ્તાંગ ઉપર સળગતી મીણબત્તીના ગરમ ટીપાં પાડે. ઘણાં ઑફિસરો વળી રીઢા ગુનેગારોને કૂણા પાડવા માટે માનસિક ત્રાસ આપવાનું શસ્ત્ર અજમાવે છે. ગુનેગારને ગાંડા માણસની સાથે 24 કે 48 કલાક એક કોટડીમાં પૂરી દઈને એની પાસેથી માહિતી કઢાવવામાં આવે છે. મુંબઈના એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે તો વળી ગુનેગારોને બોલતા કરવા માટે નવો જ કીમિયા શોધી કાઢ્યો હતો. કોઈપણ માણસ વધુ ગળ્યું ખાય તો પછી એને પાણી પીધા વિના ચેન ન પડે એટલે ગુનેગારનું મોઢું ખોલાવવા માટે એ આસિસ્ટન્ટ કમિશનર પાંચ કિલો મીઠાઈ મંગાવતા અને પછી આગ્રહપૂર્વક ગુનેગારને મીઠાઈ ખવડાવવાની શરૂઆત કરતા. એ પછી પોલીસ સ્ટેશનના દરેક પોલીસમેન ગુનેગારને વારાફરતી આગ્રહ કરીને મીઠાઈ ખવડાવવા માંડે. આખરે છ-સાત કલાકે ગુનેગાર થાકીને પાણી માગે, ત્યારે વળી આસિસ્ટન્ટ કમિશનર જાતે એની સામે જઈને એને મીઠાઈ ખવડાવે. ગુનેગાર ખાઈ ખાઈને એટલી હદે ત્રાસી ગયો હોય કે એ આજીજી કરીને પાણી માગે એ વખતે એને કહેવામાં આવે કે, સાચું બોલી જા તો જ પાણી મળશે. છેવટે ગુનેગાર પોપટની જેમ બધું બોલવા માંડે. ઘણા પોલીસ ઑફિસરો ગુંડાઓને સતત કૂદતા રહેવાનો આદેશ આપે છે. કૂદતા-કૂદતા પગના ગોટલા ભરાઈ જાય એટલે પછી ભાંગી પડેલા ગુનેગાર પોલીસને બધું કહી દે છે. આવી તો ઘણા પ્રકારની થર્ડ ડિગ્રી પોલીસ ઑફિસર્સ અજમાવતા હોય છે.’

પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો ઘૂંટડો ભરતા પૂરક માહિતીનું સમાપન કર્યું. અને ફરી મૂળ ટ્રેક પર આવીને એણે વાત આગળ ધપાવી, ‘ફિરોઝ કોંકણી પોલીસની આવી કોઈ પણ થર્ડ ડિગ્રીથી ભાંગી પડ્યો નહોતો. પોલીસના કબજામાંથી છૂટીને એ વધુ ઝનુનપૂર્વક દાઉદ ગેંગ માટે કામ કરવા માંડ્યો. ફિરોઝ કોંકણી પોલીસના કબજામાંથી છટકી ગયો એટલે અરૂણ ગવળી અને છોટા રાજન ગેંગના ગુંડાઓ સામે ખતરો ઊભો થયો હતો. જો કે ફિરોઝ કોંકણી કોઈ મોટું ઓપરેશન હાથ ધરે એ પહેલાં તો છોટા રાજન ગેંગ દાઉદ ગેંગ પર ત્રાટકી હતી. રાજનના ગુંડાઓએ કોંકણી સાથે સંકળાયેલા, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી સલીમ કુર્લાને અંધેરી હોસ્પિટલમાં ગોળીએ દીધો એ પછી એમણે બીજો શિકાર બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી અને દાઉદ ગેંગના પાસપોર્ટ એક્સપર્ટ સલીમ પાસપોર્ટને બનાવ્યો. 11 મે, 1998ની બપોરના બે વાગે સલીમ કાસમ રહીમતુલ્લાહ ઉર્ફે સલીમ પાસપોર્ટ દક્ષિણ મુંબઈની સૈફી જ્યુબિલી સ્ટ્રીટમાં પોતાની ત્રણ પુત્રી સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે એણે કોઈ કામ માટે ઈલેક્ટ્રોનિકની એક દુકાન પાસે પોતાની કાર ઊભી રાખી એ જ વખતે ચાર શૂટર એની સામે ધસી આવ્યા. એમણે ભરબપોરે સલીમ પાસપોર્ટને એની ત્રણ દીકરીઓ સામે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કર્યો ને પછી તેઓ મોટરબાઈક પર નાસી છૂટ્યા...’

અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ રણકી ઊઠી. પપ્પુ ટકલાએ મોબાઈલ ફોન ઉઠાવીને એના સ્ક્રીન ઉપર ફ્લેશ નંબર જોયો અને એ અસ્વસ્થ થઈ ગયો!

(ક્રમશ:)