WRINKLE... books and stories free download online pdf in Gujarati

સળ.....

સળ…… વાર્તા…. દિનેશ પરમાર નજર
---------------------------------------------------------
આ હ્દયમાં રેતના કૈં સળ મળે
જીભ પર તો ઝાંઝવાના જળ મળે
સ્વપ્નમાં જોઇ તને મેં રાતભર
ને સવારે હાથમાં ઝાકળ મળે !
-હર્ષ બ્રહ્મભટ્ટ
____________________________________

" સાંભળ સોનલ ! બા ચંદ્રકાંતના ઘરે રહેવા ગયા છે.તેમની સાથે ગઇકાલે વાત થયેલી પણ ,તને કહેવાનુ ભુલી ગયો ,રાધિકાને હજુ સારુ થતા અઠવાડિયું લાગશે તેથી બા લગભગ આવતા શનિવારે આવે તેવું લાગેછે." ઘાટલોડિયાથી સોલાભાગવત તરફ જતા રોડ પરના સાબરમતી- વિરમગામ રેલ્વેટ્રેક પરના ફલાયઓવર બ્રિજને ક્રોસ કરી સાયોના ટાઉનશીપથી આગળ જતા કોર્પોરેશનના પ્લોટને અડીને આવેલી કાંચનજંગા સોસાયટીમાં બંગલા નંબર સાતમાં રહેતા મહેન્દ્ર મારુઅે તેની પત્ની સોનલ ને કહ્યું.
મહેન્દ્ર મારુ તેના બા શારદાબેન ત્થા પત્ની સોનલ સાથે રહેતા હતા. જ્યારે નાનો ભાઇ ચંદ્રકાંત તેની પત્ની રાધિકા સાથે કલોલ અંબિકાનગર પાસે હાઇવે ટચ , નવા બનેલા ફ્લેટમાં રહેતો હતો.તે કડી રોડપર આવેલી ઓઇલ મિલમાં જોબ કરતો હતો. જ્યારે બે ભાઇની વચ્ચે એક નાનીબેન અવંતિકાના પણ લગ્ન થઇ ગયા હતા ,તે નવાવાડજ ભાવસાર હોસ્ટેલપાસે ગંગોત્રી એપાર્ટમેન્ટસમાં રહેતી હતી. તેનાે પતિ રાજેશ ડાભી , સીજી રોડ પર પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો.
મહેન્દ્ર પોતે આશ્રમરોડ પર કોઓપરેટીવ બેંકમાં મેનેજર હતો.સારો પગાર હતો.તેની પત્ની સોનલને અને શારદાબેનને ખુબજ બનતું.તેમના સબંધો સાસુવહુ કરતા માદિકરી જેવા હતા તેમ કહેવું જરાયે અતિશયોકિત ભર્યું નહતું.
સોનલ દેખાવમાં ખુબજ સુંદર હતી.મહેન્દ્ર તેને હથેળીમાં રાખતો.વળી નણંદ ભાભી, અવંતિકા અને સોનલને પણ ખુબ બનતું. દર રવિવારના દિવસે સાળા બનેવીના બંન્ને ફમિલીનું બપોરનું જમવાનુ લગભગ મહેન્દ્રના ત્યાંજ હોય.
નાનાભાઇ ચંદ્રકાંતના પત્ની રાધિકાને હિમોગ્લોબિન ઘટી જતા ચક્કરઆવતા પડી ગયા હતા.ડોકટરે દસ દિવસ આરામની સલાહ ત્થા લીલા શાકભાજી, ટામેટા, બીટ્સ, વિગેરે ખાવાની સલાહ આપી હતી .ચંદ્રકાંતને હાલ સિઝન હોઇ રજા મળે તેમ નહતી.તેણે બાને અઠવાડિયા માટે બોલાવ્યા હતા.શારદાબાને સોનલને મુકી જવાનુ ગમ્યુ નહતુ. પરંતુ ચંદ્રકાંત પણ તેમનો દિકરો હતો એટલે જવુ પડ્યું .
_________________________________________________

મહેન્દ્ર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે બેડરુમમાં કપડા બદલવા જતા તેનુ ધ્યાન ડબલ-બેડ પર જતા તે ચમક્યો.બેડની ચાદર પર બંન્ને બાજુએ સળ પડેલી હતી.
"બા બહારગામ છે,શું તેની ગેરહાજરીમાં બપોરે કોઇ આવ્યું હશે? કોણ આવ્યુ હશે જે મને અવગત કરવા સુધીની પણ દરકાર સોનલે ના લીધી ? તેની સુંદરતા ને કારણે કોઇ પણ તેનો આશિક બની જ જાય, તે પહેલેથી કોઇના પ્રેમમાં હશે ને મારાથી છુપાવ્યું હશે? ,કે પછી લગ્નને સાતેક વર્ષ જેટલો સમય થવા છતા અેક બાળક ન થવાથી કંટાળીને સાંજે નજીકની શાકમાર્કેટમાં શાક ખરીદવા જતા કોઇની સાથે આંખ મળી ગઇ હશે??"કેટલાય પ્રકારના ખરાબ વિચારો મહેન્દ્રને ઘેરી વળ્યા.
તે કંઇ ન બોલ્યો .ચુપચાપ જમીને સુઇ ગયો. સોનલને પણ લાગ્યું કે કામના ભારથી કંટાળી ગયા હશે.એટલે ડિસ્ટર્બના કર્યા.
બીજે દિવસે ત્થા ત્રીજે દિવસે પણ સળ જોઇ ,તેના મન હ્રદય પર શંકાની હજારો સોય જાણે એકસામટી ભોંકાઇ .તે અંદરથી આક્રંદ કરી ઉઠયો.એવામાં સવારે સોનલ નહાવા ગઇ ત્યારે તે તકનો લાભ લઇ બેડરુમમાં તેનું વોર્ડ-રોબ ફંફોસતા એક પ્રેમ-પત્ર હાથમાં આવ્યો.
પ્રિયે...
હું તને પુષ્કળ પ્રેમ કરુ છું .તારા વિના મારી જિંદગી અધુરી લાગી રહી છે.તારા વગર હું કઇ રીતે જીવી રહ્યો છું તે તને કેમ કરી સમજાવુ? પણ ટુંક સમયમાં જ હું તને આવી મળીશ.
તારો ને ફક્ત તારો....
ના સંબોધનમાં ,ના લિખિતંગમાં કોઇ નામ..
તેના રોમરોમમા જાણે કોઇએ દિવાસળીઓ ચાંપી તેવી અસહ્ય બળતરા ઉઠી .તેના હ્દય-કિલ્લામાં સુરક્ષિત લાગતી સોનલને કોઇ અજાણી વ્યકિત ખેંચીને ,લુંટી જતી હોય તેમ શંકાઓના તોપમારાથી કાંગરા ખરતા લાગ્યા.
શંકાના જાય તેથી પત્ર પાછો હતો તેમ મુકી દીધો.
__________________________________________________

ઓફિસે ગયા પછી પણ કામમાં ધ્યાન લાગતુ નહતુ.બે વાર કલાર્ક દોડતો કેબિનમાં આવ્યો ," સાહેબ,તબિયત બરાબર નથી? એકજ દિવસે બે ભુલ પડી હોય તેવુંપહેલી વાર બન્યુ છે ,આમ તો તમારાથી ભુલ પડતી નથી "મહેન્દ્ર કંઇ ના બોલ્યો .
" આજ તો રંગેહાથ પકડું" તેવા મનોમન વિચાર સાથે હેડઓફિસથી મંજુરી લઇ બપોરે બાઇક પર ઘરે જવા નીકળ્યો.બાઇકની ઘરઘરાટીથી સાવચેત ના થઇ જાય ,એટલે સોસાયટીને નાકે પંકચર બનાવતા નૈયરને પાછળનુ વ્હીલ ચેક કરી રાખવાનું જણાવી તે ચોર પગલે સોસાયટીમાં પ્રવેશ્યો.
બપોરના સુમસામ સમયે સોસાયટીના મકાનોના દરવાજા બંધ હતા. પ્રખર તડકાના તાપમાં એક પ્રકારની શાંતી , ખુણામાં ભરાઇને પડી હતી.
અવાજ ન થાય તે રીતે તેણે કમ્પાઉન્ડનો ઝાંપો ધીરે રહીને ખોલ્યો.બંગલા ફરતેની ખુલ્લી જગ્યામાં ઝાંપાની સામે થી પાછળ જવાની માર્જિનની જગ્યામાં બેડ રુમની બારી પડતી હતી.તે બારીની નજીક ગયો. બે જણાની ગુસપુસ ને
સોનલનો હસવાનો અવાજ સંભળાતો હતો.
તે રંગેહાથ પકડવા ધીરે રહીને આગળ વરંડા તરફ ગયો ને કોલ- બેલ મારી.
ડ્રોઇંગરુમનો દરવાજો ખોલતા જ સોનલ સ્હેજ ગભરાઇ, "તમે? આ સમયે? તબિયતતો સારી છે ને?"
મહેન્દ્ર કંઇ પણ બોલ્યા વગર બેડરુમ તરફ જતા તેને અધવચ્ચે અટકાવતા સોનલ બોલી , "તમે ડ્રોઇંગ રુમમાં બેસો" મહેન્દ્રની શંકા ઘેરી બની ," પણ કેમ??"
"હું તમારા માટે પાણી લાવું પછી વિગતે વાત કરુ"
પાણી આપતા સોનલે વિગતે વાત કરી," જુઓ ,તમે ગુસ્સેના થતા,પણ...છેલ્લા,ચાર દિવસથી અવંતિકાબેન દુઃખી દુઃખી થઇ ગયા હતા.ચાર દિવસ પહેલા બનેવી રાજેશકુમારને કંપનીના કામે સુરત જવાનુ થયુ .આજે અમદાવાદ પરત આવવાના છે.
ચાર દિવસ પહેલા રાજેશ કુમાર સવારે સુરત જવા નિકળ્યા પછી ઘરમાં અવંતિકાબેન કચરો વાળતા હતા .ત્યારે એક પ્રેમપત્ર બેડરુમમાં મળ્યો. તે વાંચીને દુઃખી થઇ ગયા.
તે લઇને સીધા બપોરે આપણા ઘરે આવ્યા અને મને બતાવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.હું ત્રણ દિવસથી તેમને આશ્વાસન આપી સમજાવુ છું, કઇંક મિસઅન્ડરસ્ટેનડિંગ થઇ છે .બાકી રાજેશ સાવ છેલ્લે પાટલે બેસે તેવા નથી,વળી અવંતિકાબેનને સારી રીતે સાચવે પણ છે .
મેં બેનને કહ્યુંતુ કે તમારા ભાઇને આવી બધી વાતો કરી દુઃખી નથી કરવા રાજેશકુમાર સુરતથી આવે પછી સ્પષ્ટતા થવાદો .ત્યાંતો આજે પાછા ખુશ થતા આવ્યા કહે કે,"ભાભી આ તમારા નણદોઇ તો જબરા છે.હું ત્રણ દિવસથી ફોન પર તેમની સાથે સરખી રીતે વાત કરતી નહતી તો એ ત્યાં ખુશ થતા હતા,આજે ઘરે આવવાના દિવસે કહે,કેમ સરખી વાત નથી કરતી? કંઇ થયુ છે ? હું કંઇના બોલી તો કે મને ખબર છે હવે ! પ્રેમ પત્ર કેવો લાગ્યો?
પછી હસતા હસતા કહે,તુ તો સાવજ ગાંડી છે...એટલી પણ ખબર ના પડી કે કોઇ પ્રેમીએ લખેલો પત્ર ,પ્રેમિકાના ઘરે હોય કે પ્રેમી ના ઘરે? સારુ હવે મુડમાં આવી જા ચાર દિવસથી બહારનું જમીને કંટાળ્યો છું. સાંજે આવી જઇશ મારી પ્રિય કઢી-ખિચડી તૈયાર રાખજે."
એકી શ્વાસે સોનલ બોલી ગઇ.પછી ધીરેથી કહે," તમે કઇંજ જાણતા નથી તેમ રાખજો હું અવંતિકા બેનને મોકલુંછું."
થોડીવાર પછી જ્યારે મહેન્દ્ર જ્યારે બેડરુમમાં ગયો તો પથારીમાં બે જણા સુતા હતા તેની સળ નજરે પડતી હતી ....પણ તેના દિલ-દિમાગ પરની શંકાની સળ તો બેડરુમમાં દાખલ થયા પહેલા જ ઉકલી ગઇ હતી...
_________________________________________________
દિનેશ પરમાર ' નજર'




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED