વન્સ અપોન અ ટાઈમ - 106 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 106

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 106

‘મુંબઈમાં ગવળી અને નાઈક ગેંગ એકબીજાના શૂટર્સને અને સપોર્ટર્સને મારી રહી હતી એ દરમિયાન છોટા રાજન પૂરી તાકાતથી દાઉદ ગેંગ પર ત્રાટક્યો હતો. છોટા રાજને મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું. 1998માં છોટા રાજન ગેંગનો પહેલો શિકાર દાઉદ ગેંગનો અત્યંત મહત્વનો ગુંડો સલીમ કુર્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છૂટીને અંધેરી ઉપનગરની ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. છોટા રાજન ગેંગના શૂટર્સ સવારના સાડા અગિયાર વાગ્યે ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં ધસી ગયા. એમણે સલીમ કુર્લા પર અંધાધૂંધ ગોળીબાર કરીને એને ખતમ કરી દીધો. સલીમ કુર્લાની ખબર કાઢવા હોસ્પિટલમાં આવેલા એના મિત્ર આરિફ કેબલવાલા અને કેબલવાળા ડ્રાઈવર ઈમ્તિયાઝને પણ એમણે મારી નાખ્યા હતા.

સલીમ કુર્લા સામે મુંબઈ પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મર્ડર્સ સહિતના ડઝનબંધ ગુના નોંધાયેલા હતા. એટલે એના મોતથી એક બાજુ મુંબઈ પોલીસ રાજી થઈ, પણ છોટા રાજન ગેંગના શૂટર્સે સલીમ કુર્લાનું કાસળ કાઢીને દાઉદ સામે ગેંગવોરનું નવેસરથી એલાન કર્યું હતું એટલે મુંબઈ પોલીસ પણ ચિંતિત પણ બની. જો કે છોટા રાજન અને દાઉદ ગેંગની લડાઈ ખાળવા માટે મુંબઈ પોલીસ કોઈ પગલાં લે એ પહેલાં જ છોટા રાજન ગેંગ ફરીવાર ત્રાટકી અને આ વખતે છોટા રાજનના શૂટર્સે દાઉદના ભાણેજ દિલાવર અંતુલને નિશાન બનાવ્યો. છોટા રાજનના શૂટર્સે મુંબઈના ગોરેગામ ઉપનગરમાં બિલ્ડર અને હોટેલ માલિક દિલાવર અંતુલને ભરબપોરે મારી નાખ્યો...’

અચાનક પપ્પુ ટકલાના મોબાઈલની રિંગ રણકી ઊઠી. તેણે મોબાઈલ ફોનના સ્ક્રીનમાં ફ્લેશ થયેલો નંબર જોયો અને એનો ચહેરો રૂની પૂણી જેવો થઈ ગયો. ‘એક્સક્યુઝ મી,’ કહીને એ અંદરના રૂમમાં ગયો. ત્રણ મિનિટ પછી એ પાછો ડ્રોઈંગ રૂમમાં આવ્યો ત્યારે એના ચહેરા પર જબરદસ્ત તનાવ હતો. ‘સોરી આપણે પછી મળીશું.’ એવું કહીને એણે અમને વિદાય લેવાનો ઈશારો આપ્યો.

પપ્પુ ટકલાના પર કોનો કોલ આવ્યો હશે એ વિશે અનુમાન કરતાં-કરતાં અમે ત્યાંથી રવાના થયા.

***

પપ્પુ ટકલાએ બરાબર એક અઠવાડિયા પછી અમને ફોન કરીને એના ઘરે મળવા બોલાવ્યા. આ વખતે પણ પોલીસ ઑફિસર ફ્રેન્ડ વિના જ અમારી મુલાકાત થઈ. અમારા પોલીસ ઑફિસર ફ્રેન્ડ હવે પપ્પુ ટકલાથી દૂર રહેવાનું જ પસંદ કરતા હતા એ અમને સમજાઈ ગયું હતું. અમે રાતના સાડાદસ વાગે પપ્પુ ટકલાના ઘરે પહોંચ્યા ત્યારે પપ્પુ ટકલાએ ડ્રિ્ન્ક લેવાનું શરૂ કરી દીધું હતા. એની સામેની એશ ટ્રૅમાં સિગારેટના છ ઠૂંઠાં પડ્યાં હતાં અને સાતમી સિગરેટ એની આંગળીઓ વચ્ચે સળગી રહી હતી.

પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ ખેંચ્યો અને બ્લેક લેબલ વ્હિસ્કીનો એક ઘૂંટ ભર્યા પછી અંડરવર્લ્ડકથા આગળ ચલાવી.

‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ તેણે આદતવશ પૂછી લીધું અને પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળવાની રાહ જોયા વિના જ એણે વાત શરૂ કરી દીધી: ‘ગોરેગામ ઉપનગરમાં ‘સાંઈ સાગર’ નામની હોટેલનો માલિક અને બિલ્ડર દિલાવર અંતુલે તેની હોટેલથી ચાલીને જયપ્રકાશનગર વિસ્તારમાં આવેલા તેના ઘર બાજુ જઈ રહ્યો હતો. ત્યારે ‘અનુપમ’ થિયેટર પાસે બે શૂટર્સે એને ગોળીએ દીધો. એ શૂટર્સ દિલાવરએન માર્યા પછી દોડીને નાસી છૂટ્યા. દિલાવર અંતુલેને ગોળીએ દેવાયો એના થોડા સમય અગાઉ જ એની કન્સ્ટ્ર્કશન કંપનીના ભાગીદાર ઉસ્માન અલી અને ભૂતપૂર્વ કોંગ્રેસી નગરસેવક નંદુ મેમનની પણ હત્યા થઈ હતી.જો કે દિલાવરને કદાચ એવો વધુ પડતો આત્મવિશ્વાસ હતો કે હું દાઉદ ઈબ્રાહિમનો ભાણેજ છું એટલે મારા પર હાથ નાખવાની કોઈ હિંમત નહીં કરે!

એક બાજુ છોટા રાજને દાઉદ ઈબ્રાહિમના માણસોને વીણીને મારવાની શરૂઆત કરી તો બીજી બાજુ અરુણ ગવળી પણ દાઉદ સાથે સંકળાયેલા મનાતા માણસો પર નવેસરથી ત્રાટકી રહ્યો 1998ની શરૂઆતમાં અરૂણ ગવળી ગેંગના શૂટર્સ બે ખમતીધર ગુજરાતી બિઝનેસમેન પર ત્રાટક્યા. 12 જાન્યુઆરી, 1998ની રાતે ગવળી ગેંગના શૂટર્સ મુંબઈના વરલી વિસ્તારમાં રહેતા ગુજરાતી જ્વેલર વસંત કલ્યાણજી શાહ પર ત્રાટક્યા. રાતના સાડાનવ વાગે વસંતલાલ શાહ વરલીના એની બેસન્ટ રોડ પર પોદાર હોસ્પિટલ પાસે આવેલી ‘પંકજ મેન્શન’ સોસાયટીમાં પોતાની કારમાં પ્રવેશ્યા ત્યારે અરૂણ ગવળી ગેંગના ત્રણ શૂટર્સે એમને આંતર્યા. વસંત શાહ કારમાંથી ઊતરીને પોતાના ફ્લેટ તરફ જવા આગળ વધ્યા એ સાથે એ શૂટર્સે એમને વીંધી નાખ્યા. 38 વર્ષના વસંત શાહે ત્યાં જ છેલ્લો શ્વાસ લઈ લીધો.’

‘આ વસંત શાહની એક ખાસ ઓળખાણ તમારા વાચકોને આપવી જોઈએ,’ પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવનો કશ ખેંચવા માટે નાનકડો બ્રેક લઈને કહ્યું, ‘મટકાકિંગ રતન ખત્રી પછી બીજા નંબરના મટકાવાળા કલ્યાણજી ભગત વસંત શાહના પિતા હતા. વસંત શાહ કલ્યાણજી ભગતનો બીજો નંબરનો પુત્ર હતો.’

આટલી પૂરક માહિતી આપીને પપ્પુ ટકલાએ વાત આગળ ચલાવી, ‘વસંત શાહની હત્યા પછી થોડા દિવસોમા અરુણ ગવળી ગેંગ ગુજરાતી બિલ્ડર મનીષ શાહ પર ત્રાટકી. મુંબઈના વાલકેશ્વર જેવા પોશ વિસ્તારમાં રહેતા મનીષ શાહનો રઘુવંશી મિલના વલ્લભ ઠક્કર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો અને વાલકેશ્વરમાં એણે વલ્લભ ઠક્કર સાથે મળીને ત્રણ ભવ્ય બહુમાળી ઈમારતો બાંધી હતી. વલ્લભ ઠક્કરની જેમ મનીષ શાહને પણ અરૂણ ગવળી સાથે સંબંધ હતો. વલ્લભ ઠક્કર અને મનીષ શાહે છેલ્લાં પાંચ વર્ષમાં ‘પ્રોટેક્શન મની’ તરીકે અરૂણ ગવળીને કરોડો રૂપિયા આપ્યા હતા, પણ 1997માં વલ્લભ ઠક્કરની હત્યા પછી મનીષ શાહે ગવળી ગેંગ સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એ પછી તે દાઉદ ગેંગની છત્રછાયામાં જતો રહ્યો હતો. આથી અરૂણ ગવળી ચિડાયો હતો. અને પાંચ ફેબ્રુઆરી, 1998ની રાતના સવાનવ નવાગે મનીષ શાહની વાલકેશ્વરની પોશ ‘સાગરમહલ’ સોસાયટીમાં ગવળી ગેંગના શૂટર્સે હત્યા કરી નાખી. જો કે પાછળથી એ શૂટર્સ પકડાઈ ગયા અને મુંબઈ પોલીસના અધિકારીઓએ એ ગુંડાઓની ‘પૂછપરછ’ કરી ત્યારે એમણે વટાણા વેરી નાખ્યા અને ઘણી ગવળીને ભારે પડે એવી ઘણી માહિતી આપી દીધી. એના આધારે મુંબઈ પોલીસે અરૂણ ગવળીને એક અકલ્પ્ય ફટકો માર્યો.’

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 6 દિવસ પહેલા

Jignesh Thakkar

Jignesh Thakkar 9 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Ashwin Vanparia

Ashwin Vanparia 3 વર્ષ પહેલા

Mayur

Mayur 3 વર્ષ પહેલા