Once Upon a Time - 104 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 104

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 104

‘ગવળી અને દાઉદ ગેંગ વચ્ચેની લડાઈ ચાલુ હતી એ દરમિયાન દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીએ સેશન્સ કોર્ટને ગેંગવોરનું મેદાન બનાવી. ભારતીય જનતા પક્ષના મુંબઈ એકમના પ્રમુખ રામદાસ નાયક સહિત 14 હત્યાઓના આરોપી ફિરોઝ કોંકણીની મુંબઈ પોલીસે 1994માં બેંગ્લોરમાં ધરપકડ કરી એ પછી કોંકણી સતત જેલમાં જ હતો. 21 ઓકટોબર, 1997ના દિવસે ફિરોઝ કોંકણીને રામદાસ નાઈક હત્યાના કેસમાં હાજર કરવામાં આવ્યો. એ જ દિવસે ગવળી ગેંગના કુખ્યાત ગુંડા રાજારામ ભોઈરને એક લૂંટકેસમાં હાજર કરવા માટે આર્થર રોડ જેલમાંથી સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. બપોરના પોણા બે વાગ્યે જુદી જુદી પોલીસ ટીમ ફિરોઝ અને રાજારામ ભોઈરને લઈને સેશન્સ કોર્ટમાંથી બહાર નીકળી. એ વખતે સેશન્સ કોર્ટના ત્રીજા માળે 24 નંબરની કોર્ટ બહાર લોબીમાં જ ફિરોઝ કોંકણીએ ધારદાર અસ્ત્રાથી રાજારામ ભોઈર પર હુમલો કર્યો. ફિરોઝ કોંકણી અને રાજારામ ભોઈરને લઈને જઈ રહેલા પોલીસ કર્મચારીઓએ ફિરોઝ કોંકણીને અટકાવ્યો ત્યાં સુધીમાં તો ફિરોઝ કોંકણીએ રાજારામ ભોઈરના શરીરમાં અસ્ત્રાના ત્રણ ઘા ઝીંકી દીધા હતા.’

‘તમને સવાલ થયો હશે કે ત્રણ વર્ષથી જેલમાં પુરાયેલા ફિરોઝ કોંકણી પાસે અસ્ત્રો ક્યાંથી આવી ગયો?,’ પપ્પુ ટકલાએ થોડું હસીને કહ્યું અને પછી વાત આગળ ચલાવી, ‘મુંબઈની આર્થર રોડ જેલની જેમ થાણેની સેન્ટ્રલ જેલ પણ ગુંડાઓને સુવિધા પૂરી પાડવા માટે પંકાયેલી છે. આર્થર રોડની જેલમાં પૈસા વેરતા શરાબ, સ્ત્રી અને શસ્ત્રોથી માંડીને બધી વસ્તુઓ ગુંડાઓને મળી જાય છે. એ જ રીતે થાણાની સેન્ટ્રલ જેલ પણ ગુંડાઓની સરભરા કરી જાણે છે. હું તમને પછી ક્યારેક ફિરોઝ કોંકણીનો જ બીજો કિસ્સો કહીશ. જેલના અધિકારીઓની જેમ મેલી મથરાવટીના પોલીસ ઑફિસર્સ પણ ગુંડાઓને ભગાડવામાં કે એમને બીજી સગવડ પૂરી પાડવા હોંશે-હોંશે તૈયાર થઈ જતાં હતા. એટલે થાણે સેન્ટ્રલ જેલમાંથી સેશન્સ કોર્ટમાં લાવવામાં આવેલા ફિરોઝ કોંકણી જેવા રીઢા હત્યારા પાસે અસ્ત્રો આવી ગયો એમાં આશ્વર્ય પામવા જેવું કંઈ નહોતું. પણ કોર્ટમાં એક કેદીએ બીજા કેદીની હત્યાનો પ્રયાસ કર્યો એથી મુંબઈ પોલીસનું નાક કપાયું હતું.

આ સમય દરમિયાન ગવળી ગેંગની બરાબર પનોતી બેઠી હતી. ગવળી ગેંગના ટોચના ગુંડાઓ સદા પાવલે, વિજય ટંડેલ અને ગણેશ વકીલ પોલીસ સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. એ પછી ગભરાઈ ગયેલો શાર્પશૂટર સુનીલ ઘાટે સામે ચાલીને મુંબઈ પોલીસને શરણે જતો રહ્યો હતો. એણે મુંબઈ પોલીસ સામે વટાણાં વેરી દીધા અને છેલ્લે દોઢ દાયકાથી મુંબઈ પોલીસ ગવળીના અડ્ડાના જે રહસ્યનો તાગ મેળવવાની કોશિશ કરી રહી હતી એ રહસ્ય એણે પોલીસ સામે છતું કરી દીધું. મુંબઈ પોલીસ 1989થી 1997 દરમિયાન 25 વખત અરૂણ ગવળીના અડ્ડા તરીકે કુખ્યાત બનેલી દગડી ચાલમાં દરોડા પાડી ચૂકી હતી, પણ એમાંથી 21 રેડમાં પોલીસને સદંતર નિષ્ફળતા મળી હતી.

મુંબઈ પોલીસને પાકી માહિતી મળતી કે ગવળી ગેંગનો સદા પાવલે, સુનિલ ઘાટે કે ગણેશ વકીલ દગડી ચાલમાં છુપાયા છે. પણ મુંબઈ પોલીસ દગડી ચાલમાં દરોડો પાડે ત્યારે પોલીસ ઑફિસર્સના હાથમાં કોઈ ન આવે અને નિરાશ થઈને એમણે પાછા ફરવું પડે. મુંબઈ પોલીસના ઑફિસર્સ અનુમાન કરતા હતા કે દગડી ચાલમાં કોઈ ગુપ્ત ભોંયરું છે જેનો ઉપયોગ કરીને ગવળી ગેંગના ગુંડાઓ પોલીસના દરોડા પડે એ સાથે નાસી છૂટે છે. પણ સુનિલ ઘાટેએ મુંબઈ પોલીસના ઑફિસર્સને ક્હ્યું કે પોલીસનો દરોડો પડે ત્યારે અમે દગડી ચાલમાં જ હોઈએ અને પોલીસ અમને શોધી ન શકે એવા છુપાવાના સ્થાન દગડી ચાલમાં છે. સુનિલ ઘાટેએ એ સ્થળો વિશે માહિતી આપી ત્યારે પોલીસ અધિકારીઓ આશ્વર્યચક્તિ બની ગયા.

સુનિલ ઘાટેને સાથે રાખીને પોલીસ ઑફિસર્સે દગડી ચાલની ‘એફ’ બિલ્ડીંગમાં સુનિલ ઘાટેના ઘરમાં તપાસ કરી ત્યારે એના ઘરની એક દીવાલમાં લાકડાના કબાટની પાછળ એક પોલાણ મળી આવ્યું. પોલીસ જ્યારે પણ દગડી ચાલમાં દરોડો પાડવા આવે ત્યારે સુનિલ ઘાટે આ કબાટની પાછળ દોઢ ફૂટના પોલાણમાં છુપાઈ જતો અને એની પત્ની શ્વેતા ઘાટે કબાટ પાછો યથાવત્ ગોઠવી દેતી અને પોલીસ ઘાટેના ઘરમાં ખાંખાંખોળા કરીને રવાના થઈ જતી!

એ પછી સુનિલ ઘાટે પોલીસ અધિકારીઓને દગડી ચાલની ‘જી’ બિલ્ડીંગમાં લઈ ગયો. એ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક સોફા નીચે ટાઈલ્સ જડેલું પાટિયું હતું. એ ફ્લેટની બીજી ટાઈલ્સ સાથે એ પાટિયાને એવી રીતે ગોઠવવામાં આવ્યું હતું કે પોલીસને કલ્પના પણ ન આવી શકે કે આ ટાઈલ્સની નીચે પોલાણ હશે. એ પોલાણ બે ફૂટ પહોળું અને ત્રણ ફૂટ ઊંડું હતું. એ પોલાણમાં છુપાઈને ગવળીના ગુંડાઓ પોલીસને બેવકૂફ બનાવતા. એ પોલાણની ઉપર સોફા મૂકી દેવાતો. પોલીસની રેડ વખતે કલાકો સુધી છુપાઈ રહેવું પડે તો પણ વાંધો ન આવે અને તેઓ શ્વાસ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગવળી ગેંગના ગુંડાઓને છુપાવા માટેની ત્રીજી જગ્યા ‘એચ’ બિલ્ડીંગના એક ફ્લેટમાં હતી.એ પોલાણ કિચન સ્ટેન્ડ સ્લેબ અને દીવાલ વચ્ચે બનાવવામાં આવ્યું હતું. એ પોલાણમાં ગુંડા બેઠેલી પોઝીશનમાં આરામથી છુપાઈ શકતા હતા. સુનિલ ઘાટેએ કહ્યું કે એ જગ્યાનો ઉપયોગ પોલીસથી બચવા માટે સદા પાવલેએ અનેકવાર કર્યો હતો. એ પોલાણમાં તો એટલી ચાલાકી કરવામાં આવી હતી કે એ જગ્યા જોઈને પોલીસ અધિકારીઓ દંગ થઈ ગયા.

સુનિલ ઘાટેએ દગડી ચાલમાં છુપાવાનાં તમામ સ્થળો પોલીસને બતાવી દીધાં એ પછી ગવળી ગેંગના ગુંડાઓ માટે પોલીસથી બચવાનું ઓર મુશ્કેલ બની ગયું. જેલમાં બેઠેલા અરૂણ ગવળીને આ વાતની ખબર પડી ત્યારે એ સુનિલ ઘાટે પર રોષે ભરાયો, પણ પછી એને સમજાયું કે સુનિલ ઘાટેએ કેવી પરિસ્થિતિમાં પોલીસ સામે બધું બકી દીધું હશે.

સુનિલ ઘાટેએ દગડી ચાલનાં છુપાવાના બધા સ્થળો પોલીસને બતાવી દીધાં એ અરસામાં જ અરૂણ ગવળીને વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો.’

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED