પ્રેમ કે પ્રતિશોધ-44
(આગળના ભાગમાં જોયું કે સંજય અને દીનેશ ગિરધરને પકડીને અમદાવાદ બાજુ રવાના થાય છે. જ્યારે ગિરધર ના પકડાય જવાના સમાચાર મળે છે ત્યારે રાજેશભાઈ પણ અમદાવાદ જવા નીકળે છે.)
હવે આગળ...
આ બાજુ રાધી વિનય ગાયબ થયો તે દિવસ પછી કોલેજ નહોતી ગઈ જ્યારે દિવ્યા, નિખિલ, સુનિલ અને વિકાસ કોલેજે તો જતા હતા પણ વિનયની ચિંતા તો એમને પણ એટલી જ હતી. એટલે દિવ્યા કોલેજેથી ફ્રી થઈને રાધીને મળી આવતી. જ્યારે બાકીના મિત્રો વિનયના ઘરે પણ જઈ આવ્યા હતા. અને બને એટલી પોલીસની મદદ પણ કરતા હતા.
*****
સાંજના 4 વાગ્યા જેટલો સમય થયો હતો. દીનેશ અને સંજય ગિરધરને લઈને અમદાવાદ પહોંચ્યા. રાજેશભાઈની ગાડી પણ અમદાવાદ બાજુ આવવા નીકળી છે એવા સમાચાર અર્જુનને પણ મળી ગયા હતા. કારણ કે દરેક ટોલ ગેટ પર પોલીસનો હુકમ હતો કે રાજેશભાઈ ગમે તે સમયે ત્યાંથી પસાર થાય ત્યારે અમદાવાદ પોલીસને જાણ કરવી.
ગિરધરને હજી તો લોકઅપમાં પુરી, દીનેશ અર્જુન પાસે જવાની તૈયારી કરતો હતો ત્યાં તો રમેશ પણ પોલીસ સ્ટેશને આવીને સીધો અર્જુનની કેબિનમાં પ્રવેશ્યો...
“સર, મેં એ પ્રિન્ટરની તપાસ કરી..."રમેશે અંદર પ્રવેશતાં વેંત જ ઉત્સુકતાથી કહ્યું.
“હમ્મ, કઈ જાણવાં મળ્યું?"અર્જુને પુછ્યું.
“હા સર, એ પ્રિન્ટરની ખરીદી કર્યા બાદ ઓનલાઈન જ ચુકવણી કરવામાં આવી હતી, અને એ પણ..."
“રાજેશભાઈ...."અર્જુને અનુમાન લગાવીને કહ્યું.
રમેશ આશ્ચર્યથી અર્જુને સામે જોઈ રહ્યો,“સર, તમને કેમ ખબર પડી...?"
“મને એ તો લાગતું જ હતું કે રાજેશભાઈ પણ આમાં ક્યાંક ને ક્યાંક ઇનવોલ્ડ હશે જ!, એટલે મેં અનુમાન લગાવ્યું..."
હજી રમેશ કઈ આગળ બોલે તે પહેલાં દીનેશ કેબિનમાં પ્રવેશ્યો અને અર્જુનને કહ્યું કે ગિરધરને લોકઅપમાં પૂર્યો છે. એટલે અર્જુન, રમેશ અને દીનેશ સીધા લોકઅપ બાજુ ચાલ્યા.
દીનેશે દરવાજો ખોલતાં ખોલતાં કહ્યું,“સર, એણે કોના કહેવાથી આ બધું કર્યું એ જ નથી કહેતો."
અર્જુને અંદર જઈ અને બે ક્ષણ માટે ગિરધરના ચહેરા સામે જોઈ રહ્યો. અને પછી કહ્યું,“ગિરધર બધું કબૂલી જ લીધું છે તો પછી કોના કહેવાથી આ બધું કર્યું એ પણ પ્રેમથી કહી દે"
ગિરધરે એનું રટણ ચાલુ જ રાખ્યું,“સાહેબ, હું જો નામ લઈશ તો એ મને જીવતો નહીં મૂકે.."
“જો તું એના વિશે ગવાહી આપીશ, તો તારી સજા પણ ઓછી થશે અને એ પકડાય જશે એટલે તારે એનાથી ડરવાની જરૂર નથી...."
“પણ સાહેબ, મારે મરવું નથી..."ગિરધરે રડમસ અવાજે કહ્યું.
અર્જુને કઈ પણ કહ્યા વગર રિવોલ્વર કાઢી એના માથા સામે તાંકતાં કહ્યું,“જો કઈ નહીં બોલે, તો અહીં જ ગોળી મારી દઈશ અને પછી એન્કાઉન્ટરનું નામ આપી તારી ફાઈલ હંમેશા માટે બંધ કરી દઈશ..એનું નામ આપીને બચવાનો ચાન્સ છે. પણ નહીં આપે તો તો ચોક્કસ મરવાનું જ છે."
“સાહેબ,....મેં... આ બધું... અમારા સાહેબના કહેવાથી કર્યું હતું..."ગિરધરે તુંટક સ્વરે કહ્યું.
“રાજેશભાઈના કહેવાથી ને?"અર્જુને પૂછ્યું.
“હા સાહેબ."
“અને શા માટે રાજેશભાઈએ તને આ બધું કરવાનું કહ્યું..?"
“સાહેબ હું સાચું કહું છું, મને કંઈ ખબર નથી. મેં તો બસ જેટલું તેઓ કહેતા ગયા એટલું હું કરતો ગયો..."
“તને ખબર છે?, તારા કારણે ત્રણ-ત્રણ હત્યાઓ થઈ છે.."
ગિરધર આશ્ચર્યથી અર્જુનના મુખ સામે જોઈ રહ્યો..“સાહેબ મને એ કઈ ખબર નથી. અને મને એમણે એમ નહોતું કહ્યું કે કોઈની હત્યા કરવા માટે આ બધું કરવાનું છે.."
“જો તને કંઈ ખબર જ નહોતી તો તેં અજય સાથે વાત કરી હતી... ત્યારે તને પ્રશ્ન ન થયો?"
“થયો હતો સાહેબ, અને મેં રાજેશભાઈને પૂછ્યું પણ હતું... તો એમણે મને કહ્યું કે અજયને માત્ર ડરાવવા માટે જ આવું કહેવાનું હતું...એટલે પછી મેં કઈ વધારે પૂછ્યું નહીં."
“તો રાજેશભાઈએ જ બધી હત્યાઓ કરી છે એમ ને?"
“ના સાહેબ, મેં પેલા અજયને કોલ કર્યો ત્યારે સાહેબ તો એમના ઘરે હતા.."
“અને પેલા બેગમાંથી સેન્ડલ બદલવા માટે તને અલગ સેન્ડલ પણ રાજેશભાઈએ જ આપ્યા હશે.."
“હા, સાહેબ..."
અર્જુન ગિરધર સાથે વાત કરતો હતો એ દરમિયાન રમેશ કોલેજે જઈને જે ટ્રેકર લગાવી આવ્યો હતો. એ ચેક કરવા માટે ઓફીસમાં ગયો અને થોડીવારમાં અર્જુન પાસે આવીને કહ્યું,“સર, જે ટ્રેકર લગાવ્યું હતું એ ગાડી અત્યારે ક્યાંક જઈ રહી છે."
“તો પછી વિલંબ શેનો, ચાલો...."
અર્જુન,દીનેશ અને રમેશ પોલીસ સ્ટેશનથી નીકળી અને એ ટ્રેકરની મદદથી એ ગાડી જે દિશામાં ગઈ હતી તે તરફ ચાલ્યા...
વધુ આવતાં અંકે....