મોતીચૂર ચકનાચૂર - મુવી રિવ્યુ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોતીચૂર ચકનાચૂર - મુવી રિવ્યુ

અમુક ફિલ્મો આમ ભોળી ભોળી હોય. બિલકુલ ગ્લેમર વગરની હોય. એના મુખ્ય કલાકારો પણ મોટેભાગે ગ્લેમર વિહોણા હોય. આ પ્રકારની ફિલ્મમાં મોટાભાગના કલાકારો પણ નવા હોય અને અજાણ્યા હોય. આ પ્રકારની ફિલ્મો જોવા જવી એક રિસ્ક પણ હોઈ શકે તેમ છે.

કલાકારો: નવાઝુદ્દીન સિદ્દીકી, આથીયા શેટ્ટી, વિભા છિબ્બર, નવની પરિહાર અને વિવેક મિશ્રા

નિર્માતાઓ: વાયાકોમ 18 મોશન પિક્ચર્સ, રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા

નિર્દેશક: દેબમીત્રા બિસ્વાલ

રન ટાઈમ: ૧૨૫ મિનીટ

કથાનક

વાત ભોપાલની છે. આમ તો મોટું નગર અને અહીંના લોકો સાવ સાદા, સીધા અને સરળ છે. અહીની એક મધ્યમવર્ગીય પરિવારની કોલોનીમાં લગભગ બે વર્ષ પહેલા રહેવા આવેલી અનિતા ઉર્ફે એની (આથીયા શેટ્ટી) રહે છે. ઘરમાં માતાપિતા સાથે એક અપરણિત માસી પણ રહે છે. એનીને ફક્ત વિદેશમાં રહેતા છોકરા સાથે જ લગ્ન કરવા છે અને આ ચક્કરમાં એણે દસ છોકરા રિજેક્ટ કરી દીધા છે. તકલીફ એ ઉભી થઇ છે કે એનીની આ જીદ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ છે એટલે હવે ભારતમાં જ રહીને સંસાર વસાવવા ઈચ્છતા છોકરાઓ એની પાસે માંગા નાખતા જ નથી.

એનીના જ પડોશમાં એક ત્યાગી પરિવાર રહે છે. એમનો છત્રીસ વર્ષીય દીકરો પુષ્પિન્દર (નવાઝુદ્દીન સિદ્દીકી) દુબઈથી આવ્યો છે. આમતો દુબઈની કોઈ કંપનીમાં એકાઉન્ટન્ટ છે પણ તેની માતા ગામમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટટ છે એવું કહેતી હોય છે. આજકાલ પુષ્પિન્દર દુબઈથી ભારત આવ્યો છે અને એ પણ ‘લાંબી રજા’ લઈને, એટલે માતાપિતા એને ફટાફટ છોકરીઓ દેખાડવા માંડ્યા છે. પુષ્પિન્દરની બે તકલીફ છે. એક તો એની ઉંમર છત્રીસ વર્ષની થઇ ગઈ છે અને બીજી માતાને દહેજ લીધા વગર એના લગ્ન કરાવવા નથી, એટલે લગ્ન કરવાની ભરપૂર ઈચ્છા હોવા છતાં લગ્ન થતા નથી.

આવામાં એક તરફ એનાને કોઈ છોકરો મળતો ન હતો અને પુષ્પિન્દરને કોઈ છોકરી આપતું ન હતું એટલે છેવટે આ બેયનો મેળ બેસી જાય છે. પરંતુ આ મેળ બેસવામાં પણ એક પેચ છે અને એ પેચ એવો છે કે લંડન, અમેરિકા અને કેનેડાથી માંગા નહીં આવે એ નક્કી થઇ જતા એની હવે છેવટે દુબઈ તો દુબઈ એમ માનીને પુષ્પિન્દર સાથે લગ્ન કરવા તૈયાર થાય છે બાકી એને પુષ્પિન્દર સાથે કોઈ પ્રેમબેમ નથી.

આ પુષ્પિન્દર પણ દુબઈનો કોઈ ભેદ પોતાના દિલમાં છુપાવીને બેઠો છે. આવામાં એની પુષ્પિન્દર સામે લગ્ન કરીને દુબઈ જવાની લાલચે દાણા નાખે છે અને પુષ્પિન્દર આટલી સુંદર અને ઉંમરમાં નાની છોકરી મળી જતી હોવાથી હા પણ પાડી દે છે, પરંતુ આ બંનેને પોતપોતાના રાઝ ક્યારે ખુલી જશે એની કોઈ કલ્પના જ નથી હોતી.

રિવ્યુ

જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ અમુક ફિલ્મો ભોળી ભોળી હોય, ગ્લેમર વિહીન હોય, મોતીચૂર ચકનાચૂર પણ એક ભોળી અને ગ્લેમર વિહીન ફિલ્મ છે. ભોપાલ જેવા નોન મેટ્રો શહેરની વાત કરે છે અને આપણા જેવા સરળ માણસોની વાત કરે છે. ફિલ્મનો સહુથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ફિલ્મ સચ્ચાઈ બયાન કરે છે, એટલેકે આવું ખરેખર આપણી આસપાસ બનતું જ હોય છે એનો આપણને ખ્યાલ છે જ અને એથીજ ફિલ્મની વાર્તા આપણને આપણી પોતાની લાગે છે.

એવી છોકરી જેને વિદેશ જવાની ઘેલછા હોય જેને તે ભૂલ ભૂલમાં પોતાની મહત્ત્વકાંક્ષાનો અંચળો ઓઢાડતી હોય. તો એવો છોકરો જેની ઉંમર થઇ ગઈ હોય, થોડો પોતાની વધેલી ઉંમર કે એવરેજ દેખાવને કારણે લઘુતાગ્રંથીથી પીડાતો હોય, મોટી ઉંમર સુધી કોઈ સાથી ન મળે તો શરીરની જરૂરિયાત પૂરી ન થતી હોય એવામાં આવા છોકરાને અચાનક જ કોઈ સુંદર છોકરી સામેથી લગ્ન કરવાની વાત કરે તો તેની હાલત કેવી થાય? મોતીચૂર ચકનાચૂર આ બધુંજ અત્યંત સરળતાથી અને સુંદરતાથી આપણી સામે લાવીને મૂકી દે છે.

ફિલ્મમાં એવા કોઈ દિલને સ્પર્શી જાય એવા સંવાદો નથી, કે ન તો એવી કોઈ ખાસ સિનેમેટોગ્રાફી છે, કે ન તો નવાઝુદ્દીન કે આથીયા સિવાય જાણીતા કલાકારો છે, કે યાદગાર ગીતો છે, તેમ છતાં ફિલ્મને જે વાત કરવી છે એ આપણને કહી દે છે અને એમ કરતા કરતા ખાસ કંટાળો આપતી નથી કારણકે ટ્રીટમેન્ટ એકદમ હળવી છે. હા, અહીં ભોપાલી સ્ટાઈલમાં (એટલેકે સૂરમા ભોપાલીવાળી સ્ટાઈલ નહીં પણ અલગ) બોલતા સંવાદો ફ્રેશનેસ જરૂર લાવે છે. છોકરાને મોડા, છોકરીને મોડી અને બીજા ઘણા બધા નવા શબ્દો બોલાય છે પરંતુ ફિલ્મમાં જ્યારે બોલાય છે ત્યારે તેનો સંદર્ભ સમજાઈ જાય છે.

પરંતુ કદાચ આ જ બાબત ફિલ્મની વિરુદ્ધ પણ જાય છે. ઓછા જાણીતા કલાકારો અને સાવ સાદી અને સરળ વાર્તા કદાચ ફિલ્મને મોટી સંખ્યામાં દર્શકો ન લાવી આપે એ શક્ય છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણા વખત પહેલા એવું કહ્યું હતું કે તે હવે રોમેન્ટિક રોલ કરવા માંગે છે. કદાચ આ ફિલ્મ તેનું એ તરફનું પ્રથમ પગથીયું હોઈ શકે પરંતુ સત્ય એ છે કે રોમેન્ટિક રોલ કરવા માટે નવાઝુદ્દીનને હજી મજબૂત સ્ક્રિપ્ટ જોઇશે. આ સિવાય ફિલ્મમાં એનું પરફોર્મન્સ અન્ડર ટોન વધારે વ્યક્ત કરે છે. જેમ આગળ વાત કરી તેમ લઘુતાગ્રંથીથી પીડાતા વ્યક્તિનું વર્તન તેણે ખૂબ સારી રીતે ઉભાર્યું છે પરંતુ તેને કારણે ફિલ્મનો તે હીરો હોવા છતાં છવાઈ જતો નથી.

પરંતુ છવાઈ જાય છે, સરપ્રાઈઝીંગલી આથીયા શેટ્ટી! બોલકી, વાતેવાતે કોઈનું પણ અપમાન કરી દેતી, વિદેશ જવા માટે અતિઉત્સાહી અને અતિશય ઉત્સુક, ચંચળ, નાના શહેરની છોકરી જાણેકે આથીયામાં સમાઈ ગઈ હોય એવું લાગે છે. જ્યારે બહુ જૂની નહીં એવી અદાકારા નવાઝુદ્દીનને, ભલે નવાઝનો અન્ડર ટોન હોય, તેમ છતાં તેને ઝાંખો પાડી દે તો તમે વિચારી શકો છો કે તેનું પરફોર્મન્સ કેવું હશે. ફક્ત ચુલબુલી છોકરી તરીકે જ નહીં પરંતુ ઈમોશનલ દ્રશ્યોમાં પણ આથીયા ખૂબ સારો દેખાવ કરે છે અને એ પણ ભોપાલી બોલી બરોબર બોલીને! તમને એવું સતત લાગ્યા કરે કે આ ફિલ્મ કદાચ આથીયા શેટ્ટીની જ ફિલ્મ છે અને નવાઝુદ્દીન સિદ્દીકી અને અન્ય કલાકારો તેને ફક્ત સાથ આપે છે.

ફિલ્મ કદાચ બોક્સ ઓફિસ પર લોકોનું ધ્યાન ન ખેંચે, પરંતુ મોતીચૂર ચકનાચૂર એ મનોરંજક અને ગમે એવી ફિલ્મ તો છે જ!

૧૫ નવેમ્બર ૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ